છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે નિયમિત રીતે યોજાતા ‘‘કાગના ફળિયે કાગની વાતું’’ ના ભાતીગળ કાર્યક્રમની લોકસમૂહને રાહ હોય છે. કવિ કાગની ભૂમિ પર પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી યોજાતા આ કાર્યક્રમમાં પૂ. બાપુની હાજરીથી સમગ્ર આયોજનને એક અનોખી ગરીમા તથા ઊંચાઇ પ્રાપ્ત થાય છે. વર્ષ-૨૦૧૭ નો આ કાર્યક્રમ પૂજ્ય ભગતબાપુની ચિરંજીવ સ્મૃતિને હાલના વાસંતી માહોલમાં પુન: તાજી કરશે તે નિર્વિવાદ છે. કાગના ફળિયે ૨૦૧૫ માં યોજવામાં આવેલી રામકથાના ઉજળા ગાનની મીઠી સ્મૃતિના પડઘા આજે પણ અનેક લોકોના હૈયામાં જીવંત અને ધબકતા રહેલા છે. બીજી માર્ચ-૨૦૧૭ ના દિવસે મજાદરના આંગણે ભાઇ સાંઇરામ દવે તથા સુજ્ઞ વક્તા મહેશભાઇ ગઢવી કવિ કાગના જીવન કવન વિશે વાત કરે તે સૌને ગમે તે સ્વાભાવિક છે. સાંઇરામનો પરિચય વિશ્વના કોઇપણ ભાગમાં વસતા ગુજરાતીને હવે આપવો પડે તેમ નથી. સ્વનામધન્ય એવા આ આપણાં કલાકાર છે. એજ રીતે મહેશભાઇ પણ આભથી ઊંચેરા સંસ્કાર પુરુષ પૂ. ઠારણબાપુના પ્રતિનિધિ છે. મોરના ઇંડાને ક્યાં ચિતરવા પડે છે ? મહેશભાઇની વાણીનો પ્રવાહ માર્મીક તથા મૂલ્યવાન છે.
‘‘કાગના ફળિયે કાગની વાતું’’ દર વર્ષે નિયમિત રીતે પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં થતી રહે છે તે પ્રસંગ હવે જાણીતો બનેલો છે. ભગતબાપુ તરીકે લોકલાગણી પ્રાપ્ત કરનાર કવિ કાગના સાહિત્યપ્રેમી એવા અસંખ્ય લોકો માટે આ પ્રસંગનુ એક આગવું મહત્વ છે. કવિ શ્રી કાગ તથા તેમના સાહિત્યને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવતા કાર્યક્રમોની આ નિયમિત તથા સુઆયોજિત શ્રેણી છે. જાજ્વલ્યમાન વ્યક્તિત્વ ધરાવતા અને સમર્થ સાહિત્ય સર્જક કવિ શ્રી દુલા ભાયા કાગ (૧૯૦૩-૧૯૭૭)ની પુણ્યતિથિએ આ કાર્યક્રમનું છેલ્લા ૧૬ વર્ષોથી એકધારું આયોજન થાય છે. પૂજય મોરારીબાપુની પ્રેરણા તથા કવિ કાગ પરિવારના મહેમાનગતિના ઉજળા સંસ્કારને કારણે આ કાર્યક્રમની ગરિમા સતત વધતી રહી છે. કવિ કાગના સાહિત્યનું આચમન લેવા અનેક સાહિત્યમર્મીઓ પ્રતિ વર્ષ ભગતબાપુની ભૂમિ પર ભાવથી પહોંચી જાય છે.
કોઇ ધન્યનામ સર્જકના અમૂલ્ય સાહિત્યનું આચમન લેવાનું આયોજન દર વર્ષે થાય તે ગૌરવની વાત છે. આવું આયોજન કવિની ચેતના જ્યાં મહોરી હોય તેવી ભૂમિ પર જ થાય તેવી આ વિશિષ્ટ ઘટના બાપુના આશીર્વાદથી પાંગરી છે તેમજ આ પ્રસંગે સંસ્થાગત સ્વરૂપ ધારણ કરેલું છે. કાર્યક્રમની ગરિમા જળવાય અને તેનો હેતુ સરે તેવું આયોજન સર્વશ્રી બળવંત જાની, હરિશ્ચન્દ્ર જોશી જેવા સુજાણ લોકો કરે છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવનાર વિશાળ જન સમૂહને ‘‘આવકારો મીઠો’’ કાગ પરિવારના બાબુભાઇ કાગ તથા સૌ ભાઇઓ તેમજ સમગ્ર મજાદર ગામનો હોય છે. આ કાર્યક્રમના એક ભાગ તરીકે કાગ-સાહિત્યના અનેક મર્મીઓ કવિ કાગના સાહિત્ય તથા ભગતબાપુના જીવનને ઉજાગર કરતા વિવિધ પાસાઓ પર વિચારણીય વક્તવ્યો રજૂ કરે છે. તેની સાથો સાથ લોકસાહિત્યના અનેક સુવિખ્યાત કલાકારો પોતાની કળા મજાદરના આંગણે અંતરના ઉમળકાથી પ્રદર્શિત કરે છે. જેમણે લોકસાહિત્ય-ચારણી સાહિત્યના ક્ષેત્રમાં અલગ-અલગ પ્રકારે નોંધપાત્ર યોગદાન આપેલું હોય તેવા ગુજરાત તથા રાજસ્થાનના પાંચ વ્યક્તિ વિશેષોને પૂજ્ય બાપુ તરફથી દર વર્ષે કાગ-એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. એવોર્ડ અર્પણની રાત્રીએ સમગ્ર માહોલ કાગમય બની જાય છે. કવિ કાગના શબ્દપુષ્પોનો બાગ આજે પણ મહેકી રહેલો હોય તેવી પ્રતિતિ દરેક વ્યક્તિને થાય છે.
ભાઇ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી …..
રંગે રંગના ફૂલડાં
એમાં રામ ચરિતનો ત્રાગજી
એનો ગૂંથે હારલો , કોઇ કંઠ ઘરે બડભાગ…
આપણી ભાષાના કોઇ મોંઘેરા સર્જક અને તેમની રચનાઓને જીવંત અને ધબકતી રાખવાનો કોઇપણ ઉપક્રમ સમાજની સ્વસ્થતાનું નિદર્શન કરાવે છે. તેથી આવું કાર્ય વધાવી લેવાને પાત્ર છે. કવિ કાગ જેવા મહાન સર્જકનું તર્પણ આવા સુગ્રથિત કાર્યક્રમોથી થાય છે. આ પ્રકારના આયોજન થકી ખરા અર્થમાં વિશાળ જનસમૂહ પોતાના સર્જકની યથાર્થ સ્મૃતિવંદના કરી શકે છે.
કવિ શ્રી કાગને ‘‘ઉંબરથી અંબર’’ સુધી પહોંચેલા મોટા ગજાના સર્જક તરીકે બાપુ પ્રસંગોપાત ઓળખાવે છે. કવિ કાગ સાગર કિનારે વસેલા સર્જક છે. સામાન્ય રીતે ચારણ કવિઓ પ્રકૃત્તિ અને ક્ષાત્રતેજના ઉજળા સંસ્કારોને બીરદાવતા હોય છે. આવી રચનાઓ તથ્ય આધારિત અને મોટા ભાગે વિરતા પ્રધાન કે ભકિત પ્રધાન હોય છે. પરંતુ ઝવેરચંદ મેધાણીએ કવિ કાગમાં આ પરંપરાના કવિઓથી અલગ તથા વિશિષ્ટ દ્દષ્ટિનું દર્શન કરેલું છે. ‘‘કાગવાણી’’ ને વધાવતા મેધાણીભાઇએ અંતરના ઉમળકાથી આ વાત કરી છે. મેધાણીભાઇએ લખ્યું કે ખારવાના દુઃખનું ગાન કવિ કાગની રચનામાં પ્રથમ વખત સ્થાન પામે છે. ચારણ કવિની કવિતા ખારવા સુધી પહોંચે અને ખારવણોના સંતાપના આંસુમા કવિ પોતાની લેખણી બોળે અને તેમની વેદનાને વાચા આપે તે માની ન શકાય તેવી ઘટના છે. આવી લાગણી મેધાણીભાઇએ વ્યકત કરી છે. કવિકાગ એ લોકજીવનમાં ઓતપ્રોત થયેલા કવિ છે. આ કવિ રાજય દરબારને બદલે લોક દરબારમાં જઇને મહેકી ઊઠ્યા તે સાહિત્ય જગતની એક ભાતીગળ ઘટના છે. ભગતબાપુની રચનાઓ લોકોએ ઝીલી છે અને તેના થકી જીવંત છે. કવિ કાગ લોક સાહિત્યની તથા સમગ્ર સૌરાષ્ટ્રની ઓળખ સમાન બની રહયાં છે. ભારત સરકારે આજથી સાડાપાંચ દાયકા પહેલાં કવિને ‘‘પદ્મશ્રી’’ થી વિભૂષિત કરી ચારણ કવિઓની ઉજળી પરંપરાનું આદરપૂર્વક સન્માન કર્યું. કાગવાણી ટહુકી ગયેલા આ રાજહંસ સમાન સર્જક કાગવેશે આવીને પોતાના સર્જનો થકી સાહિત્યને ઉજાળતા ગયા છે. કવિ શ્રી દુલેરાય કારાણીએ કવિ કાગને યથાર્થ શબ્દોમાં ભાવ અંજલી આપી છે.
કાગના વેશમાં આજ આ દેશમાં
માન સરવર તણો હંસ આવ્યો
મધુર ટહુકારથી રાગ રણકારથી
ભલો તે સર્વને મન ભાવ્યો,
લોકના થોકમાં લોક સાહિત્યની
મુકત મનથી કરી મુકત લહાણી
શારદા માતનો મધુરો મોરલો
કાગ ટહુકી ગયો કાગવાણી
‘‘કાગના ફળિયે કાગની વાતું’’ના ઉપક્રમે યોજાતાં પ્રતિ વર્ષના કાર્યક્રમોએ સમગ્ર આયોજનની એક આગવી છાપ ઊભી કરી છે. તેમાં પણ વર્ષ ૨૦૧૫માં આ કાર્યક્રમને એક અનેરી ઊંચાઇ તથા પ્રસિધ્ધિ પ્રાપ્ત થઇ. પૂજ્ય મોરારીબાપુએ કાગબાપુની પાવન ભૂમિ પર બેસીને રામકથા કરી. તા.૨૨/૦૨/૨૦૧૫થી તા.૦૧/૦૩/૨૦૧૫ સુધી મધુરા માનસગાન થયા. બાપુની દરેક રામકથાની જેમ દેશ-વિદેશના અનેક લોકોએ આ કથાનો પણ લાભ લીધો. મજાદરની કથાને ‘‘માનસ કાગરૂષિનું’’ નામાભિધાન કરીને મોરારીબાપુએ કવિ શ્રી કાગ ઉપરાંત લોકસાહિત્ય-ચારણી સાહિત્યના અનેક સર્જકોને યાદ કર્યા અને તેમની સ્મૃતિવંદના કરી. ભગતબાપુને સંબંધિત અનેક પ્રસંગો-વ્યકિતઓને યાદ કરવામાં આવ્યા. લોક સાહિત્યના અનેક નામી કલાકારાએ ભગતબાપુના સાહિત્યને આ પ્રસંગે ફરી એક વખત જગત સમક્ષ રજૂ કર્યું. મજાદરની માટી પરનો આ ઉપક્રમ ૨૦૧૫માં રામકથાના કારણે વિશેષ યાદગાર તેમજ સોહામણો બન્યો. માનસના કાગરુષિની જેમ મજાદરના આ દાઢીઆળા રૂષિની મહેક ફરી એક વખત સમગ્ર વાતાવરણમાં પ્રસરી રહી. કાગબાપુના પુણ્યશ્લોક નામ સાથે અપાતા કાગ એવોર્ડની એક વિશિષ્ટ ઓળખ સાહિત્ય જગતમાં ઊભી થવા પામી છે. પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી રાજસ્થાનના ચારણી સાહિત્યના વિદ્વાનને પણ કાગ એવોર્ડથી દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે.
કાગ એવોર્ડ (૨૦૧૭) ની યાદીમાં પૂજ્ય વસંતબાપુનું નામ જોઇને અનેક લોકોના મનમાં હર્ષ તથા ગૌરવની લાગણી થવા પામી છે. વસંતબાપુ સાહિત્યના એક ઉમદા ઉપાસક અને સર્જક હોવા ઉપરાંત કવિ કાગ પરિવારના તમામ સભ્યો પર નિરંતર સ્નેહ વરસાવનારા છે. વસંતબાપુના આ સંસ્કારી તેમજ ભગવત ઉપાસક પરિવારના મોભી સમાન હરિવલ્લભદાસબાપુ તરફ ભગતબાપુને અનન્ય સ્નેહ અને અપાર આદરની લાગણી હતી તે જાણીતી વાત છે. કાગ પરિવારની ગુરુગાદીના સ્થાને રહેલ આ પરિવારનું ગૌરવ કે સન્માન થાય તો તે એક ઉજળી પરંપરાના વધામણા કરવામાં આવ્યા હોય તેમ ગણી શકાય. એજ રીતે ભાઇ મેરાણભાઇ આપણાં સાંપ્રત કાળના લોકસાહિત્ય આરાધકોની આગલી હરોળમાં હક્કથી પોતાનું સ્થાન ભોગવે છે. ચારણી છંદોની તેમની રજૂઆત અનેક ડાયરાના કાર્યક્રમોમાં શ્રોતાઓને રસ તરબોળ કરી જાય છે. કહેણીની મીઠાશ ભાઇ મેરાણને મળેલી ઇશ્વરદત્ત ભેટ છે. ૨૦૧૭ ના વર્ષમાં કાગ એવોર્ડ માટે ડૉ. કલ્યાણસિંહજી શેખાવતનું નામ પસંદગી સમિતિએ નક્કી કરેલું છે. ડૉ. શેખાવતની સાહિત્ય સેવાનો લાભ જોધપુર યુનિવર્સિટીને ઘણાં વર્ષો સુધી મળેલો છે. યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપક તરીકે તેમણે અનેક વિદ્યાર્થીઓમાં ચારણી સાહિત્યના સંસ્કારનું સિંચન કરેલું છે. સર્જક તથા સંશોધક તરીકે તેઓએ વિશાળ ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત કરેલા છે. બીજા એક સન્માનિત મહાનુભાવ માયાભાઇ આહીર છે. કેટલાક લોક કલાકારો જાણે લોકના સીધાજ પ્રતિનિધિ હોય તેવા સરળ તથા સહજ પ્રકૃતિ ધરાવતા હોય છે. માયાભાઇની મીઠપ તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી નિરંતર વહેતી રહે છે. માયાભાઇની વાતુના હિલોળાને કારણે આજે તેઓ વિશાળ ચાહક વર્ગમાં અસામાન્ય લોકપ્રિયતા ધરાવે છે. કાગ એવોર્ડ માટે તેમની પસંદગી તમામ દ્રષ્ટિકોણથી ઉચિત છે. કચ્છના ઝરપરા ગામે અનેક રત્નોની ભેટ સમાજને ચરણે ધરેલી છે. ઝરપરાના આવા રત્નસમાન વ્યક્તિઓએ પ્રકૃતિ અને પરમાત્માની આકંઠ ઉપાસના કરેલી છે. થાર્યા ભગત આવાજ એક સમર્થ સર્જક હતા. મા શારદાના આશીર્વાદ એજ ભગતનું ભણતર હતું. ભક્તિ તથા શ્રધ્ધાના મોતીને કલ્પનાના તાણાવાણામાં ગૂંથી થાર્યા ભગતે અદ્દભૂત તેમજ અવિસ્મરણીય રચનાઓ કરેલી છે. ‘‘ શામ વિના વ્રજ સુનું લાગે ’’ એ ભગતની અમર રચના છે જે નારાયણ સ્વામીના કંઠથી વિશાળ જનસમૂહ સુધી પહોંચી છે. થાર્યા ભગતને કાગ એવોર્ડ મળ્યો તે સોનામાં સુગંધ ભળ્યા સમાન થયું છે. કાગ એવોર્ડથી આવા પાંચ ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા સર્જકો – કલાકારોને વધાવવાના સમયે કવિ કાગની ભૂમિમાં પુન: કાગની કાવ્ય ચેતના પ્રગટતી અને મહોરતી હોય તેવી ઊર્મિઓ અંતરમાં ઉછળ્યા કરે છે.
દુલેરાય દેશનો દીવો…
ક્રોડુ જુગ કાગ ભઇ ! જીવો…
Leave a comment