
ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાનો ઉલ્લેખ આપણાં સાહિત્ય જગતમાં ખૂબ આદરપૂર્વક કરવામાં આવે છે. આમ થાય તે સ્વાભાવિક પણ છે. માર્ચ-૧૯૩૯ માં કવિરાજ ગયા ત્યારે લોકસાહિત્યના મર્મજ્ઞ મેઘાણીભાઇએ તેમને ભવ્ય અંજલિ આપી. જન્મભૂમિ (મુંબઇ) તથા ફૂલછાબ (રાજકોટ) માં મેઘાણીભાઇએ લખ્યું કે કવિરાજના અવસાનથી ગરવાનું ટૂક તુટી પડ્યું હોય તેવી લાગણી થાય છે. સાડા આઠ દાયકાનું ભાતીગળ તથા અર્થસભર જીવન જીવી જનાર આ કવિ સાહિત્ય જગતમાં પોતાના સર્જનો થકી અમીટ છાપ ઊભી કરતા ગયા છે. કવિરાજની કવિતાઓની વાણી સરળ હતી. આથી તેમના કાવ્યો ગામડે ગામડે ગવાતા રહ્યા છે. કવિરાજ એક ઉત્તમ વાર્તાકાર પણ હોવાથી તેમની કહેણીની અદ્દભૂત છટાથી શ્રોતા સમુહ હમેશા પ્રભાવિત થતો હતો. ભાવનગરના ત્રણ ત્રણ પ્રતાપી રાજવીઓ – મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તેમજ કૃષ્ણકુમારસિંહજીનો વિશ્વાસ તથા સ્નેહ કવિરાજ પ્રાપ્ત કરી શક્યા તે એક વિરલ ઘટના સમાન હકીકત છે. કવિરાજની ઓળખ તેમની ઉજળી મહેમાનગતી થકી વિશેષ ખીલી હતી. કવિરાજના કાવ્યોનું સત્ય જોતાં તેઓ હક્કથી નરસિંહ કે દયારામની હરોળમાં બેસી શકે તેમ છે. કવિના પૌત્ર બળદેવભાઇ નરેલાને ઘણાં લોકોએ નજીકના ભૂતકાળમાં જોયેલા છે. બળદેવભાઇ એક સંસ્કારમૂર્તિ સમાન સાહિત્યના વાહક હતા અને સૌજન્યની જીવંત પ્રતિકૃતિ સમાન હતા. ઇ.સ. ૧૮૫૬ થી ૧૯૩૯ સુધીનું સુદીર્ઘ જીવન જીવીને કવિરાજ વ્યાપક યશ અને કીર્તિના હક્કદાર પોતાની કરણી તથા કથની થકી થયા છે. જીવનના ઊંચા મૂલ્યો જાળવીને જીવી જવાની કવિની પ્રકૃતિ તથા કાવ્યબાનીની સરળતા માટે કવિની સ્મૃતિ ચિરંજીવી થવા સર્જાયેલી છે. પોતાનાથી વિખૂટા પડેલા પરંતુ હમેશા વહાલા લાગતા કાનને મીઠો ઠપકો આપતા ભોળા વ્રજવાસીઓની લાગણીને કવિએ કેવી સુંદર રીતે બોલચાલની લઢણમાં ઢાળી છે તે જોઇને પ્રસન્નતા થાય છે. મીરાં અને નરસિંહની સ્નેહભક્તિનો રસ કવિરાજ પિંગળશીભાઇના કાવ્યોમાં વહેતો રહેલો છે.
કહેવું શું તમને કાના
નંદકુંવર નથી નાના રે…
જો જાણ્યા હોત તમને આવા
જીવન દેત નહીં કદી જાવા
ખોટા ખોટા સોગન ખાવા
તમને ઘટે નહિ માવા રે…
ભાતીગળ રંગોના મેઘધનુષની રંગછોળો હાલના દિવસોમાં સમાજ જીવનને અનેક નૂતન રંગોની છાયામાં ઢાળે છે. હોળી-ધૂળેટીના આ દિવસો બહાર તથા ભીતરથી રંગાઇ જવાના છે. આવા દિવસોમાંજ રાજ્ય કવિ પિંગળશીભાઇ જેવા રંગદર્શીની ચિર વિદાય ઘણાંની સ્મૃતિમાં તાજી થાય છે. વાર્તાકથનની એક આગવી તથા ઝમકદાર શૈલિ પણ આ કવિ સાથેજ જાણે કે અસ્ત પામી. નજીકના ભૂતકાળમાં વાતોના મર્મી શ્રી કાનજી ભુટા બારોટ તથા શ્રી બચુભાઇ ગઢવી પણ વાર્તાકથનની પોતાની આગવી શૈલિથી લોક હ્રદયમાં સ્થાન મેળવી શક્યા છે. દરબાર સાહેબ શ્રી પુંજા વાળા આજે જૈફવયે પણ કથનની આ શૈલિને ઉજાગર કરીને કથા સાહિત્યના અજવાળા પાથરી રહેલા છે.
કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં ઓકટોબર-૧૯૫૬ માં થયેલો. તેમના પિતા શ્રી પાતાભાઇ નરેલા પણ ભાવનગર રાજ્યના સુપ્રસિધ્ધ કવિ હતા. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે ભક્તિનો જે દોર નરસિંહ, મીરાં, ભોજલરામ ધીરા તથા દયારામની રચનાઓમાં વણાયેલો હતો એજ દોરમાં પરોવાયેલા હોય તેવા કાવ્યો પિંગળશીભાઇના છે. ઉપરાંત તેઓ પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા તેનું સંભારણું પણ સ્વાનુભવેજ ચંદ્રવદન મહેતાએ લખેલું છે. પિંગળશીભાઇની કવિતાઓ શબ્દાડંબર વાળી નહિ પરંતુ મહદ અંશે સરળ ભાષામાં લખાયેલી હતી. કાવ્યની સરળતા તથા વિષય વૈવિધ્યતાને કારણે તેમની ઘણી રચનાઓ લોકપ્રિય થઇ છે. આવી રચનાઓ પાઠ્ય પુસ્તકોના માધ્યમથી આવતી પેઢી સુધી પહોંચી છે.
ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ?
મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ?
દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ?
સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ?
વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ?
જગતમાં કોઇ નવજાણે જનેતાના જણ્યાથી શું ?
સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ?
મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ?
ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઇને રળ્યાથી શું ?
કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ?
કવિ ખૂબ સરળ છતાં માર્મિક રીતે યોગ્ય સમયે કે સમયસર નિર્ણય કરવામાંજ માનવજીવનની યથાર્થતા છે તે તરફ ધ્યાન દોરે છે. ગંગાસતી પાનબાઇને કહે છે તેમ વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની સલાહ કવિશ્રીએ દાખલા – દલીલ સાથે આપી છે. જો સમય ચૂકી જવાય તો કરેલા કાર્યનું મૂલ્ય કે મહત્વ રહેતું નથી. જીવતર જીવવામાં જો સહાનુભૂતિ કે સંવેદનાને બદલે સંઘર્ષ કે પરપિડન વૃત્તિને તાબે થઇને જીવન વ્યતિત કર્યું હોય તો પછી કાશીની યાત્રા કરવી નિરર્થક છે. મધ્યયુગના કવિઓની જેમ કવિ પિંગળશીભાઇએ કથની નહિ પરંતુ કરણી ઉપર વિશેષ ભાર મૂક્યો છે. કવિનો પોતાનો આવકાર પણ ખૂબ ઉજળો હતો. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ ભાવનગરની ડેલી (કવિનું રહેવાનું મકાન) કદી સુની જોવા મળતી ન હતી. કવિ હમેશા મહેમાનોની વચ્ચેજ જીવતા હતા, શોભતા હતા. સમાજ દ્વારા કવિને તેમના કાવ્ય સર્જન ઉપરાંત એક ઉદાર તથા સાધુ ચરિત માનવી તરીકે સ્નેહ તથા આદરથી નવાજવામાં આવતા હતા. જો સમાજને ખપમાં ન આવે તેવું સ્વકેન્દ્રી જીવન જીવાય તો પછી જનેતાએ જન્મ આપ્યો તે સાર્થક થતું નથી. તે સાથેજ કવિને લાગે છે કે પરોપકારનું કોઇપણ કૃત્ય તેની જરૂર હોય તે સમયેજ કરવામાં આવે તો હેતુસચવાયછે. એકવાર ખેતરોમાં મોલ (પાક) સુકાઇ જાય તો પછી અતિવૃષ્ટિ થાય તો પણ તેનો અર્થ સરતો નથી. સૃષ્ટિના ક્રમ અનુસાર ઋતુ પ્રમાણે મેઘસવારી આવે તોજ તે પૂર્ણત: ઉપયોગી છે. દરેક બાબતને પોતાના નિશ્ચિત ક્રમ હોય છે અને તેથી તે ક્રમ અનુસારજ સૃષ્ટિનું ચક્ર ચાલે તો સૌનું શ્રેય છે, કલ્યાણ છે. જીવન જીવાય તે ‘‘ ઘસાઇને ઉજળા થવાની ’’ રવિશંકર મહારાજની કલ્પના મુજબનું ઉજળું હોય તથા કોઇ નાલેશીયુક્ત ન હોય તેની કવિને ખેવાના છે. એકવાર જો બદનામી કે નાલેશી થાય તો પછી દૂર જવાથી કે નાસી જવાથી પ્રતિષ્ઠા સાચવી શકાતી નથી. કવિએ ઉજળા જીવતર તેમજ સમયના મહત્વની વાત સહેલાઇથી ગળે ઉતરે તેવા દ્રષ્ટાંતો આપીને આ કાવ્યમાં કરી છે. કવિની આ એક લોકપ્રિય રચનાઓ પૈકીની રચના છે અને આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ તેને સમાવી લેવામાં આવી છે.
મધ્યયુગની આપણી સંતવાણીમાં કરણીના તત્ત્વ ઉપરજ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પિંગળશીભાઇ જેવા કવિઓ – સર્જકોના જેવા ઉજળા શીલ હતા તેવીજ પ્રભાવી તેમની શૈલી હતી. કથની અને કરણીમાં અંતર ન હતું. ‘‘ શિર સાટે નટવરને ભજીએ ’’ તેવી ખુમારી તેમની રચનાઓમાંથી નિતરતી રહેતી હતી. જીવન પણ તેઓ આવીજ ખુમારીથી જીવતા હતા. આથીજ તેમનો પ્રભાવ આજે પણ આકર્ષક તથા અકબંધ રહેવા પામ્યો છે. અનેક પ્રકારના વિષયોને લઇને ભાતીગળ રચનાઓનું સર્જન પિંગળશીભાઇ કરતા ગયા છે. કવિ શ્રી પિંગળશીભાઇ રચિત રળિયામણી ઋતુ-કાવ્યોમાં પણ એક અનોખી છટાનું દર્શન થાય છે. વર્ષાઋતુમાં પણ શ્રાવણ માસ હોય તો તે રમણિય માહોલમાં કવિ ગિરધારી ગોપાલને લાગણીના હક્કથી નિમંત્રણ પાઠવે છે. વર્ષાકાળમાં ગોપીભાવની મધુર અભિવ્યક્તિ સાથેના ત્રિભંગી છંદના બંધારણમાં કવિની આ જાણીતી રચના છે. અષાઢ-શ્રાવણમાં મેઘરાજાના આગમન સમયે કવિશ્રીની આ રચના અનેક લોકોની સ્મૃતિમાં આવ્યા કરે છે.
શ્રાવન જલ બરસે, સુંદર સરસે,
બદ્દલ બરસે અંબરસે
તરૂવર ગિરિવરસેં લતા લહરસે
નદિયા પરસે સાગરસે
દંપતી દુ:ખ દરસે સેજ સમરસે
લગત જહરસે દુ:ખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી !
કવિ પિંગળશીભાઇને શ્રધ્ધાંજલિ આપતા શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે કવિ ‘સર્જનશક્તિનો પુંજ’ હતા. આઠ દાયકાથી પણ વિશેષ જીવનમાં કવિ પિંગળશીભાઇએ સાહિત્યમાં કદી વિસ્મૃત ન થાય તેવું પ્રદાન કરેલું છે. મેઘાણીભાઇ ભારે હૈયે કવિરાજને શ્રધ્ધાંજલિ આપતા લખે છે : ‘‘ કવિરાજ ફાગણ સુદ-૧૪ ના રોજ ગયા. હજુ એક પખવાડીયા પહેલાંજ હું એ મારા તીર્થસ્વરૂપ ચારણ દેવના દર્શને ગયો હતો. કોઇ જોગંદરને શોભે તેવી છટાથી તેઓ બેઠા હતા. અવાજ મેઘકંઠીલો. જૂના ઇતિહાસના મારા સંશોધનના પ્રશ્નોના અણીશુધ્ધ અને અખંડ જવાબો આપે. સત્તાસી વર્ષની ઉમ્મરે સહેજ પણ સ્મૃતિલોપ નહિ કે જીભનો થોથરાટ પણ નહિ. ગુજરાતે વિદ્યાગુરુ ગુમાવ્યા છે. ’’ ભગતબાપુના લખેલા શબ્દો યાદ આવે.
સઘળે સ્થાનકે દીઠો
પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો
મહારાજાઓને ડાયરે ડાયરે
સાચું સંભળાવતો મેં દીઠો
ઝૂંપડીઓની વણીને વેદના
ગીતમાં ગાતો મેં દીઠો…
ભકતોના પાતળીઆ તંબુરના
તારમાં, છેવટ સમાતો મેં દીઠો.
Leave a comment