: વાટે….ઘાટે…. : : ડૉ. લોહિયા : સામા પ્રવાહે તરનારા રાજપુરુષ : 

૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની સંધ્યાએ પૃથ્વી પરથી એક સાથે બે સૂર્યાસ્ત થયા. એક તો પ્રકૃતિના શાશ્વત ક્રમ પ્રમાણે ભાણ પોતાનું કર્તવ્ય પુરું કરીને પશ્ચિમ દિશામાં ગતિ કરી ગયા. બીજો સૂર્યાસ્ત દિલ્હીના બિરલા ભવનમાં થયો. બિરલા ભવનમાં થયેલા આકસ્મિક સૂર્યાસ્તના સમાચાર સાંભળીને જગત ખળભળી ગયું. તે દિવસનીજ સાંજે ગાંધીજી સાથે નક્કી  થયેલી મુલાકાત કરવા માટે ડૉ. રામમનોહર લોહિયા બિરલા ભવન પહોંચ્યા. બિરલા ભવનના રસ્તે જતાજ જાણ થઇ કે બાપુ હમેશ માટે ગયા ! માનવતાની હત્યા જગતે જોઇ – અનુભવી. લોહિયા આ સમાચાર પચાવી શકે તેમ ન હતા. આમ પણ ઉપરથી કઠોર દેખાતા લોહિયા ભીતરથી રુજુ અને ભાવુક હતા. ગાંધીજીની હત્યાના કલ્પનાતીત સમાચાર સાંભળીને હેબતાઇ ગયા. ઊંડી ગમગીની હૈયામાં ઢબુરીને સિગરેટ વહેંચાતી હતી તે નજીકની દુકાને ગયા. સિગારેટ લીધી અને વિચારમાંને વિચારમાં થોડા દમ ભર્યા. પછી સ્વગત બબડ્યા : ‘‘ એમણે મને દગો દીધો એટલે મેં એમને દગો   દીધો ! ’’ ૧૯૪૬ માં ગાંધીજીએ લોહિયાને સમાજવાદ અને સિગારેટના વ્યસન ઉપર એક લાંબું ભાષણ આપેલું. બાપુના શબ્દોને માન આપીને સિગારેટના શોખીન ડૉ. લોહિયાએ સિગારેટનું વ્યસન તત્કાલ છોડ્યું હતું. લોહિયાએ બાપુને આપેલા વચનની મર્યાદા જાળવી હતી. આજે બાપુ વચન આપીને મળવા કેમ ન રોકાયા ? અને આ અલગારી રાજપુરુષે બાપુની હત્યા પર પોતાનો શોક તથા ફરિયાદ આ રીતે સિગારેટ ફૂંકીને જૂદા ઢંગથી વ્યક્ત કર્યો. જેમનું જીવન સતત સંઘર્ષમાં ગયું  અને જેમને શાસનનો મોહ કદી લોભાવી ન શક્યો એવા જયપ્રકાશ નારાયણ અને ડૉ.રામમનોહર લોહિયા – એ બન્ને દેશના મુક્તિ સંગ્રામના ઝળહળતા પાત્રો હતા. દેશ આઝાદ થયા બાદ પોતાનાજ સાથીઓ કે જેઓ સત્તામાં આવ્યા હતા તેમની સાથે પણ દેશના છેવાડાના લોકોની સ્થિતિ તથા શાસનના મૂલ્યો બાબતમાં મતભેદ થતાં જયપ્રકાશ તથા લોહિયાનો અવિરત સંઘર્ષ ચાલુ રહ્યો. જીવનના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષરત રહેનાર ડૉ. લોહિયાની પ્રતિભાનો વિશેષ પરિચય મેળવવા ગાંધીજીએ તેમના માટે કહેલા શબ્દો ફરી યાદ કરીએ. ૧૯૪૧ માં ગાંધીજીએ મુંબઇની એક જાહેરસભામાં યાદગાર શબ્દો ડૉ. લોહિયા માટે કહ્યા. ડૉકટર સાહેબ તે સમયે બ્રિટીશ સરકારની જેલમાં હતા. ગાંધીજી કહે છે : ‘‘ જ્યાં સુધી ડૉ. લોહિયા જેલમાં છે ત્યાં સુધી હું શાંત ન બેસી શકું. એનાથી વધારે સરળ માણસ મેં જાણ્યો નથી. તેઓ (ડૉ. લોહિયા) જે કરે છે તેનાથી તેમનું માન ઓર વધે છે. ’’ હિન્દી કવિતાઓના સર્જક શ્રી સર્વેશ્વર દયાલ સકસેનાની નીચેની પંક્તિઓમાં ડૉ. લોહિયાની પ્રતિભાને કાવ્યાત્મક રીતે વણી લેવામાં આવી છે.

જહાં સબ સિર ઝુકાતે થે

વહાં ભી ઉસકા સિર

ઊંચા ઉઠા રહતા થા

જિધર રાહ નહિ હોતી થી

ઉધર ભી વહ પૈર બઢાતા થા.

સકસેનાજી લખે છે કે આ વીર પુરુષની સમાધિ કેવી હોઇ શકે ! 

એક ચિનગારી ખાક કરદે

દુર્નીત કો, ઢોંગી વ્યવસ્થા કો,

જો મિટા દે દૈન્ય, શોક, વ્યાધિ

ઓ મેરે દેશવાસિયો

યહી હૈ ઉસકી સમાધિ.

વસંતનો વાસંતી વૈભવ જ્યારે અલવિદા કહેવાની તૈયારી કરે છે તેવા માર્ચ મહિનામાં ડૉકટર સાહેબની સ્મૃતિ પુન: અનેક લોકોના મનમાં જીવંત થતી હશે. આ મહિનામાં બની રહેલી અનેક પ્રસંગોની ઘટમાળમાં ડૉ. લોહિયાનું સ્મરણ ન થાય તો એ આપણી સામુહિક ખોટ ગણાય તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઉત્તર પ્રદેશમાં ૧૯૧૦ ના માર્ચની ત્રેવીસમી તારીખે (અખાત્રીજનો દિવસ) આ અલગારી જીવ આપણી વચ્ચે આવ્યો અને એક નિરાળુ અને નિ:સ્વાર્થ જીવન વ્યતિત કરીને ગયા. ૧૯૧૦ થી ૧૯૬૭ સુધીની તેમની જીવનયાત્રા એક સતત સંઘર્ષ તથા વૈચારિક જાગૃતિની અનોખી મીસાલ બનીને નિષ્ઠા અને નિસબત માટેના સંઘર્ષનું અમીટ સ્મારક બની ગયા. ડૉ. લોહિયાની જન્મશતાબ્દીના પ્રસંગે (૨૦૦૯-૨૦૧૦) આપણા જાગૃત પત્રકાર સ્વ.શ્રી દિગંત ઓઝાએ ‘‘શતાબ્દી વંદના’’ ના નામે એક સુંદર પુસ્તકનું સંકલન કરીને પ્રકાશિત કરેલું હતું. ડૉકટર સાહેબ સદેહે આપણી વચ્ચે ન હોવા છતાં તેમના વિચારો સાંપ્રતકાળમાં પણ પ્રેરણાદાયક તથા પથદર્શક બને તેવા છે. 

લોહિયાજીના પરિચયમાં આવેલા અનેક મહાનુભાવો તેમના વિશે પૂરા આદરથી વાત કરે છે. એક સમયે પંડિત નહેરુના પ્રિયપાત્ર ગણાતા લોહિયા પંડિતજીના સખત ટીકાકાર પણ બની શક્યા હતા. ટીકામાં કડવાશની જગાએ દેશના હિત માટેના તર્કનું પ્રાધાન્ય હતું. લોકશાહીમાં આવા સ્વસ્થ મતભેદ આવકાર્ય પણ ગણાય છે. સુચેતા કૃપલાણીએ લોહિયાજીની અસ્તવ્યસ્ત જીવનશૈલી વિશે વિગતવાર લખ્યું છે. સુચેતાજીએ ડૉકટર સાહેબના બાળસહજ સ્વભાવ વિશે સ્નેહપૂર્વક લખેલું છે. સંસદમાં ડૉકટર સાહેબના પ્રવચનો તર્કબધ્ધ તથા સશક્ત રહેતા હતા તેની નોંધ સુવિખ્યાત સાંસદ તારકેશ્વરી સિંહાએ કરી છે. અટલબિહારી વાજપેઇ લોહિયાજીને ‘‘ફક્કડ અને મસ્તમૌલા’’ તરીકે ઓળખાવે છે. કટ્ટરપંથને તેમણે કદી ઊછરવા દીધો ન હતો તેમ પણ અટલજીએ નોંધેલું છે. લોહિયાજીનો જન્મ ર૩મી માર્ચે (૧૯૧૦) થયો હતો. ૨૩ માર્ચ (૧૯૩૧)ના રોજ બ્રિટીશ સરકારે ભગતસિંહ, રાજગુરુ તેમજ સુખદેવને ફાંસી આપી હતી. આથી આ દિવસે કદી ડૉકટર સાહેબે પોતાનો જન્મદિવસ મનાવ્યો ન હતો. ચીલા ચાતરનારા તથા સામા પ્રવાહે તરનારા ડૉકટર રામમનોહર લોહિયાને હિન્દુસ્તાન કદી વિસરી નહિ શકે. આવા લોકોને યાદ કરીએ ત્યારે કેટલાક પ્રસંગોએ તેમની ખોટ સાલ્યા કરે છે.

મોત જેવા મોતને

પડકારનારા ક્યાં ગયા ?

શત્રુના એ શૌર્ય પર

વારી જનારા ક્યાં ગયા ?

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૧/૦૩/૨૦૧૭. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑