
મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા વિશે વાત કરતા કહે છે કે દાદા એક ગ્રહસ્થ હતા પરંતુ સન્યાસીઓને પણ શરમાવે તેવો તેમનો વૈરાગ્ય હતો. દાદાના સ્વભાવ સાથે લોહીની જેમ વણાયેલી વત્સલતાનો પણ વિમલાતાઇ ઉલ્લેખ કરે છે. માનવજીવનના ઉચ્ચતમ મૂલ્યોનું દર્શન દાદાના જીવન તથા કર્મોમાં થાય છે. અજાતશત્રુ જેવા તેમના વ્યક્તિત્વના મોહે અનેક લોકો દાદા તરફ ખેંચાતા રહ્યા હતા. દાદા આ લોકને છોડીને ૧૯૮૫ માં અંતિમ પ્રયાણ કરી ગયા. દાદાના જવાથી ગાંધી વિચારની એક મહત્વની અને કદાચ અંતિમ કડી ઉખડી ગઇ તેવું તારા ભાગવતનું વિધાન યથાર્થ લાગે છે. દાદાની પાવક સ્નેહગાથા ‘‘ભૂમિપુત્ર’’ થકી અનેક લોકોને ભગવત્ પ્રસાદની જેમ પહોંચી શકી. જૂન માસમાં સર્વોદયના અનેક વિચારકો –ભાવકોને દાદાની વિશેષ સ્મૃતિ થાય છે. દાદા ધર્માધિકારીનો જન્મ ૧૮૯૯ના જૂન માસની અઢારમી તારીખે થયો હતો.
૧૯૫૧ માં આ દેશમાં આઝાદી પછીની એક બીજી મહત્વની અને ઐતિહાસિક ઘટના બની. આ વર્ષમાંજ વિનોબાજીએ ભૂદાનયજ્ઞનો આરંભ કર્યો. છેવાડાના માનવી સુધી સમૃધ્ધિનો એક નાનો એવો અંશ પહોંચાડવાનો આ ભગીરથ પ્રયાસ હતો. ગાંધી વિચારને ભૂમિગત કરવાની આ વિનોબાજીની દુર્લભ દ્રષ્ટિ હતી. દેશ તો આઝાદ થયો પરંતુ તેનાથી વ્યવસ્થા પણ બદલી છે તેવું કોઇ ખાતરીપૂર્વક કહી શકે તેમ ન હતું. આથી જો દેશની સ્વાધિનતા સાથેજ શાસકીય તથા સામાજિક વ્યવસ્થાનો સામાન્ય નાગરિકના હિતમાં બદલાવ ન થાય તો આઝાદ દેશના ફળ સ્વરૂપ લાભ જન જન સુધી પહોંચી શકે નહિ. આવા પરિવર્તન માટે સરકાર સામે જોઇને બેસી રહેવાનું વિનોબાજી જેવા વિચારશીલ કર્મવીરને પાલવે નહિ. આથી વંચિતોના લાભ માટે અને સામાજિક બદલાવને વાસ્તવિકતા આપવા માટે બાબાએ ભૂદાન ચળવળ શરૂ કરી. કવિ કાગે લખ્યું :
અલેકીઓ માંગવા આવ્યો રે
આ તો દેશ દખ્ખણનો બાવો.
દેશ દખ્ખણનો બાવો, કોઇ
દેખ્યો નથી આવો… અલેકીઓ…
વિશ્વના સામાજિક રાજકીય ઇતિહાસમાં બાબનો આ પ્રયાસ અજોડ તથા (છેવાડાના માનવીઓને) ઉપકારક નીવડ્યો છે.
ભૂદાનયજ્ઞમાં વિનોબાજીને દાદા તરફથી ઘણો મજબૂત સહયોગ પ્રાપ્ત થયો હતો. ભૂદાનયજ્ઞની પ્રવૃત્તિ પૂરજોશથી ચાલતી હતી તે સમયના વિનોબાજી તથા દાદા વચ્ચેના કેટલાક સંવાદ ફરી ફરી વાંચવા – સાંભળવા ગમે તેવા છે. વિનોબાજી આ સમયમાં એક વાર સખત બીમાર પડી ગયા. સર્વોદયના સૌ કાર્યકર્તાઓ વિનોબાજીની તબીયત અંગે ચિંતિત રહેતા હતા. આ સમયે એક સમયે દાદા વિનોબાજીની નાદુરસ્ત તબીયતના સમાચાર સાંભળી તેમને મળવા ગયા. વિનોબાજી સાથે ભૂદાનયજ્ઞ કાર્યની પ્રગતિ વિશે વાત કરતા દાદા વિનોબાજીને કહે છે : ‘‘ તમે કામની ચિંતા છોડી દો. અમારું ગજુ શું છે તે હું જાણું છું. પરંતુ ભૂમિદાન યજ્ઞનો ઘોડો તમે છો તો એ ન ભૂલતા કે હું આ યજ્ઞનો ગધેડો છું ! ’’ દાદાની વિનોદવૃત્તિ જાણનારા અને આ સંવાદ સાંભળનારા સૌ ખડખડાટ હસી પડ્યા. દાદા કહે છે આવું કહીને મારી પાસે જે કંઇ છે તે સર્વસ્વનું સમર્પણ ભૂદાનયજ્ઞ માટે કરવાની મારી તૈયારી હતી. વિનોબાજી પણ પોતાના ભૂમિદાન યજ્ઞના કાર્યને પ્રજાસૂય યજ્ઞ તરીકે ઓળખાવીને તેનું ગૌરવ પ્રસ્થાપિત કરતા હતા. અનેક દેશવાસીઓને વિનોબાજી ભૂમિ માગનારા પૌરાણિક કથાના વામનના અવતાર સમાન લાગતા હતા. ભૂદાનયજ્ઞનો અથાક પરિશ્રમ કરીને કૃશ કાય થઇ જનારા વિનોબાજીને એક વખત દાદાએ કહ્યું : ‘‘ લોકો તમને વામનની ઉપમા આપે છે પરંતુ મને તમારી પ્રક્રિયામાં વામન તથા દધીચીનું મિશ્રણ જોવા મળે છે. ’’ વિનોબાજીએ હળવાશથી જવાબ આપતા દાદાને કહ્યું : ‘‘હા, દહીં ખાઇ રહ્યો છું એટલે દધીચી કહી શકો છો.’’ બન્ને મહાનુભાવો વચ્ચેની આવી વિનોદી ગપસા હમેશા ચાલતી રહેતી હતી. ગાંધીના ગોવાળો કદી વિચારનો બોજ વહન કરી ભારેખમ તથા શુષ્ક થઇ જનારા ન હતા.
જે સ્થિતિનું વર્ણન દાદાએ પોતાના શૈશવકાળના સંદર્ભમાં કર્યું છે તે રસપ્રદ છે. મજબૂત કુટુંબ વ્યવસ્થાના કારણે બાળકને કેટલાક સંસ્કાર તેમજ જીવન ઘડતરની પ્રેરણા તો કુટુંબમાંથીજ મળી રહેતી હતી. દાદાના મા સરસ્વતીબાઇ હતા તો નિરક્ષર પરંતુ સ્વપ્રયાસના બળે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને નિત્ય પહોરે ગીતાપાઠ – અભંગ તથા સ્ત્રોત્રનો મુખપાઠ સ્પષ્ટ શબ્દોમાં કડકડાટ કરતા હતા. આ સંસ્કાર સીધાજ બાળકો સહજપણે ઝીલતા હતા. દાદા કહે છે કે ઘરમાં બીજી બે સંસ્થાઓ એટલે અખાડો તથા ગણેશનું મંદિર. દાદાના પિતાજી કુસ્તી ખેલવામાં માહેર હતા. આથી શારીરિક ઘડતર પણ માનસિક ઘડતરની સાથેજ અનિવાર્ય રીતે થતું હતું. ઉપરાંત ગામમાં કથાકાર જેમને પુરાણિક કહેવામાં આવતાં તેમનું પણ એક સ્થાન હતું. કથાઓ હિન્દી મિશ્રીત મરાઠીમાં થતી. આ એક લોકશિક્ષણનું સુગમ તથા મનોરંજનયુક્ત સાધન હતું. બાળકોની જ્ઞાન પિપાસા પણ તેના વડે સંતોષાતી હતી. આમ જોઇએ તો આવી એક અવૈધિક છતાં સુચારું વ્યવસ્થા હિન્દુસ્તાનનાં લગભગ તમામ પ્રદેશોમાં એક અથવા બીજા સ્વરૂપે કે નામથી ચાલતી હતી. આ વ્યવસ્થા બાળકોના વિકાસ માટે અસરકારક તથા પૂરક બનતી હતી.
દાદા વિશે એ બાબત ખાસ નોંધવામાં આવી છે કે તેઓ હમેશા કહેતા કે ‘‘ મને તો દુનિયાના બધા માણસો મારા કરતા શ્રેષ્ઠ દેખાય છે. ’’ આ વિધાનમાં પણ એક યોગીની, એક સાધકની નમ્રતાના દર્શન પણ થાય છે.
Leave a comment