ભારત સરકારે જીવનના સંધ્યાકાળે પહોંચેલા ધીરુભાઇ ઠાકરનું સન્માન પદ્મભૂષણ થી નવાજીને કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતેજ ધીરુભાઇના સન્માનને અગણિત સાહિત્ય રસીકોએ અંતરના ઉમળકાથી વધાવ્યું. જો કે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત ભારત સરકારે કરી તેના આગલા દિવસે (ર૪ જાન્યુઆરી-ર૦૧૪) ધીરુભાઇએ મહાપ્રયાણ કર્યુ. ઠાકર સાહેબ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીના દિલમાંથી ધીરુભાઇની સ્મૃતિ કદી પણ લોપાશે નહિં. ધીરુભાઇએ વિશ્વકોશનો આંબો વાવ્યો છે જેના મીઠા ફળ આવનારી અનેક પેઢીઓને હંમેશા મળતા રહેશે તે નિર્વિવાદ છે. વિશ્વના અનેક વિષયોની જાણકારી પ્રાપ્ત કરવા માટે વિશ્વકોશના માધ્યમની લાંબાગાળાની ઉપયોગીતા બાબત ઠાકર સાહેબ સ્પષ્ટ હતા. વિશ્વકોશને ધીરુભાઇ ક્રાંતિનું વાહન કહેતા હતા. સ્વાભાવિક રીતે જ વિચારનું મૂળ જાણકારીમાં અથવા જ્ઞાનમાં રહેલું છે. જ્ઞાન મેળવવાનો સ્ત્રોત એ માહિતી છે. વિશ્વકોશ અનેક વિષયોની સંગીન તેમજ અધિકૃત માહિતીનો સ્ત્રોત છે. કોશમાં માહિતી રજૂ કરનાર વ્યકિત પણ જે તે વિષયમાં નિષ્ણાત હોય છે. આથી આ પ્રકારની માહિતીની સંપૂર્ણ વિશ્વસનિયતા રહે છે. વિશ્વકોશના સંદર્ભમાં ધીરુભાઇએ કહેલી વાત વિસરી શકાય તેવી નથી. ધીરૂભાઇ કહેતા કે તેમણે જયારે વિશ્વકોશનું કામ શરૂ કર્યુ ત્યારે સામાન્ય લોકોની આ વિષય અંગેની જાણકારીનો અભાવ હતો. ધીરૂભાઇ અનુભવના આધારે લખે છે:
‘‘ સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. ગુજરાતમાં અમે વિશ્વકોશનું કામ શરૂ કર્યુ ત્યારે ઘણાં લોકોને શબ્દકોશ અને વિશ્વકોશ વચ્ચેના અંતરની ખબર ન હતી. આજે આ પ્રવૃત્તિની જાણ વિશ્વકોશના સંપર્ક પત્ર ‘વિશ્વવિહાર’ દ્વારા ગુજરાતને ખૂણે ખૂણે થઇ ગઇ છે. વિશ્વકોશનો ઉપયોગ વિદ્યાર્થી અને અધ્યાપક ઉપરાંત સામાન્ય જિજ્ઞાસુ વર્ગ પણ કરતો થઇ ગયો છે.’’
જૂન માસની ર૩મી તારીખે ૧૯૧૮માં ધીરૂભાઇનો જન્મ થયો. આથી ર૦૧૭-૧૮ નું વર્ષ એ તેમની જન્મ-શતાબ્દીનું વર્ષ છે. ગુજરાત પોતાના આ મોટા ગજાના સારસ્વતને તેમની જન્મ શતાબ્દીના પ્રસંગે વ્યાપક રીતે યાદ કરશે તે સ્વાભાવિક છે. વિશ્વકોશના સર્જનના ઇતિહાસની વાત વાગોળીએ તો એ બાબતની પ્રતીતિ થાય છે કે માત્ર અક્ષર જ્ઞાનના આધારેજ કોઇકના વ્યકિતત્વની મૂલવણી કરીએ તો તેમાં થાપ ખાઇ જવાની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતના કર્મયોગી તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી સાકળચંદ પટેલ અક્ષર જ્ઞાનથી નહિ પરંતુ અંતર જ્ઞાનથી એ વાત સમજ્યા કે શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા સારસ્વત વિશ્વકોશનું કામ ઉપાડે તો ગુજરાતની આવનારી અનેક પેઢીઓ માટે આંબાનું વૃક્ષ રોપવા જેવું ફળદાયી પરિણામ મળે. આથીજ તેમણે ઠાકર સાહેબને વિશ્વકોશની પ્રવૃત્તિ આર્થિક બાબતોની ચિંતા કર્યા સિવાય શરૂ કરવાનું કહ્યું. આવા શિવ સંકલ્પનું પરિણામ આજે નજર સામે છે. વિશ્વકોશનું વટવૃક્ષ ફૂલ્યું ફાલ્યું છે. ધીરૂભાઇએ જીવનના લગભગ સાત દાયકાની સફર પૂરી કરી ત્યાર બાદ વિશ્વકોશની સ્થાપનાનું ઐતિહાસિક કાર્યનો મજબૂત સંસ્થાકીય પાયો તેમના દ્વારા નાખવામાં આવ્યો તે દર્શાવે છે કે કામ કરનારને ઉંમર – કાળ કે સંજોગોના બંધન નડી શકતા નથી. વિશ્વકોશ જેવો જ્ઞાન ભંડાર ગુજરાતીઓને ઉપલબ્ધ થાય તેવો મહત્વાકાંક્ષી સંકલ્પ પૂ. મોટાનો પણ હતો. પૂજય મોટાના શિવ સંકલ્પની પૂર્તિ સાંકળચંદ – ધીરૂભાઇના સાનિધ્ય તેમજ નિર્ધારથી થવાનું વિધિ-નિર્માણ હશે તેથી કામ થયું અને ચોમેર ખ્યાતિને વર્યુ. જીવનના જે જે ક્ષેત્રોમાં ધીરૂભાઇએ કામ કર્યું ત્યાં એકજ સરખી નિષ્ઠાનું દર્શન થાય છે. આ બધી પ્રવૃત્તિઓની ધમાલ વચ્ચે પણ અવિરત સાહિત્ય સર્જનનો પ્રવાહ તેમની કલમે વહેતો રહેલો છે તે પણ એક નોંધપાત્ર બાબત ગણાય. ભારત સરકારે તેમને પદ્મભૂષણના ખિતાબથી નવાજ્યા તે ઉત્તમ નિર્ણય ગણી શકાય. પરંતુ અનેક લોકોનો જે સ્નેહાદર ઠાકર સાહેબને મળ્યો છે તે સૌથી મોટો એવોર્ડ છે.
ધીરૂભાઇ તેમના સુદીર્ધ જીવનમાં કાળના અનેક પ્રવાહોના સંપર્કમાં આવ્યાં. ગાંધી પ્રેરીત મહાન લડતના પણ તેઓ શાક્ષી તથા સહભાગી બન્યા. આ કાળમાં યૌવનનો જે અજંપો હતો તેના ધબકાર તેમણે એક યુવાન અધ્યાપક તરીકે અનુભવ્યો. દેશનું વિભાજન થયું અને રાજકીય સમસ્યાઓ ઉપરાંત જે સામાજિક સમસ્યાઓના વમળો ઉભા થયા તેનું નિરીક્ષણ તથા અભ્યાસ તેમણે એક જાગૃત અધ્યાપક તરીકે સતત કર્યો. તત્કાલિન કાળના પ્રવાહો પારખીને તેના બધા અનુભવોના ભાથાનુ નવનીત એ સર્જક ધીરૂભાઇના શબ્દોમાં પ્રગટ થયું છે. સાંપ્રત પ્રવાહો સાથે સંપર્ક જાળવવાની તેમની જિજ્ઞાસુ વૃત્તિ આજીવન રહી હતી. જીવનના સાત- આઠ દાયકા પસાર થયા પછી પણ તેમને સામાજિક જીવન અને સાહિત્યને સબંધિત અનેક ઘટનાઓમાં સક્રિય રીતે સહભાગી થતાં અને દોરવણી આપતાં જોયા છે. વિશ્વકોશના નિર્માણનું પડકારરૂપ કાર્ય જીવનના ઉત્તરાર્ધમાં કરીને તેમણે એક દીવાદાંડીરૂપ કાર્ય કર્યું છે. દરેક જીવંત વ્યકિતની વિદાય ગમે તેટલી વસમી લાગે તો પણ નિશ્ચિત હોય છે. આ સંજોગોમાં વ્યકિતએ પોતે હાથ ધરેલા કાર્યો પૂરા ન થાય અથવા કાળના પ્રાવહમાં ટકે નહિ તેવું બનવાનો પૂરો સંભવ છે. આથીજ વિશ્વકોશનું નિર્માણ કરીને ધીરૂભાઇએ એક મજબૂત –ટકાઉ તથા હેતુપૂર્ણ સંસ્થાગત માળખું ઉભુ કર્યું છે. જે ખૂબ નોંધપાત્ર બાબત છે. વિશ્વકોશના દરેક નવા ભાગના વિમોચન સાથે જ જાણે ધીરૂભાઇની ચેતનામાં નવો સંચાર થતો હતો. પોતે વાવેલા બીજને પલ્લવિત વૃક્ષ તરીકે જોવાનું સદભાગ્ય ઓછા લોકોને પ્રાપ્ત થતું હોય છે. એ રીતે જોઇએ તો ‘સવ્યસાચી’ ધીરૂભાઇ ખરા અર્થમાં બડભાગી હતા. જીવનનો ધર્મ કદાચ તેમણે સતત કર્તવ્ય પરાયણતામાં જોયો હશે તેમ લાગે છે. ધીરૂભાઇના શતાબ્દી પર્વના મંગળ સમયે શિક્ષણ તથા જ્ઞાન વર્ધનના આપણાં પ્રયાસોમાં નિષ્ઠા અને ગુણવત્તા ઉમેરવાનો સંકલ્પ કરીએ તો ઠાકર સાહેબને સાચી અંજલી આપી ગણાશે.
વી.એસ.ગઢવી
ગાંધીનગર
તા.૩૧/૦૫/૨૦૧૭
Leave a comment