
આભના થાંભલા રોજ ઊભા રહે
વાયુનો વિંઝણો રોજ હાલે
ઉદય ને અસ્તના દોરડા ઉપરે
નટ બની રોજ રવિરાજ મહાલે
ભાગતી ભાગતી પડી જતી પડી જતી
રાત નવ સૂર્યને હાથ આવે
કર્મવાદી બધા કર્મ કરતા રહે
એમને ઉંઘવું કેમ ફાવે ?
ક્રાંતિકારી નિરંજન વર્મા (નાનભા બાદાણી – ગઢવી) જીવ્યા માત્ર ૩૪ વર્ષ. ટૂંકા આયખામાં પણ કવિ શ્રી દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં લખ્યું છે તેવું કર્મશીલ જીવતર જીવીને ગયા. આટલા વર્ષોમાં પણ નવેક વર્ષ તો તેઓ બીમાર રહ્યા. શ્રી જયમલ્લ પરમારે લખ્યું : ‘‘કાળના હથોડે નિત્ય કોરાઇ રહેલા કલેવરને (નીરુભાઇએ) નવ વર્ષ સુધી જાળવીને લોહીના બુંદેબુંદનો હિસાબ ચૂકવ્યો. એકેય બુંદ વેડફવા ન દીધું. એકે એક શ્વાસોશ્વાસની પૂરી કિમ્મત આ વીરે વિધાતાના ચોપડે જમા કરાવી.’’ વિશ્વની તે સમયની સમર્થ બ્રિટીશ હકૂમતને પડકારનાર આ જન્મજાત વીર પુરુષે યમરાજા સાથેનું અંતિમ યુધ્ધ પણ સમાન ગૌરવ તથા દ્રઢતાપૂર્વક કર્યું. ૧૯૧૭ માં નિરૂભાઇનો જન્મ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રાજડા ગામે થયો. ૨૦૧૭ નું વર્ષ આ યુવાન શહીદની જન્મશાતાબ્દીનું વર્ષ છે. સૌરાષ્ટ્ર – ગુજરાતના ઉજળા મુક્તિ સંગ્રામની વિગતો ધ્યાનથી જોનાર – સમજનાર અનેક લોકોના મનમાં નિરંજન વર્માની સ્મૃતિ ફરી ઝબકી જશે. નિરંજન વર્માના જીવન અને કાર્યનું આલેખન કરતી સુંદર તથા વિગતોથી ભરપૂર પુસ્તિકાનું સંપાદન ભાઇ રાજુલ દવેએ કર્યું છે. મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટના સહયોગથી પ્રવીણ પ્રકાશને (રાજકોટ) આ પુસ્તિકા સપ્ટેમ્બર-૨૦૧૬ માં સમાજ સામે અને સમાજ માટે પ્રસ્તુત કરી છે. આવા ઉપયોગી કાર્ય માટે આ બધા લોકો – સંસ્થાઓ આપણાં અભિનંદનને પાત્ર છે.
નિરૂભાઇએ દેશ સેવાની સાથેજ વિસ્તૃત સાહિત્ય સેવા કરી. ઉત્તમ પ્રકારના અને મૂલ્ય નિષ્ઠ પત્રકારત્વમાં પોતાનું યોગદાન આપ્યું. બાળકોને રસ પડે તેવી અનેક વાર્તાઓ કરી. છેવાડાના માનવીઓના હમદર્દથી તેમના હામી બન્યા. ‘‘ફૂલછાબ’’ માં નિરૂભાઇનાયોગદાન વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીએ ઉલટભેર પ્રશંસા લખી. ગ્રામસેવાના અભિનવ પ્રયોગમાં તરવડા (જિ.અમરેલી) ગામમાં રહીને સામાજિક ઉત્થાનનું કાર્ય કર્યું. જીવનના ફક્ત ત્રણ દાયકામાં કોઇ એક વ્યક્તિ આટલા કાર્યો કેવી રીતે કરી શકે ? મુક્ત હાસ્યના ધોધની સાથેજ નિરંજન વર્માના જીવનમાંથી શક્તિનો પણ પ્રચંડ ધોધ વહેતો રહ્યો.
ભાવનગરના તખ્તસિંહજી હિન્દુ સેનેટોરિયમમાં ચાલતા છેવાડાના વર્ગના બાળકો માટેના ઠક્કરબાપા આશ્રમમાં નિરંજન વર્માએ ગૃહપતિ તરીકે તે કાળે કરેલું કાર્ય જોઇને અચરજ તથા અહોભાવ થાય તેવું છે. નિરુભાઇની આશ્રમના વિદ્યાર્થીઓ તરફથી પિતા તુલ્ય પ્રીતીની વાત હરિભાઇ રાણાભાઇ ભાસ્કર નામના આશ્રમના જ એક વિદ્યાર્થીએ સુંદર તથા સહજ રીતે લખી છે. જયમલ્લભાઇ પરમાર તથા નિરંજન વર્મા આ આશ્રમમાં આવ્યા અને રહ્યાં. આશ્રમમાં તેમણે ગ્રામોદ્યોગ શરૂ કરાવ્યો. વિદ્યાર્થીઓની નિરુભાઇ તરફની લાગણી તથા આદરને કારણે તેઓએ નિરુભાઇને આશ્રમના ગૃહપતિ તરીકે મૂકવા માટે વિનંતી કરી. આ વિનંતીનો સ્વીકાર થયો. ત્યારબાદ આશ્રમ જીવનમાં પરિવર્તન અસામાન્ય હતું. આ પરિવર્તનથી વિદ્યાર્થીઓનો સર્વતોમુખી વિકાસ થઇ શક્યો. નાનાભાઇ ભટ્ટ કે દર્શક જે પધ્ધતિથી વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી તથા પ્રેરક બનતા હતા તેનુંજ પ્રતિબિંબ અહીં ઝીલાતું જોવા મળે છે. જયમલ્લભાઇ તથા નિરુભાઇના માર્ગદર્શન હેઠળ આશ્રમમાં નવા પ્રાણના સંચાર થયા. ભજનમંડળી, વાચન અને ચર્ચા વિચારણા, હસ્તલિખીત માસિક, લેખન, પ્રવાસ જેવી વિદ્યાર્થીઓના જીવનની સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓએ જોર પકડયું. ગૃહપતિ તરીકે નિરુભાઇના જીવનની દરેક ક્ષણની મથામણ એ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને જ થતી હતી. ભાગવતમાં ઋષિ સાંદિપનીના આશ્રમમાં રહેલા કૃષ્ણ-સુદામા વચ્ચેના સંબંધની, ઉષ્માની લાગણીનું વર્ણન છે તેનું જ પ્રતિબિંબ ભાવનગરના આ નાના આશ્રમના પછાતવર્ગના બાળકો તથા નિરુભાઇ વચ્ચેના સ્નેહમાં ઝીલાય છે. નિરુભાઇ બાળકોને પ્રવાસે લઇ જાય અને કુદરતના વિવિધ સ્વરૂપોના ભાતીગળ રંગોનો પરિચય કરાવે. નિરંજન વર્માનો મૂળ ક્રાંતિકારી જીવ અને તેથી આવા પ્રવાસો દરમિયાન કોઇ જગાએ બાળકોને મંદિરમાં જતાં કોઇ રોકે તો સંઘર્ષમાં ઉતરવાની પણ પૂરી તૈયારી ! અને આવા દરેક નાના મોટા સંઘર્ષને અંતે આશ્રમના વિદ્યાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાવીને જ રહે. ‘‘શીંગડા માંડતા શીખવીશું’’ ની દર્શકદાદા વાળી વાત અહીં આબેહૂબ પ્રગટ થતી જોવા મળે છે. ચારણો-રબારીઓના નેસમાં છાત્રાલયના બાળકોને એ સમયે (૧૯૩૬) દૂધપાક અને બાજરાના રોટલાના જમણની મહેમાનગતી કરાવી શકનાર આ મહામાનવ સામા પૂરે જ તર્યા હશે ! નિરુભાઇની નિર્ભયતા તથા ભોળા તથા મહેમાનપ્રિય નેસવાસીઓની નિર્દોષતા તથા મહેમાનનવાજી એ બન્નેનું તેમાં દર્શન થાય છે. જયાં પડાવ હોય ત્યાં ભજનની રમઝટ તો ખરી જ. આશ્રમના એક બાળકને સર્પદંશ થતા તેનું માથું ખોળામાં લઇ સમગ્ર રાત ચાકરી કરનાર નિરુભાઇ જયારે બાળક દેહ મૂકે છે ત્યારે જનેતા જેવું આક્રંદ કરે છે તે વાત આ સંબંધોની પરાકાષ્ટા રૂપ છે. સમાજમાં જ્ઞાતિ આધારીત ભેદભાવ નાબૂદ કરવાના યજ્ઞકાર્યમાં આ ક્રાંતિકારીએ એ કાળમાં પણ સામા પૂરે તરીને ઠોસ કામ કરી બતાવ્યું.
નિરૂભાઇના સમગ્ર જીવન તથા તેમના લેખનને જોતાં તે કાળની તાસીર સ્પષ્ટ કરતી અમુક હકીકતો ધ્યાનમાં આવ્યા સિવાય રહેતી નથી. એક તો સૌરાષ્ટ્રના (અને સમગ્ર દેશના પણ) મુક્તિ સંગ્રામમાં લોક સાથેનો સંપર્ક કેળવીને મજબૂત બનાવવામાં સાહિત્યનો આધાર નિર્ણયાત્મક રીતે લેવામાં આવેલો છે. ૧૯૩૦ ના સુપ્રસિધ્ધ નમક સત્યાગ્રહમાં ધોલેરા (ભાલ) છાવણીના સમગ્ર વિસ્તારમાં જે લોક જુવાળ સત્તાધિશો સામે યુધ્ધે ચડવા માટે ભભૂકી ઊઠ્યો તેમાં લોકકવિ શ્રી મેઘાણીના કાવ્યોની ઘણી મોટી અસર હતી. ‘‘સિધૂંડા’’ (૧૯૩૨) નામથી પ્રસિધ્ધ થયેલી યુધ્ધગીતોની પુસ્તિકાને બ્રિટીશ સરકારે પ્રતિબંધિત કરી હતી. આ પુસ્તિકા વાંચવી કે તેનું વિતરણ કરવું તે ગુનાહિત બાબત ગણાતી હતી. પુસ્તિકાનું વિતરણ કરનારની પોલીસ ધરપકડ કરતી હતી. છતાં પણ આ શૌર્ય ગીતો તો વાયુવેગે લોકમાં પ્રસરી ગયા. આ ગીતો ગવાયા તથા વ્યાપકપણે ઝીલાયા. નિરંજન વર્મા તથા જયમલ્લ પરમારે પણ પોતાની સાહિત્યની જાણકારીનો લાભ લઇ લોકસંપર્ક માટે તથા લોકજાગૃતિ માટે વ્યાપક રીતે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોનો અસરકારક ઉપયોગ કર્યો. આ બન્ને મિત્રોએ ગાંધી વિચારની ઊંડી અસરને કારણે મુક્તિ સંગ્રામ માટેની જાગૃતિ સાથેજ સામાજિક જાગૃતિ માટે પણ સભાનપણે પ્રયાસો કર્યા. લોકસાહિત્યની ઉપાસક આ બેલડીને તેમની સાહિત્ય સૂઝ તથા ઉજળા જીવનને કારણે લોકોએ વધાવી અને તેમના નવજાગૃતિના સંદેશને ઝીલવાના પ્રયાસો કર્યા. આ કાળનું સાહિત્ય સર્જન અને સાહિત્યનો પ્રસાર મુક્તિ મેળવવાના ઉમદા હેતુ માટે સુઆયોજિત રીતે થયો. માતૃભૂમિને સંબોધીને કવિ ઝવેરચંદ મેઘાણીએ લખેલા આ શબ્દો સ્વાભિમાન અને ખુમારીના દર્શન કરાવે છે.
મા ! સર્વથી વહાલું તને હો
ઉચ્ચ મસ્તક, મેણાં જૂઠાણાંની
જડી હો ઉચ્ચ મસ્તક, કૂડની
કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક
કરવા ખુલાસા થોભતી ના,
ઉચ્ચ મસ્તક, બેબાકળી બીલકુલ
થતી ના, ઉચ્ચ મસ્તક.
કવિ ઉમાશંકર જોશીની કલમે પણ નિરંજન વર્મા તથા જયમલ્લ પરમારનું રેખાચિત્ર સ્મૃતિમાં રહી જાય તેવી ઢબે લખાયેલું છે. કવિ લખે છે : ‘‘ ૧૯૩૯ માં રાણપુર ગયો. ફૂલછાબ કાર્યાલયમાં બે જુવાનોનો પરિચય થયો. (ફૂલછાબ તે સમયે રાણપુરથી પ્રકાશિત થતું હતું) રાણપુર કાર્યાલયમાં એ..ઇ બસ બાજરીના રોટલા ને છાશના ધુબાકા ! પેલા બે ભેરૂઓ (જયમલ્લભાઇ – નિરૂભાઇ) એવું વાતાવરણ જમાવે કે તમે તાજામાજા થઇ જાઓ. આ બે ભેરૂમાંથી એક જયમલ્લ પરમાર અને બીજો એકવડિયા બાંધાનો, ગૌરવર્ણ, ઊંચો તથા તરવરિયો જુવાન એ નિરંજન વર્મા. નિરંજન વર્મામાં ચેતન એવું નિરંતર હલમલ થતું લાગતું હતું. એને જોઇને એમ થાય કે આવો જીવ ઝાઝું આપણી વચ્ચે શેનો ટકે ? ભાઇ નિરંજનની શક્તિનો ગુજરાતી ભાષાને અનેકવિધ લાભ મળવાની આશા અકાળે લુપ્ત થઇ ! ’’ ખરેખર આ જીવ અકાળે આપણી વચ્ચેથી ઊઠી ગયો. તેમની સ્મૃતિને વાગોળવાનો અવરસ છે.
હાલો હૈડાં જીરાણમેં
શેણાંને કરીએ સાદ,
મિટ્ટી સે મિટ્ટી મિલી
(તોય) હોંકારો દિયે હાડ.
કાલાવાડ તાલુકાના રાજડા ગામથી શરૂ થયેલી એક ભવ્ય અને ભાતીગળ જીવનયાત્રા ૧૯૫૧ માં આંધ્રપ્રદેશના મદનપલ્લી ગામના આરોગ્યવરમ્ સેનેટોરિયમમાં પૂર્ણ થઇ. માણસ જીવનની છેલ્લી ક્ષણોમાં નિયતિના નિર્ણયની જાણકારી હોવા છતાં પણ કેવી અસાધારણ સ્વસ્થતાથી રહી શકે તેનું અસામાન્ય ઉદાહરણ નિરૂભાઇ મૂકીને ગયા. મિત્રોની હૂંફમાં અને સ્વાભિમાનના ઉત્કટ ભાવથી નિરૂભાઇ જીવ્યા. નિરૂભાઇ – જયમલ્લભાઇ પરમાર તથા ઇશ્વરભાઇ દવેની દોસ્તીને ‘‘લોકસંસ્કૃતિના ત્રિદલ બીલીપત્ર’’ તરીકે ઓળખવામાં આવી છે તે યથાર્થ છે. આવા વીરો કોઇની પ્રશંસાના મહોતાજ ન હતા. જે અંતરમાંથી ઊગ્યું તેનેજ માર્ગદર્શક ગણીને તેઓ નવા ચિલા પાડીને ગયા.
બિંદુએ બિંદુએ રક્ત દીધાં ગણી,
ચૂકવી દેહની પળેપળે કણી કણી.
Leave a comment