એપ્રિલ માસના આકારા તાપમાં ‘સરોદ’ના ભાતીગળ સર્જનોની પંકિતઓ અનેરી શીતળતાનો અનુભવ કરાવે છે. ર૭ જુલાઇ-૧૯૧૪ના રોજ જન્મેલા આ કવિ ૧૯૭રની નવમી એપ્રિલે અચાનક જ ‘એક્ઝીટ’ કરી ગયા. સ્વસ્થ જીવન જીવતા આ ન્યાયધિશ કવિને મૃત્યુનો આભાસ આગળથીજ થયો હશે ? કવિ લખે છે :
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?
કાનાએ કાંકરી હવે લીધી છે હાથમાં
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?
‘ગાફિલ’ તમારો ઘાટ ઘડાવાની છે ઘડી,
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?
જીવનની આવી ક્ષણભંગુરતાનો આભાસ ‘સરોદ’ ની જેમ ‘કલાપી’ ને પણ કદાચ થયો હશે. આથીજ તેઓ ભ્રમરના મુખે પુષ્પને સંદેશ આપે છે :
અરે આ સ્વપ્ન ટૂંકુ છે
હું ગુંજી લઉં તુ ખીલી લે !
કવિ કલાપી કે સરોદ સાહેબને ભલે આ જીવન એક ટૂંકા સ્વપ્ન જેવું લાગેલું હોય પરંતુ તેઓ જીવનને ભરપુર માણીને તથા ચાહીને આ જગતમાંથી ગયા છે. ખરા અર્થમાં ભાતીગળ તથા અર્થસભર જીવન જીવીને કવિ સીધાવ્યા. ભાષાકર્મના છેલ્લા શ્વાસ સુધી ઉપાસક રહેલા કવિ સરોદ સદેહે આપણી વચ્ચે નથી તેનો રંજ છે. પરંતુ તેઓ જે શબદપુષ્પોનો બાગ મૂકીને ગયા છે તે સદાકાળ મધમધતો રહે તેવો સમૃધ્ધ અને હર્યોભર્યો છે. કવિની જન્મ શતાબ્દી (૧૯૧૪)ના વર્ષમાં તેમની સ્મૃતિને તાજી કરીને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. કવિએ જે ભવ્ય તથા ભાતીગળ વ્યોમનું દર્શન તેમના જીવનમાં કરેલું છે તે સૌને ઉપલબ્ધ છે. પરંતુ તે માટે આ કવિની દ્રષ્ટિએ દર્શન કરવાની પૂર્વશરત છે. કવિને પોતાના આ વ્યોમની ભારે મહત્તા છે અને તેથીજ તેને કવનમાં ઢાળીને અહોભાવપૂર્વક લલકારે છે.
ઓહો મારું વ્યોમ !
સૂર તુલસી કબીર ધનો
દાદુ ને રઇદાસ,
નરસી મીરાં દયા અખો
અજવાળે આકાશ,
કોઇક ચમકે સૂરજ જેવા
કોઇક જાણે સોમ !
ઓહો મારું વ્યોમ !
જે કવિએ આવા બધા મર્મજ્ઞોની ઝળાહળા થતી જ્યોતના દર્શન કર્યા છે તેમની વાણીમાં ચીનગીરી ન પ્રગટે તેવું કેમ બને ? અલખના અંબારને કવિએ આકંઠ માણ્યો છે. કવિના કાવ્યોમાં જે શબ્દો પ્રગટ થયા છે તેમાં સ્વામીદાદા (સ્વામી આનંદ) કહે છે તેમ ‘‘ ઘૂંટેલી ભાષાનું ઊંડાણ ’’ છે. કવિના શબ્દો અંતરની આરતમાંથી ઉઠ્યા છે અને સાહિત્ય જગતમાં પ્રસર્યા છે તેમજ છવાયા છે. આખરે તો જે અંદરથી ઊગે છે તે જ ભાવકોના હૈયા સોંસરવું જાય છે. કવિ રાજેન્દ્ર શુક્લના સુંદર શબ્દો યાદ આવે.
હૈયુ જો હેલે ચડે ગાણું તો જ ગવાય
જે અંદરથી ઉઘડે તે સોંસરવું જાય.
કવિ ‘સરોદ’ ના ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’ ના ઉપનામથી ગઝલો લખતા હતા. સર્જનની આ બન્ને પ્રકારની રચનાઓમાં કવિએ પોતાની અલગ ભાત ઊભી કરેલી છે. ન્યાયધિશ તરીકે અનેક સ્થળોએ સેવા આપ્યા બાદ ૧૯૭ર થી અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટમાં જજ તરીકે કામ કરતાં હતા. કોલેજના અભ્યાસકાળ દરમિયાનજ તેમનું કાવ્યસર્જન શરૂ થઇ ગયુ હતું. કાયદાના આ અભ્યાસુ જજની અંતરની ઊંડી શ્રધ્ધા પરમપિતા પરમેશ્વર તરફ સ્થિર થયેલી હતી. કવિના શબ્દોમાં આવી પ્રભુ-નિષ્ઠા સુંદર શબ્દોમાં વ્યકત થઇ છે.
મારો રોડવનારો રામ
સારું – નરસું કાંઇ ન જાણું,
જાણું ન એનું દામ રે,
મારો રોડવનારો રામ.
જગતનિયંતાને જીવનની તમામ ગતિવિધિઓના ચાલકબળ તરીકે કવિએ નિહાળ્યા છે. આથી આ કુદરત સર્જીત ઘટમાળની કોઇ ઘટના તરફ કવિને વિશેષ ભાવ કે કુભાવ નથી. જે સ્થિતિ છે તેનોજ આભારવશતાથી સ્વીકાર છે. કવિ અસ્વીકારના નહિ પરંતુ સ્વીકારના માણસ છે.
અમને ભલા શું હોય
ખુશી, હોય યા ગમી ?
એણે દીધી, સ્વીકાર કર્યો
એ દશા ગમી
કાંઠે ઉતરતાં કહેવું પડ્યું
વિશ્વસિંધુને, જીવન ગમ્યું,
જુવાળ ગમ્યો, જાતરા ગમી,
ભજન સાહિત્યના સંદર્ભમાં વાત થતી હોય ત્યારે કવિ મકરંદ દવેની સ્મૃતિ સહેજે થાય. ભજનના આ ભાતીગળ પ્રદેશમાં જે ડગ ભરે તે તો ભવપાર તરીને જીત મેળવવાજ સર્જાયેલો છે. શરત માત્ર એટલીજ છે કે આ પ્રદેશમાં ડગ માંડતા પહેલા તમામ ગ્રહો – પૂર્વગ્રહો છોડવા પડે છે. મકરંદી મીજાજમાં કહેલાયેલા આ શબ્દો એકવાર સાંભળો પછી મનમાંથી ખસે તેવા નથી.
આવ હવે તારા ગજ મૂકી
વજન મૂકીને વરવા
નવલખ તારા નીચે બેઠો
ક્યા ત્રાજવડે તરવા
ચૌદ ભૂવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે રે… મનવા !
ભજન કરે તે જીતે
વજન કરે તે હારે… રે મનવા ! …
આ ભજન પરંપરા અને મધ્યયુગના આપણાં સંત-કવિઓનો ‘‘અંદાજે-બયાં’’ જૂદો તરી આવે તેવો હતો. શ્લોક અને લોક વચ્ચેનું રૂડું અનુસંધાન આ ભક્ત કવિઓએજ કરી આપેલું છે. મેઘાણીભાઇ તો લખે છે કે આ સંત સાહિત્યનો, ભજનવાણીનો પ્રસાદ જો ન મળ્યો હોત તો એક કરુણાંતિકા સર્જાઇ હોત ! કારણ કે શાસ્ત્રોની અમૂલ્ય વાતો લોક સુધી ભક્ત કવિઓ સિવાય કોણ પહોંચાડી શકત ? ઋષિવર્ય વાલ્મીકીનું રામાયણ શ્રેષ્ઠ હોય તો પણ ઘર ઘર સુધી, જન-જન સુધી રામકથા તો સંત તુલસીદાસ રચિત રામચરિત માનસ થકી વિશેષ પહોંચી શકી. રવિ સાહેબ તથા ગંગાસતી જેવા સાધકોની શબ્દ સાધનાથી આપણું ભજન સાહિત્યા ઝળાહળા છે. ભજનના આ સર્જકોની વાણી તો ગંગાના પ્રવાહ જેમ નિર્મળ અને સમથળ રહી છે. કવિ શ્રીમકરંદ દવે કહે છે તેમ આ ભજનવાણીની ગંગોત્રી સુરતા છે તો એનો ગંગાસાગર છે શબદ. સુરતા અને શબ્દનો સુયોગ એજ ભજનની ખરી પરીતૃપ્તિનો અનુભવકરાવે છે. ભક્તોને મન તેનીજ ખરી કિમ્મત છે. ભજન માર્ગે સમજપૂર્વક પગલા પાડનારા ભક્તિમાર્ગના ખરા ઉપાસકો છે.
વનવગડાની કાંટું, એમાં
ફૂલડાં કેરી ફાંટું, રામ
એવી ભક્તિની વાટું.
ભજન એ ભક્તના અંતરમાંથી સહજ રીતે પ્રગટેલી વાણી છે. સરોદ લખે છે તેમ ભજન એ માલિક સાથેની કે માલિક સંબંધેની ‘‘દો દો બાતાં’’ છે. આ શબ્દોની સંગત માણવા જેવી છે. કબીર સાહેબ કહે છે :
શબદ – જહાજ ચઢો, ભાઇ હંસા, અમરલોક લે જાઇ હો,
તહાંકે ગયે કછુ ભય નહિ વ્યાપે, નહિ કાલ ઘર ખાઇ હો,
કહ કબીર સુનો ભાઇ સાધો,અચરજ બરનિ ન જાઇ હો,
પ્રેમ આનંદકી નૌબત બાજી, જીત નિશાન ફિરાઇ હો.
મધ્યયુગના ભજનીક સંતોને મેઘાણીભાઇએ ‘‘કવિભક્તો’’ કહ્યાં છે તે સર્વથા ઉચિત છે. આ સંતવાણીના સર્જકો તથા વાહકોજ ખરાં અર્થમાં મીરાં – કબીર અને નરસિંહના અનુગામીઓ હતા. ઊર્મિના ઊંડા આવેશથી તેમની રચનાઓ હરી ભરી રહી છે. કોઇ પ્રસિધ્ધિ કે કીર્તિ માટે તેમની કલમ ચાલી નથી. અખંડ ધણી સાથેના અનુસંધાન માટેની જ ભક્ત-કવિઓની આજીવન શબદ ઉપાસના રહી છે. ઘણાં સંત-કવિઓ સામાન્ય ગ્રહસ્થજીવન ગાળીને તથા પોતાની સાંસારીક જવાબદારીઓ પાર પાડતા પાડતા હરઘડી ભજન મસ્તીમાં રત રહેલા છે. આડંબર કે મોટાઇનો કોઇ ભાવ તેમના જીવન કે કવનમાં લેશમાત્ર જોવા મળતો નથી. આતમને જગાડતી તેમની વાણી કાળજયી છે. અલખ ધણીને પોતાની પૂજા સ્વીકારી લેવાની તેમાં આર્તવાણી છે.
પૂજા મારી માની લેજો
સ્વામી સૂંઢાળા રે…
ગણપતિ દેવા રે…
ખોલો મારા રુદિયાના તાળાં રે…
ઇતિહાસ જેને ભક્તિ આંદોલનના કાળખંડ તરીકે ઓળખાવે છે તે ભક્તિ આંદોલનનો આ પ્રવાહ સદીઓ સુધી આપણી સંસ્કૃતિ અને પરંપરાને સાચવીને ઊભો છે. ત્યાં કોઇ જાતિ પાતિને સ્થાન નથી. ઊંચ-નીચનો વિચાર સુધ્ધા નથી.
જાતિ – પાતિ પૂછે નહિ કોઇ
હરિ કો ભજે સૌ હરિકા હોઇ.
વીજળીના ચમકારે સંતવાણીના આ સર્જકોએ મોંઘેરા મોતી આતમ સૂઝથી પરોવ્યા છે. તેમણે જે શબ્દ થકી ઉપાસના કરી છે તેનો સૂર તો તેમને ભીતરથી પ્રાપ્ત થયેલો છે. દોરંગી દુનિયાની ગલીકૂંચીમાં આ સર્જક ભૂલો પડ્યો નથી. જગતના વ્યવહારોની કડવી-મીઠીનો કાવો કરીને આ સર્જકોએ હોંશભેર પીધો છે. સરોદ સાહેબ લખે છે :
દુનિયા દોરંગી એને દવલી ન લાગે
એ તો મોતનોય કરતો મલાવો
કહે છે કે દુનિયાની કડવી ને મીઠી ભાઇ
હોંશે પી જાવ કરી કાવો
હેજી ! મારે ભીતર બોલે કોઇ બાવો
સહુને કહે છે આવો આવો.
સરોદ પોતાની કેફિયત રજૂ કરતાં કહે છે કે તેમની ભજનવાણી કોઇ અવતારી પુરુષની પ્રેરણાથી થયેલી છે. પ્રભુની કૃપાદ્રષ્ટિથી ભજનો લખાયા છે તેવી દ્રઢ પ્રતિતિ ધરાવનારા આ સર્જક ભકિત અને શ્રધ્ધાના બળે જીવનમાં ચાલ્યા છે તથા સહજ રીતેજ મહોર્યા છે. ભજનની ઉજવળ ધારા સહીઓથી નિરંતર વહેતી રહી છે. અનેક સામાન્ય લોકોને ભજન સાહિત્યમાં પોતાની લાગણી-શ્રધ્ધા તથા પ્રભુનિષ્ઠાના દર્શન થયા છે. આથી જ ભજનવાણી સમાજ જીવનમાં હંમેશા જીવંત તથા ધબકતી રહેલી છે. ‘સરોદ’ આપણાં ભજનસાહિત્યના સદાકાળ જીવંત સર્જક છે. ‘સરોદ’ની ભજનવાણીમાં ડૂબકી મારીને એક અનોખા આનંદની અનુભૂતિ થાય છે.
Leave a comment