રાસ રમતી હતી
અમતણી જીભ પર
ઝણણ પદ ન્રુપુર
ઝણકાર થાતાં
સચર ને અચર સૌ
મુગ્ધ બનતા હતા
તાલ દઇ સંગમા
ગીતા ગાતાં
નર નરાધીશ જગદીશ
રીઝ્યાં હતાં, અમતણાં
એજ ઝરણા સુકાયા
ખોળલે ખેલવ્યા બાળને
માવડી આજ તરછોડમાં જોગમાયા.
પૂ. ભગતબાપુએ ઉજળા તથા બળકટ શબ્દોમાં ‘‘સુકાતા ઝરણાં’’ ની વાત ખૂબીપૂર્વક તથા કદાચ લાગણી સભર ચિંતા સાથે અહીં મૂકી હોય તેમ લાગે છે. સંસ્કૃતિના – ઉજળી પરંપરાના – સંસ્કાર અને શીલના આપણાં મોંઘેરા ઝરણાંને જીવતા રાખી શકીએ તો જ સમાજનું સ્વસ્થતાની દિશામાં પ્રયાણ થાય. આથી ઋષિ કવિએ શીલ અને ઉજળા સંસ્કારના પ્રવાહને જીવંત અને વહેતો રાખવા જગદંબાના સાનિધ્યની – માના ખોળાની યાચના ઉપરની જાણીતી પંક્તિઓમાં કરી છે. આ દિશામાં જે કોઇ નાનામોટા પ્રયાસ થાય તેનું મૂલ્ય ઘણું છે. પૂજ્ય આઇ શ્રી વાનુમાના પ્રતાપી તથા પરોપકારી જીવનની કથાનું દસ્તાવેજીકરણ કરીને સમાજને તેની જાણકારી આપવાનો પ્રયાસ એ સર્વથા મંગળમય છે. આથીજ આવો પ્રયાસ આવકારપાત્ર અને અભિનંદનને પાત્ર છે. આઇ શ્રી જીવામા કે આઇ શ્રી વનુમાનું લોકોપયોગી જીવન તથા તેમના આદેશ આજના સંદર્ભમાં એટલાંજ અર્થપૂર્ણ તથા ઉપયોગી છે કે જે તત્કાલિન સમયમાં હતા. સદ્દગુણોની ઉપાસના સાથેના એમના જીવન એક નિરંતર અનુષ્ઠાન સમાન હતા. આથીજ ભાઇ શ્રી મોરારદાન તેમની હમેશની અભ્યાસુવૃત્તિથી ભગવતી આઇ વાનુમા તથા તેમના જીવનની વાતો સંગ્રહિત કરે છે અને પ્રકાશિત કરે છે તેને વધાવી લેવાનો આ અવસર છે. પુષ્પોની સુગંધ તથા ધૂપસળીની પવિત્રતા સમાન આવા જીવન આપણને શ્રધ્ધા તથા સંસ્કારના અમીરસનું પાન કરાવે છે. આપણી નવી પેઢી સુધી પણ આવા પ્રયાસથી સંસ્કારની આ ગંગોત્રી પહોંચાડી શકાય. આવી તક કોઇપણ મૂલ્ય ચૂકવીને ખરીદી શકાતી નથી. જગદંબાની કૃપા હોય તો આ મોંઘેરા પ્રસાદની મહત્તા આપમેળે સમજાઇ જતી હોય છે.
કચ્છના ઐતિહાસિક ખડિર પંથકમાં આઇ વાનુમાનું પ્રાગટ્ય થયું અને તેમની કીર્તિ ચારે ખૂણે પ્રસરી ગઇ. ખડીરથી મોરઝર સુધીની માતાજીની યાત્રા એ અનેક પ્રસંગો – ઘટનાઓ તેમજ સંજોગોથી ભરેલા છે. આપણાં આ આઇઓ સાદગી સભર, સરળ તથા પુરુષાર્થમય જીવન જીવતા હતા. આવુંજ સરળ જીવન જીવવાનો તેમનો સ્વઆચરણથી સંદેશ હતો. આ વાત જાણ્યે – અજાણ્યે પણ વિસરીએ તો એ આપણી સામુહિક ખોટ ગણાશે. ‘‘ ટૂકડો ત્યાં હરિ ઢૂકડો ’’ એ ઉક્તિને આઇ વાનુમાએ પોતાના જીવનકર્મથી સિધ્ધ કરી બતાવી હતી. સૂર્યનારાયણની લાલીમા તેના નિત્ય ક્રમ મુજબ જગત ઉપર પથરાય તે પહેલા આઇની ઉદારતા અને વાત્સલ્યનો પ્રકાશ જરૂરિયાતમંદ લોક સમુહ સુધી કોઇપણ ભેદભાવ સિવાય પહોંચી જતો હતો. પ્રાચીન દુહો છે :
જીવતાં જગ જશ નહિ
જશ વિણ કો જીવંત
જે જગ જશ લઇ આથમ્યા
(તે) રવિ પહેલા ઉગંત.
આપણાં આઇઓની આવી સુકીર્તિનું અજવાળું દરેક કાળમાં નજરે પડે છે. કીર્તિના ભવ્ય સ્મારક સમાન આવા જીવન કદી વિસ્મૃત થઇ શકે તેવા નથી. સાંપ્રત કાળમાં પણ આપણે આવી ઘટનાઓ જોઇ – અનુભવી છે. હજુ ગઇકાલ સુધી ‘‘ આભ કપાળી મા સોનબાઇ ’’ નું ઓજસ મઢડા – કણેરીના ઉગમણા ઓરડેથી દરેક દિશામાં વિસ્તરતું રહેલું છે તેમજ આજે પણ પ્રેરણાના ધામ સમાન છે.
આઇમાતાઓએ જીવનમાં સત્વ અને શીલની જાળવણી કરી તેજ રીતે જ્યાં અન્યાય કે અત્યાચાર દેખાયો ત્યાં તેનું નિર્મૂલન કરવા માટે સ્વયં સાબદા થયા. આમ કરવા પાછળનો હેતુ અનેક નિર્દોષ માનવીઓના જીવ બચાવવાનો હતો. કરુણા તથા સ્નેહની સરવાણી માતાજીઓના જીવનમાંથી દરેક પ્રસંગે પ્રગટ થતી જોવા મળે છે. આવા અનેક પ્રસંગોમાં આત્મઅપર્ણ તથા આત્મબલિદાનની રુડી જ્યોત આઇઓના જીવનમાં પ્રગટ થઇ છે. માતાજીઓના જીવનમાંથી સામુહિક કલ્યાણ માટે પ્રગટ થયેલી આવી કરુણા થકી સમાજના તમામ વર્ગોના આદર તથા સન્માનના તેઓ અધિકારી થયા છે. આઇ વાનુમા તથા તેમના પુત્રી પાબાંમાના શોર્યથી ભરપૂર બલિદાનની કથા પણ આવા આત્મસમર્પણના ઉજળા ઇતિહાસનોજ એક ભાગ છે.
કચ્છની એક પ્રદેશ તરીકે વિશ્વના અનેક ભાગોમાં મોટી પ્રતિષ્ઠા છે. આ પ્રદેશના ચારણોનો પણ એક ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ છે. રાજ્યકવિ પૂજ્ય શંભુદાનજી રત્નુના અમૂલ્ય યોગદાનથી કચ્છની અનેક ઘટનાઓ તથા પ્રસંગોનો ઇતિહાસ સચવાયો છે. કચ્છનાજ સપુત અને વિદ્વાન ચારણ ઋષિ શ્રી પિંગળશીભાઇ પાયકના ‘‘માતૃદર્શન’’ પુસ્તકના માધ્યમથી પણ આઇ સોનબાઇમા સહિત અનેક જગદંબાઓના ઇતિહાસ લખાયા છે અને તે રીતે અનેક ઐતિહાસિક વિગતો સચવાઇ છે તે આપણું સદ્દભાગ્ય છે. આ પ્રકારના માહિતી સભર સંગ્રહોનું ઐતિહાસિક મૂલ્ય હોવા ઉપરાંત સમાજ માટે અખંડ પ્રેરણાના પણ સ્ત્રોત છે. આઇ વાનુમાના બલિદાન (વિ.સં. ૧૭૭૨)ની શાક્ષીરૂપે ઉન્નત મસ્તકે મોરઝરમાં ઉભેલી છતરડી આત્મસમર્પણના ઉજળા પ્રસંગની યશોગાથાનું આજે પણ કીર્તિગાન કરે છે. ભાઇ મોરારદાન તેમજ તેમના સૌ સહયોગીઓના આવા પ્રયાસનું ઉમળકાભેર સ્વાગત છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૩/૦૩/૨૦૧૭.
Leave a comment