: વાટે….ઘાટે…. : : ચિરયુવા સર્જક ધીરુભાઇ ઠાકરની પાવન સ્મૃતિ :

‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે. વિશ્વકોશ એ શુધ્ધ તથા સંગીન માહિતીનો ભંડાર છે. આમ સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. ’’ સર્જક – વિચારક અને વિશ્વકોશના જનક ધીરુભાઇ ઠાકર (સવ્યસાચી) ના ઓછા શબ્દોમાં વિશ્વકોશની સંપૂર્ણ ભૂમિકા આ રીતે પ્રગટ થઇ છે. કેટલાક લોકો ‘‘ ગાગરમાં સાગર’’ સમાવી શકવાની શક્તિ લઇને પૃથ્વી પર આવતા હશે કે આવી શક્તિ જાગૃતિપૂર્વક જીવનમાં વિકસાવતા હશે એ હમેશા વિચારવાનો મુદ્દો રહેતો આવ્યો છે. પરંતુ ઠાકર સાહેબને જોતાં આ બન્ને બાબતોનો જન્મજાત શક્તિ અને સતત સ્વાધ્યાય – તેમના વ્યક્તિત્વમાં સહજ સમાવેશ થતો અનુભવી શકાય છે. ‘‘સ્વાધ્યાય – પ્રવચનાભ્યામ્ મા પ્રમદિત્વયમ્’’ વાળી શાસ્ત્રોની વાત ધીરુભાઇની જીવનશૈલીનો અભિન્ન ભાગ હોય તેમ જણાય છે.

સિંહગિરા સોરઠમાં ૧૯૧૮માં જન્મેલા સાક્ષર ડૉ. ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર (તખલ્લુસ: સવ્યસાચી) ૨૦૧૪ ના જાન્યુઆરીની ૨૪મી તારીખે એક જીવનમાં અનેક જીવનના કામ નિપટાવીને મહાપ્રયાણ કરી ગયા. ભારત સરકારે ૧૯૧૪ ના વર્ષમાંજ ‘‘પદ્મભૂષણ’’ નો એવોર્ડ આપીને આ વિચારબીજના વાહકને વધાવ્યા. સુયોગ્ય સ્થળે પહોંચેલા એવોર્ડનો આનંદ અનેક લોકોના મનમાં હતો. એ સાથેજ ધીરુભાઇને ગુમાવ્યાનો ઊંડો રંજ હતો. તેજ-છાયાને તાણેવાણે આ જીવતરનું ગાડું વહેતું રહે છે. આથી આ ખુશાલી અને ખોટને સમાજે સ્વસ્થતાપૂર્વક સ્વીકારવાનો પ્રયાસ કર્યો. ધીરુભાઇ વિશ્વકોશનો ગુલાલ ઉડાડીને ગયા છે તેના રંગો કાળના વહેતા પ્રવાહમાં ઝાંખા પડે તેવા નથી. ‘‘મકરન્દી મીજાજ’’ માં પ્રગટેલા શબ્દો યાદ આવે. 

અમે તો જઇશું અહીંથી

આ અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે.

ખબર નથી શું કરી ગયા

પણ કરી ગયા તેની કમાલ રહેશે.

ગીતાકારે પ્રબોધેલી ‘‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચિન્’’ એ વાત સાંભળવા તો અવારનવાર તથા અનેક પ્રસંગોએ મળે છે. આ વાત કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેને જીવી જાણવી મુશ્કેલ છે. આથી  કેટલાક વીરલાઓ જે આ વાતને પોતાના જીવતર થકી ઉજાળે છે તેમના જીવન સમક્ષ સમાજ અહોભાવપૂર્વક નતમસ્તક થાય છે. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે જેમની ચિર વિદાયને ત્રણ વર્ષનો સમયગાળો ર૪ જાન્યુઆરી-ર૦૧૭ના રોજ થાય છે તેવા શ્રી ધીરૂભાઇ ઠાકરની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. આપણી નજર સમક્ષ હજુ ગઇકાલ સુધી ઉન્નત તથા અર્થસભર જીવતર જીવી જનાર ઠાકર સાહેબ નવા ચિલા પાડીને ગયા. થાક તથા નિરાશાનો ઓછાયો પણ તેમના જીવનમાં પડ્યો હોય તેમ લાગતું નથી. વિશ્વકોશના આ જગનન્નાથના રથને ખેંચવા જેવું કપરું કામ નહિતર કેવી રીતે થયું હોત ? ઇન્દુલાલ યાજ્ઞિકજેવા ઝંઝાવાતી કર્મવીર જેના સર્જન સાથે સંકળાયેલા છે તેવી ‘‘ મોંઘેરી ગુજરાત ’’ ની એક અલગ રાજ્ય તરીકે ૧૯૬૦ માં રચના થઇ. ગુજરાતની સ્થાપના પછીના પાંચ દાયકામાં થયેલા ઐતિહાસિક કાર્યોની સૂચિ તૈયાર કરીએ તો તેમાં વિશ્વકોશની સ્થાપના અને તેના યોગદાનની વાત અચૂક આવે તેમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી. એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં મૂકવી તે ગુજરાત રાજ્યની સ્થાપના પછીના વર્ષોની એક જ્વલંત ઘટના છે. વિશ્વના કોઇપણ ખૂણે વસનાર ગુર્જર આ યશસ્વી કાર્ય માટે ગૌરવનો ભાવ અનુભવી શકે છે. ઠાકર સાહેબે જાતે તો કાર્ય કર્યુ જ પરંતુ આ કામની અવિરત પ્રગતિ માટે મજબૂત ટીમવર્ક તથા સંસ્થાગત માળખું પણ ઉભુ કર્યુ. વિશ્વકોશનું ભગીરથ કાર્ય સતત ચાલતું રહે તથા અનેક વિષયોના સંદર્ભમાં જ્ઞાનઉપાસનાનો યજ્ઞ જ્વલંત રહે તે માટે આવા સંસ્થાકીય માળખાની અનિવાર્યતા ઠાકર સાહેબની દ્રષ્ટિ બહાર ન હતી. સ્થાયી માળખાનું નિર્માણ કરવાની તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે તેમની અનુપસ્થિતિમાં પણ આ સમાજ ઉપયોગી કાર્ય નિરંતર ચાલતું રહેલું છે. કુમારપાળ દેસાઇ તથા કવિ ચન્દ્રકાન્ત શેઠ જેવા સમર્પિત લોકોએ ધીરુભાઇએ પ્રગટાવેલી જ્યોતને સક્રિય રહીને જાળવી છે અને તેમાં સતત દીવેલ પૂરવાનું યજ્ઞકાર્ય કરેલું છે. કર્મની દિશામાં તથા જ્ઞાન પ્રાપ્તિની દિશામાં ગતિ કરવાની પ્રેરણા ધીરૂભાઇના જીવનમાંથી અનેક લોકોએ મેળવી. કવિશ્રી વેણીભાઇ પુરોહિતના નીચેના શબ્દોમાં કર્મનો મહિમા સુંદર રીતે વ્યક્ત થયો છે. ધીરૂભાઇ ઠાકર જેવા કર્મવીર તથા પ્રક્ષાવાન શાક્ષરના જીવનમાંથી પણ નીચેના સુંદર શબ્દોમાં વણેલો ભાવ સતત પ્રગટતો જોવા મળે છે.

થાકે, ન થાકે  છતાંયે

હો માનવી, ન લેજે વિસામો !

ને ઝૂઝજે એકલ બાંયે

હો માનવી, ન લેજે વિસામો .

ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,

આવે અંધાર તેને એકલો વિદારજે,

છો ને આ આયખું હણાયે

હો માનવી, ન લેજે વિસામો !

ધીરુભાઇ જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રીતે કાર્યરત રહ્યા. શ્રી નારાયણ દેસાઇ ધીરુભાઇને ચિરયુવા કહેતા તે યથાર્થ છે. સાહિત્યના સર્જન વચ્ચે પણ ધીરુભાઇમાં રમૂજવૃત્તિ અને હળવાશ કાયમ રહ્યા તે વાત ધીરુભાઇના પુત્રી હીનાબહેને કરી છે તે  ઠાકર સાહેબના ભાતીગળ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. વિશ્વકોષ તેમજ હવે ખાસ બાલ વિશ્વકોષના આ અમૂલ્ય ગ્રંથો આપણાં ગ્રંથાલયની શોભા વધારે તેવા છે. કોલેજો તેમજ માધ્યમિક શાળાઓના વ્યાખ્યાતાઓ તેમજ વિદ્યાર્થીઓને સંદર્ભ ગ્રંથ તરીકે ખૂબજ ઉપયોગી બને તેવા છે. પડકાર આપણી સામે એ છે કે આપણે તેનો કેટલો ઉપયોગ કરવાની આદત કેળવીએ છીએ. આવી આદત કેળવવાની જવાબદારી આપણી સૌની છે –સામુહિક છે. શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા કર્મયોગીનું  જીવન ગુજરાતની આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવેતી….ચરૈવેતી….નો અર્થસભર સંદેશ ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે. જ્ઞાન ઉપાસનાનું આ કાર્ય ગુજરાતને એક નવી ઓળખ આપે તેવું છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑