જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ સાહેબને તેમજ તેમની કાર્ય કરવાની પધ્ધતિધ્ધતિને આજે પણ આદરપૂર્વક યાદ કરે છે. ઘટના કંઇક આવી છે :
૧૯૪૫ માં ગાંધીજીને આગાખાન પેલેસની જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. આ ઘટના બને છે તે દિવસેજ દલાલ સાહેબને મળવા સદોબા પાટીલ (એસ. કે. પાટીલ) આવે છે. એસ. કે. પાટીલ મહારાષ્ટ્રના તે સમયના મોટા ગજાના અગ્રણી હોવા ઉપરાંત ભારત સરકારમાં રેલવે મંત્રી તરીકે પણ તેમણે કામગીરી કરી હતી. શ્રી પાટીલે દલાલ સાહેબને કહ્યું કે બાપુને પંચગની રસ્તા માર્ગે લઇ જવાનો નિર્ણય થયો છે પરંતુ તે માટે કારમાં પુરતુ પેટ્રોલ નથી. તે વખતે પેટ્રોલનું રેશનીંગ ચાલતું હોવાથી બજારમાંથી નાણાં ખર્ચીને પણ પેટ્રોલ મેળવી શકાય તેવી સ્થિતિ ન હતી. આથી એસ. કે. પાટીલે દલાલ સાહેબ પાસેથી પેટ્રોલની માંગણી કરી. દલાલ સાહેબ તે સમયે પૂના જિલ્લામાં ફરજ બજાવતા હતા. તેમની સરકારી સેવાની શરૂઆતનો આ સમયગાળો હતો. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે તેમને ફરજના ભાગ તરીકે પ્રવાસ કરવો જરૂરી હતો. આથી એક કાળજીવાળા અધિકારીને છાજે તેમ તેઓ પેટ્રોલનો થોડો સ્ટોક પોતાની સરકારી ગાડીમાં રાખતા હતા. દલાલ સાહેબે ક્ષણના પણ વિલંબ સિવાય પેટ્રોલ આપવાની હા કહી. આ પેટ્રોલના કેટલા પૈસા ચૂકવવાના થાય છે તેવી પૂછપરછ સ્વાભાવિક રીતેજ પાટીલ સાહેબે કરી. દલાલ સાહેબના જવાબમાં એક શાણા ગુજરાતીને છાજે તેવો રણકાર હતો : ‘‘ એટલા પૈસા મને ગાંધીજી માટે ખર્ચવાની છૂટ આપો. મારે એકપણ પૈસો જોતો નથી. ’’ આમ છતાં એક પ્રકારની કુતૂહુલ વૃત્તિથી દલાલે એસ. કે. પાટીલને પૂછ્યું કે પૂનાના કેટલાક શેઠીયાઓ – ઉદ્યોગપતિઓ ગાંધીજીના ભક્ત છે છતાં પણ આ સેવા માટે તેમની (શ્રી દલાલની) પસંદગી કેમ કરવામાં આવી ? એસ. કે. પાટીલે કહ્યું કે તેમાના મોટા ભાગના ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાય સબંધી હીતના કારણે બ્રિટીશ સરકારની સંભવિત ખફગી આવું કામ કરીને વહોરવા માંગતા નથી. દલાલ સાહેબે આથી તરતજ પૂછ્યું કે તેઓ તો આ સરકારનાજ અધિકારી હતા, તંત્રના ભાગરૂપ હતા તે હકીકત તેમના (એસ. કે. પટીલના) ધ્યાને કેમ ન આવી ? શ્રી પાટીલનો જવાબ ટૂંકો અને સ્પષ્ટ હતો. તેઓ કહે : ‘‘ મને તારી હિમ્મતમાં પૂરી શ્રધ્ધા હતી. ખાતરી પણ હતી કે આવા કાર્ય માટે તમે કોઇની દરકાર કરો તેવા નથી ! ’’ જે લોકો વહીવટમાં એક અથવા બીજા સ્થાન પર નાની – મોટી સેવા બજાવે છે તે સૌ ગૌરવ અનુભવી શકે તથા પ્રેરણા લઇ શકે તેવો આ પ્રસંગ છે. ‘‘ સીર સાટે નટવરને ભજવા ’’ ની હામ જેના હૈયામાં ધરબાયેલી હોય તેજ વ્યક્તિ આવું કાર્ય સભાનતાપૂર્વક કરી શકે. જાહેર સેવામાં પડેલા લોકોની પણ એક અનોખી આકાશગંગા છે. અનેક ઉજળા નામોનું તેજ ત્યાં ઝળહળે છે. આ બધા પુણ્યશ્લોક નામોમાં ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનું સ્થાન અનોખું છે. બાળ રાજવી અને ભાવનગરના હીતો જાળવીને તેમજ અંગ્રેજ હકૂમત સાથે પણ પોતાની આગવી વિચક્ષણતાથી વ્યવહારુ સંબંધો જાળવીને આ મનિષિએ જાહેર સેવાના કે રાજ્યની સેવાના ભવ્ય તથા ભાતીગળ ઉદાહરણો પૂરા પાડેલા છે. દેશી રાજ્યોની નબળાઇ અને પ્રજાહિતની બાબતોમાં ગોરી સરકારના આંખમીંચામણાની સ્થિતિમાં માત્ર પ્રજાહીતને કેન્દ્રમાં રાખીને પટ્ટણી સાહેબે કરેલો ભાવનગરનો વહીવટ અનેક વહીવટકર્તાઓને દરેક કાળમાં દિશા દર્શક બની શકે તેવો છે. સ્થળ તથા સંજોગો કાળના વહેતા પ્રવાહમાં ભલે બદલાયા હોય પરંતુ વ્યાપક લોકહીતની ખેવનાનો મૂળ સિધ્ધાંત આજે પણ તેટલોજ સાંપ્રત અને સંદર્ભયુક્ત છે. એપ્રિલની ૧૫મી તારીખે ૧૮૬૨ માં જન્મ લેનાર આ મહાપુરુષની સ્મૃતિ તાજી કરી તેમને વંદન કરવાનો આ સમય છે. આજથી લગભગ દોઢ સદી પહેલા પણ પટ્ટણી સાહેબ જે ચિલા પાડીને ગયા તે વહીવટના વટેમાર્ગુઓએ ફરી ફરી સમજવા અને અનેક કિસ્સામાં અનુસરવા જેવા છે. ભોળા હરણ શિશુ જેવી જિંદગીનું જેને આકર્ષણ છે તેવા આ કવિ અને ઋજુ હ્રદયના માનવીએ વહીવટના આટાપાટાના ઉકેલ માટે કદી ટૂંકો કે અન્યાયકર્તા માર્ગ લીધો નથી. સરળતા તેમજ નિર્દોષતાના તેઓ આજીવન ઉપાસક રહ્યા છે. લખે છે.
જોવી જેને નજર ન પડે
વક્ર તાલેવરોની, ખાયે જેઓ
ઉદર ભરીને પંક્તિ દુર્વાકરોની,
ઠંડા વારિ નદી સર તણાંપી
નિરાંતે ભમે છે તેવી સાદા
હરિણ શિશુની જિંદગાની ગમે છે.
શાસકના ગુણો વર્ણવતા શાસ્ત્રોએ-વિદ્વાનોએ અનેક જગાએ કહયું છે કે શાસકમાં, વહીવટકર્તામાં પાયાનો ગુણ સંવેદનશીલતાનોહોવો જોઇએ. જો નૃપ દયાહીન થાય તો ધરતીના અમી પણ સોશાઇ જાય તેવી કાવ્યાત્મક વાત કલાપીની ગ્રામમાતાએ કરી છે ! ભાવનગરના પુણ્યશ્લોક મહારાજા કૃષ્ણકુમારસિંહજી તથા તેમના દીવાન સર પટ્ટણીના દીર્ઘ વહીવટકાળમાં જે કોઇ વહીવટી નિર્ણયો થયા તે દરેકે દરેક નિર્ણયમાં શાસનની પ્રજા તરફની મૂંગી છતાં મકકમ સંવેદનશીલતાનું સતત દર્શન થયા કરે છે. પટ્ટણી સાહેબ સંવેદનશીલતાનું મૂર્તિમંત સ્વરૂપ હતા તેમ કહીએતો અતિશયોકિત નહિ ગણાય. આથી જ આ શાસનકર્તાઓના જીવન અને તેમના કાર્યો સદાકાળ પ્રાસંગિક છે, નિત્ય નવા અને દિશાદર્શક છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના વાણી તથા વર્તનમાં સમાજના ઉપેક્ષિત વર્ગો તરફથી લાગણી, સંવેદનશીલતા હમેશા જોવા મળતા હતા. પટ્ટણી સાહેબે આ ગાંધી વિચારોનો વાસ્તવિક તથા વ્યવહારુ અમલ રાજ્યના દૈનિક કારોબારમાં કરી બતાવ્યો હતો.
સર પટ્ટણીને માત્ર એક રાજયના કુશળ દીવાન ગણાવીએ તો તેમના વિશાળ વ્યકિતત્વના એક નાના ભાગનો જ તેમાં સમાવેશ થાય. આ એક એવા મહાનુભાવ હતા કે સમગ્ર કાળખંડ પર તેમના ઓજસ્વી વ્યકિતત્વની તથા તેમના કાર્યોની અસર હતી. અંગ્રેજ અમલદારો બરાબર જોઇ શકતા હતા કે સર પટ્ટણીનો કાર્યક્ષમ વહીવટ તથા તેનાથી રાજયને થતાં ફાયદા દ્રષ્ટાંતરૂપ બાબતો હતી. પ્રજાનો વ્યાપક પ્રેમ સંપાદન કરીને રાજયના હિતમાં સર્વશ્રેષ્ઠ હોય તેવી બધી જ બાબતોનો અમલ કરવામાં પટ્ટણી સાહેબના નેતૃત્વ નીચે ભાવનગર રાજયે પહેલ કરી હતી. ગાંધીજી પણ આ બાબત જોઇ શકયા હતા અને તેના આજીવન પ્રશંસક હતા. ૧૮૯૬ માં મહારાજા તખ્તસિંહજીનું અવસાન થતાં ભાવસિંહજી (બીજા)નો રાજયભિષેક થયો. મહારાજા ભાવસિંહજીને પટ્ટણી સાહેબનો જૂનો પરિચય હતોજ. રાજકુમાર કોલેજમાં સર પટ્ટણી જ તેમના ટયુટર હતા. આથી ભાવસિંહજી સમજતા હતા કે સર પટ્ટણીના હાથમાં રાજયનું વહીવટી સુકાન સોંપવામાં આવે તો રાજયનો સર્વગ્રાહી વિકાસ ચોકકસ થાય અને પોતાને રાજા તરીકે યશ પણ મળે. છેવટે તેમણે ૧૯૦૨ માં ભાવનગર રાજ્યનું દીવાનપદ સ્વીકાર્યુ. સર પટ્ટણી દીવાન થયા ત્યારે ભાવનગર રાજ્ય દેવા તળે દબાયેલું હતું. આર્થિક બાબતોમાં પણ કૂશળ હકીમની જેમ તેમણે એવા વહીવટી ઇલાજો પ્રયોજ્યા કે ૧૯૪૮ માં ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્ર સરકાર સાથે જોડાયું ત્યારે રાજ્યની તિજોરીમાં અઢાર કરોડ રૂપિયાની પુરાંત હતી ! આ બધા વચ્ચે પણ આંગણે આશા લઇને કોઇ આવે તો તેને ખાલી હાથે પાછા જવા દેવાની વાત તેમના સ્વભાવમાં ન હતી. તેમના અંતરની લાગણી નીચેના શબ્દોમાં વ્યકત થાય છે.
જગત આ ક્ષેત્ર સેવાનું મફત સેવા કરી લેવી
પ્રભુએ જન્મ આપ્યાની કરજદારી ભરી દેવી.
વિશ્વના ભિન્ન ભિન્ન શાસકોનો ઇતિહાસ જોઇએ તો જે લોકો પ્રજા સાથેના સંબંધોમાં સંવેદનશીલતા જાળવી શકયા છે તેવા શાસનકર્તાઓ પ્રજાનો વ્યાપક પ્રેમ તથા આદર મેળવી શકયા છે. રામરાજયથી માંડી ભાવનગરના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજી સુધીના લોકોને આ વાત લાગુ પડે છે. શાસનની સમગ્ર વ્યવસ્થામાં દીવાનનું મહત્વનું સ્થાન ધરાવતા સર પટ્ટણી એક ખૂબજ ઉદાર નમ્ર વહીવટકર્તા હતા. સર પટ્ટણી બરાબર સમજતા હતા કે હિન્દુસ્તાનના લોકો પોતાના રાજા તરફ માન તથા આદરની દ્રષ્ટિથી જોતા હતાં. પિતાની જેમ પ્રજાનું લાલનપાલન કરનારા આ રાજવીઓની વાતો આજે પણ યાદ કરીને તેનો અહોભાવ વ્યકત કરવામાં આવે છે. રાજયના અધિકારી વર્ગે પણ રાજા તથા પ્રજાને સાંકળતી મહત્વની કડી સ્વરૂપે કામ કરવું જોઇએ. આ પ્રજાલક્ષી અભિગમને કારણે ભાવનગર રાજયના તે સમયના રાજવીઓને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ હતી અને જનસમૂહને આદર્શ શાસન વ્યવસ્થાનો અનુભવ થયો હતો. સર પટ્ટણીની સંવેદનશીલતાના અનેક પ્રસંગો છે. તેમણે લખેલી નીચેની પંક્તિઓ માત્ર લખવા ખાતર નથી લખી, આ લાગણી તેમણે વાસ્તવિક જીવનમાં પોતાના કાર્યોથી પણ કંડારી છે.
જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગિયો થાઉ
બની શકે તો શાંતિ કરું નહિ તો અશ્રુએ એના ન્હાઉ
બતાવો ઉપાય કો એવો દુ:ખે બનુ ભાગિયો એવો.
યુગો સુધી પટ્ટણી સાહેબનું નામ તથા તેમનું કામ પથદર્શક બની રહેશે તે બાબત નિસંદેહ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૩/૦૪/૨૦૧૭.
Leave a comment