: ક્ષણના ચણીબોર : : ડેલીએ બેઠો અડિખમ ડુંગરો : દેતાં દેતાં મેં દીઠો :

ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાનો ઉલ્લેખ આપણાં સાહિત્ય જગતમાં ખૂબ આદરપૂર્વક કરવામાં આવે છે. આમ થાય તે સ્વાભાવિક પણ છે. માર્ચ-૧૯૩૯ માં કવિરાજ ગયા ત્યારે લોકસાહિત્યના મર્મજ્ઞ મેઘાણીભાઇએ તેમને ભવ્ય અંજલિ આપી. જન્મભૂમિ (મુંબઇ) તથા ફૂલછાબ (રાજકોટ) માં મેઘાણીભાઇએ લખ્યું કે કવિરાજના અવસાનથી ગરવાનું ટૂક તુટી પડ્યું હોય તેવી લાગણી થાય છે. સાડા આઠ દાયકાનું ભાતીગળ તથા અર્થસભર જીવન જીવી જનાર આ કવિ સાહિત્ય જગતમાં પોતાના સર્જનો થકી અમીટ છાપ ઊભી કરતા ગયા છે. કવિરાજની કવિતાઓની વાણી સરળ હતી. આથી તેમના કાવ્યો ગામડે ગામડે ગવાતા રહ્યા છે. કવિરાજ એક ઉત્તમ વાર્તાકાર પણ હોવાથી તેમની કહેણીની અદ્દભૂત છટાથી શ્રોતા સમુહ હમેશા પ્રભાવિત થતો હતો. ભાવનગરના ત્રણ ત્રણ પ્રતાપી રાજવીઓ  – મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તેમજ કૃષ્ણકુમારસિંહજીનો વિશ્વાસ તથા સ્નેહ કવિરાજ પ્રાપ્ત કરી શક્યા તે એક વિરલ ઘટના સમાન હકીકત છે. કવિરાજની ઓળખ તેમની ઉજળી મહેમાનગતી થકી વિશેષ ખીલી હતી. કવિરાજના કાવ્યોનું સત્ય જોતાં તેઓ હક્કથી નરસિંહ કે દયારામની હરોળમાં બેસી શકે તેમ છે. કવિના પૌત્ર બળદેવભાઇ નરેલાને ઘણાં લોકોએ નજીકના ભૂતકાળમાં જોયેલા છે. બળદેવભાઇ એક સંસ્કારમૂર્તિ સમાન સાહિત્યના વાહક હતા અને સૌજન્યની જીવંત પ્રતિકૃતિ સમાન હતા. ઇ.સ. ૧૮૫૬ થી ૧૯૩૯ સુધીનું સુદીર્ઘ જીવન જીવીને કવિરાજ વ્યાપક યશ અને કીર્તિના હક્કદાર પોતાની કરણી તથા કથની થકી થયા છે. જીવનના ઊંચા મૂલ્યો જાળવીને જીવી જવાની કવિની પ્રકૃતિ તથા કાવ્યબાનીની સરળતા માટે કવિની સ્મૃતિ ચિરંજીવી થવા સર્જાયેલી છે. પોતાનાથી વિખૂટા પડેલા પરંતુ હમેશા વહાલા લાગતા કાનને મીઠો ઠપકો આપતા ભોળા વ્રજવાસીઓની લાગણીને કવિએ કેવી સુંદર રીતે બોલચાલની લઢણમાં ઢાળી છે તે જોઇને પ્રસન્નતા થાય છે. મીરાં અને નરસિંહની સ્નેહભક્તિનો રસ કવિરાજ પિંગળશીભાઇના કાવ્યોમાં વહેતો રહેલો છે. 

કહેવું શું તમને કાના

નંદકુંવર નથી નાના રે…

જો જાણ્યા હોત તમને આવા

જીવન દેત નહીં કદી જાવા

ખોટા ખોટા સોગન ખાવા

તમને ઘટે નહિ માવા રે…

ભાતીગળ રંગોના મેઘધનુષની રંગછોળો હાલના દિવસોમાં સમાજ જીવનને અનેક નૂતન રંગોની છાયામાં ઢાળે છે. હોળી-ધૂળેટીના આ દિવસો બહાર તથા ભીતરથી રંગાઇ જવાના છે. આવા દિવસોમાંજ રાજ્ય કવિ પિંગળશીભાઇ જેવા રંગદર્શીની ચિર વિદાય ઘણાંની સ્મૃતિમાં તાજી થાય છે. વાર્તાકથનની એક આગવી તથા ઝમકદાર શૈલિ પણ આ કવિ સાથેજ જાણે કે અસ્ત પામી. નજીકના ભૂતકાળમાં વાતોના મર્મી શ્રી કાનજી ભુટા બારોટ તથા શ્રી બચુભાઇ ગઢવી પણ વાર્તાકથનની પોતાની આગવી શૈલિથી લોક હ્રદયમાં સ્થાન મેળવી શક્યા છે. દરબાર સાહેબ શ્રી પુંજા વાળા આજે જૈફવયે પણ કથનની આ શૈલિને ઉજાગર કરીને કથા સાહિત્યના અજવાળા પાથરી રહેલા છે. 

કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે   ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં ઓકટોબર-૧૯૫૬ માં થયેલો. તેમના પિતા શ્રી પાતાભાઇ નરેલા પણ ભાવનગર રાજ્યના સુપ્રસિધ્ધ કવિ હતા. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે ભક્તિનો જે દોર નરસિંહ, મીરાં, ભોજલરામ ધીરા તથા દયારામની રચનાઓમાં વણાયેલો હતો એજ દોરમાં પરોવાયેલા હોય તેવા કાવ્યો પિંગળશીભાઇના છે. ઉપરાંત તેઓ પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા તેનું સંભારણું પણ સ્વાનુભવેજ ચંદ્રવદન મહેતાએ લખેલું છે. પિંગળશીભાઇની કવિતાઓ શબ્દાડંબર વાળી નહિ પરંતુ મહદ અંશે સરળ ભાષામાં લખાયેલી હતી. કાવ્યની સરળતા તથા વિષય વૈવિધ્યતાને કારણે તેમની ઘણી રચનાઓ લોકપ્રિય થઇ છે. આવી રચનાઓ પાઠ્ય પુસ્તકોના માધ્યમથી આવતી પેઢી સુધી પહોંચી છે.

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ? 

મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ? 

દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ? 

સુકાયા મોલ  સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ? 

વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ? 

જગતમાં કોઇ નવજાણે જનેતાના જણ્યાથી શું ? 

સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ? 

મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ? 

ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઇને રળ્યાથી શું ? 

કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ? 

કવિ પિંગળશીભાઇને શ્રધ્ધાંજલિ આપતા શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે કવિ ‘સર્જનશક્તિનો પુંજ’ હતા. આઠ દાયકાથી પણ વિશેષ જીવનમાં કવિ પિંગળશીભાઇએ સાહિત્યમાં કદી વિસ્મૃત ન થાય તેવું પ્રદાન કરેલું છે. મેઘાણીભાઇ ભારે હૈયે કવિરાજને શ્રધ્ધાંજલિ આપતા લખે છે :  ‘‘ કવિરાજ ફાગણ સુદ-૧૪ ના રોજ ગયા. હજુ એક પખવાડીયા પહેલાંજ હું એ મારા તીર્થસ્વરૂપ ચારણ દેવના દર્શને ગયો હતો. કોઇ જોગંદરને શોભે તેવી છટાથી તેઓ બેઠા હતા. અવાજ મેઘકંઠીલો. જૂના ઇતિહાસના મારા સંશોધનના પ્રશ્નોના અણીશુધ્ધ અને અખંડ જવાબો આપે. સત્તાસી વર્ષની ઉમ્મરે સહેજ પણ સ્મૃતિલોપ નહિ કે જીભનો થોથરાટ પણ નહિ. ગુજરાતે વિદ્યાગુરુ ગુમાવ્યા છે. ’’ ભગતબાપુના લખેલા શબ્દો યાદ આવે.

સઘળે સ્થાનકે દીઠો

પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો

મહારાજાઓને ડાયરે ડાયરે

સાચું સંભળાવતો મેં દીઠો

ઝૂંપડીઓની વણીને વેદના

ગીતમાં ગાતો મેં દીઠો…

ભકતોના પાતળીઆ તંબુરના

તારમાં, છેવટ સમાતો મેં દીઠો.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૬/૦૩/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑