: સંસ્કૃતિ : : ધન્ય હૈ તુજકો ઐ રિષિ ! તુને હમે જગા દીયા :

વેપારી વૃત્તિ ધરાવતી બ્રિટિશ સરકારના આર્થિક શોષણને કારણે આપણાં પરાધિન દેશે ઘણું સહન કરવું પડ્યું તે બાબત સુવિદિત છે. આર્થિક રીતે નબળા પડેલા સમાજની દશા સામાજિક દ્રષ્ટિએ પણ સંતોષકારક ન હતી. રુઢિ તથા અંધશ્રધ્ધાને કારણે સામાજિક અસમાનતા પણ દેશમાં વ્યાપક રીતે જોવા મળતી હતી. બ્રિટિશ ઇન્ડીયાની આ અણગમતી સ્થિતિમાં પણ રાજકીય-સામાજિક તથા આધ્યાત્મિક ક્ષેત્રોમાં દેશને નૂતન તથા સાચી દિશાનું જ્ઞાન આપનાર તેમજ સમાજને તે પંથે દોરી જનાર પુણ્યશ્લોક લોકોએ હાર ન માની. તેમણે તમામ પ્રયાસો કરીને દેશને ઉન્નતિની દિશા તરફ લઇ જવા માટે ઐતિહાસિક પ્રયાસો કર્યા. સમાજમાં નવજાગૃતિ ફેલાવવા માટે પ્રયાસો કરનાર આવા મહાનુભાવોથી લોકો પ્રભાવિત પણ થયા. આ સમયકાળમાંજ રાકૃષ્ણદેવ અને શારદામણી દેવીએ ભક્તિ તેમજ આધ્યાત્મ માર્ગના ભવ્ય પડાવનું સમાજને દર્શન કરાવ્યું. સમર્થ ગુરુના સમર્થ શિષ્ય અને તેજોમય સન્યાસી સ્વામી વિવેકાનંદે દેશના લોકોના મનમાંથી દૂર્બળતા હાંકી કાઢવાનો શંખનાદ કર્યો. બંગાળની ભૂમિનાજ પનોતા પુત્ર અરવિંદ ઘોષે બ્રિટિશ સત્તાને હંફાવ્યા પછી અધ્યાત્મ માર્ગે પણ નૂતન પરીણામોનું દર્શન કરાવ્યું. એજ રીતે મહર્ષિ રમણના તપના અને જ્ઞાનના પ્રભાવે અનેક લોકોને ખરા અર્થમાં મુક્તિના માર્ગનું દર્શન થયું. સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા રણની કાંધીએ આવેલા નાના ગામ વવાણીયાના શ્રીમદ્ રાજચંદ્રે વ્યવસાયની ભરચક પ્રવૃત્તિ વચ્ચે પણ ત્યાગ – વૈરાગ્ય અને જ્ઞાનનો મંત્ર ચરિતાર્થ કર્યો અને સમાજને ઢંઢોળ્યો. વીસમી સદીના શ્રેષ્ઠ વ્યક્તિ મહાત્મા ગાંધીએ પણ આ સમયમાંજ સુતા કાળને જાગૃત કરવાનો અસાધારણ યજ્ઞ આદર્યો. આ સમયકાળની આવી દૈદિપ્યમાન શ્રૃંખલાની એક મહત્વની કડી સમાન વીર સન્યાસી મહર્ષિ દયાનંદે પણ સામાજિક નવજાગૃતિના નક્કર પગલાં ભર્યા. વેદવાણીનો આધાર લઇ ભ્રમનું ખંડન કર્યું અને સત્યધર્મની પ્રાણપ્રતિષ્ઠા કરી. શિવરાત્રીના શિવપુજનના પવિત્ર સમયે બાળક મુળશંકરના મનમાં ઊભા થયેલા અનેક પ્રશ્નોનો ઉકેલ મેળવવા શિષુ મુળશંકરથી મહર્ષિ દયાનંદ સુધીની એક તેજપુંજ સમી જીવનયાત્રાનું જગતને દર્શન થયું. આ યાત્રા તેજોમય –મંગળમય અને કલ્યાણમય હતી. અવિદ્યાના નાશ અને વિદ્યાની વૃધ્ધિનો સંકલ્પ ઋષિએ કર્યો અને પોતાના કાર્ય થકી તે કરી બતાવ્યું. વૈજ્ઞાનિક ચિંતન તથા પ્રખર બુધ્ધિવાદનું સમર્થન આ સન્યાસીએ કર્યું. ગાંધીજીએ મહર્ષિ દયાનંદને ‘‘ શ્રેષ્ઠ પુરુષોમાંના એક ’’ તરીકે ઓળખાવ્યા. સ્વામીજીએ અહાલેક જગાવી ન હોત તો સમાજની વિશેષ અવદશા થઇ હોત તેવું સરદાર સાહેબે કહેલું તે યથાર્થ છે. ક્રાંતદ્રષ્ટા એવા આ સન્યાસીએ ૧૮૭૫ માં મુંબઇ આર્યસમાજની સ્થાપના પ્રસંગે પોતાના અનુયાઇઓને કહ્યું કે ‘‘બાબા વાક્યંપ્રમાણં’’ ગણીને મારી દરેક વાત માની ન લેશો. ભૂલ નજરે પડે તો સુધારી લેજો. સંપ્રદાયમાં સહેજ પણ બંધિયારપણું આ સન્યાસીને ખપતું ન હતું.

સ્વામી દયાનંદ બાળપણથીજ જીજ્ઞાસુ વૃત્તિ ધરાવનારા એક વિચારશીલ વ્યક્તિ હતા. તેમનું નામ મૂળશંકર હતું. માતા પિતાના સંસ્કાર તથા પોતાના ઘરના માહોલને કારણે તેઓ શિવરાત્રીના પર્વે નિરાહાર રહ્યા અને પ્રભુપ્રાપ્તિ માટે રાત્રિનું જાગરણ પણ તેમણે કર્યું. અન્ય સાધકો જ્યારે નિંદ્રાધિન થયા ત્યારે કિશોર મૂળશંકર પ્રયત્નપૂર્વક જાગતો રહ્યો. બાળવયની આવી નિષ્ઠાપૂર્વકની આરાધનામાં શ્રધ્ધા તથા ભક્તિનો સમન્વય થયેલો હતો. પરંતુ રાત્રિના શાંત સમયે શિવલિંગ પર દોડાદોડી કરતા ઉંદરોને જોઇને કિશોર મૂળશંકરના મનમાં અનેક પ્રશ્નો થયા. વિચારોના વાવાઝોડાથી બાળકનું મન ઘેરાવા લાગ્યું. આવી બાળ સહજ ઉત્સુક્તા તથા પ્રશ્નો થવા તે સ્વાભાવિક પણ છે. શક્તિશાળી દેવ મહાદેવના લિંગ પર ઉંદરોથી આવી ગુસ્તાખી કેમ થઇ શકે તેનો કોઇ પ્રતિતિકર જવાબ બાળકને કોઇ પાસેથી મળ્યો નહિ. આ રીતે સંસારમાં બનતા અન્ય પ્રસંગો જેવા કે નાની ઉમ્મરની બહેનનું મૃત્યુ કે પોતાને પ્રિય એવા કાકાનું મૃત્યુ જેવા પ્રસંગો જોઇને પણ મૂળશંકર વ્યથિત થયા. તેમને થયેલા પ્રશ્નો કે તેમણે અનુભવેલી સમસ્યાઓનું સમાધાન વડીલો પાસેથી ન મળતા જાતેજ શોધવા માટે મૂળશંકરે નિર્ણય કર્યો. આ હેતુ માટે ગ્રહત્યાગ કરી સંસારના બંધનોથી મુક્ત થવું તેમને જરૂરી લાગ્યું. મુક્તિના આવા અજાણ્યા તથા જોખમી માર્ગે ડગ ભરતા મૂળશંકરને સાંસારીક મોહ-મમતા નડી શક્યા નહિ. સંસારમાં જે વ્યક્તિઓને અંતરના ઊંડાણથી આવા પ્રશ્નો થયા છે તેમના જીવનમાં નવો વળાંક આવેલો છે તે જગતે જોયેલું તથા અનુભવેલું છે. મહર્ષિ દયાનંદ પણ સંસારની ઘટમાળના આ પ્રસંગોથી વ્યથિત થયા. સમાજના અનેક લોકોના સર્વાંગિ હિત માટે કંઇક કરી છૂટવાની તમન્ના સાથે તેઓ બુધ્ધના પગલે ચાલ્યા. અડગ મનના આ યુવાન પથિકને કડવા મીઠા અનુભવો થયા પરંતુ આખરે તેમણે અથાક પ્રયાસો તેમજ વ્યાપક ભ્રમણ કરીને પોતાને યોગ્ય ગુરુ શોધી કાઢ્યા. જીવનનાઆઠ દાયકા જેમણે વિતાવી દીધા હતા તેવા મથુરાના વિરજાનંદ સ્વામીના અગાધ શાસ્ત્ર જ્ઞાનનો લાભ સ્વામીજીએ પૂર્ણ વિવેકથી શિષ્યભાવે લીધો. જ્ઞાનપ્રાપ્તિના આ પર્વ પછી મહર્ષિએ પૂર્ણ આત્મવિશ્વાસથી સમાજમાં ફેલાયેલી અનેક નિર્બળતાઓ સામે ગાંડીવનો ટંકાર કર્યો. સંસરના જીવોને ઉત્તમ કોટીના બનાવવા માટે      ‘‘ કૃણવંતો વિશ્વમાર્યમ્ ’’ ની હાક મારીને આ તેજસ્વી સન્યાસી સંસારમાં વિચર્યા અને થોડા સમયમાં જાણે કે સર્વત્ર છવાઇ ગયા.

      મહર્ષિ દયાનંદના જીવન તથા તેમના વિચારોના ઘડતરમાં સ્વામીજીનું સતત ભ્રમણ ખૂબ ઉપયોગી થયા હતા. દેશની સ્થિતિ તેમણે નજરોનજર નિહાળી. બ્રિટીશરોનું એકાધિકારવાદી શાસન તથા સમાજને આંતરિક રીતે વિભાજીત કરતી અનેક ટૂંકી દ્રષ્ટિની વિચારધારાને કારણે દેશની સ્થિતિ દારુણ હતી. અનેક પ્રકારના વહેમને ફેલાવીને ધર્મના નામે ઢોંગ આચરનાર સમૂહ મજબૂત થયો હતો. શાસ્ત્રોના મૂળ જ્ઞાન તથા સમજણના સ્થાને કટ્ટર સંપ્રદાયવાદનો ઉદય થયો હતો. સમાજ પોતાના સમુહ પૈકીના કેટલાક વર્ગોને નીચા તેમજ ઉતરતા ગણવા લાગ્યો હતો. આવી માન્યતાઓથી સમાજ વિભાજીત થયેલો હતો. સ્વામીજીની દ્રષ્ટિમાં આ બધી બાબતો તરતજ આવી.

સ્વામીજીની ઐતિહાસિક યાત્રાનો શુભારંભ થયો. ઇ.સ. ૧૮૬૭ ના કુંભમેળામાં મહર્ષિ ગયા તેમ નોંધાયું છે. સ્વામીજીએ હરિદ્વારમાં પોતાની રાવટી નાખી. કહેવાય છે કે આ રાવટી (પર્ણકુટી) પર એક ધ્વજા સ્વામીજીએ ફરકાવી હતી. મેળામાં આવેલા અસંખ્ય લોકો દૂરથી પણ આ ધ્વજા જોઇ શકે તેવી હતી. ધ્વજા પર સ્વામીજીએ ‘‘ પાખંડખંડન ’’ એવા શબ્દો લખ્યા હતા. અનેક લોકો આવા લખાણવાળો ધ્વજા જોઇને કુતુહૂલતાથી પણ સ્વામીજીની ઝૂંપડીએ આવતા થયા. સ્વામીજી લોકોને તમામ પ્રકારના વહેમ, ઢોંગ તેમજ અંધશ્રધ્ધામાંથી મુક્ત થવા સમજાવતા હતા. સ્વામીજી પ્રખર વક્તા હતા. તેમની ભાષા તથા સમજાવટમાં તાર્કીકતા હતી. તેમના દ્રષ્ટાંતો બુધ્ધિગમ્ય તથા વ્યવહારુ હતા. લોકોને સ્વામીજી તરફ એક અલગ પ્રકારનું આકર્ષણ થવા લાગ્યું. અનેક લોકોના પ્રશ્નો તથા શંકાઓનું તેઓ ધીરજ તથા સમજાવટથી સમાધાન કરતા હતા. સમાજમાં પ્રવર્તતા માનવ માનવ વચ્ચેના ભેદભાવને તેમણે હાસ્યાસ્પદ તથા વિચારહીન જણાવ્યો. લંગોટ ધારી આ પ્રતિભાશાળી સન્યાસીને ખુલ્લા આસમાન હેઠળ નદીની રેતીમાં રાત્રિ નિવાસ કરતા જોઇને લોકોને આશ્ચર્ય થતું હતું. સ્વામીજીનું શરીર તેજોમય હતું. ખડતલ તથા કસાયેલું હતું. સ્વામીજીએ વિશાળ જનસમુહને કર્મનું મહત્વ સમજાવ્યું. એક ભાવિકે સ્વામીજીને પોતાની હથેળી બતાવી અને પોતાનું ભવિષ્ય શું છે તે જણાવવા મહર્ષિને પ્રાર્થના કરી. સ્વામીજીએ માર્મીક ઉત્તર આપ્યો : ‘‘ હથેળીમાં અસ્થિ, ચામડી તેમજ લોહી છે. બીજું કશું નથી. ’’ જન્મપત્રી અંગે સ્વામીજી   કહેતા :   ‘‘ જન્મપત્ર કિમર્થ કર્મપત્રં શ્રેષ્ઠમ્ ’’ રૂને પીંજવાનું કામ કરતાં એક પીંજારાએ પોતાના કલ્યાણ માટે ધર્મ સમજાવવા કહ્યું. સ્વામીજીએ ત્વરીત ઉત્તર આપ્યો : ‘‘ નામ સ્મરણ કરો. વ્યવહાર સાચો રાખો. જેટલું રૂ તમને કોઇ પીંજવા માટે આપે તો તેટલુંજ રૂ પીંજીને પાછું આપો. જીવનમાં સાચો વ્યવહાર એજ ધર્મમાર્ગ તથા કલ્યાણમાર્ગ છે. ’’ ધર્મ માત્ર તેના રટણમાં નહિ પરંતુ આચરણમાં છે તે વાત સ્વામીજીએ અનેક વ્યવહારુ ઉદાહરણો આપીને સમજાવી છે. પુરુષોની જેમ મહીલાઓ પણ ગાયત્રી જપ કરવાનો સમાન અધિકાર ધરાવે છે તે વાત તેઓ વખતોવખત ભારપૂર્વક કહેતા હતા. સ્ત્રીઓના સમાન અધિકાર તેમજ નારીગૌરવના મહર્ષિ સમર્થક હતા. તે સમયની સામજિક સ્થિતિમાં આ હકીકત તેમને અન્ય સન્યાસીઓથી જૂદા પાડતી હતી. સ્વામીજી તેમના કલકત્તાના પ્રવાસ દરમિયાન(૧૮૭૩) મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ તેમજ સુવિખ્યાત વિદ્વાન કેશવચન્દ્ર સેનના સંપર્કમાં આવ્યા હતા. કેશવચન્દ્ર સેને સ્વામીજીને સંસ્કૃતના બદલે દેશભાષા હિન્દીમાં પ્રવચન કરવા સમજાવ્યા હતા. સંસ્કૃત ન સમજી શકનારો મોટો વર્ગ પણ સ્વામીજીના શબ્દો ઝીલી શકે તથા ગ્રહણ કરી શકે તેવો સેનનો મત હતો. સ્વામીજીએ આ સુચનની ઉપયોગીતા જોઇ તેનો સ્વીકાર કર્યો હતો.

      કચ્છના સપૂત અને પ્રખર ક્રાંતિવીર પંડિત શામજી કૃષ્ણવર્માએ લખ્યું છે : ’’ મહર્ષિ દયાનંદ મારા માર્ગદર્શક ગુરુ છે. વિદેશોમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરવા તેમણે મને પ્રેરિત કર્યો. આવા એક સ્વતંત્ર વિચારકના શિષ્ય હોવાનું મને અભિમાન છે. ’’ વિશ્વવિખ્યાત ચિંતક રોમારોલાંએ કહ્યું કે વિશ્વને મહર્ષિ તરફ જોવું પડશે. કારણ કે તેમનામાં વિચાર કર્મ તથા નેતૃત્વની પ્રતિભાનું અનુપમ સંમિશ્રણ છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ આધુનિક ભારતના નિર્મતાઓમાં સ્વામીજીનું નામ પ્રથમ કોટિનું ગણાવે છે. શિવરાત્રીના પર્વે ફરી એક વખત આ તેજસ્વી સન્યાસીના વિચારો હ્રદયમાં ધારણ કરવાનો સંપલ્કપ કરીએ.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑