: સંસ્કૃતિ :: મહાદેવભાઇ દેસાઇ : ગાંધીજીના ગણેશ અને હનુમાન :

યરવડા જેલના બ્રિટીશ સરકારના કેદી મહાદેવને સર્વસત્તાધિશ કુદરતે જેલમુક્તિ સાથેજ આ દુનિયા પરથી પણ મુક્તિ આપી. જે દિવસ હિન્દુસ્તાન સદાકાળ ઉજવશે તેવું ભાવિ નિર્માણ થયેલું હતું એજ ૧૫મી ઓગસ્ટ (૧૯૪૨)નો એ દિવસ હતો. મહાદેવ ગયા તેનો ભારે રંજ જેલના દરેક સાથીઓને હતો. કસ્તૂરબા તો મહાદેવના મૃત્યુના આઘાતથી વિશેષ વિહવળ થયેલા જણાતા હતા. જીવનમાં હમેશા સમત્વ ધારણ કરનાર બાપુ પણ મહાદેવ દેસાઇના નિધનથી અસ્વસ્થ થયેલા જણાતા હતા. મહામના મહાદેવના મૃત્યુની આસપાસનું ઘટનાચક્ર વિસ્મયકારક છે. બાપુએ ‘‘ મહાદેવ, ઊઠો મહાદેવ ! ’’ કહ્યા પછી પણ મહાદેવભાઇ નિશ્ચેતન સ્થિતિમાં પડી રહ્યા ત્યારેજ આ વિશ્વવંદનીય વિભૂતિને મહાદેવની કાયમી વિદાયના આકરા સત્યની જાણે કે પ્રતિતિ થઇ. સરકાર પોતાની કોઇ ગણતરી અનુસાર મહાદેવભાઇનું મૃત શરીર પરિવારજનોને આપવા માંગતી ન હતી. પોતાના પુત્ર સમાન મહાદેવની અંતિમક્રિયા બાબતમાં ગાંધીજી જેલના સત્તાવાળાઓને પૂછે છે : 

‘‘ અહીં મારી સામે હું મૃતદેહને અગ્નિદાહ દઇ શકું ? જે મહાદેવ કોઇ દિવસ મને અગ્નિદાહ દેશે એવી આશા રાખીને હું બેઠો હતો તેને દાહ દેવાનો આજ મારો વારો આવ્યો. આખું જીવન એ મારો પુત્ર હતો. આજે હું એનો પુત્ર બન્યો છું. ’’

મહાત્માના શબ્દોમાં પ્રગટ થતી વેદનાએ સૌની આંખો ભીની કરી. અગ્નિદાહની તૈયારીઓ શરુ થઇ. મહાદેવ જેલના એક કેદી તરીકે મુત્યુ પામ્યા હતા એટલે ગાંધીજીએ મૃતદેહને જેલની ચાદરમાં વીંટવાનો આગ્રહ રાખ્યો. જેલના એક ભાગમાં સાફસૂફી કરાવી અંતિમ સંસ્કારની તૈયારી થઇ.  મૃતદેહની નનામીને અંતિમ સંસ્કારના સ્થળે લઇ જવા ઊંચકવામાં આવી. મહાદેવના પુત્ર બનેલા ગાંધી પારંપારિક આગની દોણી (તોલડી) લઇને આગળ ચાલ્યા. કસ્તૂરબા બીમાર હતા તેમજ મહાદેવના મૃત્યુથી અત્યંત વ્યથિત થયેલા હતા. તેમના માટે દૂર એક ખુરશી મૂકવામાં આવી. તેઓ બે હાથ જોડીને વારંવાર આવા વેણ ઉચ્ચારતા હતા : 

‘‘ ભાઇ, જ્યાં જાય ત્યાં સુખી રહેજે. તે બાપુની ઘણી સેવા કરી છે. બધાને તે સુખ પહોંચાડ્યું છે. તું પણ સુખી રહેશે. ’’ 

મૃતદેહ પર લાકડા ગોઠવાયા બાદ ગાંધીજી નજીક આવ્યા અને વહાલા મહાદેવના મુખનું અંતિમ દર્શન કર્યું. ગાંધીજીએ મહાદેવને મુખાગ્નિ દઇને પુત્રધર્મનું અક્ષરસ: પાલન કર્યું. મુંગા બલિદાનની આવી અનેક ઘટનાઓ બની હશે ત્યારે આ દેશને સ્વતંત્રતા મળી હશે તેનો વિચાર કરતા મહાદેવભાઇ જેવા અગણિત મરજીવાઓ તરફ અંતરના ભાવથી નતમસ્તક થઇ જવાય છે. પ્રથમ તો સરકાર મહાદેવના મૃત્યુની વાત જાહેર ન થાય તેની વેતરણમાં હતી. ત્યારબાદ મહાદેવના મરણ અંગે સરકારે નાછૂટકે એક નાની નોંધ બહાર પાડી. સરકારની આ નાની નોંધના સમાચારથી સમગ્ર દેશ હલબલી ઊઠ્યો. મુંબઇના સુપ્રસિધ્ધ જન્મભૂમિ અખબારે આઠ કોલમનું મથાળું આપીને મહાદેવના મૃત્યુને ઉજાગર કર્યું. જન્મભૂમિએ લખ્યું : ‘‘ હે ઇશ્વર ! આ કારી ઘા ઝીલવાનું તારા સૌથી પ્યારા બંદા (ગાંધીજી)ને અને અમને બળ આપો. ’’ કોઇકે કહ્યું કે મહાદેવભાઇ ઓછું જીવ્યા. સુજાણ મહાત્મા આ વાતનો પ્રતિભાવ આપતાં લખે છે :

‘‘ મહાદેવનું કામ પૂરું થઇ ચૂક્યું હતું. મહાદેવે પચાસ વર્ષમાં સો વર્ષનું કામ કર્યું હતું. તે વધુ વખત શા સારું રહે ! ભગવાન તેને વધુ વખત શા સારું રહેવા દે ! કવિગુરુ ટાગેરે જીવનની સાર્થકતાને લઇને લખેલા થોડા શબ્દોનું મહાદેવભાઇએજ ભાવાંતર કર્યું હતું તેની સૌને સ્મૃતિ થઇ.

જીવને જે પૂજા પૂરી ન થાયે-

જાણું હું જાણું તેયે વ્યર્થ ન જાયે

જે કળી ખીલ્યા વિણ ઝરે છે ધરણીએ

જે નદી મરુસ્થળે ખોવાઇ જાયે-

જાણું હું જાણું તેયે વ્યર્થ ન જાયે.

માત્ર અરધી સદીના અલ્પ આયુષ્યમાં એક સદીમાં પણ ન થાય તેવા ગાંધીજીના સચિવ મહાદેવભાઇ દેસાઇ વિશે આવી અનેક વાતો લખીને શ્રી નારાયણ દેસાઇએ આપણાં પર ઋણ ચડાવ્યું છે. મહાદેવભાઇનું જીવન તથા તેમની કાર્યનિષ્ઠા કોઇપણ કાળે પ્રેરણાના પ્રકાશ પાથરી શકે તેવી સમર્થ તથા સાત્વિક છે. ‘‘ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ’’ દરેક ગુજરાતીએ વાંચવી પડે તેવી ભવ્ય, ભાતીગળ અને ઘટનાપ્રચુર છે. દેશ જાન્યુઆરી માસમાં પ્રજાસત્તાક બન્યો એજ માસમાં નૂતન વર્ષના સૂર્યોદયની જેમ મહાદેવ દેસાઇનો જન્મ ૧૮૯૨ ના જાન્યુઆરીની પહેલી તારીખે તાપી નદીના વિસ્તારમાં થયો. દક્ષિણ ગુજરાતનો આ રમણીય છોડ ભાતીગળ વ્રક્ષ બનીને મહોરી ઊઠ્યો. ગાંધીજીની પ્રગટ કે ક્યારેક અપ્રગટ રહેલી ઇચ્છાનેજ કેન્દ્રમાં રાખીને મહાદેવભાઇએ બાપુને સેવ્યા. અનેક પ્રસંગોએ બાપુની ઇચ્છા કે આજ્ઞાની પરીપૂર્તિ માટે ઝેરના ઘૂંટડા પણ ગળે ઉતારીને મહાદેવે પોતાનું નામ સાર્થક કર્યું. ધન્ય કર્યું.

વિનોબાજીએ મહાદેવનું સ્મરણ કરીને યથાર્થ લખ્યું : 

‘‘ લક્ષ્મણ વિના રામનું કામ થાત નહિ. આ વાત સમજીનેજ રામ લક્ષ્મણને વનમાં પોતાની સાથે લઇ ગયા હતા. ’’ ગોસ્વામીજીએ લખ્યું છે : રામના યશના ઝંડા માટે લક્ષ્મણ દંડ સમાન બન્યા. મહાદેવભાઇની આવીજ યોગ્યતા હતી તેમ વિનોબાજી કહે છે. બાપુના તમામ સદ્દવિચારોને ગ્રહણ કરનાર મહાદેવ બાપુના અનેક નિર્ણયોના આધારસ્થંભ હતા. બાપુની અનેક વાતો દુનિયાએ મહાદેવના તટસ્થ અને હેતુલક્ષી લખાણો સિવાય ક્યાંથી મેળવી હોત ? 

ગાંધીજીના મંતવ્યથી કોઇ અસંમતિનો વિચાર વ્યક્ત થાય તો તે બાબત પણ તટસ્થતાપૂર્વક મહાદેવભાઇ વિસ્તૃત રીતે ગાંધીજીના ધ્યાન પર મૂકતા હતા. મહાદેવભાઇના આવા ગુણની નોંધ રાજાજીએ કરી છે. મહાદેવભાઇનું સ્મરણ જીવનમાં એક નવી ચેતનાનો સંચાર કરી જાય છે. શ્રી ચી. ના. પટેલે મહાદેવભાઇને ‘‘ગાંધીના ગણેશ અને હનુમાન’’ કહીને થોડામાં ઘણું કહેલું છે. 

જે જેલને મહેલ ગણી ગયો તો

તે મહેલમાં અંતિમ અસ્થિ તારાં

તપસ્વીના પાવનકારી આશિષો

લઇ શમ્યા શાશ્વત શાંતિ – ગોદમાં.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૬/૦૧/૨૦૧૭. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑