સંત સૂતા ભલા ભક્ત
જે ભોમમાં,
પીર પોઢ્યા જહાં ઠામ ઠામે
ડુંગરે ડુંગરે દેવની દેરીઓ
ખાંભીઓ ખોંધની ગામ ગામે
કૈંક કવિઓ તણાં ભવ્ય
ઉરભાવની, જ્યાં વહી સતત
સાહિત્ય સરણી, ભારતી માતને
ખોળલે ખેલતી, ધન્ય હો !
ધન્ય હો ! કચ્છ ધરણી.
કવિ દુલેરાય કારાણીની ભાતીગળ પંક્તિઓમાં જે ભોમકાનું વર્ણન થયુ છે એજ ભૂમિએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની ગતિવિધિઓમાં આગલી હરોળમાં મૂકી શકાય તેવા શામજી કૃષ્ણવર્માની ભેટ દેશને આપી છે. પ્રખર ક્રાંતિવીર શામજી કૃષ્ણવર્માનું સ્મારક અને તેમાં વીર ક્રાંતિકારી કેશરીસિંહજી બારહઠ્ઠના તૈલચિત્રનું અનાવરણ તા.ર૩ એપ્રિલ-૧૯૧૭ના રોજ થઇ રહેલું છે તે મહાસાગરની ઘૂઘવતી શાક્ષીએ થતું એક વિચારશીલ તથા પ્રશંસનિય કાર્ય છે. પંડિત શામજી કૃષ્ણવર્મા સ્મારકના સંચાલકો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત રાજકોટનું મેઘાણી કેન્દ્ર તેમજ ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (સી.જી.આઇ.એફ.)નો સહયોગ તથા સ્થાનિક સંસ્થાઓના પૂરક બળથી આ કાર્યક્રમની ભવ્યતા વધી છે. ક્રાંતિકારી કેશરીસિંહજી બારહઠ્ઠ તથા તેમના સમગ્ર પરિવારનું સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ઉજળું અને અનોખુ યોગદાન છે.
જેલમાં ઠાકુર સાહેબે યાતનાપૂર્ણ સ્થિતિમાં ગાળેલા વર્ષોનો ઇતિહાસ એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય તેવો છે. ભલભલા માનવીની હિંમત તુટી જાય, શ્રધ્ધા ડગી જાય તેવો એ આકરો સમય હતો. પરંતુ વીર સાવરકર જેવા ક્રાંતિવીરોમાં જેમ દેશની મુક્તિ માટેનો અગ્નિ ગમે તેવા કપરા કાળમાં નિરંતર પ્રજ્વલિત રહ્યો હતો તેવી જ સ્થિતિ ઠાકુર સાહેબની હતી. આ મહામાનવને કાળી કોટડીમાં નાખ્યા બાદ તેમના કુટુંબની તમામ મિલ્કત જપ્ત થયાની જાણકારી મળી હોવા છતાં તેમના જુસ્સામાં કોઇ ફેર પડતો નથી. કુટુંબીજનોને પણ આ બાબતો હસતા મુખે સહન કરવાની સલાહ આપે છે. આઝાદી માટેનો પુરુષાર્થ ધીમો કે નબળો ન પડે તેની તકેદારી રાખવા પણ સૌ સાથીઓને સૂચવે છે. સમય સારો આવશે જ, માતૃભૂમિ આઝાદ થશે જ તેવો ખમીરવંતો વિશ્વાસ તેમના જેલકાળના જીવનમાં પણ ટકાવી રાખ્યો છે અને તક મળી ત્યારે વ્યક્ત પણ કર્યો છે. જેલમાં પણ તેમણે ઘણાં વર્ષો સુધી અનાજ છોડીને વિતાવેલા હતા. કુટુંબની માલિકીની હવેલી જપ્ત થઇ જતાં સમગ્ર કુટુંબના સભ્યો રસ્તા પર આવી ગયા હોવા છતાં કોઇ નબળો વિચાર તેમણે ક્યારે પણ કર્યો ન હતો. પરાધિન ભારતમાતાના પુત્રો પાસે કાળ બલિદાન માંગે છે તે વાત તેમણે હમેશા ઘુંટી છે અને સૌ પાસે ઘૂંટાવી છે. સ્વરચિત એક દોહામાં તેમણે આ લાગણી પ્રગટ કરી છે.
દિન દુણા નિશ ચૌગુણા સહયા કષ્ટ અનેક,
સહી ન ગઇ પળ સિંહથી પરાધિનતા એક.
ઠાકુર સાહેબના લઘુબંધુ ક્રાંતિવીર ઠાકુર જોરાવરસિંહજી પણ બલિદાનની ગૌરવ ગાથા સમાન જીવન જીવી ગયા. હિન્દુસ્તાનના વાઇસરોય લોર્ડ હાર્ડિગની શાહી સવારી ઉપર ચાંદની ચોક દિલ્હીમાં બોમ્બ ફેંકવાના જાણીતા કેસમાં બ્રિટિશ પોલીસ તેમની સતત શોધમાં હતી. પરંતુ આ નરકેસરી કદી પકડાયા નહિ અને લગભગ ત્રણ દાયકા સુધી સતત પરિભ્રમણ કરીને બ્રિટિશ પોલીસની આંખમાં ધૂળ નાખતા રહ્યા. આ સિવાય પણ તેમની સામે કેટલાક કેસ રજિસ્ટર કરવામાં આવેલા. ઓક્ટોબર-૧૯૩૯માં તેઓએ આખરી શ્વાસ લીધો ત્યાં સુધી મુક્ત રહ્યા અને અંતિમ શ્વાસો લેતી વખતે માતૃભૂમિને તથા આઇ કરણીને પોતાની જાતનું સંપૂર્ણ આત્મગૌરવથી સમર્પણ કર્યું. વીરતા તથા બલિદાનની આ એક અમર ગાથા છે. બનારસ ષડયંત્રના કેસમાં અંગ્રેજ સત્તાએ કેસરીસિંહજીના સુપુત્ર કુંવર પ્રતાપની ધરપકડ કરી. પ્રતાપસિંહ પાસે તેમના સતત તથા જીવંત સંપર્કને કારણે દેશના અનેક ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ બાબત મહત્વની જાણકારી હતી. અનેક શારીરિક યાતનાઓ સહન કરીને પણ કુંવર પ્રતાપે ક્રાંતિકારીઓની ગતિવિધિની કોઇ માહિતી બ્રિટીશ પોલીસને ન આપી. બરેલી જેલની કાલકોઠડી – solitary cell માં અનેક યાતનાઓ સહન કરતાં કરતાં આ યુવાને મે-૧૯૧૮માં મહાપ્રયાણ કર્યું. એક ક્રાંતિકારી રાવ ગોપાલસિંહે પ્રતાપને અંજલી આપતા ભાવવિભોર થઇને કહ્યું કે ‘વિધાતાએ એકસો વીર ક્ષત્રિયના સામર્થ્યને એકઠું કરીને એક પ્રતાપનું નિર્માણ કર્યું હતું.’
વિનમ્રતાની અને દ્રઢતાની શાક્ષાત મૂર્તિ સમાન તેમનું વ્યક્તિત્વ હતું. ઠાકુર સાહેબના ધર્મપત્નિનું નિધન થયું ત્યારપછી તેમણે કેટલીક યાદગાર રચનાઓ અંતરના ભાવથી કરી છે. જીવનમાં કેવા-કવા ચઢાવ ઉતાર આવ્યાં !
સામ્રાજય શક્તિ શત્રુ કી,
સર્વસ્વ થા વો કઢ ગયા,
પ્રિય વીર પુત્ર પ્રતાપ – સા
વેદી બલી પર ચઢ ગયા
ભ્રાત જોરાવર હુઆ પ્યારા
નિછાવર પથ પર વહી,
પતિત – પાવન દીનબંધો !
શરણ એક તેરી ગહી.
ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠ ક્રાંતિવીરોના તારામંડળના એક તેજસ્વી તારક સમાન હતા. ઠાકુર સાહેબનો જન્મ ૨૧ મી નવેમ્બર, ૧૮૭૨ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ઠાકુર કૃષ્ણસિંહજી ઇતિહાસના-મર્મજ્ઞ, લેખક તથા સમાજમાં પોતાની વિદ્વતાના કારણે વિશિષ્ટ આદરમાન ધરાવતા વ્યક્તિ વિશેષ હતા. ઠાકુર કૃષ્ણસિંહજીએ ‘‘રાજપુતાના કા ઇતિહાસ’’ ઉપરાંત સૂર્યમલજી મિસણની પ્રસિધ્ધ ઐતિહાસિક રચના ‘વંશભાસ્કર’ ની ટીકા લખી છે. ઠાકુર કૃષ્ણસિંહજી મહર્ષિ દયાનંદ સરસ્વતિના સ્વાભિમાન તથા શિક્ષણના ઉમદા વિચારોથી પ્રભાવિત હતા. ઠાકુર સાહેબના બન્ને સુપુત્રો – કેસરીસિંહજી તથા જોરાવરસિંહજીએ માભોમની મુક્તિ માટે આપેલા આકરા બલિદાન એ રાજસ્થાનની મુક્તિ ચળવળના સુવર્ણપૃષ્ઠ સમાન છે. તેવા જ ઉજળા બલિદાનની ગાથા ઠાકુર સાહેબના સુપુત્ર કુંવર પ્રતાપસિંહની છે. કુંવર પ્રતાપનો જન્મ ૧૮૯૩ માં સંસ્કારી તથા પહાડ જેવી દ્રઢતા ધરાવનાર માતા માણિક્ય કુંવરની કૂખે થયો હતો. વર્ષો પહેલા હિન્દીના સુપ્રસિધ્ધ સામયિક ધર્મયુગમાં એક વરિષ્ઠ અધ્યાપકે લખેલો લેખ વાંચ્યો હતો જેમાં તેમણે કેસરીસિંહજીના પરિવારના સર્વગ્રાહિ બલિદાનને કારણે રાજસ્થાનનો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનો ઇતિહાસ અધિક ઉજળો થયો છે તેવું પ્રતિપાદિત કર્યું હતું. એક કુટુંબના બલિદાનની કેવી ઉજ્વળ ગાથા !
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૯/૦૪/૨૦૧૭.
Leave a comment