: ક્ષણના ચણીબોર : : ઝગારાં મારતાં જીવન : ભોગીભાઇ અને જીજી :

મોડાસા તાલુકાના એક અજાણ્યા તથા છેવાડાના ગામમાં સ્વેચ્છાએ રહેવા માટે ગયેલા ભોગીભાઇને કેટલાક અપ્રિય અનુભવો થયા. આવા અનુભવ તો કદાચ સમાજમાં ઘણાંને આજે પણ થતા હશે. પરંતુ જ્યારે આવા અપ્રિય અનુભવમાં અન્યાયનું કોઇ તત્વ દેખાય ત્યારે તેની સામે ખડગ ખેંચીને ઊભા રહે તે ભોગીલાલ ગાંધી હતા. (૧૯૧૧-૨૦૦૧) લગભગ આઠ દાયકા પહેલાની આ ઘટના આજે પણ ફરી કહેવી તથા સાંભળવી ગમે તેવી છે. ઘટના નાની ભલે લાગતી હોય પરંતુ તેમાં અન્યાય સામેના પ્રતિકારનો ગાંધી વિચાર આબેહૂબ ઝીલાયો છે. ગાંધીજીની અપીલને માન આપીને ભોગીભાઇ છેવાડાના તથા નાના ગામમાં રચનાત્મક કાર્યોમાં લાગી ગયા હતા. રાજકીય સ્વાતંત્ર્ય સાથે સાથે સામાજિક બદલાવની પ્રક્રિયા પણ અનિવાર્ય રીતે જોડવી જોઇએ તે બાબત આ પેઢીના નેતાઓના મનમાં પૂર્ણત: સ્પષ્ટ હતી. રાજકીય સ્વાતંત્ર્ય સાથે દૂભ્યા – દબાયેલા વિશાળ વર્ગની ખેવના માટેની વ્યવસ્થા ન ગોઠવાય તો મુક્તિનું વહાણું તેમના ફળિયા સુધી પહોંચી શકતું નથી. આવી સ્થિતિના નિવારણ માટે તે સમયમાં અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય જીવનની તકલીફો ભોગવવાની પૂરતી તૈયારી સાથે તેઓ મોડાસા તાલુકાના નાના એવા ગામ ઓઢામાં રહેવા ગયા હતા. ગામમાં આસપાસ ચાલતી ગતિવિધિઓનું અવલોકન કરતાં ભોગીભાઇના ધ્યાનમાં આવ્યું કે ગામના તલાટી દરેક ખાતેદાર પાસેથી દર વર્ષે એક રુપિયો વેરા તરીકે વસુલ કરતા હતા. આઠેક દાયકા પહેલા રુપિયાનું વાસ્તવિક મૂલ્ય પણ ઊંચું હતું. તેમણે વિશેષ તપાસ કરી તો જાણી શક્યા કે આ સરકારી વેરો ન હતો. તલાટીઓએ શોધી કાઢેલો આ વણલખ્યો લાગો હતો ! આ રુપિયો સરકારી તિજોરીમાં નહિ પરંતુ સરકારી કર્મચારીના ખિસ્સામાં જાય ! આવા અન્યાયની વાત જાણ્યા પછી મુંગા મોઢુ બેસી રહે તો એ ભોગીભાઇ    શાના ? અન્યાય સહન કરવો તે અનિષ્ટને પ્રોત્સાહન આપવા બરાબર છે તે વાત ગાંધીના ગોવાળો બરાબર સમજતા હતા. આ સમજ ખૂબજ ઉચિત તેમજ વીરોચિત હતી. છતી આંખે જો સમાજના લોકો ગાંધારી વ્રત્તિ કેળવીને આંખે પાટા બાંધી રાખે તો દૂર્યોધન સમાન અનિષ્ટ ઘટના કે વિચારને રોકે કોણ ? તેમણે ગામડાના ખેડૂતોને સમજાવવા શરૂ કર્યા. આ રીતે મૂંગા મોંએ પસીનાની કમાઇનો એક ભાગ શા માટે વેડફી નાખવો ? તેઓ કહેવા લાગ્યા. ખેડૂતો તંત્રના ભયના કારણે ભોગીભાઇની વાત ઝડપથી સ્વીકારી શક્યા નહિ. ભોગીભાઇએ નિરાશ થયા સિવાય પ્રયાસ ચાલુ રાખ્યા. ભોગીભાઇએ વિરોધનો સૂર બુલંદ કર્યો. કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ સુધી ગામડાની આ વાસ્તવિક તકલીફની રજૂઆત થઇ. સરવાળે ગોરી સરકારના ઉપરી અધિકારઓ અસંતોષની ચિનગારી પ્રગટી રહી છે તે જોઇ શક્યા. ઉપરી અમલદારોના હસ્તક્ષેપથી આ અન્યાયી પ્રથા અંતે દૂર થઇ. અંતરના દીવે સત્ય માર્ગનું દર્શન કરી શકે અને તેના અજવાળે જગતને પણ દોરી શકે તેવા ભોગીભાઇ હતા. તેમની નીચેની કવિતાના શબ્દો તેમના જીવનકાર્યોમાં પડઘાયા હતા. ભોગીલાલ ગાંધીની આ રચના આપણી ભાષાના એક કંઠાભરણ સમાન છે.

તું તારા દિલનો દીવો થાને,

ઓ રે ઓ રે ઓ ભાયા !

રખે કદી તું ઉછીના લેતો

પારકા તેજ ને છાયા

એ રે ઉછીના ખૂટી જશે ને

ઊડી જશે પડછાયા…..ઓ રે ભાયા !

આભમાં સૂરજ ચંદ્ર ને તારા

મોટા મોટા તેજ રાયા,

આતમનો તારો દીવો પેટાવવા,

તું વીણ સર્વ પરાયા… ઓ રે…

ભોગીલાલ ગાંધી જૂન ૨૦૦૧ માં આપણી વચ્ચેથી મહાપ્રયાણ કરી ગયા. ભોગીભાઇની પુણ્યતિથિના આ માસમાં આવે છે તેથી તેમની સ્મૃતિ અનેક લોકોના મનમાં તાજી થઇ હશે.

જયપ્રકાશ નારાયણની જેમ સમાજવાદ – સામ્યવાદના રંગે રંગાઇ ગયેલા ભોગીભાઇ જીવનના એક વળાંકે ગાંધી વિચારથી પ્રભાવિત થયા. ગાંધીજી પ્રેરીત આચાર વિચારમાં તેમને વંચિતોના હીતનું દર્શન થયું. ભોગીભાઇએ આજીવન એક અડીખમ યોધ્ધાની જેમ સામાજિક ચેતના પ્રગટાવવાનું કાર્ય કર્યું. ગાંધી વિચારને જીવન વ્યવહારમાં ઉતારીને સમાજ જીવનમાં બદલાવ લાવવાની આ પ્રક્રિયા કદાચ ધીમી હોય પરંતુ છેવટે તો આધારભૂત ઉપાય એજ દેખાય છે. વિનોબાજી – જયપ્રકાશ જેવા લોકોએ પડકારરૂપ પરિસ્થિતિમાં પણ આજ કાર્ય કરી બતાવ્યું. 

ભોગીભાઇ મૂળભૂત રીતે એક કર્મવીર હોવા ઉપરાંત સતત વિચાર કરનારા ચિંતક પણ હતા. સમાજમાં વિચારોનું પણ એક પ્લેટફોર્મ તૈયાર કરવાનો તેમનો ઉદ્યમ હતો. ‘‘ વિશ્વ માનવ ’’ નામનું એક સામાયિક તેમણે શરુ કરેલું. સમાજની અનેક નબળાઇઓ વિચારશૂન્યતામાંથી જન્મે છે તે વાત આપણાં આ કર્મશીલો બરાબર સમજતા હતા. આ પ્રકારના અન્ય કોઇ પ્રયાસો નીરખવા કોશીષ કરીએ તો નજીકના ભૂતકાળમાં હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટીટ્યુટનો માવળંકર સાહેબનો પ્રયાસ આવી વિચારશૂન્યતા સામેનોજ સંઘર્ષ હતો. આવોજ પ્રયાસ કવિ ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ ના માધ્યમથી તથા મહેન્દ્રભાઇ મેઘાણીએ ‘મિલાપ’ ના પ્રકાશનથી કરેલો હતો તે વાત ફરી સ્મૃતિમાં આવે છે. તન – મન – ધનને હોડમાં મૂકીને ભોગીભાઇએ પણ ‘વિશ્વમાનવ’ ચલાવ્યું હતું. શારીરિક રીતે કરી શક્યા ત્યાં સુધી ભોગીલાલે ‘વિશ્વમાનવ’ ચલાવ્યું. જીવનમાં ફકીરીને સ્વેચ્છાએ આવકારનારા આવા માનવીઓ થકી સમાજનું પોત જળવાયું છે. સરદાર પટેલ યુનિવર્સિટીની જ્ઞાનગંગોત્રી ગ્રંથમાળાના પ્રકાશન પાછળ પણ ભોગીભાઇનું લોહી રેડાયેલું છે. 

ભોગીભાઇનું પુણ્યસ્મરણ તેમના અર્ધાંગના સુભદ્રાબહેન (જીજી)ના સ્મરણ સિવાય અધુરું છે. મજૂરોની સ્થિતિ જોઇને તેમને મદદ કરવાના હેતુથી મજૂરોની ચાલીમાંજ રહેવાનું ક્રાંતિકારી કદમ સુભદ્રા ગાંધીજ ભરી શકે. એક સાક્ષર તરીકે સુભદ્રાબહેને કવિગુરુ ટાગોરના બાળકાવ્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું સુંદર કાર્ય કર્યું હતું. સાદગી – સ્વચ્છતા અને સુઘડતા સુભદ્રાબહેનના જીવનમાં સાંગોપાંગ ઊતર્યા હતા તેવું પ્રાધ્યાપક દક્ષાબહેન પટેલનું અવલોકન જીજીના નિરાળા વ્યક્તિત્વને પ્રગટ કરે છે. સમાજમાં નોખા ચીલા પાડીને જીવતર જીવી જનાર જીજી – ભોગીલાલભાઇ જેવા નામ તેમજ તેમના કામ વિસરી જવાય તો એ આપણું સામુહિક દુર્ભાગ્ય ગણાશે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૨/૦૬/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑