: સંસ્કૃતિ : : જોતાં રે જોતાં જડિયા : સાચા સાગરના મોતી :

mukund parasharya.jpg

હોવું એ આપણું સત્વ,

કહેવું લોકની રુચિ

અંત: શુધ્ધિ સ્વયં સાધી

શ્રેયાર્થે કરવી ગતિ.

      મે મહિનાની ૧૯મી તારીખ દરેક વર્ષની જેમ હમણાંજ પસાર થઇ ગઇ. ઉપરની પંક્તિઓ લખનાર કવિ મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર) આ તારીખેજ ૧૯૮૫ના વર્ષમાં આપણી વચ્ચેથી ગયા. તેમણે લખ્યું છે તેજ રીતે પ્રસિધ્ધિની કોઇપણ પ્રકારની એષણા સિવાય તળિયે રહીને જીવવા છતાં જીવનભર તેમની ગતિ શ્રેયાર્થે રહી. માનવીનું જીવન તડકા છાંયાના આવરણોથી મઢાયેલું છે. સારા અને ક્યારેક નબળા વિચાર પણ આપણી પ્રકૃતિનોજ એક ભાગ છે. દરેક માનવીના મનોજગતમાં યુધિષ્ઠિર સાથે દુર્યોધન પણ પ્રસ્થાપિત થયા છે. વિટંબણા કે કટોકટીની ક્ષણે માનવીના જીવનમાંથી પ્રગટ થતાં પ્રત્યાઘાતથી તે વ્યક્તિનું સામાજિક મૂલ્યાંકન થાય છે. જીવનના માર્ગે જતાં પ્રેયના બદલે શ્રેયનો માર્ગ અપનાવવાનો નચિકેતા જેવો સંકલ્પ જે તે વ્યક્તિને મળેલા સંસ્કાર તથા ઇશ્વરકૃપાને આધિન છે. ઉત્તમ વિચારોના પોષણથી ઉછરેલો વ્યક્તિ શ્રેયનો શ્રેષ્ઠ માર્ગ સામાન્ય રીતે ચૂકી જતો નથી. આપણી ભાષાના સમર્થ સર્જક મુકુન્દરાય પારાશર્યનું જીવન ઘડતર આવા ઉજળા સંસ્કારોથી થયું છે. કવિના મોટીબાએ કહેલી વાતો તેમના જીવનનું ઘડતર કરવામાં ઉપયોગી થયું છે. પરંતુ સર્જક પારાશર્યે ત્યારબાદ સમાજજીવનને પોષક – પ્રેરક અને માર્ગદર્શક બની રહે તેવી ‘‘સત્યકથાઓ’’ લખીને સમાજ પર ઉતારી ન શકાય તેવું ઋણ ચડાવ્યું છે. વિશ્વ સાહિત્યના ફલક પર મૂકી શકાય તેવી ‘‘સત્યકથાઓ’’ સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી તેજોમય રહેશે તે નિર્વિવાદ છે. ‘‘સત્યકથાઓ’’ વાંચતા ભાવક માનવજીવનના સર્વોચ્ચ શિખરોની યાત્રા કરતો હોય તેવી અનુભૂતિ થાય છે. શ્રી વાડીલાલ ડગલીએ નોંધ કરી છે : ‘‘ગુજરાતીમાં આવું ગદ્ય વાંચી મનમાં ગૌરવ થયું કે મારી ભાષામાં પારાશર્ય જેવા કસબી છે.’’ સમાજ જીવનના તેમજ વ્યક્તિગત જીવનના સુકોમળ ભાવચિત્રો સ્વસ્થ, સ્નેહાળ તેમજ પરગજુ જીવન પધ્ધતિનું આબેહૂબ દર્શન કરાવે છે.

      મુકુન્દભાઇ માટે જેમણે લખ્યું છે તે બધી વાતો – સ્વાનુભવો એ દરેક કથન અલગ દસ્તાવેજ સમાન છે. દરેક વાત ફરી ફરી વાગોળવી ગમે તેવી છે. આમ છતાં આપણાં સાંપ્રત કાળના વિદુષિ અને મુકુન્દભાઇના બહેન દક્ષાબેને લખેલી કેટલીક સ્મૃતિઓ હૈયામાં કોતરાઇ જાય તેવી મજબૂત અને અર્થસભર છે. દક્ષાબહેન લખે છે : ‘‘ ભાઇની બાળક જેવી મસ્તી જીવનના અંત સુધી જળવાઇ રહી. ફળિયામાં ઝાડ પરથી કોયલનો અવાજ સંભળાય તો બરાબર તેના જેવોજ અવાજ કાઢે ! કોયલ સાથે જુગલબંધી જમાવે. મોરને તો હાથમાં દાણાં લઇને    ચણાવે. ’’ પરંતુ આવા આપણાં મસ્તીસભર ‘‘ભાઇ’’ દેશ કે દુનિયાના કોઇપણ માઠા સમાચારથી ઉદાસ થઇ જાય. જગત તરફ જોવાની અને જગતનો અનુભવ કરવાની કેવી મંગળમય વ્રત્તિ ! સંધ્યાકાળે એકલા વૃક્ષ નીચે બેસીને અંતરના ભાવથી ગણગણે :

હે કૃષ્ણ, હે માધવ, હે સખેતિ

ગોવિંદ દામોદર માધવેતિ.

      જેમના સર્જનોમાં હમેશા ઊંચા તથા કલ્યાણમય વિચારોના તત્વનું પ્રાધાન્ય રહ્યું છે તે આપણાં આ સર્જક ગીત કવિ તરીકે પણ ભારે ખીલ્યાં છે.

બાઇ, મારા આંબાને

સ્વપ્નું આવ્યું કે મ્હોરમા

ફાલી પડ્યો રે લોલ !

બાઇ, મારા આંબાને

આભ પડ્યું નાનું કે

દોરમાં ઝૂકી ઢળ્યો રે લોલ !

માત્ર કર્મની કેડીએ એકનિષ્ઠાથી ડગ માંડવાના સંસ્કાર આ ભાવનગરી કવિને વિચક્ષણ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના જીવનમાંથી મળ્યા હોય તે બનવા જોગ છે. સંસારમાં રહીને, સાંસારીક જવાબદારીઓ નિભાવીને પુષ્પની જેમ સતત સંસ્કારની સુગંધ પ્રસરાવતા આ નખશીખ સૌજન્યશીલ અને સૌમ્ય સર્જકને ગુજરાતીઓ કદી વિસરી શકશે નહીં. એમની ભાતીગળ સ્મૃતિ એમના સર્જનો થકી રંગ રેલાવતી રહેશે. મકરંદી ગુલાલ એમણે રેલાવી જાણ્યો છે

અમે તો જઇશું અહીંથી પણ આ

અમે ઉડાડયો ગુલાલ રહેશે.

       ‘ સત્યં પરમ્ ધીમહિ ’નો મંત્ર જીવી જનાર આ સર્જક સત્યકથાઓ લખીને સમાજ પર પોતાનું રૂણ ચડાવીને ગયા છે. તેઓએ માત્ર સત્યકથાઓ લખી હોત તો પણ અમરત્વને વર્યા હોત એ નિર્વિવાદ છે. સત્યકથાઓ લોકો સુધી પહોંચી શકે તે માટે ‘ કુમાર ’ સામયિક તથા તેના તંત્રીશ્રી બચુભાઇ રાવતે ભજવેલો ભાગ સરાહનિય છે. સારા સામયિકો સત્વવાળું વાચન સમાજ સુધી પહોંચાડીને ઘણી મોટી સેવા કરતા હોય છે. આ વાતની પ્રતિતિ કદાચ આપણને થતી નથી પરંતુ આવી સેવાનું મૂલ્ય ઘણું છે. આ બાબતના ઉદાહરણ તરીકે કહેવું હોય તો મહેન્દ્રભાઇ મેઘાણીએ ૧૯૫૦ થી શરૂ કરેલું ‘ મિલાપ ’ આજે પણ યાદ આવે ત્યારે તેની ખોટ વરતાયા કરે છે. કવિ ઉમાશંકર જોશીનું ‘ સંસ્કૃતિ ’ પણ લગભગ ચાર દાયકાની મજલ કાપીને વિરામ પામ્યું. એક સમાજ તરીકે આપણે આવા સુરુચિપૂર્ણ અને સંસ્કારી વાચન પીરસતા સામયિકોને ચલાવવા માટેનો ટેકો કેમ પૂરો પાડી શકતા નથી તે બાબત વિચારણા માગી લે તેવી છે. બચુચાઇ રાવતે મુકુન્દભાઇ પાસે સત્યકથાઓ આગ્રહપૂર્વક લખાવી અને ‘ કુમાર ’ માં નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવી. સત્યકથાની આ વાતો સમાજની સ્વસ્થતાને સાચવવામાં અને સંકોરવામાં મદદ કરે તેવી બળવત્તર અને અસરકારક છે. મુકુન્દરાય પારાશર્યે સત્યકથાઓ સહિત અનેક સર્જનો થકી આપણા સાહિત્યની શોભા વધારી છે. એમની રચનાઓમાં ભાવ સહજતા તથા પ્રવાહીતાનો સુભગ સમન્વય જોવા મળે છે.

એની ગાંઠે ત્રણ ભોમનું નાણું

સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું

મોતી બંધાણું એનું દળદર દળાણું વ્હાલા !

છુટયું સંસારનું સરાણું,

હું પદના બંધવાળુ, કંચનકામિનીવાળું

જીવતર છે રાખનું છાણું …. સાધુડા ! ….

      મુકુન્દરાય પારાશર્ય જેવા સ્વનામ ધન્ય સર્જકના સર્જનો તથા તેમના જીવનની સૌરભ કાળાંતરે પણ ક્ષિણ થતી નથી.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑