: સંસ્કૃતિ : : ખૂટી ગયા છે ખલકમાં : સમજુને શાણા :  

સબસે દિયા અનુપ હૈ

દિયા કરો સબ કોઇ

ઘરમેં ઘરાં ન પાઇએ

જો કર દિયા ન હોય.

તખતદાન રોહડિયા – દાન અલગારીની વિદાય અનેક સાહિત્યપ્રેમીઓને ભારે પડી. દાન અલગારીની જગતથી જૂદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન તેમણેજ ટાંકેલા ઉપરના એક દોહામાં થાય છે. દિવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દિવો પેટાવવો. દિવાના આ પાવનકારી અજવાળાથીજ સઘળું ઝળાહળા થશે. આવા પ્રકાશ થકીજ પોતાના ઘરનું અને જગતનું દર્શન થશે. દાન કહે છે કે દિવાના અજવાળા ઉપરાંત ‘‘ દિયા કરો ’’ એ વાતનો સંબંધ આપવા સાથે પણ જોડી શકાય. દેતા રહો – કોઇકને કંઇક આપતા રહો. જેને દેવાની આદત નથી એને માણસ કેમ કહેવો તેનો પ્રશ્ન ઉઠાવીને દાન પોતાનીજ અંતરની ચેતનાનો જાણે વિસ્તાર કરે છે. જે જગત જનની – જોગમાયા એવા આઇ શ્રી સોનલમાના દાને દર્શન કર્યા છે તેમને પણ ‘‘ દન દન દેવાના ’’ જ અખંડ વ્રત હતા. કવિશ્રી કાગ તે સંદર્ભમાં લખે છે : 

વ્રત લીધું વરુડી તણું

દન દન દેવા દાન

લેવાના હેવા નહિ

ધન્ય ધન્ય સોનલ માત.

કવિ દેવાની – આપવાની આ વાતનો તંતુ આગળ ચલાવતા લખે છે કે આ ધરતીના ત્રણ ઘરેણા (આભૂષણો) છે. આ એવા આભૂષણ છે કે જેનાથી ધરતીનો સાચો શણગાર થાય છે. 

સબળ ક્ષમી નિગર્વ ધની

કોમળ વિદ્યાવંત,

ભૂ ભૂષણ યે તીન હૈ

ઉપજત ખપત અનંત.

જે શક્તિશાળી હોય છતાં ક્ષમા આપવાની વ્રત્તિ વાળો હોય. જે અઢળક સંપત્તિનો સ્વામી હોય છતાં ધનનો તલભાર પણ મદ ન ધરાવતો હોય. પંડીત હોય પરંતુ જેને જ્ઞાનનું અભિમાન ન હોય. આવા લોકોજ આ ધરતીનો શણગાર છે તે વાત દાન આ પ્રાચીન દુહાના માધ્યમથી ભાવકો સુધી વહેતી મૂકે છે. આવા આભૂષણ સ્વરૂપી લોકોનેજ સમાજ યાદ રાખે છે. બાકી તો કંઇક આવ્યા અને કંઇક ગયા.  તેમની ખેવના સમાજને ભાગ્યેજ રહેતી હોય છે. આથીજ સાહિત્યસૃષ્ટિના ‘‘દાન અલગારી’’ જેવા વિદ્યાના ઉપાસક અને જાણતલ આપણી વચ્ચેથી અચાનકજ લાંબા ગામતરે ગયા તેનો આઘાત તાજેતરમાંજ અનેક સાહિત્ય પ્રેમીઓએ હાડોહાડ અનુભવ્યો. તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન – અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસજ ન હતા. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં તા.૨૮/૧૨/૨૦૧૭ના રોજ પૂ. મોરારીબાપુની પ્રેરણાથી તથા બાપુની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં દાન-પ્રેમી ભાવકો મળ્યા. દાનને અંતરથી શ્રધ્ધાંજલિ આપતા અનેક આંખો ભીની થઇ. પૂ. બાપુએ દન અલગારીને ભાવપૂર્વક શ્રધ્ધા સુમન અર્પણ કર્યા. દાન અલગારી તરફ અનેક સાહિત્યપ્રેમીઓએ દર્શાવેલો સ્નેહ ભાગ્યેજ જોવા મળે તેવી ઘટના છે. જગતે જે અનેક ચીજોને બાતલ ગણી – નિરથર્ક ગણી તેવી બાબતોને જીવનમાં સ્વેચ્છાએ સામીલ કરીને દાન થોડું નોખું તથા નિરાળું જીવતર જીવી ગયા. એમના જીવનનું ગણિત જાણે કે જૂદુંજ હતું. જગતના બંધારણમાં બાંધી શકાય તેવા આ ‘દાન’ ન હતા. કવિ કલાપી કહે છે તેમ આ બધા તો ખાકની મુઠ્ઠી ભરીને હરખી જનારા હતા. 

જહૉંથી જે થયું બાતલ

અહીં તે છે થયું શામીલ

અમે તો ખાકની મુઠ્ઠી ભરી

રાજી થનારાઓ.

દાન અલગારી જીવનની અનેક વિષમતાઓ વચ્ચે પણ દુષ્કાળમાંયે ડૂકે નહિ તેવી અનેરી મોજનું દર્શન કરી – કરાવીને ગયા. જીવન મળ્યું છે તે તો કુદરતની અમૂલ્ય દેન છે. આથી આ જીવતર તો    મોજનો – આનંદનો દરિયો છે તેવો સંદેશ કવિ દાન અલગારીની નીચેની અમર થવા સર્જાયેલી રચનામાં ધબકતો દેખાય છે. અલખ ધણીની ખોજનું મૂળ એતો મોજમાં – મસ્તીમાં રહેલું છે તેવી કવિની વાત અનેક લોકોએ ખોબે અને ધોબે વધાવી લીધી છે.

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે

અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે

ગોતવા જાવ તો મળે નહિ ગોત્યો ગહન ગોવિંદો રે

ઇ હરિભક્તોના હાથ વગો છે પ્રેમ પરેંદો રે

આવા દેવને દીવો કે ધૂપ શું દેવો

દિલ દઇ દેવું રે.. મોજમાં રેવું..

રામકૃપા એને રોજ દિવાળીને રંગના ટાણાં રે

કામ કરે એની કોઠીએ કોઇ દી ખૂટે ન દાણાં રે

કહે અલગારી કે આળસું થઇ નથી

આયખું ખોવું રે.. મોજમાં રેવું.. મોજમાં રેવું.

આપણાં લોકસાહિત્યનું આકર્ષણ સમગ્ર સમાજને નિરંતર  રહેતું આવેલું છે. તેમાં કદી ઓછપ આવી નથી. તળના આ સાહિત્ય સાથેનો લોકોનો લગાવ વધતો હોય તેમ પણ જણાય છે. આમ થવાના અનેક કારણો હશે તેમ માની શકાય. આવા કારણો પૈકી એક મહત્વનું કારણ આ સાહિત્યના સમર્થ વાહકો છે. દરેક સમયે લોકસાહિત્યની રસલ્હાણ કરનારા મર્મી કલાકારો આપણે જોયા છે અને તેમની કળાને આકંઠ માણી છે. કવિ શ્રી કાગ અને મેરુભાબાપુથી માંડીને હેમુ ગઢવી તથા લાખાભાઇ ગઢવી (જાંબુડા) સુધીના સ્વનામધન્ય કલાકારોએ લોક સાહિત્ય – ચારણી સાહિત્યના ધોધમાર પ્રવાહને લોક દરબારમાં વહાવ્યો છે. આવા મીઠા અને મર્મી સર્જક – સાહિત્યકારોને જગતે ખોબે અને ધોબે વધાવ્યા છે. 

દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઇ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા રહ્યા. લોકસાહિત્યના જાણતલ તથા માણતલ અને આપણાં એક સુવિખ્યાત સર્જક દોલતભાઇ ભટ્ટનો જાગતો હોંકારો દાનના શબ્દોને તથા દાનની ઊર્મિઓને સદા વધાવતો રહ્યો. અનેક સાહિત્ય પ્રેમીઓને ‘‘હમણાં દાન દેખાયા નથી’’ તેવી ફરિયાદ કરતા સાંભળ્યા છે. અચાનક દાન અલગારી મળે ત્યારે આવા સ્નેહીઓને અષાઢી મેઘની વાદળીના દર્શન થયા હોય તેવો ભાવ થતો હતો. સંબંધોની આ મૂડી ઊભી કરવી અને તેને જીવન પર્યંત સાચવવી તે કોઇ નાની સુની સિધ્ધિ નથી. 

અલગારી દાને જે ઉજળા આંગણે જઇને પોતાના હૈયાની ઊર્મિ વહાવી છે તેમાં હેતુ વિનાના હેતનું દર્શન થાય છે. એક અનોખી તથા આગવી પરંપરાને સાચવીને ઝળહળી રહેલી દાન મહારાજની દોઢીએ કવિની દિલની મોજ સહેજે છલકાય છે. કવિને આ જગાના જ્યોર્તિધરોની ટૂકડો આપીને હરિને ઢુકડો કરવાની પરંપરાનું ભારે ગૌરવ છે. ચલાળાના આંગણે ઊગેલા તથા મહોરેલા આંબાને કવિ વધાવે છે. 

ટુકડો આપીને ઢુકડો કીધો

અવિનાશીને એણે રે

અલગારી કહે આંચ ન આવે

જેણે નિરખ્યાં દેવળ જેણે રે..

સર્જક ક્યારેક કાળના કપરા પ્રવાહમાં મુંઝારો પણ અનુભવતો હોય છે. સાધન સગવડ ભલે કદાચ ઓછા હોય તો પણ સર્જકને – કવિને તેનો રંજ નથી. પરંતુ ‘‘વાત માંડવાના ઠેકાણા’’ જ્યારે ઓછા થતા જાય ત્યારે કવિની વેદના તેના શબ્દોમાં પ્રગટી જાય છે. 

ખૂટી ગયા છે ખલકમાં

સમજુને શાણા

નબળાને કેવાય નહિ

રીડ રુદીઆ રાણા.

પરવારી ગયા પૂન્યને

કરમના કાણાં

એના દલને ઓરતા

રયા રુદીયા રાણા.

મરદ પટાધર નો મળ્યા

ન રળ્યાં નાણાં

અલગારીને આટલી

રાવ રુદિયા રાણા.

દાન અલગારીની એક ઓળખ એ તેમનો સ્વમાની સ્વભાવ છે. કવિ કોઇને ઉતાળવે નમી પડે તેવા નથી. સામા પૂરે તરવાની હામ હૈયામાં સાચવીને તેઓ જીવ્યા છે. આમ છતાં નમન કરવાના ઠેકાણા પણ કવિએ હૈયા ઉકલતથી તથા અંતરની શ્રધ્ધાથી બરાબર પારખ્યા છે. આથીજ કવિ સાળંગપુરના દેવને સહેજમાંજ નમી પડે છે. 

સાળંગપુરના દેવ સત્ય છો

સાંભળજો આ વાતલડી

કષ્ટભંજન તમે દુ:ખડા કાપો

અરજી છે બસ આટલડી

અમે ગુણ શું ગાઇ તમારા

જીભ અમારી પાતલડી

દાન અલગારી નામ અમારું

કવિ અમારી જાતલડી.

દાન અલગારી સદેહે આપણી વચ્ચે રહ્યાં નથી તે ગમે નહિ તેવી વાસ્તવિકતા છે. છતાં એ વાતનો વિશ્વાસ પણ છે કે દાન તેમના મોંઘામૂલા સર્જનો થકી આપણી વચ્ચે કાયમ જીવતાં અને ધબકતા રહેવના છે. કાળના વહેતા પ્રવાહમાં તેમનું વ્યક્તિત્વ ઝાંખું પડે તેવુંનથી. ભર્તુહરી મહારાજે કહેલું છે તેમ કવિઓ – સર્જકો જરા – મરણના ભયને પરાજિત કરીને ગયેલા છે. 

જયન્તી તે સુકૃતિનો

રસસિધ્ધા: કવિશ્વરા:

નાસ્તી યેશાં યશ: કાયે

જરા મરણજં ભયમ્.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૬/૦૩/૨૦૧૭. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑