વાચનના મહિમા વિશે કોઇ શહેરમાં થોડા લોકો પણ મળીને વિચાર કરે તો તે અભિનંદનને પાત્ર છે. દર્શક વાચનને તપ કહેતા તેમ શ્રી રઘુવીર ચૌધરીએ લખેલું છે. આથી આવું તપ કરનારની સંખ્યા કદાચ ઓછી હોય તો પણ તે સ્વાભાવિક ગણાય. આવા પવિત્ર પ્રયાસમાં પૂરક થનાર કોઇપણ વ્યક્તિ કે સંસ્થા પણ આપણી પ્રશંસાના અધિકારી છે. આથી ઓમ કમ્યુનિકેશન તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વાચનના મહિમા અંગે જે સંવાદ તા.ર૩ એપ્રિલ-ર૦૧૭ના દિવસે અમદાવાદમાં ગોઠવવામાં આવ્યો છે તે અભિનંદનીય છે. જ્યારે દેશના મોટા ભાગના લોકો લખી વાંચી શકતા ન હતા ત્યારે પણ વાચનો મહિમા તો હતોજ. પરંતુ આજે મોટા ભાગના લોકો લખી વાંચી શકે છે ત્યારે આ મહિમા અનેક ગણો વધ્યો છે. માત્ર વાચનને કારણે જ સમાજની સ્વસ્થતા કેળવાય છે તે વાત કદાચ પૂર્ણત: સાચી ન હોય તો પણ વાચનની ટેવ એ વ્યક્તિગત તેમજ સામાજિક સ્વસ્થતાની દિશામાં એક મહત્વનું પગલું છે તેમ જરૂર કહી શકાય. ભૂતકાળમાં અનેક લોકોએ વાચન યજ્ઞમાં તન-મન-ધનથી આહૂતિ આપી છે. આજે પણ કેટલાક લોકો આ કાર્યને વેગ આપવા યથાશક્તિ પ્રયાસો કરે છે. ગુજરાતે અનેક ક્ષેત્રોમાં સૂઝ તથા પહેલ કરવાની વૃત્તિથી સારા કામોનો પ્રારંભ કરેલો છે. આવું એક કામ એ ‘‘પુસ્તક પરબ’’ નું છે. આજે રાજ્યમાં લગભગ ૧૫૦ સ્થળોએ ‘પુસ્તક પરબ’ શરૂ થઇ છે અને અનેક લોકો તેનો લાભ લે છે તેમજ તેમાં યોગદાન પણ આપે છે. ‘‘વાંચે ગુજરાત’’ નું જે અભિયાન થયું તેમાં પણ વાચનની આ માનવ સહજ ટેવને ફરી મજબૂત રીતે દરેકના મનમાં સતેજ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શ્રી નાનકભાઇ મેઘાણીએ પુસ્તકોના આદાન-પ્રદાનનું રોપેલું બીજ આ ફળદ્રુપ ભૂમિમાં પોષણ પામ્યું છે તેમ પુસ્તક પરબની પ્રવૃત્તિ જોતાં લાગે છે.
દેશ આઝાદ થયો તે પહેલા પણ શ્રીમંત સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડે ગામ ત્યાં શાળા અને ગામ ત્યાં પુસ્તકાલયનો નિર્ધાર કર્યો. તે સમયના વિશ્વના જાણીતા ગ્રંથાલય નિષ્ણાંત બોર્ડને આ વ્યવસ્થા ઊભી કરવામાં શ્રીમંતના કહેવાથી તેમની મદદ કરી હતી. એક સદી પહેલા (૧૯૧૩ માં) બોર્ડને કહેલા શબ્દો આજે પણ સયાજીરાવ માટે આપણા મનમાં અનોખો આદર અને ભાવ ઉપજાવે તેવા છે. બોર્ડને કહેલું કે પુસ્તકો-પુસ્તકાલયોના હેતુપૂર્ણ વ્યવસ્થાપન બાબત અમેરિકા જે વિચારી રહ્યું છે તેનો વડોદરા રાજ્યમાં અમલ થયો છે. એક વિદેશી નિષ્ણાંતે ૧૦૪ વર્ષ પહેલા ભારતના એક રજવાડા વિશે કહેલા શબ્દો આજે પણ મનમાં પ્રસન્નતા અને ગૌરવનો ભાવ પેદા કરે છે. ગૌરવ લેવાના આ અધિકાર સાથે વાચન અને પુસ્તકાલય સબંધમાં આજની સ્થિતિમાં વિશેષ ગુણવત્તાયુકત સુધારો કરવાની આપણી ફરજ પણ આપણે યાદ રાખવી પડશે. મહારાઓ સયાજીરાવ ઉપરાંત ગોંડલ નરેશ ભગવતસિંહજી તેમજ પોરબંદરના રાજવી નટરવસિંહજીના પણ આ બાબતમાં યોગદાનનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
વાચનનો અભાવ એ વિચાર શૂન્યતાના મૂળમાં છે તેવું વિદ્વાનોનું અવલોકન ઘણાં અનુભવો પછી કહેવાયેલું છે. આથી વિચારશૂન્યતા સામે વાંચનનો વ્યાપ વધારવા માટે એકલા હાથે યુધ્ધ વહોરી લેનાર મહેન્દ્રભાઇ મેઘાણીને ઉલ્લેખ કરતા આનંદ તથા ગૌરવ થાય તેવું છે. ૧૯પ૦ થી લગભગ ત્રણ દાયકા (૧૯૭૮) સુધી ‘મિલાપ’ નામના માસિક પત્રના માધ્યમથી તેમણે વિશ્વના ઉત્તમ વાચનના ગંગાજળનો પ્રસાદ આપણી માતૃભાષમાં આપણાં સુધી પહોંચડયો. ‘‘મિલાપ’’ થકી અંગ્રેજી કે અન્ય ભાષમાં લખાયેલા ઉત્તમ લેખો – કવિતાઓનું આચમન આપણે કરી શક્યાં. ‘‘આભ ફાટ્યું હોય ત્યાં થીગડું મારીને શું કરવું ?’’ એવી મનોવૃત્તિથી મહેન્દ્રભાઇ બેસી રહ્યા હોત તો આ ભાગિરથી પ્રવાહ આપણાં સુધી પહોંચી શક્યો ન હોત. મિલાપની અડધી સદીની વાચનયાત્રા એ સાહિત્યિક કાર્યોમાં થયેલું સુવર્ણકળશ સમાન કાર્ય છે. ઉપરાંત રોજરોજની વાચનયાત્રા પણ અનેક કુટુંબોમાં પહોંચી છે. ગુજરાત મહેન્દ્ર મેઘાણીનું ઋણી છે. આ વિષયમાં ‘‘કુમાર’’ અને બચુભાઇ રાવતનું ઐતિહાસિક યોગદાન પણ ઉજળું છે. ભિક્ષુ અખંડાનંદજીએ પણ ઉત્તમ પુસ્તકો સામાન્ય લોકોને પરવડી શકે તેવી કિમ્મતે મળે તે માટે પોતાનું સન્યાસી જીવન ન્યોછાવર કર્યુ. વિશ્વના જ્ઞાનને આપણી ભાષમાં સરળતા તથા સુઆયોજિત રીતે મુકવાનો ‘‘વિશ્વકોશ’’ ના ભગીરથ કાર્યની પણ સ્મૃતિ થતાં નતમસ્તક થઇ જવાય તેવું છે. વિશ્વકોશના દળદાર રપ ભાગોમાં એટલે કે લગભગ ૨૫૦૦૦ પાનમાં ૧૬૯ જેટલા વિવિધ વિષયોનું જ્ઞાન ઠાંસીને ભરવામાં આવેલું છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી એક પ્રતિબધ્ધ કર્મયોગીની જેમ ધીરૂભાઇ ઠાકરે વિશ્વકોશના નિર્માણનું કાર્ય કર્યું. આજે પણ ‘‘બાળ વિશ્વકોશ’’ ના નવા નવા ભાગો તૈયાર કરવાનું કાર્ય કવિ ચન્દ્રકાન્ત શેઠ કરી રહ્યા છે. સાંપ્રતકાળમાં આવો વિરલ પ્રયાસ મીઠી વિરડીની ગરજ સારે છે.
દર્શકને (શ્રી મનુભાઇ પંચોળી) આપણી ભાષાના એક સમર્થ સર્જક તરીકે આપણે ઓળખીએ છીએ. અનેક કૃતિઓના જનક તરીકે આપણે દર્શકદાદાને જેટલો આદરભાવ આપીએ તેટલોજ આદર દર્શક એક મર્મજ્ઞ ભાવક તથા સુસજ્જ આસ્વાદક તરીકે પણ મેળવે છે. ‘‘વાગીશ્વરીના કર્ણફૂલો’’ મારફત દર્શક એક આસ્વાદક તરીકે આપણાં સુધી વિસ્તર્યા છે. કૃતિના ભાવને પામી તેનો આનંદ વહેચવાનું કાર્ય કરીને દર્શકે સમાજ પર મોટું ઋણ ચડાવ્યું છે. દર્શકે નોંધ કરી છે તેમ સુંદર લખવાનું ઓછા લોકોથી બની શકે પણ તેને વાચવાનો – માણવાનો લહાવો લેવાનું તો સૌને ઉપલબ્ધ છે. ‘‘સ્વાંત: સુખાય’’ માટે દર્શકદાદાએ લખ્યું અને આપણે તે ભરપૂર માણી શકીએ તેવી મહેનત કરી. દર્શક જેવા આપણાં પથદર્શકોને યાદ કરી આપણે પણ વાચનની ટેવ પાડવા અને વિકસાવવાના યથાશક્તિ પ્રયાસ કરીએ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૧/૦૪/૨૦૧૭.
Leave a comment