: સર પટ્ટણી અને કવિ કાગનું સહઅસ્તિત્વ :

શ્રી વી. એસ. ગઢવી મૂળ તો મૌખિક પરંપરાના માણસ. એ ભાષાના માણસ છે એમ કહેવા કરતાં વાણીના માણસ છે એમ કહેવું ઘટે. રાજ્યના વરિષ્ઠ અધિકારી તરીકે એ ભલે વી. એસ. ગઢવી તરીકે ઓળખાય, પણ શ્રોતાના હકથી હું એમને વસંતભાઇ કહું. મિત્રો સાથેની વાતચીતમાં ગઢવી સાહેબ તરીકે ઉલ્લેખ થાય. આઇ.એ.એસ. અધિકારીઓમાં – આ ગુજરાત બહારના અને આ ગુજરાતના – એવું વર્ગીકરણ કરવાની મને ટેવ નથી. ભાષા સાહિત્યમાં રસ હોય અને કુશળ વહીવટકર્તા હોય એ જ આદર માટેનું કારણ. 

ત્રણેક દાયકા કે એથી થોડો ઓછો સમય હશે. ગઢવી સાહેબ અમદાવાદમાં કલેકટર હતા, ચૂંટણી પૂર્વે મતદાર જાગૃતિ માટે એમણે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં સંગોષ્ઠી રાખી હતી. મને બોલવાની તક મળેલી. એ પછી સંપર્ક વધતો ગયો. પરોક્ષ સંબંધ તો સતત રહ્યો. શ્રી મોતીભાઇ ર. ચૌધરી ફાઉન્ડેશન ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો ઉકેલવા વિવિધ યોજનાઓ સાથે જોડાઇ કામ કરે. અમારા નિયામક જાસ્કણભાઇ ગઢવી સાહેબનું નામ લેતાં ધન્યતા અનુભવે. પ્રજાકીય કામોમાં સામે ચાલીને માર્ગદર્શન આપતા અધિકારીઓમાં ગઢવી સાહેબ સદા તત્પર. કર્તૃત્વની સભાનતા સહેજે નહીં, ઇષ્ટના અમલ પરત્વે મક્કમ. સાદ્યંત સાગના સોટા જેવા રહ્યા. સ્ફૂર્તિથી ઊભા થાય અને વક્તવ્ય લંબાવવા સમય માગે નહીં. શ્રોતાઓને થાય કે હજી વધુ બોલ્યા હોત તો સારું. એમની પાસે કહેવાનું તો ઘણું છે. લોકસાહિત્ય, સાહિત્ય અને જાહેર વહીવટના અનુભવો છે. સ્વકીય અને પ્રજાકીય સ્મૃતિ છે, સ્વસ્થ અવાજ છે. 

નિરંજન વર્મા – નાનભા બારહઠ વિશેનો પ્રથમ લેખ લાઘવયુક્ત રેખાચિત્ર છે. છેવાડાના વર્ગના બાળકો માટે ગૃહપતિ તરીકે નિરંજનભાઇએ કરેલા કામની વિશેષતાઓ પર ગઢવી સાહેબે ભાર મૂક્યો છે. બાળકોને મંદિરમાં જતાં રોકનાર સામે સંઘર્ષમાં ઊતરવાની પણ તૈયારી. આશ્રમના એક બાળકને સર્પદંશ થતાં તેનું માથું ખોળામાં લઇને નિરંજનભાઇ આખી રાત બેસી રહે છે. અંતે માતાનું આક્રંદ કરતા આ ગૃહપતિ શિક્ષણનો મર્મ વ્યક્ત કરે છે. કરુણ ગાન એમના કંઠને અનુકૂળ હતું. 

બીજો લેખ : ‘ ચરિત્ર નિબંધના ઉત્તમ કસબી : સ્વામી આનંદ ’ ઉત્તમ ચરિત્ર નિબંધ બને છે. ઉમાશંકરભાઇના નિવાસે બે એક વાર સ્વામીદાદાનાં દર્શન થયેલાં, સંગાડીનો લાભ પણ મળેલો. મેં અને રમેશ ર. દવેએ સ્વામીદાદા વિશે અધ્યયનગ્રંથ તૈયાર કરેલો છે. એ હજી વિના મૂલ્યે સુલભ છે. માત્ર સાત પૃષ્ઠમાં વસંતભાઇ સ્વામીદાદાની છબિ ઊપસાવે છે. વર્ણન, કથન, દ્રષ્ટાંતનો કેવી રીતે વિનિયોગ કરવો એ વસંતભાઇ બરાબર જાણે છે. 

અગિયાર વર્ષ બાદ સ્વામી આનંદ બીમાર માતાને મળવા ગયા. ‘ફળિયામાં થોડાં ડગલાં માંડ્યાં ન માંડ્યાં ત્યાં જ પથારીમાં પડેલાં માતાએ સન્યાસી થઇ ગયેલા દીકરાને નામ દઇને બૂમ પાડી.’ એક વાક્ય ઘણું કહી જાય છે – ‘પ્રભુ પણ મારા પુત્રરૂપે આવીને ઊભો રહે તોજ ઓળખું.’

બારડોલી સત્યાગ્રહમાં સરદારને અને બિહારના ધરતીકંપ વખતે રાજેન્દ્રપ્રસાદને કરેલી મદદ કે સત્યાગ્રહ બદલ જેલવાસ જેવા પ્રસંગો થોડામાં ઘણું કહી જાય છે. 

સ્વામી ‘દો રોટી એક લંગોટી’ ની રહેણીકરણીમાં માનતા. એવા સાધુઓ પણ એમણે જોયેલા. ‘મારા પિતરાઇઓ’ માં કુંભમેળાનો એક પ્રસંગ સ્વામીએ નોંધ્યો છે : એક સન્નારી વૃધ્ધ – અશક્ત સાધુને એમની કુટિયામાં જઇ લાડુ આપવા – સ્વીકારવા વિનવે છે. સાધુ ના પાડે છે. કેમ કે સવારે ભિક્ષા લીધી હતી. રાત્રે ખાવાની ટેવ નથી. સન્નારી કહે : ‘લાડુ મૂકી જાઉં છું, કાલ સવારે ખાવા કામ આવશે.’ સાધુ ના પાડે છે. ‘સુબહકી ફિકર કરનેવાલા ભગવાન હૈ, કલ કી કો જાને ?’

સ્વામીદાદા દ્વારા આપણને ઊજળી સંત પરંપરાનાં દર્શન થાય છે એમ કહેવાની સાથે વસંતભાઇ આ પરંપરામાં પોતાની શ્રધ્ધા હોવાનો સંકેત મૂકી જાય છે. 

જે.પી. વિશે નવું શું કહેવાનું હોય ? પણ વસંતભાઇ સમાજવાદી જે.પી. કાલક્રમે કેવી રીતે ગાંધીમાર્ગી થયા એનો આલેખ આપે છે. ભારતને આઝાદી મળી, જે.પી. સત્તાના રાજકારણમાં ન જોડાયા, સંપૂર્ણ ક્રાંતિનો ન્યાય વધારતા રહ્યા, યુવાનોના નેતા બન્યા. ગુજરાતના નવનિર્માણ આંદોલનના અરસામાં આ લખનારને જે.પી. સાથે ત્રણ દિવસનો સત્સંગ પ્રાપ્ત થયેલો. જે.પી.નો પ્રશ્ન હતો : ગુજરાત કરતાં બિહારમાં અનેક ગણો ભ્રષ્ટાચાર થયો, તો પણ ત્યાં આવું આંદોલન કેમ ન થયું ? પછી એ પણ થયું. નારાયણભાઇ દેસાઇ જે.પી. વિશે વાત કરતાં થાકતા નહીં. જે.પી. – પ્રભાવતી દેવીએ ગાંધીમાર્ગે બ્રહ્મચર્ય સ્વીકાર્યું હતું. દીકરી દત્તક લીધેલી. એમના જમાઇ કુમાર પ્રશાન્તે જે.પી.નું જીવનચરિત્ર લખ્યું છે. કવિ અને વિચારક છે. શ્રી મોહન દાંડીકર અનુવાદ કરે માટે સંમતિ માગી છે. હમણાં ચંપારણ સત્યાગ્રહના સો વર્ષ વિશેના રાષ્ટ્રીય પરિસંવાદમાં સાહિત્ય અકાદમી દિલ્હીમાં શ્રી કુમાર પ્રશાંતને મળવાનું થયું. ઉઘરાણી કરી તો    કહે : સુધારું છું. મોકલીશ. ગુજરાતના સર્વોદય કાર્યકરો વિનોબા-જે.પી. વચ્ચે કટોકટીકાળમાં વધેલું અંતર હવે અપ્રસ્તુત માને છે. વસંતભાઇના કેટલાંક વાક્યો અહીં ટાંકવા જેવા છે : 

‘વિનોબાજી પ્રેમપૂર્વક કહેતા કે જયપ્રકાશ એ આપણાં સર્વોદય આંદોલનમાં જોડાયેલા સંત છે.’

‘મહાત્મા ગાંધીએ એકવાર કહેલું કે સમાજવાદ વિશે જે જયપ્રકાશ નથી જાણતા તે આ દેશમાં બીજું કોઇ નથી જાણતું.’

નાતાલ વિશેના લેખ ‘જીવન અંજલિ થાજો’ અંતર્ગત ભગિની નિવેદિતા, મધર ટેરેસા અને ગાંધીજી જેને ચાર્લી કહેતા એ દીનબંધુ એન્ડ્રુઝનો સુરેખ પરિચય મળે છે. વિદ્યાર્થીઓને ભણાવવો ઘટે આ લેખ. 

‘દર્શકના દેશની યાત્રા’ માં દર્શકના વ્યક્તિત્વ અને સાહિત્ય વિશે સરળ – સુબોધ પરિચય છે. વસંતભાઇને નાનાભાઇ – મનુભાઇ સાથે આત્મીયતાભર્યા આદર છે એ અહીં સ્પષ્ટ થાય છે. રાજ્યના અવિચારી આદેશને વશ ન થવાની વાત અહીં રેખાંકિત થઇ છે. 

સ્વામી દયાનંદ સરસ્વતીનું આ સૂત યાદ કરી લેવા જેવું છે :

‘ જન્મપત્ર કિમર્થં કર્મપત્રં શ્રેષ્ઠમ્.’ 

કેશવચંદ્ર સેન (કલકત્તા)ના સૂચન પછી સ્વામી દયાનંદ સંસ્કૃતને બદલે હિન્દીમાં વ્યાખ્યાનો આપવાનું સ્વીકારે છે, જેથી એમની વાત વિશાળ જનસમુદાય સુધી પહોંચે. 

કવિ કાગ વિશે તો વસંતભાઇ આખું પુસ્તક લખી શકે. ગુજરાતી લોકકવિતા માટે કવિ કાગ અનેક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. ચારણો – ગઢવીઓ – બારોટોની અટપટી વાણીને કવિ કાગ સાવ સરળ, રસપ્રદ અને વિચારની વાહક બનાવે છે. ગાંધી – વિનોબા – રવિશંકર મહારાજ સાથેના પરિચય અને વધતા જતા સંબંધમાં મેઘાણી પણ નિમિત્ત બને છે. વસંતભાઇ ભારપૂર્વક કહે છે કે કાગબાપુ રાજ દરબારી કવિ નથી. પણ રાજાઓમાં સાદગી અને લોકકલ્યાણને વરેલ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે એમને પરસ્પર સ્નેહાદરનો સંબંધ હતો. સર પ્રભાશંકર પટ્ટણી સાથે પણ.

ગાંધીજી વિશેની રચના ‘મોભીડો’માં કવિ કહે છે :

પોતે ચણેલામાં પોલ ભાળે તો,

પાયામાંથી જ પાડનારો.

આ તો સાદગીનો છેડો આવી ગયો. લોક સુધી ગાંધી વિચાર પહોંચાડવા ચણતર, પોલ અને પાયો જેવી સંજ્ઞાઓ સૌથી વધુ અસરકારક નીવડે. દરેક માણસને ચણતર સાથે અનિવાર્ય સંબંધ હોય છે. 

‘ માડી ! તુજને કોક જ જાણે કાગ ’ : નામે બીજા લેખમાં વસંતભાઇ માતૃ ઉપાસના વિષયક રચનાઓનો પરિચય કરાવે છે. માતૃવંદના આ લેખકના લોહીમાં છે. એ પોતાની શ્રધ્ધા અનેક સ્થળે વ્યક્ત કરે છે. 

‘‘ ઊજળા આચરણના બળ થકી જ જોગમાયાના આશીર્વાદ મળે છે અને ફળે પણ છે. વિદ્યાનો પરંપરાગત વારસો જાળવીને બેઠેલા કવિ કાગ સહિતના સર્જકો એ ખરેખર તો એક સંસ્થાગત અને સ્થાયી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કે પરંપરાની ભવ્યતા જગતે જોઇ છે અને પ્રમાણી છે. આ ઊજળી પરંપરાની મશાલ હાથમાં લેનારા બદલાયા કરે પરંતુ તેનું તેજ તો યજ્ઞ શીખાની જેમ સદાયે ઉજ્જવળ તથા પાવક રહે છે. ’’ 

(-માતૃ ઉપાસના)

નારી આંદોલનના અદ્યતન સંદર્ભો સાથે ઘૂંટાયેલો લેખ છે : ‘ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા : ’ એવો જ બીજો લેખ છે : ‘ યા દેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા ’

જયમલ્લ પરમારની પ્રશંસા અતિશયોક્તિ લાગે પણ છે વાસ્તવિક. એમણે સૌરાષ્ટ્રનો ‘રસધોધ વહાવ્યો’ છે. શ્રી રાજુલ દવેએ જયમલ્લભાઇના ગ્રંથો સતત સુલભ કરાવ્યા એ પણ અહીં ઉમેરવું જોઇએ. 

રુસ્વા મઝલૂમી પાજોદના પ્રજાવત્સલ રાજવી હોવાની સાથે કેવું જીવંત વ્યક્તિત્વ ધરાવતા હતા એ વસંતભાઇ લીલયા આલેખે છે. અહીં અમૃત ઘાયલ પણ ગેરહાજર કેવી રીતે રહી શકે ? 

મહાન કવિ બ્રહ્માનંદ સ્વામી અને વિદ્વાન કવિ પિંગળશીભાઇ નરેલા વિશેના સુદીર્ઘ લેખ વીગતપ્રધાન વિવેચનમાં નમૂના બને છે. મહાકવિ ન્હાનાલાલ પિંગળશીભાઇને ભાવનગર મહારાજાના મુગટના એક અમૂલ્ય હીરા તરીકે ઓળખાવે છે. ચારણી સાહિત્યની જૂની જર્જરિત હસ્તપ્રતો ઉકેલવાની સૂઝ પિંગળશીભાઇમાં હતી. 

‘ ભગવતી આઇશ્રી જીવામા ’ વિશે લખતાં વસંતભાઇ જે શ્રધ્ધા વ્યક્ત કરે છે એ સામે મને પ્રશ્ન થતો નથી. મેં ‘સોમતીર્થ’ નવલકથામાં આઇની અલૌકિક લાગે એવી શક્તિનું એક પ્રકરણમાં નિરૂપણ કર્યું છે.

‘ માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે ’ એ નારાયણ દેસાઇની કથામાં ગવાતી પંક્તિ છે. નારાયણભાઇના પિતાશ્રી મહાદેવભાઇથી વાત શરૂ કરીને ગાંધીના ખોળામાં ઉછરેલા આ બાબલાના વિશ્વવ્યાપી પુરુષાર્થની કથા કહી છે. ગાંધીજી જાતિવિચ્છેદ થતો હોય એવા લગ્નમાં જ હાજરી આપતાં. નરહરિભાઇને આશા હતી કે બાપુ બાબલાના લગ્ન પરત્વે અપવાદ કરશે. પણ બાપુનો ઐતિહાસિક જવાબ જુઓ : ‘‘ બાબલો તો આપણો દીકરો ગણાય. દીકરો છે તેથી તેના માટે તો મારા સંકલ્પમાં અપવાદ ન થઇ શકે. દુર્ગાને કહેજો કે બાબલાને મારા આશીર્વાદ જરૂર મળશે પરંતુ મારી હાજરી નહીં. ’’

વસંતભાઇએ નારાયણભાઇ વિશે વિસ્તારથી લખ્યું છે એથી રાજી થવાયું. અમારા સૂરતાલ મળ્યા. 

સર પ્રભાશંકર પટ્ટણી (પ્રગટાવ દીવો) શંકરદાન દેથા, ગોંડલના વિદ્વાન કોશકાર અને ન્યાયપ્રિય રાજવી ભગવતસિંહજી (સંવેદનશીલ શાસકનું પાવન સ્મરણ) અને વિનોબાજી વિશેના વિસ્તૃત લેખો આ પુસ્તકનું ગૌરવ વધારે છે.

અહીં વાર્તારસ જગવતા પ્રસંગો સરવાળે પ્રેરક વિચારમાં પરિણમે છે. સમગ્ર ગોહિલવાડ પ્રત્યે વસંતભાઇ માયા અનુભવે છે એવું લાગતું હતું. અહીં કારણ જડ્યું. ભાવનગરની બોર્ડિંગમાં રહીને ભણ્યા છે. જે જીવનમૂલ્યોએ એમને પોષણ આપ્યું છે એ એમને આ દેશકાળમાંથી પ્રાપ્ત થયાં છે. વિનોબાજી પ્રત્યે એમને જે શ્રધ્ધા છે એના મૂળમાં નિકટનો પરિચય છે.

અહીં હરિરસનો મહિમા જાણીને એ ગ્રંથ વસાવવાની ઇચ્છા જાગી છે. વિનોબાજીએ ૧૯૧૬ માં ઘર છોડ્યું, ૧૯૮૨ માં દેહ છૂટ્યો. માનવમાત્રના કલ્યાણ માટે ચાલ્યા. વસંતભાઇ બાબનું એક વાક્ય ટાંકે છે : ‘‘ બાબાને ખુલ્લા આકાશ અને ગીતાના અઢાર અધ્યાયમાંથી કેલેરી મળે છે. ’’ 

શંકરદાન દેથા કેવા મોટા સંપાદક – સંશોધક હતા એ અહીં જાણવા મળ્યું. કાકાસાહેબ, કેદારનાથજી કે શ્રીમદ્ વિશે લખતા વસંતભાઇને વિધાયક જીવનદ્રષ્ટિ અને સંસ્કૃતિનું શોધન – વર્ધન કરનાર પરંપરાના સિંચનમાં રસ છે. આ કર્તવ્ય એ અનાયાસ બજાવી શક્યા છે. સર પટ્ટણી અને કવિ કાગ – બેઉનું એમના શબ્દમાં સહઅસ્તિત્વ છે. આનંદ થયો. અભિનંદન આપવાને બદલે આભાર માનું છું. 

રઘુવીર ચૌધરી

તા.૦૯/૦૬/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑