ગુડી પડવાનો શુભ દિવસ કવિ નાનાલાલનો જન્મ દિવસ હોવાથી અનેક ગુજરાતીઓને મહાકવિ નાનાલાલની સ્મૃતિ આ દિવસે તાજી થાય છે. કવિ નાનાલાલની અનેક રચનાઓ કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખી થાય તેવી નથી. કવિ એમ. એ. થયા ત્યાં સુધીમાં તેમના કાવ્યોનો સંગ્રહ તૈયાર થઇ ગયો હતો ! આવી બાબત એ એક ભાગ્યેજ બનતી ઘટના ગણી શકાય. મહાકવિના કાવ્યોમાં સૌંદર્ય તથા સ્નેહ મેઘધનુષના રંગોની માફક શોભાયમાન છે. કવિનો સ્નેહ તેમના જીવનમાંથી તેમજ તેમના શબ્દોમાંથી સતત પ્રગટ થતો રહે છે. કવિ લખે છે :
ધર્મ અને સ્નેહના બન્ને નયન
અખંડ રાખી ન ફૂટવા દેવાં.
કવિના જીવનક્રમને નીરખીએ તો તેની ગતિ સતત ઉર્ધ્વગામી જણાય છે. કવિ પોતાનીજ સૂઝ તથા જાગૃતિથી પોતાનામાં વસતા કવિ તથા ભક્તને બરાબર પારખી શક્યા છે. માનવી ઉપરની તેમની શ્રધ્ધા અચળ છે. જગતના ઉન્નત અને મંગલમય ભાવિમાટે કવિ પૂર્ણત: વિશ્વાસ ધરાવે છે. દલપતરામના જીવન ઘડતરના પાઠ અને સંસ્કાર કવિએ આત્મસાત કરી લીધા હોય તેમ લાગ્યા કરે છે. કવિએ ઉર્ધ્વગામી જીવતરનું સ્વપ્ન સેવ્યું છે. જીવન પણ એવુંજ જીવ્યા છે.
ઉર્ધ્વગામીનું જવું યે ધન્ય છે
અધોગામીનું જીવવું યે ધૂળ છે.
મહાકવિ તેમના સર્જનથી તથા સ્વભાવથી વસંતના પ્રતિનિધિ બની રહ્યા છે. તેમને ‘‘વસંતના કવિ’’ તરીકે ઓળખાવવામાં આવે છે તે સર્વથા ઉચિત છે. કવિના શબ્દો વસંતને વધાવે છે. સૌને વસંતનો વૈભવ વહેંચવાની કવિની મહેચ્છા તેમના રળિયામણાં શબ્દોમાં ખીલી ઊઠી છે. કવિ તેમની એક સુંદર પંક્તિમાં કોયલને વિનંતી કરે છે કે ‘‘મારે બારણે વસંતમંત્ર બોલી જજે !’’
રાજ ! કોઇ વસંત લ્યો
વસંત લ્યો,
હાં રે મારી ક્યારીમાં મ્હેક મ્હેક
મ્હેકી, રાજ ! કોઇ વસંત લ્યો.
દેશ પરાધિન થયો હતો તે કપરા કાળમાં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવશે કે કેમ તથા તેમ થશે તો પણ ક્યારે થશે તેની અનિશ્ચિતતા તથા ચિંતા ઘણા લોકોના મનમાં હતી. ગોરી હકૂમતની નાગચૂડ સખત હોય તેવો એ સમય હતો. આ કપરા સમયમાં પણ દ્રષ્ટા કવિ મુક્ત ભારતના વિચારના સમર્થ વાહક બન્યા હતા. ગાંધીજી દેશના નક્શા ઉપર દેખાયા હતા અને જોત જોતામાં છવાઇ ગયા હતા. કવિ નાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) ગાંધીજી કરતા આઠ વર્ષ નાના હતા. ૧૯૧૯ માં ગાંધીજીની ૫૦મી જન્મજયંતિ દેશભરમાં અનેક લોકો પોત પોતાની રીતે ઉજવતા હતા. આ અવસરે કવિ નાનાલાલે ગાંધીજીને ઉમળકાભેર અંજલિ આપતું એક સુંદર તથા અર્થપૂર્ણ કાવ્ય ‘‘ગુજરાતનો તપસ્વી’’ લખીને પ્રગટ કર્યું. આ કાવ્યને ગુજરાતી ભાષામાં ગાંધીજી વિશે લખાયેલું આ પ્રથમ કાવ્ય માનવામાં આવે છે. આ કાવ્ય જેવા ગાંધી વિશે બીજા કાવ્યો ભાગ્યેજ જોવા મળે તેવું સાહિત્યના અભ્યાસુઓનું તારણ છે. જે સમયે કવિએ આ કાવ્ય લખ્યું ત્યારે તેઓ બ્રિટિશ સરકારની નોકરીમાં હતા. કવિ સૌરાષ્ટ્રની બ્રિટિશ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ પદ સાથે પ્રતિષ્ઠા તથા સારું એવું આર્થિક વળતર જોડાયેલા હતા. આવું કાવ્ય ગાંધીજી માટે લખ્યા પછી ગોરી સરકારની નારાજગી વહોરવી પડશે તેની પૂરી પ્રતિતિ પણ કવિને હતી, પરંતુ આ દલપત પુત્ર આવી બધી બાબતોને ગણકારે તેવા ન હતા. કવિને નોકરી છોડવી પડી. ૧૯૨૧માં નોકરી છોડીને કવિએ અમદાવાદમાં નિવાસ શરૂ કર્યો. વાત આટલેથી પૂરી થઇ ન હતી. ૧૯૨૨ માં કવિની ધરપકડ કરવા માટે મુંબઇ સરકારે વોરંટ કાઢ્યું. બ્રિટિશ સત્તાધિશો દેશના મુક્તિ સંગ્રામના મરજીવાઓ સામે કોઇ ઢીલું વલણ દર્શાવવા માંગતી ન હતી, પરંતુ આ બ્રિટિશ અમલદારોમાં પણ કેટલાંક અધિકારીઓ સંવેદનશીલ તથા સૂઝ બૂઝ વાળા હતા. કવિશ્વર દલપતરામના આજીવન મિત્ર ફાર્બસ આ બાબતનું એક આવુંજ જ્વલંત ઉદાહરણ છે. કવિ નાનાલાલની ધરપકડ કરવા અંગેના વોરંટ બાબતમાં પણ અમદાવાદના તત્કાલિન કલેકટર શ્રી ચેટફિલ્ડે મુંબઇ સરકારને એક વિગતવાર પત્ર લખ્યો. આ પત્રમાં કવિ તરીકેની નાનાલાલની ઉચ્ચ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેમની સામેનું વોરંટ રદ કરવા કલેકટરે આગ્રહપૂર્વક રજૂઆત કરી. મુંબઇ સરકારે આ ભલામણ માન્ય રાખીને કવિ સામેનું વોરંટ રદ કર્યું. મહાકવિના વ્યક્તિત્વની આવી અનોખી પ્રતિભા હતી. મહાકવિનું બિરુદ કવિને લોકસમૂહે પ્રેમ તથા આદરપૂર્વક આપેલું હતું. ૧૯૨૧ માં સારા પગાર તથા સુવિધાઓ વાળી સરકારી નોકરી છોડી જીવનના શેષ પચીસ વર્ષ કવિએ આર્થિક સંકડામણ વચ્ચે ગાળ્યા. પરંતુ સરસ્વતીની અખંડ આરાધના કરવાના નિશ્ચયમાં કદી શિથિલતા કે નિરાશા તેમના જીવનમાં દેખાયા નથી. કલમને ખોળે માથું મૂકીને જીવવાના આવા આકરા તપ ભાગ્યેજ જોવા મળે છે. ‘‘વીર સત્ય ને રસિક ટેકીપણું’’ વાળી કવિ નર્મદની વાત મહાકવિ નાનાલાલને પૂર્ણત: લાગુ પડે છે. નોકરી છોડ્યા પછી એક બે રજવાડાઓ તરફથી સારા આર્થિક વળતર સાથે કામ કરવાની ઓફર પણ મળી. પરંતુ કવિ તથા કવિપત્ની બન્ને સ્વેચ્છાએ છોડેલી ઝંઝાળને ફરી વળગાડવા માંગતા ન હતા. મહાકવિ નાનાલાલની દીર્ઘકાલિન સરસ્વતી ઉપાસના થકી આપણી ભાષાને અનેક સર્જનો પ્રાપ્ત થયા છે. જેણે આપણી માતૃભાષાની શોભા અનેકગણી વધારી છે. નિવૃત્તિ પછીનું તેમનું જીવન ‘‘સાહિત્ય સર્જનનું એક સુદીર્ઘ સત્ર’’ બની ગયું તેવી શ્રી અનંતરાય રાવળે લખેલી વાત યથાર્થ છે. જીવનભર અહાલેક જગાવીને તેને જ્વલંત રાખનાર મહાકવિને ગુજરાતે ચાહ્યા છે અને હમેશા વધાવ્યા છે.
પ્રભો ! તુજ દ્વારમાં ઊભી
જગાવ્યો મેં અહાલેક !
જગતના ચોકની વચ્ચે
જગાવ્યો મેં અહાલેક !
કમંડળ માહરું ખાલી
ભર્યું તુજ અક્ષય પાત્ર,
દીઠી ભંડારમાં ભિક્ષા,
જગાવ્યો મેં અહાલેક !
મહાકવિ નાનાલાલ ટ્રસ્ટ તરફથી દર વર્ષે ગુડી પડવાના દિવસે કવિશ્રીની જયંતી ઊજવાય છે. તે માટે આ ટ્રસ્ટના સભ્યશ્રીઓ તેમજ મહાકવિના કુટુંબીજનો અભિંદનને પાત્ર છે. ગુડી પડવાના દિવસે અનેક સાહિત્યપ્રેમી લોકો કવિશ્રીની સ્મૃતિને વંદન કરી તેમના જીવન તથા કવન વિશે વિચાર વિનિમય કરે છે. સમાજ પોતાની ભાષાના સર્જકને યાદ કરી તેમની સ્મૃતિ પ્રસંગોપાત તાજી કરે તે સ્વસ્થ સમાજની નિશાની છે. આપણે ત્યાં આવી પ્રથા અમૂક કિસ્સાઓમાં જરૂર જોવા મળે છે પરંતુ તેને વ્યાપક રીતે સ્વીકૃત બનાવવાની જરૂરિયાત છે.
ઊર્મિ કાવ્યો તથા વસંતકાવ્યોમાં પૂર્ણકળાએ ખીલેલા કવિ વસંતના વધામણા કરતા લોકજીવન અને લોકસાહિત્યના વાસંતી મીજાજનું દર્શન કરાવે છે.
મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે
એ રત આવીને રાજ ! આવજો !
કુંજે કુંજે વાઘા સજ્યા નવરંગ રે
એ રત આવીને રાજ ! આવજો !
આ વાસંતી વાયરાનો અલૌકિત આનંદ લેવા કવિ હરિને પણ આગ્રહભર્યું ‘વાયક’ મોકલે છે.
આ વસંત ખીલે શત પાંખડી હરિ ! આવોને
આ ધરતીએ ધરિયા સોહાગ હવે તો હરિ ! આવોને
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ હરિ ! આવોને
મ્હારે સૂની સૌ જીવનની વાટ હવે તો હરિ ! આવોને.
કવિત્વના આભ ઊંચા શિખરોને સ્પર્શ કરે તેવી અનેક રચનાઓની અમૂલ્ય ભેટ ધરીને મહાકવિ આપણી ભાષાના સાહિત્યને રળિયાત કરતા ગયા છે.
૧૮૭૭ના માર્ચની ૧૬મી તારીખે કવિનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૨૧ માં દેશભરમાં જે લોક જાગૃતિનો જૂવાળ ઊભો થયો તેમાં તેમણે સરકારની સુવિધાપૂર્ણ નોકરીનો સાપ કાંચળી ઉતારે તેવી સહજતાથી ત્યાગ કર્યો. ત્યારબાદ નોકરીના કે સારું આર્થિક વળતર અપાવે તેવા કોઇ નિમંત્રણનો કવિએ સ્વીકાર કર્યો નહિ. કવિનું જીવન એ ખુમારીની એક વિરલ ગાથા સમાન છે. લગભગ અઢી દાયકા સુધી અમદાવાદમાં રહીને કવિએ નિરંતર સરસ્વતી સાધના કરી તે અહોભાવ ઉપજાવે તેવી ઘટના છે. ગુજરાતની ધરતીને કવિએ ચાહી છે અને સતત પ્રવાસો કરીને કવિએ જાત અનુભવથી તેનો મહિમા પીછાણ્યો છે અને ગાયો છે. ગુજરાતની ભવ્યતા મહાકવિના શબ્દોમાં અનોખી ઢબે પ્રગટી છે. કવિતાને વિદ્વાનોએ શબ્દની કળા કહી છે. નાનાલાલની કવિતા એના શબ્દોને કારણે ઉન્નત છે. નાનાલાલ એટલે ‘‘તેજે ઘડ્યા’’ શબ્દો તેવું કવિ શ્રી નિરંજન ભગતનું અવલોકન યથાર્થ છે. સર્જનના દરેક સ્વરૂપોમાં કવિ વિશેષ રીતે કવિતામાં ઝળહળ્યા છે. કવિના કેટલાક કાવ્યો જાણે કે શાસ્ત્રના પ્રમાણભૂત મંત્રોની હરોળમાં મૂકી શકાય તેવા છે.
પરમ ધન પ્રભુના લેજો લોક !
રૂપુ ધન, ધન સોનુ
હો અબધૂત, હીરા મોતી ઝવેર
સત્તાધન, ધન જોબનઃ ચળ સહુ
અચળ બ્રહ્મની લહેર,
પરમ ધન પ્રભુના લેજો લોક.
આવનારી અનેક પેઢીઓના સાહિત્ય પ્રેમીઓ નાનાલાલને શ્રેષ્ઠ ઉર્મિકવિ તરીકે યાદ કરશે. સૌંદર્યલક્ષી કવિતાના આ બેતાજ બાદશાહ તેમની રચનાઓના માધ્યમથી ચિરકાળ સુધી જીવંત તથા ધબકતા રહેશે.
Leave a comment