ચરોતરની વીરભૂમિએ અનેક નરરત્નોની ભેટ દેશ તથા દુનિયાને આપેલી છે. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ચરોતરના વીર વ્યક્તિઓ અગ્રતાની હરોળમાં રહેલા છે. અનેક નાનામોટા રાજ્યો વચ્ચે વહેંચાયેલા દેશને સુગ્રથિત તથા સંગઠીત સ્વરૂપ આપનાર સરદાર સાહેબથી શરૂ કરી વહીવટમાં ગાંધી વિચારની છાપનું દર્શન કરાવનાર સૌજન્યશીલ રાજપુરુષ બાબુભાઇ જશભાઇ પટેલ સુધીના મહાનુભાવોએ રાજ્યના તથા દેશના સર્વાંગી વિકાસમાં પોતાનો અનન્ય ફાળો આપેલો છે. ત્રિભુવનદાસ પટેલના નામનો ઉલ્લેખ કર્યા સિવાય વિશ્વપ્રસિધ્ધ થયેલી ગુજરાતની દૂધ સહકારી પ્રવૃત્તિઓનો ઇતિહાસ અધૂરો રહે છે. ભાઇકાકાની સૂઝ તથા કાર્યનિષ્ઠા સિવાય વિદ્યાનગરનું વિદ્યાધામ રાજ્યને મળી શક્યું ન હોત. હીરૂભાઇ પટેલ (એચ. એમ. પટેલ) જેવા સમર્થ વહીવટકર્તાએ નૂતન રાષ્ટ્રના નિર્માણ સમયે ઊભા થયેલા ગંભીર પડકારોને ઝીલ્યા છે અને વિચક્ષણતાથી ઉકેલ્યા છે. સંતરામ મંદિરના દેવની કૃપા આ ભૂમિમાંથીજ પ્રગટી તથા પ્રસરી રહી છે. આ ભૂમિના સમર્થ પિતાના સમર્થ પુત્રી મણીબહેને સેવા સાથેજ ત્યાગના ઉચ્ચ ધોરણોનું દેશને દર્શન કરાવ્યું. ચરોતરની આકાશગંગામાં અનેક તારકો સ્વતેજે ઝળહળી રહ્યા છે. બાબુભાઇ તે પૈકીનાજ ચરોતરની ભૂમિના તેજસ્વી તારક છે.
બાબુભાઇ જશભાઇ પટેલ ગુજરાતના સમર્થ તથા લોકપ્રિય મુખ્યમંત્રી હોવા ઉપરાંત ગુજરાત રાજ્યના પાયાના ઘડવૈયા સમાન હતા. જાહેર જીવનમાં બાબુભાઇને આગ્રહ કરીને પ્રવેશ કરાવનાર દ્રષ્ટિવાન મહાપુરુષ સરદાર પટેલનો બાબુભાઇની પસંદગીનો નિર્ણય રાજ્યને સર્વથા ઉપકારક નિવડ્યો. ગુજરાત વિધાનસભાના સુવિખ્યાત અને વિદ્વાન અધ્યક્ષ કુન્દનભાઇ ધોળકીયાએ નોંધેલી એક ઘટના યાદ કરવી ગમે તેવી છે. કુન્દનભાઇ લખે છે :
‘‘ સન ૧૯૫૮માં બ્રિટનના વડાપ્રધાન હેરલ્ડ મેકમિલન હતા. તેઓ વડાપ્રધાન પદેથી છૂટા થયા અને બીજા દિવસે લંડન શહેરની બસની ક્યૂમાં ઊભા હતા. આપણે ત્યાં આવું બને ? યોગાનુયોગ ૧ર માર્ચ ૧૯૭૬ના રોજ બાબુભાઇ મુખ્યમંત્રીના પદેથી ઉતરી ગયા. ત્યાર પછીના બે-ચાર દિવસમાંજ તેઓ ગાંધીનગરના બસ સ્ટેન્ડ પર અમદાવાદ જતી બસ પકડવા ઊભા હતા ! હવેની પેઢી માનશે નહિ કે આવો મુખ્ય પ્રધાન સદેહે ગુજરાતમાં જનમ્યો હોય ! ’’ જીવનના દરેક વળાંકને સહજતાથી સ્વીકારી પોતાની આગવી જીવનશૈલી મુજબ જીવન વ્યતિત કરવાની આવી દ્રઢતા અને સ્વસ્થતા એ સહેજે જોવા મળે તેવી સામાન્ય ઘટના નથી. જેમણે ગાંધીના માત્ર દર્શનજ નહિ પરંતુ ગાંધી વિચારને પચાવ્યા હોય તેઓમાંજ આવી સાદગી તથા નિર્લેપતાનું દર્શન થઇ શકે છે. કવિ ઉમાશંકર જોશીના શબ્દો યાદ આવે. સુવિધા અને સવલતોની પંગત પડી હોય ત્યારે આવા નિરાળા લોકો પંગતમાં છેલ્લેજ બેસતા હોય છે.
ને ધૂરા વહે જનતાની જે અગ્રીણો
તે પંગતે હો સહુથીએ છેલ્લા.
બાબુભાઇના જીવનની અનેક ઘટનાઓને વણી લઇને બા. જ. પટેલ સ્મારક ટ્રસ્ટે શીલધર્મી રાજપુરુષ બાબુભાઇનો સ્મૃતિગ્રંથ ૨૦૦૫ માં પ્રગટ કરીને આપણાં પર ઋણ ચડાવેલું છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનશા પટેલ ઉપરાંત સર્વશ્રી પ્રભાકર ખમાર, સતીશભાઇ પટેલ, ગિરાબહેન પટેલ તેમજ વિનુભાઇ પટેલ આ યશસ્વી કાર્ય માટે આપણાં અભિનંદનના અધિકારી છે. નડિયાદ નગરમાં નવમી ફેબ્રુઆરી-૧૯૧૧ ના રોજ જેમનો જન્મ થયો હતો તેવા સાધુ ચરિત પુરુષ બાબુભાઇની વિશેષ સ્મૃતિ ફેબ્રુઆરી માસમાં અનેક લોકોને થતી હશે.
ગાંધીજીની સાદગી બાબુભાઇએ સર્વાંગીપણે જીવનમાં ઉતારી હતી. આ બાબત કોઇ દેખાવ માટે નહિ પરંતુ એકદમ સહજ તથા સરળ રીતે જોઇ શકાતી હતી. સામાજિક વ્યવસ્થામાં કોઇપણ વ્યક્તિનું મૂલ્ય તેના બાહ્ય દેખાવ પર કે ટાપટીપ પર નહિ પરંતુ વ્યક્તિના આંતરીક સત્વ તથા વર્તન પરથી થાય તોજ તે સમાજને સ્વસ્થ સમાજ કહી શકાય. ઇંગ્લાંડના શાહીપેલેસના અતિથિ ગાંધી (ગોળમેજી પરિષદ સમયે)ને કોઇએ અર્ધનગ્ન ફકીર તરીકે ઓળખાવ્યા હતા. પરંતુ આ ફકીરની ફકીરીની વ્યાપક અસર સમગ્ર વિશ્વ પર આજે પણ જોવા મળે છે. બાબુભાઇની સાદગીની એક સુંદર ઘટના તે વખતના નાણાં વિભાગના સચિવ શ્રી મથુરાદાસ શાહે આલેખી છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની એક બેઠકમાં મુખ્યમંત્રીશ્રી બાબુભાઇ તથા નાણાં સચિવશ્રી મથુરાદાસ શાહ એકજ ફ્લાઇટમાં અમદાવાદથી ગોવા જવા નીકળ્યાં. સ્વાભાવિક રીતેજ મુખ્યમંત્રીશ્રીને સત્કારવા ગોવાના વરિષ્ઠ અધિકારીઓ એરપોર્ટ પર હાજર હતા. મથુરાદાસ સુટ પહેરીને તથા બાબુભાઇ હમેશ મુજબ ખાદીના ધોતિયા – ઝભ્ભા તથા થેલી સાથે વિમાનમાંથી ઉતર્યા. ટેલીવીઝનની ચેનલોની ભરમાર તે સમયે ન હતી. આથી પ્રોટોકલ પ્રમાણે સત્કાર કરવા આવેલા અધિકારીઓ બાબુભાઇને ઓળખી ન શક્યા. ગોવાના અધિકારીઓએ મથુરાદાસને બાહ્ય દેખાવ પરથી મુખ્યમંત્રી માની લીધા ! હારતોરા કરવા જતા હતા ત્યારે મથુરાદાસે ઘટસ્ફોટ કર્યો કે ગુજરાતના મુખ્યમંત્રી પાછળ સાદા કપડામાં ચાલ્યા આવે છે તે છે. ગાંધીજી અને રવિશંકર મહારાજના વારસાને ઉજાળે તેવો આ કિસ્સો બાબુભાઇના વ્યક્તિત્વની ઊંચાઇને અને ગરીમાને વ્યક્ત કરે છે.
સાદગી સાથેજ દરેક બાબતમાં ચીવટ એ પણ બાબુભાઇના ભાતીગળ વ્યક્તિત્વનું એક અભિન્ન અંગ હતું. નર્મદાના નીર ગુજરાતની સુકી ધરતીને નંદનવન બનાવે તેવી તેમની ખેવના તથા તે માટેના નક્કર પ્રયાસ તેમણે આજીવન કર્યા. મોરબીની મચ્છુબંધ હોનારત પછી મોરબીમાંજ મુકામ કરીને તેમણે મોરબીને ફરી બેઠું કર્યું અને ધબકતું કર્યું. રાજ્યના નવા પાટનગર ગાંધીનગરના સર્જન તથા સંવર્ધનમાં બાબુભાઇનો સિંહફાળો છે. આપણું આ પાટનગર બાબુભાઇની ચિરંજીવી તથા જીવંત સ્મૃતિ છે.
જાહેર જીવનમાં ઘસાઇને ઉજળા થયેલા બાબુભાઇ જેવા મૂલ્યનિષ્ઠ અગ્રણીઓને કારણે આપણી લોકશાહી સતત મજબૂત તથા અસરકારક બની છે. ગુજરાતને વિકાસના એક અલગ અને ઊંચા મુકામ પર લઇ જનારા નામોની યાદીમાં બા. જ. પટેલનું નામ અગ્રહરોળમાં મૂકવું પડે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૪/૦૧/૨૦૧૭.
Leave a comment