: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :

 

રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા રહે છે. વ્યક્તિગત રીતે સમાજના અનેક નાગરિકો તેમની ગ્રહણ કરવાની શક્તિ મુજબ લાભાન્વીત પણ થતા રહે છે. આ રીતે ભક્ત કવિ ઇસરદાસજીની પવિત્ર વાણીનો પ્રવાહ ‘હરિરસ’ નામના ગ્રંથના માધ્યમથી વહેતો રહેલો છે. સંત કવિની રચનાઓ તો અનેક છે. દરેક રચનાને પોતાનું અલગ ભાવવિશ્વ છે. પરંતુ હરિરસ તેમજ જગદંબાની કૃપા પામવા માટેનો ગ્રંથ ‘દેવીયાંણ’ એ વિશેષ પ્રચલિત તથા લોકાદર પામેલા મૂલ્યાવન ગ્રંથ છે. ‘હરિરસ’ તથા ‘દેવીયાંણ’ ના આવા અનેરા મૂલ્યને વિશેષ સ્પષ્ટ કરવા માટે લીંબડી રાજ્યકવિ શંકરદાનજી દેથાએ સરળ તથા અર્થપૂર્ણ પંક્તિઓ લખી છે.

વાંચો શ્રીમદ્ ભાગવત

મોટો ગ્રંથ મહાન

કે આ હરિરસ નીત પઢો

શુભ ફળદાયી સમાન.

વાંચો દુર્ગા શપ્ત સતી

યા વાંચો દેવીયાંણ

શ્રોતા – પાઠીકો પરમ

સુખપ્રદ ઉભય સમાન.

       હરિરસ કાવ્યની રચના કર્યા પછી ભક્ત કવિ ઇસરદાનજીએ આ કાવ્ય દ્વારકાધીશને અર્પણ કર્યાની માન્યતા છે. ઉપરોક્ત માન્યતા વ્યાપક રીતે સ્વીકૃત થયેલી છે. ‘‘ ગુજરાત ઇતિહાસ પરિષદ ’’ ના દ્વારકામાં યોજવામાં આવેલા છઠ્ઠા અધિવેશનમાં (૧૯૭૧) પરિષદની સ્વાગત સમિતિ તરફથી એક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથ વિદ્દવત જન શ્રી પુષ્કરભાઇ ગોકાણીએ દ્વારકા મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ લખીને પ્રગટ કરેલો હતો. પ્રસ્તુત ગ્રંથમાં સંશોધનના આધારે નોંધાયું છે કે ઇ. સ. ૧૫૪૦ ના અરસામાં કવિ ઇસર બારોટે હરિરસ ગ્રંથ દ્વારકાનાથના મંદિરમાં સંભળાવીને શ્રીને અર્પણકર્યો. ઓખામંડળ પર લખવામાં આવેલા અન્ય ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. અલબત્ત, ચોક્કસ સમય કાળ બાબતમાં તેમાં ભિન્ન મંતવ્ય છે જે આવા ઐતિહાસિક પ્રસંગોમાં મહદ્ અંશે જોવા મળતા હોય છે.

હરિરસનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવો છે. મહાભારતના ભીષણ સંગ્રામમાંથી જેમ ભગવતગીતાની ઉત્‍પતિ સમગ્ર માનવજાતિના કલ્‍યાણ માટે થઇ તેજ રીતે ભક્ત શિરોમણી ઇસરદાસજીના આદ્યાત્‍મ ઉન્‍નતિ પ્રવાસ પથ પર હરિરસનું નિર્માણ લોક કલ્‍યાણ માટે થયું હોય તેમ જણાય છે. પરમ તત્‍વની ઉપાસનાનું આટલું અસરકારક અને સચોટ નિરૂપણ ઇસરદાસજી જેવા મહામાનવ જ કરી શકે. આચાર્ય બદ્રીપ્રસાદ સાકરીયાએ લખેલી એ વાત નિર્વિવાદ છે કે હિન્‍દી  સાહિત્‍યમાં જે સ્‍થાન ગોસ્‍વામી તુલસીદાસ કે કૃષ્‍ણભક્ત સુરદાસનું છે તેવુંજ સ્‍થાન સૌરાષ્‍ટ્ર-સિંધ-કચ્‍છ-થરપારકરના સાહિત્‍યમાં ઇસરદાસજીનું છે. ‘ઇસરા પરમેસરા’ તરીકેની તેમની ઓળખ તેમણે સર કરેલા અદ્યાત્‍મના ઉચ્‍ચ  શીખરોને કારણેજ પ્રસ્‍થાપિત થયેલી છે. મહાત્‍મા ઇસરદાસજીએ હરિરસ ઉપરાંત વિપુલ સાહિત્‍યનું સર્જન તેમના જીવનકાળ દરમ્‍યાન કર્યું. તેમનું સાહિત્‍ય ગુજરાત તથા રાજસ્‍થાનની સહિયારી સંપત્તિ છે. હરિરસ ઉપરાંત માતૃ ઉપાસનાનો અમૂલ્‍ય  ગ્રંથ ‘દેવીયાણ’ આજે પણ પ્રચલિત છે અને વ્‍યક્તિગત તથા સામૂહિક પ્રાર્થનામાં તેનો બહોળો ઉપયોગ થાય છે. મધ્‍યકાલિન યુગમાં જ્ઞાન, વૈરાગ્‍ય અને સંસ્‍કારના ફેલાવા માટે વિવિધ પ્રદેશોમાં થયેલા સંત-ભક્તોએ ખૂબજ મહત્‍વનો ફાળો આપ્‍યો છે. લોકો સમજી શકે તેવી સરળ ભાષા અને શૈલીમાં તેમણે સચોટ ઉદાહરણો સાથે વેદો અને ઉપનિષદોમાં પ્રબોધેલું જ્ઞાન લોકો સુધી પહોચતું કર્યું. મેઘાણીભાઇના મત મુજબ આપણાં આ સંતકવિઓ, ભક્તકવિઓએ શ્લોક તથા લોક વચ્‍ચેનું અસરકારક અનુસંધાન કરેલું છે. રામાયણ કે મહાભારત જેવા આપણા મૂલ્‍યવાન ગ્રંથોમાં ગ્રંથસ્‍થ થયેલી વાતો તેમજ તેનું વિચારતત્‍વ આપણાં સંતકવિઓના માધ્‍યમને કારણેજ મુખ્‍યત્‍વે   લોક સુધી પહોચ્‍યું. આ બધા ભક્તકવિઓએ સંસારમાં રહીને તથા લોકો વચ્‍ચે ઉજળા જીવન જીવીને સહજ રીતે તથા સરળ ભાષામાં જ્ઞાનનો પ્રવાહ લોક સુધી પહોંચાડ્યો. સંતકવિઓનું સમાજને આ સૌથી મોટું તથા મહત્‍વનું પ્રદાન છે. આવા લોકકવિઓને મેઘાણીભાઇ ‘‘પચેલા આત્‍મજ્ઞાનના ઓડકાર ખાનારા’’ કહેતા તે ખૂબ યથાર્થ છે. ઇસરદાસ હોય કે સુરદાસ હોય – તેમની શબદવાણી ગંગાના પ્રવાહ જેવી નિર્મળ તથા પાવક છે.

બેડો હરિરસ બારટે, ઊભો કીધો આણ,

ઇશર જણ જણ આગળે, જગ વેતરણી જાણ.

      લોકોનો વ્‍યાપક પ્રતિસાદ આ સાહિત્‍યને મળ્યો. ભક્તિ માર્ગને વેગ આપવામાં આ સંતોનો ફાળો ખૂબ મહત્‍વનો બની રહ્યો. મહાત્‍મા ઇસરદાસજીએ પણ ભક્તિ અને સમર્પણના નવા ચીલા પાડ્યા અને અમર સાહિત્‍યનું સર્જન કર્યું. જ્ઞાન અને ભક્તિના આ પ્રવાહમાં કોઇ જાતિ કે વર્ણનો ભેદ ન હતો. કોઇ ચોક્કસ વિધિ-વિધાન કે બાહ્ય ક્રિયાકાંડનું પણ તેમાં વિશેષ મહત્‍વ ન હતું. નામ સ્‍મરણનો મહિમા અને પરમ તત્‍વ તરફની ગતિ એજ તેની ચાવીરૂપ બાબત હતી. મહાત્‍મા ઇસરદાસજીનું યોગદાન આ કાળના સાહિત્‍યમાં પ્રકાશપુંજ સમાજ છે. તેમની અનેક સુપ્રસિધ્ધ કૃતિઓમાં હરિરસ, દેવીંયાણ, નિંદાસ્‍તુતિ તથા હાલાઝાલારા કુંડળીયાનો સમાવેશ થાય છે.

હરિરસની કેટલીક પ્રચલિત પંક્તિઓનું ફરી ફરી પઠન કરવું ગમે તેવું છે.

રસણાં રટે તો રામ રટ,

વેણાં રામ વિચાર,

શ્રવણ રામ ગુણ સાંભળે,

નેણાં રામ નિહાર.

જો જીભે કોઇનું નામ રટવું હોય તો એ રામનુંજ હોય. કોઇના ગુણનું સ્‍મરણ કરવું હોય તો એ કરૂણા નિધાન રામના ગુણજ હોઇ શકે. રામ તથા રામાયણના મૂળ તત્‍વો સમાજની મજબૂત આધારશીલા જેવા છે તથા સ્‍થાયી છે. આથી ભક્તકવિને લાગે છે કે આ એકજ નામનું અવલંબન પૂરતું છે.

સમર સમર તુ શ્રી હરિ,

આળસ મત કર અજાણ,

જિણ પાણીશું પિંડ રચી,

પવન વળું ધ્‍યો પ્રાણ.

પંચમહાભૂતનું માનવ શરીર જેનું સર્જન છે તે સર્જનહારેજ પવનને પ્રાણ સ્‍વરૂપે રોકીને કેવી મોટી સૃષ્‍ટિનું સર્જન કર્યું છે !

સાંયા તુંજ બડો ધણી,

તૂંજસો બડો ન કોય,

તૂં જેના શિર હથ્‍થ દે,

સોં જુગમેં બડ હોય.

જગતની બધી ગતિવિધિઓ સર્વ શક્તિમાન પરમેશ્વરને આધિન છે. તેનાથી વડેરો કોણ હોય ? જેને સમાજ વડેરા કહીને માન આપે તેના પર ઇશ્વરકૃપા હોય તોજ તેમ બને છે. આથી ગોસ્‍વામી તુલસીદાસજી પણ આ પરમશક્તિનું સ્‍વરૂપ એ પ્રકારેજ વર્ણવે છે.

જો ચેતન કહ જડ કરઇ,

જડહિ કરન ચૈતન્‍ય,

અસ સમર્થ રઘુનાથ કહિ,

ભજહિ જીવ તે ધન્‍ય.

આઠે પહર આનંદ શું જપ જિહવા જગદીશ,

કેશવ કૃષ્‍ણ કલ્‍યાણ કહી, અખિલનાથ કહી ઇશ.

સતત તથા અવિરત નામ સ્‍મરણનો મહિમા શાસ્‍ત્રોએ પ્રબોધ્‍યો છે અને ભક્તકવિઓએ તેનેજ રેલાવ્‍યો છે. નામ ગમે તે હોય પરંતુ તત્‍વ તથા સત્‍વ તો એકજ છે. નામ સ્‍મરણ એજ સંપદા છે તેમજ નામ વિસ્મૃતિ એ વિપદા છે તેમ વિદ્વાનો કહે છે.

જનાબ નાઝિર દેખૈયાનો એક સુંદર શેર છે.

તમારાથી વધુ અહિયાં

તમારું નામ ચાલે છે

અને એ નામથી મારું

બધુંયે કામ ચાલે છે.

હરિરસનું આચમન – શ્રવણ – પઠન જેમણે પણ કર્યું છે તેમને દિન-પ્રતિદિન તેનું અગાધ જ્ઞાન પ્રાપ્‍ત થયેલું છે. માંડણભક્તે કહેલા શબ્‍દો ખૂબ યથાર્થ લાગે.

ઇશાણંદ ઊગા,

ચંદણ ઘર ચારણ તણે,

પૃથવી જસ પૂગા,

સૌરભ રૂપે સુરાઉત.

ઇસર બડા ઓલિયા,

ઇશર બાત અગાધ,

સુરા તણો કીધો સુધા,

પસરો મહાપ્રસાદ.

લીંબડી રાજ્યકવિ તથા વિદ્વતાના શિખર સમાન કવિરાજ શંકરદાનજી દેથાના આપણે ઋણી છીએ કે તેમણે લગભગ નવ દાયકા પહેલાં હરિરસનું સંપાદન ટાંચા સાધનો હોવા છતાં ઉત્તમ પ્રકારે કર્યું. ભાવનગરના વિચક્ષણ દિવાન તથા સૂર્ય-સમાન યશ અને કીર્તિ પ્રાપ્‍ત કરનાર સર પ્રભાશંકર પટ્ટણીએ તે સમયે હરિરસ માટે અમૂલ્‍ય શબ્‍દચિત્ર આલેખ્‍યું છે.

‘‘ જેઓ કવિનું દર્શન કેવું હોય તે જાણે છે તેઓ ઇસરદાસજીના દર્શનમાં માનશેજ. ઇસરદાસજીનું મુખ્‍ય લક્ષણ તેમની શ્રધ્‍ધા છે. શ્રધ્‍ધાથીજ તેઓ આટલું મોટું પદ મેળવી શકેલા. શ્રધ્‍ધાને એક વિદ્વાને અંત:કરણની આંખ કહી છે. જે વાત બુધ્‍ધિ ન સમજી શકે તે વાત હ્રદય તરત સમજે છે. તેનું કારણ હ્રદયમાં રહેલ શ્રધ્‍ધા છે. એ શ્રધ્‍ધા જેનામાં હોય તેઓ સર્વ ઇસરદાસજીને વધારે સારી રીતે સમજી શકશે….. શ્રધ્‍ધાથી આ પુસ્‍તક (હરિરસ) વાંચનારને નવી દ્રષ્‍ટિ, નવું બળ તથા નવું ચેતન મળ્યા વિના રહેશે નહિ. (ડીસેમ્‍બર-૧૯૨૮)

પૂજ્ય આઇ શ્રી સોનબાઇ મા ને ભક્તકવિઓના સાહિત્ય તરફ એક વિશિષ્ટ લગાવ હતો. ‘‘ચારણ’’ દ્વિમાસિકમાં એપ્રિલ-૧૯૫૫ના અંકમાં માતાજીના હરિરસ ગ્રંથ માટેના ઉદ્દગારો નોંધવામાં આવેલા છે. માતાજી લખે છે : (બધા સંત સાહિત્યમાં) ‘‘ ઇસરદાસજીની ભાત નોખી છે. ભક્તિ મહાસાગરના બહોળા પાણી એમણે નાનકડી ગાગરમાં ભર્યા છે. એમનું તત્વજ્ઞાન ભક્તિના રંગમાં રંગાયેલું છે. હરિરસ ભાગવતનું તત્વ છે અને સાચું રસાયણ છે. હરિરસને પચાવવાથી જન્મ-મરણના ફેરા ટળે છે. ’’  હરિરસ – દેવીયાંણ જેવા ગ્રંથો આપણાં સંત સાહિત્યના ભવ્ય તથા ઉદ્દાત શિખર સમાન છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑