: વાટે….ઘાટે…. : : સત્તા એ ભૂમિ સેવાની છે : : સર પટ્ટણી અને વહીવટના મોંઘા મૂલ્યો :

જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ સાહેબને તેમજ તેમની કાર્ય કરવાની પધ્ધતિધ્ધતિને આજે પણ આદરપૂર્વક યાદ કરે છે. ઘટના કંઇક આવી છે :

૧૯૪૫ માં ગાંધીજીને આગાખાન પેલેસની જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. આ ઘટના બને છે તે દિવસેજ દલાલ સાહેબને મળવા સદોબા પાટીલ (એસ. કે. પાટીલ) આવે છે. એસ. કે. પાટીલ મહારાષ્ટ્રના તે સમયના મોટા ગજાના અગ્રણી હોવા ઉપરાંત ભારત સરકારમાં રેલવે મંત્રી તરીકે પણ તેમણે કામગીરી કરી હતી. શ્રી પાટીલે દલાલ સાહેબને કહ્યું કે બાપુને પંચગની રસ્તા માર્ગે લઇ જવાનો નિર્ણય થયો છે પરંતુ તે માટે કારમાં પુરતુ પેટ્રોલ નથી. તે વખતે પેટ્રોલનું રેશનીંગ ચાલતું હોવાથી બજારમાંથી નાણાં ખર્ચીને પણ પેટ્રોલ મેળવી શકાય તેવી સ્થિતિ ન હતી. આથી એસ. કે. પાટીલે દલાલ સાહેબ પાસેથી પેટ્રોલની માંગણી કરી. દલાલ સાહેબ તે સમયે પૂના જિલ્લામાં ફરજ બજાવતા હતા. તેમની સરકારી સેવાની શરૂઆતનો આ સમયગાળો હતો. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે તેમને ફરજના ભાગ તરીકે પ્રવાસ કરવો જરૂરી હતો. આથી એક કાળજીવાળા અધિકારીને છાજે તેમ તેઓ પેટ્રોલનો થોડો સ્ટોક પોતાની સરકારી ગાડીમાં રાખતા હતા. દલાલ સાહેબે ક્ષણના પણ વિલંબ સિવાય પેટ્રોલ આપવાની હા કહી. આ પેટ્રોલના કેટલા પૈસા ચૂકવવાના થાય છે તેવી પૂછપરછ સ્વાભાવિક રીતેજ પાટીલ સાહેબે કરી. દલાલ સાહેબના જવાબમાં એક શાણા ગુજરાતીને છાજે તેવો રણકાર હતો : ‘‘ એટલા પૈસા મને ગાંધીજી માટે ખર્ચવાની છૂટ આપો. મારે એકપણ પૈસો જોતો નથી. ’’ આમ છતાં એક પ્રકારની કુતૂહુલ વૃત્તિથી દલાલે એસ. કે. પાટીલને પૂછ્યું કે પૂનાના કેટલાક શેઠીયાઓ – ઉદ્યોગપતિઓ ગાંધીજીના ભક્ત છે છતાં પણ આ સેવા માટે તેમની (શ્રી દલાલની) પસંદગી કેમ કરવામાં આવી ? એસ. કે. પાટીલે કહ્યું કે તેમાના મોટા ભાગના ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાય સબંધી હીતના કારણે બ્રિટીશ સરકારની સંભવિત ખફગી આવું કામ કરીને વહોરવા માંગતા નથી. દલાલ સાહેબે આથી તરતજ પૂછ્યું કે તેઓ તો આ સરકારનાજ અધિકારી હતા, તંત્રના ભાગરૂપ હતા તે હકીકત તેમના  (એસ. કે. પટીલના) ધ્યાને કેમ ન આવી ? શ્રી પાટીલનો જવાબ ટૂંકો અને સ્પષ્ટ હતો. તેઓ કહે : ‘‘ મને તારી હિમ્મતમાં પૂરી શ્રધ્ધા હતી. ખાતરી પણ હતી કે આવા કાર્ય માટે તમે કોઇની દરકાર કરો તેવા નથી ! ’’ જે લોકો વહીવટમાં એક અથવા બીજા સ્થાન પર નાની – મોટી સેવા બજાવે છે તે સૌ ગૌરવ અનુભવી શકે તથા પ્રેરણા લઇ શકે તેવો આ પ્રસંગ છે. ‘‘ સીર સાટે નટવરને ભજવા ’’ ની હામ જેના હૈયામાં ધરબાયેલી હોય તેજ વ્યક્તિ આવું કાર્ય સભાનતાપૂર્વક કરી શકે. જાહેર સેવામાં પડેલા લોકોની પણ એક અનોખી આકાશગંગા છે. અનેક ઉજળા નામોનું તેજ ત્યાં ઝળહળે છે. આ બધા પુણ્યશ્લોક નામોમાં ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનું સ્થાન અનોખું છે. બાળ રાજવી અને ભાવનગરના હીતો જાળવીને તેમજ અંગ્રેજ હકૂમત સાથે પણ પોતાની આગવી વિચક્ષણતાથી વ્યવહારુ સંબંધો જાળવીને આ મનિષિએ જાહેર સેવાના કે રાજ્યની સેવાના ભવ્ય તથા ભાતીગળ ઉદાહરણો પૂરા પાડેલા છે. દેશી રાજ્યોની નબળાઇ અને પ્રજાહિતની બાબતોમાં ગોરી સરકારના આંખમીંચામણાની સ્થિતિમાં માત્ર પ્રજાહીતને કેન્દ્રમાં રાખીને પટ્ટણી સાહેબે કરેલો ભાવનગરનો વહીવટ અનેક વહીવટકર્તાઓને દરેક કાળમાં દિશા દર્શક બની શકે તેવો છે. સ્થળ તથા સંજોગો કાળના વહેતા પ્રવાહમાં ભલે બદલાયા હોય પરંતુ વ્યાપક લોકહીતની ખેવનાનો મૂળ સિધ્ધાંત આજે પણ તેટલોજ સાંપ્રત અને સંદર્ભયુક્ત છે. એપ્રિલની ૧૫મી તારીખે ૧૮૬૨ માં જન્મ લેનાર આ મહાપુરુષની સ્મૃતિ તાજી કરી તેમને વંદન કરવાનો આ સમય છે. આજથી લગભગ દોઢ સદી પહેલા પણ પટ્ટણી સાહેબ જે ચિલા પાડીને ગયા તે વહીવટના વટેમાર્ગુઓએ ફરી ફરી સમજવા અને અનેક કિસ્સામાં અનુસરવા જેવા છે. ભોળા હરણ શિશુ જેવી જિંદગીનું જેને આકર્ષણ છે તેવા આ કવિ અને ઋજુ હ્રદયના માનવીએ વહીવટના આટાપાટાના ઉકેલ માટે કદી ટૂંકો કે અન્યાયકર્તા માર્ગ લીધો નથી. સરળતા તેમજ નિર્દોષતાના તેઓ આજીવન ઉપાસક રહ્યા છે. લખે છે.

જોવી જેને નજર ન પડે

વક્ર તાલેવરોની, ખાયે જેઓ

ઉદર ભરીને પંક્તિ દુર્વાકરોની,

ઠંડા વારિ નદી સર તણાંપી

નિરાંતે ભમે છે તેવી સાદા

હરિણ શિશુની જિંદગાની ગમે છે.

પુજ્ય મોટાની ઇચ્‍છાના કારણે હરિઓમ આશ્રમની સહાય – પ્રોત્‍સાહનથી તેમજ પોતાના દરેકે દરેક લખાણમાં સંપૂર્ણ ચીવટ તથા કાળજી રાખનાર શ્રી પિયુષ પારાશર્યને કારણે આપણાં સુધી પટ્ટણી સાહેબની વાતો ગ્રંથ સ્‍વરૂપે પહોંચી શકી છે તેથી આપણે હરિઓમ આશ્રમ તથા પિયુશભાઇના રુણી છીએ. સર પટ્ટણીનું જીવન જાહેર વહીવટ સાથે સંબંધ ધરાવતા તમામ લોકો માટે દીવાદાંડી સમાન છે. તે તરફ દ્રષ્‍ટિ રાખીને વહીવટ ચલાવવાનો પ્રયત્‍ન કરીશું તો એ ચોકકસ લોક કલ્‍યાણલક્ષી વહીવટ પુરવાર થશે તેમ કહી શકાય. યુગો સુધી પટ્ટણી સાહેબનું નામ તથા તેમનું કામ પથદર્શક બની રહેશે તે બાબત નિસંદેહ છે. પટ્ટણી સાહેબની લખેલી સુંદર પંક્તિઓ છે.

‘‘ સત્તા ભૂમિ સેવાની છે

જિંદગી આ પર સેવાની છે

લોકખ્યાતિ તોફાની છે

સહુની ગઇ છે, જાવાની છે. ’’

વી. એસ. ગઢવી
ગાંધીનગર.

તા.૦૩/૦૪/૨૦૧૭.      

Leave a comment

Blog at WordPress.com.

Up ↑