રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે :
૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી ગયો હતો. બ્રિટીશ સરકારનું સમગ્ર તંત્ર આ સ્વયંભૂ લડતને દબાવી દેવા માટે સજાગ થયું હતું. અનેક લોકોની ઝડપભેર ધરપકડો થતી હતી. આ દિવસોમાં મહારાજ કહે છે કે અમારે ત્યાં (મહીકાંઠાના ગામડાઓમાં) એક મોતીભાઇ ડોસા હતા. એ દિવસોના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપતી અનેક નાની પુસ્તિકાઓ – છાપા કે ચોપનિયા પ્રગટ થતા રહેતા હતા. મોટા ભાગના આવા પ્રકાશનો પર ગોરી સરકાર પ્રતિબંધ મૂકતી હતી. આમ છતાં અનેક યુવાનો આવી પત્રિકાઓના વિતરણનું કાર્ય પોલીસને થાપ આપીને કરતા રહેતા હતા. જો કોઇ વ્યક્તિ આવી પત્રિકા વાંચતા કે તેનું વિતરણ કરતા પકડાય તો તેને જેલ ભેગો કરી કેસ ચલાવવામાં આવતો હતો. મહારાજ કહે છે આ મોતીબાપા પણ એક દિવસ આવી પત્રિકા વાંચતા પકડાઇ ગયા. બાપાની વૃધ્ધાવસ્થાને જોઇને પોલીસ અધિકારીને તેમની દયા આવી. આથી તેમની ધરપકડ ન કરવી પડે તેવા આશયથી મોતીભાઇનો કેસ નબળો કરવા પોલીસ અધિકારીએ તેમને પૂછ્યું : ‘‘ કેમ ડોસા, આ પત્રિકા તો તમને કોઇએ તમારી જાણ બહાર મોકલી આપી હતી ને ? ’’ હવે મહારાજ કહે છે સ્વાતંત્ર્ય પ્રેમી મોતીભાઇનો જવાબ સાંભળો : ‘‘ શું વાત કરો છો સાહેબ ! મને કોણ મારી જાણ બહાર મોકલી આપે ? હું તો આ પત્રિકાનો નિયમિત ગ્રાહક છું અને તે પણ કંઇ આજકાલનો નથી ? છેક ૧૯૨૨ થી હું સત્યાગ્રહી છું ’’ પૂરા ગૌરવ અને શાનથી આ ગાંધીભક્ત મોતીડોસાએ પરાણે ગુનો કબૂલ કર્યો અને જેલમાં ગયા. જેલમાં ગયા બાદ મોતીભાઇની ખેતીની જમીન સરકારે ઝૂંટવી લીધી. જેલમાંથી છૂટ્યા ત્યારે વૃધ્ધ અને જીર્ણ બનેલા ડોસાને જીવનનિર્વાહ ચલાવવાની મુશ્કેલી રહેતી હતી. થઇ શકે તેવી મજૂરી કરી પેટનો ખાડો પૂરતા હતા. એમને મદદ કરવા કેટલાક લોકોએ પ્રયાસ કર્યો ત્યારે બોલી ઊઠ્યાં : ‘‘ હું મદદ લઇને પારકે પૈસે નિર્વાહ કરું ? મેં તો આઝાદીના જંગમાં ભાગ સ્વેચ્છાએ લીધો છે. મહારાણા પ્રતાપનો હું વંશજ છું ! ’’ ગાંધીએ જે સમગ્ર કાળ જગાડવાનું અસાધારણ કાર્ય કર્યું તેમાં આવા અનેક લોકો આહુતિ થઇને હોંશેહોંશે હોમાઇ ગયા હતા.
મહારાજ અને મેઘાણી વચ્ચે સ્વરાજ્ય આવ્યું તે પહેલા થયેલા વાર્તાલાપમાંથી જગતને મહીકાંઠાના આ માનવીઓની વ્યથા-કથા તથા તેમની અનેક વીરતાની વાતો જાણવા મળી. ‘‘ ઊર્મિ નવરચના ’’ માં આ વાતો પ્રથમ પ્રસિધ્ધ કરવામાં આવી. ૧૯૪૬ માં મેઘાણીભાઇના પુસ્તક ‘‘ માણસાઇના દીવા ’’ ને મહિડા પારિતોષિકથી નવાજવામાં આવ્યું. જે કોમને સમગ્ર જગત માત્ર ગુનેગારોની નજરે જોતું હતું તેવા આ બારૈયા, પાટણવાડિયા, ધારાળા જેવી કોમના લોકોની આ ઉજળી વાતો મહારાજની અમીયલ આંખોએ જોઇ અને મહારાજના બયાન પરથી લોકસાહિત્યકાર મેઘાણીએ તેનું બળકટ આલેખન કર્યું.
એપ્રિલ માસની ગરમીના દિવસો છે. આવાજ આકરા દિવસોમાં અને ભાલપ્રદેશના ધંધુકાની અદાલતમાં ૨૮ એપ્રિલ-૧૯૩૦ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની મેઘાણીએ આપેલા ઐતિહાસિક પ્રવચનની સ્મૃતિ તાજી થાય છે. પોતાના જાહેર વક્તવ્યમાં કવિ મેઘાણી સરકારી તંત્રના ‘‘સમર્થ તથા ફળદ્રુપ ભેજા’’ ને અભિનંદન આપે છે ! તેઓ કહે છે કે જે ભાષણ તેમણે કર્યુંજ નથી તે ભાષણ માટેનો આ ખટલો (કેસ) ચાલે છે ! તેઓ બ્રિટીશ તંત્રના આ પગલાને હળવાશથી ‘‘મજાકભર્યા બનાવ’’ તરીકે ઓળખાવે છે. ગોરી સરકારે ગોઠવેલા ન્યાયના આ પ્રપંચમાં તેમને ભરોસો નથી. દેશમાં તે સમયે ચાલતા મુક્તિ સંગ્રામના અડગ તથા અહિંસક વીરત્વને તેઓ બીરદાવે છે. ધંધુકાની અદાલતમાં ગુનેગારના પાંજરામાં ઊભેલા આ મહામાનવની ગરવાઇથી હાજર રહેલા સૌ નતમસ્તક થાય છે. ત્યારપછી અદાલતની પરવાનગીથી તેમણે એક ગીત ગાયું. આ રચના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખમાં અજોડ છે અને તેથીજ આ રચનાઅમરત્વને વરેલી છે.
હજારો વર્ષની જૂની અમારી
વેદનાઓ, કલેજા ચીરતી
કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંના રુધિરને જીવતાનાં
આંસુડાઓ, સમર્પણ એ સહુ
તારે કદમ પ્યારા પ્રભુ ઓ !
કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે તેમ જગતના લોકો કદાચ માન પાન ઘણાં લોકોને આપે પરંતુ સ્નેહ ઘણાં ઓછા લોકોને આપે છે. ગુજરાતે મેઘાણીભાઇને ખોબે અને ધોબે સ્નેહ આપેલો છે. મુક્તિ સંગ્રામમાં સક્રિય યુવાનોના તો આ લોકકવિ આદર્શ સમાન હતા. મેધાણીભાઇ લખે છે : ‘‘મને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્તુત: એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્ણા રહે? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે કે, વધુ ગીતો શે લખાય ?’’
રાષ્ટ્રપિતાએ જેમને રાષ્ટ્રીય શાયર માન્યા તથા બીરદાવ્યા એવા આ મહા કવિના વિચારોમાં કેટલી નમ્રતા તેમજ લાગણીશીલતા દેખાય છે? કવિને મન તેના પ્રિય ભાવકોની સ્વિકૃતિથી વિશેષ મહત્વનો કોઇ ઉપહાર નથી. ભાવકોના દિલમાં સ્થાન મેળવવું તેની તોલે કોઇ ઇનામ કે એવોર્ડ આવી શકે નહિ. ખાસ કરીને તે સમયના તરૂણોને મેધાણીભાઇની વિવિધ રચનાઓમાં પોતાની મનોસ્થિતિનું જીવંત તેમજ આબેહૂબ પ્રતિબિંબ દેખાયુ. તરુણોએ જયારે આ કાવ્યોને ખોબે અને ધોબે વધાવ્યા અને અપનાવ્યા ત્યારે કવિને તેમના વિશે સાંપ્રત કાળને અનુરૂપ વધારે રચનાઓ લખવાનો સંકલ્પ થયો. આવી રચનાઓ જોઇએ તેટલી લખાતી નથી તેની મીઠી ખટક પણ કવિના મનમાં રહી. કાળના એ ભાતીગળ તથા પડકારરૂપ પ્રવાહમાં મેધાણીભાઇની છટાથી, તેમના હાવભાવથી તથા તેમની અસ્ખલિત વાણીના વેગીલા પ્રવાહથી યુવાનો તેમને સાંભળવા તલપાપડ હતા.
મુંબઇ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતી વસનજી ઠકરાર વ્યાખ્યાનમાળાના પાંચ પ્રવચનો તેમણે ૧૯૪૩ માં પસ્તુત કર્યા. પ્રથમ પ્રવચનથીજ જાણે કે આ કાઠિયાવાડી કવિએ મુંબઇના અનેક અધ્યાપકો, નવયુવકો પર વશીકરણ કર્યું. શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરી લખે છે કે આ વ્યાખ્યાનમાળાને પરિણામે ગુજરાતી સાહિત્યને ઉત્તમ કોટિના વ્યાખ્યાન મળ્યા. મેધાણીભાઇના પ્રથમ વ્યાખ્યાન સમયે શ્રી કૃષ્ણલાલ ઝવેરી એ સભાના પ્રમુખ તરીકે હતા. મેધાણીનું નામ એવું કે તેમને સાંભળવા, જોવા હાજર રહેલા સૌ ઉત્સુક હતા. તેમને બધા જોઇ શકે તે માટે તેઓને ટેબલ પર ઉભા રહીને પ્રવચન કરવાની વિનંતી કરવામાં આવી જે તેઓએ તરત જ સ્વીકારી. તેમના બુલંદ અવાજ તથા પ્રસંગને અનુરૂપ વિશિષ્ટ હાવભાવથી તેઓ શ્રોતાજનો પર છવાઇ ગયા. હોલની બહાર પણ માણસોના ટોળા ધ્યાનપૂર્વક સાંભળવા માટે સ્વયંશિસ્ત જાળવી ઉભા હતા. હૈયે હૈયુ દળાય એવી મેદની એક મહાવિદ્યાલયમાં લોક સાહિત્ય સાંભળવા એકત્રિત થાય તે પણ એક ઐતિહાસિક ઘટના ગણાય. કોન્વોકેશન હોલની બહાર પણ ઉભેલા શ્રોતાઓ લાઉડસ્પીકર વગર તેમને સાંભળી શકે તેથી સંપૂર્ણ શાંતિ સહેજે જળવાતી હતી. યુવાનોના મોટા વર્ગ પાસે સાહિત્યની વાતો મેધાણીભાઇ કરતા હશે ત્યારે જરૂર યુવકોને તેમના પોતાના મનના મનોરથનું જીવતું જાગતું પ્રતિબિંબ દેખાતુ હશે. આ સિવાય વકતા-શ્રોતાઓ વચ્ચે આવું અનોખુ અનુસંધાન ભાગ્યેજ સંધાયેલુ જોવા મળે, સાહિત્યના સત્વશીલ પ્રવાહનું મેધાણીભાઇના માધ્યમથી થયેલું આ અનોખું આરોહણ અહોભાવ પ્રેરક છે.
યુવાનોના ઉમંગ તથા જોશને બીરદાવતા શબ્દો આ પંકિતઓમાં તેમણે વહાવ્યા.
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ.
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
જેમના દિલોદિમાગ પર વીરતા અને બલીદાનનો ઉજળો ઓછાયો પડયો હોય તે યુવાન જ નેકટેકની રક્ષા માટે જીવનના ભિષણ સંગ્રામમાં ઝૂકાવી શકે અને ટકી શકે. મેઘાણીભાઇની ઐતિહાસિક તથા સુપ્રસિધ્ધ રચના ‘‘સુના સમદરની પાળે’’ માં રેવા તીરે વસેલા રળિયામણા રાજેસર ગામનો યુવક સૂર્યાસ્તની પવિત્ર સાક્ષીએ, ભાંગતા અવાજે અને ઘાયલ શરીરે પોતાના મિત્રના માધ્યમથી જે સંદેશાઓ કહેવરાવે છે તે આવી ખુમારી ભરેલી યુવાનીનો ખરો પ્રતિનિધિ છે. વૃધ્ધ માતાને, વહાલસોયી બહેનને, ભોળા ગ્રામવાસીઓ તથા કાળી આંખોવાળી પ્રિયતમાને કહેવા માટે જે ઉર્મિઓ તેની વાતમાં સહજ ભાવે અને કળાત્મક ભાવે ઉભરાય છે તેની આગળ સાગરની લહેરોની ગર્જના પણ કદાચ ફિકકી લાગે. અનેક મીઠાં, મધુરાં અને સ્નેહ – વાત્સલ્યથી ભરેલાં પોતીકા લોકોની ભાતીગળ સ્મૃતિ તેના જીવનના સાફલ્ય ટાણાને અવનવા રંગોથી ભરી દે છે. તેનું આખરી પ્રયાણ જાણે પોતાની મોજમાં ગરવાઇ અકબંધ રાખીને જતા કોઇ શહેનશાહ જેવું લાગે છે. તેનો આત્મા માયાના બંધનોમાં વિંટળાઇને રહેનાર હતો જ નહિ. આ તો મુકત આત્મા હતો, તેને ચિર યૌવન પ્રાપ્ત હતું અને અનંતમાં પોતાને પ્રિય એવા બંધનમૂકત ઉડૃયન તરફ તેની સમગ્ર ગતિ હતી.
માડી ! હું તો રાન પંખીડું,
રે માડી ! હું વેરાન પંખીડુ
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો ‘તો જીવ તોફાની રે,
સુના સમંદરની પાળે.
રેવાના ઘેરા નાદ અને સંગ્રામ સ્થળની ભિષણતા વચ્ચે પણ યુવાનના મનોભાવનું આવુ મોહક ચિત્ર મેધાણી જેવા સર્જક જ પ્રગટ કરી શકે. એપ્રિલ માસના સંદર્ભે અને ધંધુકાની અદાલતની યાદગાર જુબાનીની શાખે કવિ અને સંશોધક ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ મનને પ્રફુલ્લતાથી ભરી દે છે.
Leave a comment