: સંસ્કૃતિ : : વાવાઝોડાં કાળના વાશે : : તે દી બાપુ તારી વાટ જોવાશે :

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો,

ધોળો ધોળો ધરણીને અંક

કરુણા આંજી રે એની આંખડી

રામની રટણા છે એને કંઠ

રુધિરે રંગાયો હરિનો હંસલો !

કવિ બાલમુકુન્દ દવેએ જેની ઓળખ ‘હરિના હંસલા’ તરીકે આપી છે તેની અણધારી વિદાયથી સમગ્ર વિશ્વ હચમચી ઊઠ્યું. આ કાર્ય જેના થકી થયું હોય તે કવિને માનવજાતનો અપરાધી લાગે છે. વિશ્વના અગણિત લોકોનો મત પણ આવોજ હતો. ગાંધી નામના આ વિશાળ વટવૃક્ષની શિળી છાયા જગતના તમામ દૂભ્યા – દબાયેલાને શિતળ છાંયડીનો અનુભવ કરાવે તેવી હતી. આથી આ ખોટ કોઇ એક દેશ કે પ્રદેશની નહિ પરંતુ સમગ્ર માનવજાતની હતી તેવું કવિનું અવલોકન યથાર્થ છે. આવું મહાન કાર્ય કરનાર ગાંધીનો વિવેક તો  જૂઓ ! પોતાને અપૂર્ણ કહેવડાવીને ‘હરિજનબંધુ’ ના જુલાઇ-૧૯૪૦ ના અંકમાં લખે છે :

      ‘‘ ઇશ્વરે મારા જેવા અપૂર્ણ મનુષ્યને આવા મહાપ્રયોગ માટે કેમ પસંદ કર્યો હશે ? મને ભાસે છે કે પરમાત્માને હિન્દુસ્તાનના કરોડો મૂંગા, અજ્ઞાન ગરીબો માટે કામ લેવું હતું. આથી તેણે મારા જેવા અપૂર્ણને પસંદ કર્યો. પૂર્ણ પુરુષને જોઇને એ (ગરીબ-અજ્ઞાન લોક) બાપડાં કદાચ મૂંઝાઇ જાત. પોતાની જેમ ભૂલો કરનારા એવા મને જોઇને તેમને પણ વિશ્વાસ બેઠો કે તેઓ પણ મારી જેમ પોતાની ભૂલો સુધારી શકે છે અને આગળ વધી શકે છે. ’’

      ગાંધીજીના પોતાના વિશાળ લખાણો ઉપરાંત આપણાં ગદ્ય અને પદ્યમાં ગાંધી વિશે ખૂબ લખાયું છે. ગાંધી ખૂબ વંચાયા અને ચર્ચાયા છે. ગાંધીની આત્મકથાનું ભાષાંતર જગતની અનેક ભાષાઓમાં થયેલું છે. આવા ગાંધીનું શબ્દચિત્ર આલેખતા લોકકવિ લખે છે :

નાના બાળક જેવો હૈયે લેરીલો,

એરૂમાં આથડનારો,

કૂણો માખણ જેવો સાદો ને સોયલો,

કાળને નોતરનારો,

મોભીડો મારો ઝાઝી વાતું નો જાણનારો.

      ગાંધીજીના વ્યક્તિત્વનો એક મહત્વનો હિસ્સો તેમના બાળસહજ અને લહેરી સ્વભાવનો હતો. ગાંધીજી બાળકોના મિત્ર હતા તેની પ્રતિતિ અનેક ચિત્રો અને કથાઓ પરથી થયેલી છે. ઉપરની પંક્તિઓમાં કવિ કાગ લખે છે તેમ આ બાળસહજ સ્વભાવ ધરાવતા ગાંધી સમય આવે ત્યારે કાળને પણ નોતરી બેસનારા હતા.

એક જોધ્ધો એવો જાગીઓ રે

એણે સૂતો જગાડ્યો કાળ

પગ પાતાળે ને શિશ આકાશે

હાથ પહોંચ્યા દિગપાળ્

માતાજીની નોબતું વાગે છે

સૂતા સૌ માનવી જાગે છે.

કાંઇ સૂઝે નહિ કોઇને એવો

ધુમ્મસે ગોટાગોટ,

ધીંગડા હાથી ધ્રૂજવા લાગ્યા ત્યાં

દૂબળે દીધી દોટ…

      લોર્ડ માઉન્ટબેટને ગાંધીને ‘‘વન મેન આર્મી’’ તરીકે ઓળખાવ્યા હતા. જે કપરા કાર્યની જવાબદારી કોઇ સેનાનાયક પણ ન લઇ શકે તેવું કાર્ય કરવા માટે આ ગાંધી નામધારક દૂબળા દેહે સ્વેચ્છાએ દોટ દીધી હતી. કલકત્તા હોય કે નોઆખલી હોય – ગાંધીજીએ ભિષણ સ્થિતિની બરાબર વચ્ચે જઇને સદ્દભાવનાનો દીપક પ્રગટાવ્યો હતો. દેશ જ્યારે આઝાદીનો ઉત્સવ મનાવતો હતો ત્યારે બાપુ ભયગ્રસ્ત લોકોને નિર્ભયતાનો સંદેશ આપવા દેશના પાટનગરથી માઇલો દૂર ભ્રમણ કરતા હતા. ગાંધીજીને પોતાના ભગવાનના દર્શન કવિગુરુ ટાગોરે ગાયું છે તેમ રંક તથા પતિતોમાં થતાં હતાં.

ચરણ આપના ત્યાં વિરાજે

ચરણ આપનાત્યાં

સૌથી દલિત સૌથી પતિત

રંકના ઝૂંપડા જ્યાં

પાછામાં પાછા નીચામાં નીચા

દૂબળા બાપડાં જ્યાં

વિરાજે ચરણ આપના ત્યાં.

      કવિ ઉમાશંકર જોશીએ ‘‘જીવનના કલાધર’’ ગાંધીને કંગાળની હાયથી ભીંજાયેલા કહ્યા છે.

અંગો બધા સંયમથી રસેલાં

કંગાળની હાય થકી ભીંજેલાં

લંગોટીમાં કાય લઇ લપેટી

ચાલે પ્રભુપ્રેરિત પ્રેમમૂર્તિ.

      ગાંધીજીની હત્યાથી ગાંધી વિચારની હત્યા થતી નથી તે વાત ભાગ્યેજ કરવાની હોય. ગઇકાલે તથા આજે પણ વિશ્વના અનેક ભાગોમાં અનેક લોકો તથા લોકનેતાઓએ ગાંધી વિચારમાંથી પ્રેરણા મેળવીને પોતાનું જીવન કાર્ય નક્કી કરેલું છે. સત્યને અનુસરીને વિશ્વમંગળના માર્ગે પ્રયાણ કરનારાનો નિરંતર પ્રેરણાસ્ત્રોત ગાંધી અને ગાંધી વિચાર રહેલા છે. કવિ હસિત બૂચે લખ્યું છે તેમ સત્યમાર્ગના પથિકને ગાંધી હમેશા યાદ આવશે – પ્રેરણા પૂરી પાડતા રહેશે.

સતને મારગ જાનારાંને

યાદ આવશે ગાંધી

પ્રેમ-પરબ જળ પાનારાંને

સાથ આપશે ગાંધી

ધરધર મંગળ ભરનારાંને

યાદ આવશે ગાંધી

મહેનત મનભર કરનારાંને

છાંય આપશે ગાંધી.

                 ગાંધીજીએ જીવનના દરેક તબક્કે સત્યની પ્રતિષ્ઠા થાય તેવા નિર્ણયો કરેલાં છે. કવિ કરસનદાસ માણેકે લખ્યું છે :

સત્યનું કાવ્ય છો બાપુ,

કાવ્યનું સત્ય છો તમે !

જીવનમાં ડગલે ને પગલે આવતી અનેક ગૂંચવાડાભરી સ્થિતિમાં બાપુ પોતાના આત્માના અવાજને અનુસર્યા છે. ગોળમેજી પરિષદમાં (૧૯૩૨) ભાગ લેવા ઇંગ્લાંડ જવું કે કેમ તે મહાત્મા માટે દ્વિધા હતી. એ વાત જાણીતી છે કે સર પ્રભાશંકર પટ્ટણી (ભાવનગર) જેવા લોકો બાપું ગોળમેજી પરિષદમાં હાજરી આપે તેમ ઇચ્છતા હતાં. બાપું જ્યારે આખરે નિર્ણય કરીને ઇંગ્લાંડ જવા નીકળ્યા ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલા શબ્દો અમર તથા ઐતહાસિક છે. બાપુના મનની વાત કવિએ પારખી છે અને તેને શબ્દદેહ આપેલો છે.

છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો બાપુ !

સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !

જા બાપ ! માતા આખલાને નાથવાને

જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને

જા સાત સાગર પાર સેતુ બાંધવાને

ઘનઘોર વનની વાતને અજવાળતો બાપુ

વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ

ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે બાપુ

છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ !

 ગોળમેજી પરિષદનું પરિણામ પરાધિન દેશની આકાંક્ષાઓથી ઘણું દૂર હતું. ગાંધી હૈયામાં આ વેદના લઇને ઇંગ્લાંડથી પાછા ફરતા હતા. બાપુની આ સ્થતિના સંદર્ભમાં મેઘાણીભાઇએ લખેલા શબ્દો અર્થસૂચક તથા ધારદાર છે. ભલે આજે ગોળમેજી પરિષદની કાર્યવાહીથી ગાંધીને કે દેશને સંતોષ ન થયો હોય પરંતુ જ્યારે જ્યારે માનવ સમાજ સામે પડકારરૂપ પ્રશ્નો ઉભા થશે ત્યારે જગત ગાંધીની રાહ જોશે તેવી વાત મેઘાણીએ ખૂબીપૂર્વક કરી છે. આ બાબત ગાંધી વિચારની સર્વકાલિન  ઉપયોગિતા તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે.

ગોપવીને છાના ઘાવ કલેજાના

રાખજે ખૂબ ખામોશ !

વાવાઝોડા કાળના વાશે

તે દી તારી વાટ જોવાશે.

માતા ! તારો બેટડો આવે

આશાહીન એકલો આવે.

      કવિઓએ ગાંધીને મન મૂકીને ગાયાં છે. ગાંધીજીના આભથી ઊંચેરા વ્યક્તિત્વના અલગ અલગ પાસાઓ યાદગાર રચનાઓમાં સુંદર રીતે પ્રગટ થયાં છે. તોપ – તલવાર કે બંદૂક – બારૂદ સિવાય મહાસંગ્રામ લડીને વિજય મેળવનાર ગાંધીને સોરાષ્ટ્રના કવિ ભૂધરજી લાલજી જોશીએ અસરકારક શબ્દોમાં બીરદાવ્યાં છે.

તોપ તલવાર નહિ, બંદૂક બારૂદ નહિ

હાથ હથિયાર નહિ, ખુલ્લે સિર ફિરતે

વિકૃત વિજ્ઞાન નહિ, બંબર વિમાન નહિ

તરકટ તોફાન નહિ, અહિંસા વ્રત વરતે,

ટેંકોકા ત્રાસ નહિ, ઝહેરી ગિયાસ નહિ,

લાઠીકા સહત માર, રામ રામ રટતે

ભૂધર ભનંત બિન શસ્ત્ર યે જમાનેમેં

ગાંધી બિન વસુધામેં કૌન વિજય વરતે ?

      ગાંધીજીના શારીરિક દેખાવને – છોટી હસ્તી – તરીકે ઓળખાવી કવિ પ્રદીપજીએ આ લંગોટી ધારણ કરનાર દૂબળા-પાતળા દેહની વિશાળ મૂર્તિના દર્શન પોતાની ઢબે કરાવેલા છે.

મનમેં થી અહિંસા કી લગન તનપે લંગોટી

લાખોં મેં ઘુમતા થા લિએ સત્યકી સોટી,

વૈસે તો દેખનેમેંથી હસ્તી તેરી છોટી,

લેકિન તુઝે ઝુકતીથી હિમાલય કી ભી ચોટી,

દુનિયામેં થા બેજોડ તું ઇન્સાન બેમિસાલ !

સાબરમતીકે સંત તુંને કર દિયા કમાલ.

      ગાંધીજીનો નશ્વર દેહ આપણી વચ્ચે નથી. પરંતુ ગાંધી વિચારનું અજવાળું આજે પણ માનવજાતની મંગળમય યાત્રા માટે પ્રેરણા આપી શકે તેવું છે. ‘‘ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ’’ નો આદર્શ આજે પણ સમાજ માટે પ્રાસંગિક છે. આપણી દ્રષ્ટિ અને નિષ્ઠા જો ગાંધી વિચારમાં દ્રઢ થયેલી હોય તો આ વિચારો આજે પણ પૂર્ણત: દિશાદર્શક છે. જાન્યુઆરી માસમાં ગાંધી નિર્વાણ દિને ફરી આ દિશામાં નિરક્ષિરનો વિવેક રાખીને જોવા જેવું છે. ગાંધીજીનું જીવન એ એક ભવ્ય તથા ઉજ્વળ અસફળતાની કહાની છે તેવું નારાયણભાઇ દેસાઇ કહેતા. પરંતુ પછી ઉમેરતા કે ગાંધીજીવનના પ્રયોગોનો વિષયજ એટલો ઉદ્દાત હતો કે તેની અસફળતા પણ ઊંચે ચડાવનારી બની જતી હતી. ગાંધીની સ્મૃતિને વંદન કરવાનો અને શક્તિ પ્રમાણે તેમના પગલે ડગલા ભરવાનો પ્રયાસ કરવા માટે નિર્ધાર કરવાનો આ સમય છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૬/૦૧/૨૦૧૭. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑