: વાટે….ઘાટે…. : : યે કહાની હૈ દીયેકી ઔર તુફાનકી : : મોરબી અને મચ્છુ :

સૌરાષ્ટ્ર – કચ્છની ઉત્સવપ્રિય તથા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી પ્રજાને શ્રાવણ માસનું એક વિશેષ મહત્વ છે. આવોજ માહોલ ૧૯૭૯ ના વર્ષના શ્રાવણ માસમાં પણ હતો. સોનામાં સુગંધ ભળે તેમ ૧૯૭૯ માં જન્માષ્ટમી તથા ૧૫મી ઓગસ્ટ બન્ને એકજ દિવસે આવતા હતા. તે સમયમાં રાજકોટ જિલ્લાના મોરબી નગરના લોકો પણ આવાજ ઉમંગ ઉત્સાહથી સાતમ આઠમના તહેવારો માણવા થનગની રહ્યા હતા. મોરબીની ઓળખ મચ્છુકાંઠાના નગર તરીકે સ્થાપિત થયેલી છે. મોરબીને શણગારી મચ્છુ નદી કચ્છના અખાતને મળે છે અને પોતાના અસ્તિત્વને આ ખારાપાટમાં ઓગાળે છે. 

દેશ આઝાદ થયા પછી નદીઓના ધસમસતા પ્રવાહને નાથવા માટે બંધો બાંધવાનું કામ વિશેષ ઝડપી બનાવવામાં આવ્યું. નદીઓના ભારે પુરથી થતી નુકસાનીમાંથી રાહત મેળવવા ઉપરાંત બંધનું નિર્માણ થયા બાદ ડેમનું પાણી પૂરું પાડીને ખેતી સમૃધ્ધ કરી શકાય છે. તે સમયની સૌરાષ્ટ્ર સરકારે વાંકાનેર નગર પાસે મચ્છુ નદી પર એક ડેમના નિર્માણનો પ્રોજેક્ટ હાથ પર લીધો. આ બંધ મચ્છુ બંધ-૧ તરીકે ઓળખાયો. આ ડેમનું નિર્માણ થયા પછી પણ મચ્છુ નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરીને બીજો એક બંધ બનાવી શકાય તેવી સ્થિતિ હતી અને વ્યાપક લાગણી પણ હતી. આ રીતે મોરબી પાસે મચ્છુ-ર બંધનો વિચાર થયો. ૧૯૭૨ માં આ બંધનું કામકાજ લગભગ પૂર્ણ કરવામાં આવ્યું. 

૧૯૭૯ના ઓગસ્ટ માસમાં મચ્છુ-રના ભંગાણની જે ઘટના બની તે વિશ્વની કુદરતી દુર્ઘટનાઓની યાદીમાં કાયમી સ્થાન મેળવે તેવી વિનાશકારી હતી. ૧૯૭૯ની ૧૧મી ઓગસ્ટે બપોરે મચ્છુ-ર બંધ ઉપર માત્ર છ સાત માણસો ઊભા હતા. નિયતિના પ્રલયકારી ખેલ સામે તેઓ લાચારીનો ભાવ અનુભવતા હતા. ધોધમાર વરસાદ અટકવાનું નામ લેતો ન હતો. પાણીની સપાટી સતત વધતી જતી હતી. પાણીના ધસમસતા પ્રવાહના મોજા કોંક્રીટના બંધની ટોચે અથડાતા હતા. ઉપરનો કાચો પાળો ગમે ત્યારે તુટે તેવી સ્થિતિ સ્પષ્ટ થતી જતી હતી. હવે આ કુદરતી પ્રવાહને ખાળવાનું કામ માનવીએ બાંધેલ બંધ કરી શકે તેમ ન હતું. બંધના ટેલિફોન અને વાયરલેસ એકમો મહદ્દઅંશે ખોરવાઇ ગયા હતા. મચ્છુના પાણી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને મોરબી તરફ ધસતા હતા.

નગરના અન્ય લોકોની જેમ મોરબીની તાલુકા જેલના કેદીઓને અસાધારણ તથા વિકરાળ સ્વરૂપધારી એવો વરસાદ તથા શેરીઓમાં ઉભરાતા પાણી ચિંતા કરાવતા હતા. સૌ કેદીઓ જેલના ખુલ્લા મેદાનમાં ઊભા રહી કુદરતનું તાંડવ ભયાવહ નજરે જોતા હતા. કેદીઓની નજર સતત હાંફળાફાંફળા થઇને દોડધામ કરતા પોલીસના પરીચિત માણસો તરફ હતી. જેલની નજીક આવેલા પોલીસ સ્ટેશનની છત પર પોલીસના લોકો તેમના કુટુંબીજનો સાથે મરણીયા થઇને પહોંચવાની કોશીષ કરતા હતા. કેદીઓને થયું કે આપણે હવે શું કરવું ? જેલની અંદરના દરેક ભાગમાં પણ પાણીનો જથ્થો સતત વધતો જતો હતો. તેઓ તાળાબંધ જગાએ હતા એ વાતની પ્રતિતિથી કેદીઓના જીવ પડીકે બંધાયા હતા. સતત મથામણ પછી કેદીઓ પહેલા માળની બારીનો ટેકો લઇ કેદની ખોલીઓના છાપરે પહોંચ્યાં. એકબીજાના સક્રિય તથા હિમ્મતભર્યા ટેકાથી આમ થઇ શક્યું. પાણીના ઊંચા મોજાઓ વધારે ને વધારે વિકરાળ થતા જતા હતા. કેદખાનાના છાપરે ઊભા રહીને કેદીઓએ કંપારી છૂટે તેવા દ્રશ્યો નજરોનજર જોયા. અનેક લોકો તથા પ્રાણીઓ પાણીના વહેતા પ્રવાહમાં તરફડિયા મારતા હતા. પાણીની રાક્ષસી શક્તિ સામે પામર માનવીનું જોર  કેટલું ? વહેતા પ્રવાહમાં કુમળા બાળકો માતાની પકડમાંથી છૂટી પડતા નજરે જોવા મળ્યાં. કેદીઓમાંથી બે ત્રણ કેદીઓએ કોઇ અદ્રશ્ય પ્રેરણાથી નિશ્ચય કર્યો : ‘‘ હવે જીવીએ કે મરીએ. આપણાંથી જેટલું બને તેટલું  કરીએ. ’’ પાણીના સેલારા મારતા પ્રવાહમાં કેદીઓ તણાતા લોકોને બચાવી લેવાના કામમાં પડ્યા. પણીના ઘૂઘવતા દરિયામાં જેલના આ બંદીવાન લોકો શક્ય બને તેટલા લોકોના મુક્તિદાતા થવા કફન બાંધીને નીકળી પડ્યા હતા. માનવીના અંતરના ઊંડાણમાંથી માનવતાનું પ્રવિત્ર ઝરણું ક્યારે અને કોનામાં પ્રગટ થશે તેના કોઇ ધારાધોરણ નથી હોતા. બચાવ કાર્ય કરતા કરતા આ કેદીઓની શક્તિ કપરા પરિશ્રમથી ઓગળવા લાગી. જે ઘાવ શરીર પર થયા તેની પીડા પોતે કરેલા બચાવના કાર્યના સંતોષ સામે આ મરજીવાઓને ફીક્કી લાગતી હતી.

મચ્છુ ડેમ હોનારતના ત્રણ દાયકા પછી ‘‘ ઝીલો રે મચ્છુનો પડકાર ’’ પ્રગટ થયું. ગુજરાતની જાણીતી પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. (રાજકોટ) તરફથી આ ગુજરાતી પુસ્તકનું પ્રકાશન હોનારતના દિવસને યાદ રાખીને ૨૦૧૫ની ઓગસ્ટની ૧૧મી તારીખે કરવામાં આવ્યું. મૂળ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકના લેખકો ઉત્પલ સાંડેસરા તથા ટોમ વૂટન છે. આ બન્ને લોકો અમેરિકાની સુપ્રસિધ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ – સંશોધકો છે. વર્ષ ૨૦૦૬ માં આ બન્ને સંશોધકોએ લગભગ ત્રણ મહિના સુધી જાત માહિતી – મુલાકાતો અને દસ્તાવેજો પરથી આ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું. લેખકોએ જણાવ્યું છે કે તેમને નિવેદન આપનારા લોકોના હિંમતભર્યા અને સરળ વ્રતાંત સિવાય આ કાર્ય થઇ ન શક્યું હોત. અનેક સરકારી અધિકારીઓ તેમજ સંસ્થાઓએ પણ લેખકોને ઉમળકાથી સહયોગ આપ્યો. મૂળ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકનું ટાઇટલ “ No one had a tongue to speak “ હતું. ગુજરાતી ભાષાંતર શ્રી નિરંજન સાંડેસરાએ કરેલું છે. 

સમીક્ષકોએ પુસ્તકમાં રજૂ થયેલ વિગતો દરેક કાળમાં સાંપ્રત છે તેમ લખ્યુંછે તે યથાર્થ છે. લોકો કામ કરતા જાય અને વેદનાના આંસુ પણ સારતા જાય તેવું વિરલ દ્રશ્ય દુનિયાએ પૂરગ્રસ્ત મોરબીમાં જોયું. અનેક સંસ્થાઓ તથા વ્યક્તિઓ રાહત તથા પુન: નિર્માણના કામમાં સ્વેચ્છાએ જોતરાઇ ગયા. સરકાર તથા સમાજ માટે આવી સંશોધન ગાથાઓ અને તેનું સુયોગ્ય દસ્તાવેજીકરણ ભવિષ્યની સજ્જતા કેળવવા માટે ઉપયોગી તથા માર્ગદર્શક બની શકે છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૮/૦૨/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑