: સંસ્કૃતિ : : પુણ્યશ્લોક રાજવીની સ્મૃતિ : નટવરસિંહજી :

૨૬મી જાન્યુઆરી સાથે આપણો વિશિષ્ટ નાતો છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો. આથી સમગ્ર દેશના લોકો માટે આ શુભ દિવસનું ઐતિહાસિક મહત્વ છે. પરંતુ પોરબંદરના નગરજનો માટે ૨૬મી જાન્યુઆરી એક બીજા અગત્યના કારણસર પણ વિશેષ મહત્વ ધરાવે છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે પોરબંદર રાજ્યની ગાદી ઉપર નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. પોરબંદરના આ છેલ્લા રાજવીએ જે કામો કર્યા તેમાં તેમની ઊંડી સૂઝ તથા અનેક વિષયોમાં રસ લેવાની વૃત્તિનું દર્શન થાય છે. નટવરસિંહજીને ક્રિકેટની રમત પ્રિય હતી. તેઓ ક્રિકેટની રમતના નિષ્ણાત હતા. રાજવી પોતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ૧૯૩૨ માં ઇંગ્લાંડ રમવા ગયેલા તેવી નોંધ આપણાં જ્ઞાન સમૃધ્ધ મુરબ્બી શ્રી નરોતમ પલાણે કરેલી છે. રાજ્યના યુવાનોને ક્રિકેટની તાલીમ મળે તથા તેઓ તેમાં આગળ આવે તેવું આ રાજવીનું સ્વપ્ન હતું. આ હેતુને ધ્યાનમાં રાખીને નટવરસિંહજીએ પોરબંદરમાં સાધન સુવિધા વાળી ક્રિકેટ સ્કૂલની સ્થાપના કરી હતી. જામનગર વિશ્વવિખ્યાત ક્રિકેટર તથા મહારાજા રણજીના ભત્રીજા દુલીપસિંહજીના નામથી તે સ્કૂલની શરૂઆત કરવામાં આવી. સ્કૂલનું ઉદઘાટન પણ દુલીપસિંહજીના વરદ્હસ્તે કરવામાં આવ્યું. ગુજરાતની પણ આ એક જૂની તથા ગણનાપાત્ર શાળા ગણાય છે. ભારતીય ક્રિકેટમાં જેમનું મોટું નામ છે તેવા વિજય મરચંટના હસ્તે વિજય પેવેલિયન ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રકારના અલગ અલગ વિષયના કેટકેટલા કામો આ દ્રષ્ટિવાન રાજવીએ કર્યાતે જોતાં તેમના તરફ અહોભાવ થાય તેવું છે. 

પોરબંદરને સમૃધ્ધ તથા સંસ્કાર નગરી બનાવવાનું રાજવીનું જીવન લક્ષ રહ્યું. તે માટે તેમના પ્રયાસો પણ નક્કર તેમજ પરિણામદાયક રહ્યાં. રાજવી નટવરસિંહજીનો જન્મ ૩૦ જૂન ૧૯૦૧ના દિવસે થયો હતો. આથી જૂન માસમાં એક પ્રજાવત્સલ રાજવીને યાદ કરી તેમની સ્મૃતિ તાજી કરવી તે પણ એક લહાવો છે. 

કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક ભૂતકાળના પ્રસંગોમાં સ્થાનિક રાજવીનો ઉલ્લેખ મહદ્ અંશે થયા કરતો હોય છે. આ વિસ્તારના અનેક રાજવીઓ પૈકી કેટલાક રાજવી ખરા અર્થમાં લોક કલ્યાણનો ધ્યેય હૈયામાં રાખી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. આવા રાજવીઓમાં ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી, ગોંડલના ભગવતસિંહજી તેમજ પોરબંદરના નટવરસિંહજી (રાજ્યકાળ : ૧૯૦૮-૧૯૪૭) વગેરે મુખ્ય હતા. જો કે બ્રિટિશ સત્તાના વધતા જતા પ્રભાવની અસર દેશી રાજ્યોના વહીવટ પર જોવા મળતી હતી. આવી સ્થિતિ ઊભી થવા માટે પણ મોટા અને નાના રાજ્યો વચ્ચેના વણસેલા સંબંધો એ એક કારણ હતું. સૌરાષ્ટ્રના કેટલાક નાના અને નબળા રાજવીઓએ બ્રિટિશ કંપનીને વિનંતી કરીને રક્ષણ પૂરું પાડવા વિનંતી કરી હતી. બ્રિટિશ કંપનીના અમલદાર રેસિડેન્ટ કર્નલ વોકરને આ માટે ઓગણીસમી સદીના પ્રારંભે કેટલાક સ્થાનિક રાજવીઓએ વિધિવત વિનંતી કરી હતી. મોટા રાજવીઓની નાના રાજવીઓ પરની જોહુકમી એ આ વિનંતી પાછળનું મહત્વનું કારણ હતું. બ્રિટિશ અમલદારોને પણ આવું નિયંત્રણ લાદવામાં રસ હતો. બ્રિટિશ કંપનીને એક મોટો અને મહત્વનો દરિયા કાંઠાનો વિસ્તાર પોતાના નિયંત્રણ હેઠળ આવતો હતો. કંપનીના વિસ્તારવાદની નીતિ સાથે તે બાબત સુસંગત હતી. આમ અંદરોઅંદરની ફાટફૂટની સ્થિતિને કારણે બ્રિટિશ સત્તા વધારે મજબૂત તથા અસરકારક બની. ભાવનગર – ગોંડલ – પોરબંદર રાજકોટ જેવા કેટલાક રાજ્યોના રાજવીઓની છાપ તેમના સુશાસનના પ્રયાસોને કારણે સારી હતી. બીજી તરફ અનેક રાજવીઓની વહીવટમાં આપખૂદી તેમજ સામંતશાહી વલણને કારણે સ્થાનિક રાજ્યકર્તાઓ પ્રજામાં અપ્રિય થઇ પડ્યા હતા. બ્રિટિશ સત્તાધિશોને આ હકીકતનો ફાયદો થયો હતો. આથી આવી વિષમ પરિસ્થિતિમાં પણ કેટલાક રાજવીઓના રાજ્ય વહીવટની વાતો આજે પણ માર્ગદર્શક બની શકે તેવી છે. સાર્વભોમ સત્તા હોવા છતાં કેટલાક રાજવીઓ તેમની લોક તરફની સંવેદનશીલતાને કારણે ઇતિહાસમાં અમર થયા છે. તેવા રાજવીઓની વાત ફરી કહેવી સાંભળવી ગમે તેવી છે.

નટવરસિંહજી કળાપ્રિય રાજવી હતા. રાજ્યની શાળાઓમાં સંગીત અને ચિત્રકળાના વિષયોને ખાસ સ્થાન હતું. જે અન્ય રાજ્યોમાં તે સમયે જોવા મળતું ન હતું. જનસમૂહને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવાની નટવરસિંહજીની અગ્રતા હતી. ગામડાઓમાં વસતા લોકોના પ્રશ્નો સમજવા માટે રાજ્યના લગભગ પ્રત્યેક ગામડાંની મુલાકાત લેનાર આ દુર્લભ રાજવી હતા. આડેધડ થતા ગેરકાનૂની ખનનનો પ્રશ્ન આજે પણ આપણી સામે પડકાર સ્વરૂપે ઊભો છે. નટવરસિંહજીએ પોતાના કાળમા આવી પ્રવૃત્તિ અસરકારક પગલાં ભરીને અટકાવી હતી. રાજ્યમાં મુંગા પ્રાણીઓના બલીની પ્રથા અટકાવીને એક સુધારાવાદીને છાજે તેવું કાર્ય તેમણે કર્યું હતું. સ્વસ્થ અને સૂઝવાળા શાસકને છાજે તેવો ઉત્તમ વહીવટ તેમણે પૂરો પાડ્યો. આર્યકન્યા ગુરુકુળ જેવી સંસ્થા ઊભી કરવામાં તેઓ નાનજીભાઇ મહેતા સાથે એક પૂરક બળ બનીને ઊભા રહ્યાં. અનેક બાળાઓનું શૈક્ષણિક ઘડતર આ સંસ્થાએ કર્યું. પોરબંદરના દરિયા કિનારે આજે પણ જેનું આકર્ષણ છે તેવી ચોપાટીનું કામ પણ આ રાજવીની દીર્ધદૃષ્ટિને  કારણે સંપન્ન થયું.

નટવરસિંહજી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે મહાકવિ નાનાલાલ ત્યાં અધ્યાપક તરીકે સેવા આપતા હતા. રાજવી તથા કવિ વચ્ચે સ્નેહાદરનો સંબંધ સંબંધ આજીવન રહ્યો હતો. નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયા પછી કવિ નાનાલાલની પોરબંદર યાત્રાનો પ્રસંગ બન્યો. કવિ તથા ગુરુ તરફની લાગણી બતાવવા માટે નટવરસિંહજી જાતે મહાકવિને સત્કારવા પોરબંદર રેલવે સ્ટેશન પર હાજર રહેલા હતા. કવિગુરુ ટાગોર ૧૯૨૩ માં પોરબંદર આવ્યા ત્યારે પણ આ રાજવી પોરબંદરના દરિયા કીનારે કવિગુરુનો સત્કાર કરવા જાતે હાજર રહેલા હતા. શાંતિ નિકેતન માટે પણ આ રાજવીએ ઉદાર સખાવત કરી હતી. નટવરસિંહજીના વહીવટના છેલ્લા વર્ષોમાં ગાંધીજીની સાદગીનો પ્રભાવ જોવા મળતો હતો. દેશ આઝાદ થયો તે પછી રાજ્ય સત્તા છોડવામાં પોરબંદર પણ અગ્ર હરોળમાં રહેલું હતું. નટવરસિંહજીને એક સૌજન્યપૂર્ણ તથા શીલભદ્ર રાજવી તરીકે અનેક લોકો યાદ કરતા રહેશે તે નિર્વિવાદ છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૫/૦૬/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑