આપણાં સમાજની લગભગ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ છેલ્લા ત્રણ – ચાર દાયકામાં વિશેષ ઝડપી તથા પરિણામજનક બની રહી છે. સમાજમાં વ્યાપ્ત એવા કેટલાક દૂષણો સામે જગદંબા સ્વરૂપ આઇ શ્રી સોનબાઇમાએ સંઘર્ષનો શંખ ફૂંક્યો. માતાજીએ અકર્મણ્યતાની અકારી સ્થિતિમાંથી નિષ્ઠાપૂર્વક કર્મ કરવાની વાત સમાજના ગામડે ગામડે જઇને કરી. અજ્ઞાન તથા અંધશ્રધ્ધાના તિમીરને ભેદવાની આઇમાની આ હાકલનો પ્રતિઘોષ કવિ શ્રી કાગની વાણીમાં સુંદર રીતે ઝીલાયો.
માડી ! તેં તો દોરા ધાગાના
વેમ ટાળ્યા, કરમની કેડી
ચિંધી રે જી…
વિચારપૂર્વક વાવેલા તથા જતન કરેલા બીજનું વહેલું કે મોડું વૃક્ષમાં પરિવર્તન થતું હોય છે. કુદરતની સુષ્ટિની આ વણલખી પરંતુ અનુભવસિધ્ધ પ્રક્રિયા છે. આ સમગ્ર પ્રક્રિયામાં સદ્દભાગ્યે સમાજના દિકરા – દિકરીઓના અભ્યાસ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ સમગ્ર ઘટમાળમાં પૂ. આઇના સંદેશને ભૂમિ પર વાસ્તવિકતામાં પરિવર્તીત કરનાર આપણાં કેટલાક વિચારશીલ તથા અભ્યાસુ મહાનુભાવોના નામ સ્મૃતિમાં તાજા થાય છે. આવા વ્યક્તિવિશેષોમાં ભાલ પ્રદેશના પોલારપુર ગામના શ્રી રામદાનભાઇ રત્નુનો સમાવેશ થાય છે. લગભગ સાડા આઠ દાયકાનું સર્વ પ્રકારે સાર્થક જીવતર જીવીને તેઓ તા.૨૮/૦૩/૨૦૧૬ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. રામદાનભાઇના સમકાલિન રહેલા અને શિક્ષણ થકી સમાજની ઉન્નતિ કરવામાં સક્રિય હોય તેવા લોકોમાં પિંગળશીભાઇ પાયક, ભૈરવદાન ગઢવી, ખોડિદાનજી ઝુલા, લખુભાઇ લીલા, પચાણભાઇ (કચ્છ), રામભાઇ આલ્ગા (પારેવાળા), સામતભાઇ વરસડા, મુળજીભાઇ બાટી, સમર્થદાનજી મોડ, પ્રવિણદાનજી બોક્ષા, માધવસિંહ બારહઠ્ઠ, શિવદાનભાઇ ઝુલા તેમજ બનેસિંહજી મીસણ જેવા અનેક લોકોની સ્મૃતિ થાય છે. આ સૌ મહાનુભાવોના યોગદાન માટે આદર થાય છે. આ બધા લોકોના વ્યક્તિગત પ્રયાસો તેમજ સામુહિક બળથી સમાજમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અલગ અલગ સ્થળે સ્થાપવામાં આવી અને કાળજીપૂર્વક વિકસાવવામાં આવી. ૧૯૩૪ માં આડાભીડ તથા વિદ્વાન ચારણ પ્રભુદાનજી બોક્ષાના પ્રયાસો તેમજ તેમના નિમંત્રણથી મૂળી સમ્મેલન સંપન્ન થયું ભાવનગર ચારણ હિતવર્ધક સભાનું બીજ મૂળીમાં રોપાયું. સમ્મેલન ભગતબાપુ તથા શંકરદાનજી અને મસ્તકવિ તેમજ ઠારણબાપુ જેવા મહેમાનોથી શોભાયમાન થયું. ૧૯૫૪ માં મઢડાના મહાસમ્મેલનમાં જે આશાઓનું ઉચ્ચારણ થયું તેની પ્રતિતિ મહદ્દ અંશે ત્યારબાદ થયેલા સર્વ પ્રયાસોમાં જોઇ શકાય છે. મઢડા સમ્મેલનનું સ્વરૂપ તથા ભવ્યતા પૂ. આઇની તથા વિશાળ સમાજની ઉપસ્થિતિના કારણે ચિરંજીવી બની રહી. મઢડા સમ્મેલનમાં પૂજ્ય આઇમાએ આપેલા શિક્ષણ અને સંસ્કારના સંદેશને સમાજે ઝીલ્યો હતો. ઉપર જે મહાનુભાવોના નામ ઉદાહરણ તરીકે ટાંકેલા છે તેવા અનેક દ્રષ્ટિવાન લોકોએ શિક્ષણના યજ્ઞને પ્રજ્વલિત કરવા માટે પુરુષાર્થ કર્યો. પ્રિન્સીપાલ રામદાનજી રત્નુ આવાજ એક વિદ્યાવ્યાસંગી માનવી હતા. તેમણે વિદ્યા પચાવી અને પચાવેલી વિદ્યાના ઉમદા સંસ્કારોનું સિંચન અનેક સમાજના અનેક અધ્યાપકો તથા વિદ્યાર્થીઓમાં કુશળતાપૂર્વક કર્યું. રામદાનજી ખરા અર્થમાં વિદ્યાપુરુષ હતા.
રામદાનજીના વ્યક્તિત્વની કેટલીક બાબતોની અમીટ છાપ મનમાં પડેલી છે. કોઇપણ વિષય ઉપર રામદાનજી બોલતા હોય ત્યારે લોકો મંત્રમુગ્ધ થઇ જતા હતા. મારો વ્યક્તિગત અનુભવ પણ આવોજ છે. વિષયને સ્પર્શીને તાર્કીક રીતે પોતાની વાત રજૂ કરવાની રામદાનજીની નૈસર્ગિક શક્તિ હતી. તેઓનું વાંચન વિશાળ હોવાથી તેમજ તેઓ વ્યવહારુ અનુભવોથી ઘડાયેલા હોવાથી જે વાત રજૂ કરતા તે સાંભળનારના મન પર અસર કરે તેવી ફળદાયક રહેતી હતી. બોટાદ કોલેજના પ્રિન્સીપાલ તરીકે તેમણે આપેલી સેવાને આજે પણ અનેક લોકો આદરથી યાદ કરે છે. રામદાનજી જ્યારે સાહિત્યનો સંદર્ભ લઇને તે અંગેની વાત કરતા હોય ત્યારે સાહિત્ય અંગેની તેમની ઊંડી સમજ પણ સ્પષ્ટ રીતે જોઇ શકાતી હતી. સામાન્ય રીતે શિક્ષણમાં પડેલા ઘણાં મહાનુભાવોને વહીવટ અંગેની બાબતોમાં ધ્યાન રહેતું નથી અથવા તો વહીવટી બાબતોની તેઓ અવગણના કરતા રહે છે. રામદાનજી આ બાબતમાં પણ એક સુખદ અપવાદ સ્વરૂપ હતા. શૈક્ષણિક વિષયોની સાથેજ કોલેજ કે યુનિવર્સિટીના વહીવટ સંબંધેની બાબતો પર પણ તેમનું નોંધપાત્ર પ્રભુત્વ હતું. સૌરાષ્ટ્રની કોલેજોમાં બોટાદની બોટાદકર કોલેજનું એક વિશિષ્ટ સ્થાન હતું. તેની પાછળ આ કર્મઠ આચાર્યની નિષ્ઠા અને શક્તિ પડેલા હતા. સંસ્થાની સ્થાપનાના સમયથી લગભગ ત્રણ દાયકા સુધી રામદાનજીએ બોટાદકર કોલેજનું નેતૃત્વ સંભાળ્યું અને કોલેજના શૈક્ષણિક તેમજ બીન શૈક્ષણિક કાર્યોને દિશા તેમજ ગતિ પૂરા પાડ્યા. હમેશા જાગૃત અને વિવિધ વિષયોની જાણકારીમાં રામદાનજી સતેજ હોવાથી તેઓની વાત હમેશા સાંપ્રતકાળને અનુરૂપ અને અસરકારક રહેતી હતી. અમદાવાદની બોર્ડિંગના સંચાલનમાં અનેક પ્રશ્નો કે સમસ્યાઓ ઊભા થતા હતા. આવા સમયે રામદાનજીનું માર્ગદર્શન પ્રશ્નોના ઉકેલમાં હમેશા ઉપયોગી થયેલું છે. આપણાં સમાજ ઉપરાંત અન્ય સમાજોની સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં પણ રામદાનજીનું મહત્વનું પ્રદાન હતું. તેમનું વ્યક્તિત્વ કોઇ નાના વર્તુળમાં બાંધી શકાય તેવું ન હતું. રામદાનજી વિશાળતાના વિચારક અને વિશાળતાને જીવી જનારા પ્રજ્ઞા પુરુષ હતા.
રામદાનજીના સંતાનોમાં પિતાના સંસ્કારનો ઉજળો વારસો આજે આપણાં સૌની નજર સામે છે. વિદ્યા, વિવેક અને સૌજન્યનો જે વારસો રામદાનજી મૂકીને ગયા છે તે આપણાં સૌની સામુહિક મુડી છે. આપણું ગૌરવ છે. બહેન શ્રી ગીતાબેનને પિતાનો વિદ્યાનો વારસો મળેલો છે અને તેમણે તે સુચારુ રીતે પચાવ્યો છે. આથી રામદાનજીની સ્મૃતિમાં ગ્રંથ તૈયાર કરવાનું કાર્ય આવકાર તેમજ અભિનંદનને પાત્ર છે. ગીતાબહેન તેમજ સુરેશભાઇની આવો ગ્રંથ તૈયાર કરવાની મહેનત સૌને ઉપયોગી તથા માર્ગદર્શક બની શકે તેવી છે. સુયોગ્ય રીતે સમયસર થયેલા દસ્તાવેજીકરણથી રામદાનજી જેવા સમર્થ વ્યક્તિત્વને સંબંધિત અનેક વાતો જળવાશે તેમજ રામદાનજીના કર્મયોગની આવી બાબતો આવનારી અનેક પેઢીઓને પ્રેરણાનું ભાથું પૂરું પાડી શકશે તે નિર્વિવાદ વાત છે. રામદાનજીની સ્મૃતિને વંદન કરવાનો આ સુવર્ણ અવસર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૪/૦૩/૨૦૧૭.
Leave a comment