લગભગ ૧૧ વર્ષ બાદ સ્વામી આનંદ પોતાના વૃધ્ધ તથા બીમાર માતાને મળવા પોતાના વતનના ગામડાના ઘરમાં પ્રવેશ કરે છે. માતાને વચન આપેલું છે તેથી માતાના જીવનના સંધ્યાકાળે આ સન્યાસી પુત્ર માને મળવા આવે છે. ફળિયામાં થોડા ડગલાં માંડ્યા ન માંડ્યા ત્યાંજ પથારીમાં પડેલા માતાએ સન્યાસી થઇ ગયેલા દિકરાને નામ દઇને બૂમ પાડી. આશ્ચર્ય પામીને સ્વામીએ માને પૂછ્યું કે તેમણે કેવી રીતે નક્કી કર્યું કે આવનાર વ્યક્તિ તેમનો દિકરોજ છે. મા જવાબ આપે છે : ‘‘ કેમ ન ઓળખું ? મારા હૈયામાં તો તુંહિ તુંહિ નો જાપ ચાલે છે ! માને માટે બીજો કોઇ પ્રભુ થોડો હોય છે ? પ્રભુ પણ મારા પુત્રરૂપે આવીને ઊભો રહે તોજ ઓળખું. નહિ તો સામું યે ન જોઉ ! ’’
આવી અનેક હ્રદયસ્પર્શી વાતો લખીને સ્વામીદાદા આપણાં ગદ્ય સાહિત્યને રળિયાત કરતા ગયા છે. સ્વામી આનંદની ગદ્ય લેખન શક્તિ આજે પણ અહોભાવ ઉપજે તેવી સમર્થ અને સત્વશીલ છે. શ્રી મૂળશંકર મો. ભટ્ટ સ્વામીના ગદ્યનો પરિચય આપતા લખે છે તે આ બાબતની પ્રતિતિ કરાવે છે.
‘‘ સ્વામીએ લખવા ખાતર કે ગદ્યકળાને રમાડવા ખાતર તો કદી લખ્યું નથી. આસેતુ હિમાલય પરિવ્રાજકને તથા દેવતાત્મા હિમાલયના ઘાયલને તેમજ સંતોના ચરણોના પ્યાસીને ધરતીના અનેક રત્નો જડી આવ્યા છે. આવા માનવ રત્નોની તેમણે ભરપૂર શ્રધ્ધા તથા ભક્તિભાવથી વાણીના માધ્યમથી આરતી ઉતારી છે. સ્વામીના ગદ્યમાં ગતિ છે, આકાર છે, ચેતના અને કળા છે. ’’
‘‘ સ્વામી આનંદ એટલે નરવા ઉદ્દગારોનો ફૂવારો ’’ એવું શ્રી વાડીલાલ ડગલીનું વિધાન સ્વામી આનંદના ગદ્યને સુયોગ્ય રીતે બીરદાવે છે. મહાદેવ દેસાઇથી ઉંમરમાં ત્રણચાર વર્ષ મોટા અને મહાદેવભાઇના પિતરાઇ ભાઇ છોટુભાઇ દેસાઇ માટે ‘‘મહાદેવથી મોટેરા’’ નું વિશેષણ વાપરી સ્વામી આનંદ તેમનું શબ્દચિત્ર રજૂ કરે છે :
‘‘ બન્ને ભાઇ (છોટુભાઇ અને મહાદેવભાઇ) સાથે ઊછરેલા અને ભણેલા. આમ છતાં બન્નેના સ્વભાવ અને વ્યક્તિત્વ બહુ જુદા. એક મોગલ ગાર્ડનનું ગુલાબ અને બીજો ઉનઇ જંગલનો વાંસ. એક તાજમહાલનું શિલ્પ, બીજા દખ્ખણના ગોમટેશ્વર. એક ઢાકાની શબનમ, બીજા ઘાટીની ઘોંગડી – ઓઢનાર તથા પાથરનારને ખૂંચે પરંતુ ટાઢ, શરદી અને વરસાદ – વાવાઝોડામાં કીમતી શાલદુશાલા હવાઇ જાય ત્યારે એ કાળી ઘોંગડી મીઠી હૂંફ આપીને ન્યુમોનિયાથી બચાવી લે. ’’ ભીલ – આદિવાસીઓ પરના જુલમ સામે હમેશા છાતી કાઢીને સંઘર્ષ વહોરી લેનાર છોટુભાઇ દેસાઇની સ્વામી આનંદે લખેલી કથા વાંચીને નતમસ્તક થઇ જવાય તેવું છે.
સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચન્દ્ર દવે. સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે તેમનો જન્મ ૧૮૮૭ માં થયો. ૨૪મી જાન્યુઆરી-૧૯૭૬ના રોજ તેઓ આ ફાની દુનિયા છોડીને ગયા. જાન્યુઆરીમાં આ વીર અને કર્મઠ સન્યાસીની વિશેષ સ્મૃતિ થાય છે. સ્વામીદાદાએ ૧૯૦૧ માં રામકૃષ્ણ મિશનમાં સન્યાસીની દીક્ષા લીધી. આપણાં ઇતિહાસમાં અને સાહિત્યમાંજ નહિ પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સાધુ – સન્યાસીઓનો એક વિશેષ પ્રભાવ છે. ભારતનો અસલી પિંડ આ સતત વિચરણ કરનાર સાધુ – સન્યાસીઓએ બાંધ્યો છે. તેમાંના કેટલાક સંતો તો જંગમ વિદ્યાપીઠ જેવા હતા. ‘‘ સાધુ તો ચલતા ભલા ’’ એ ઉક્તિ અનુસાર તેઓ જગતના ખૂણે ખૂણે વિચરણ કરતા રહ્યાં. સંપ્રદાય કે વાડાબંધીથી પર રહીને તેઓએ ધર્મનું વિશાળ અર્થમાં દર્શન કર્યું અને જનસમુદાયને તેનું દર્શન કરાવ્યું. અનેક સ્થાપિત હિતો – સામાજિક કુરિવાજો સામે જીવનભર આ સંતો ઝઝૂમતા રહ્યાં. પાખંડ સામે અસંમતિનો શંખનાદ કરનાર સ્વામી દયાનંદ સરસ્વતી કે વિશ્વને પોતાની પ્રતિભા અને જ્ઞાનથી પ્રભાવિત કરનાર સ્વામી વિવેકાનંદ પણ આવા વિરલ સન્યાસીઓ હતા. ભિક્ષુ અખંડાનંદે ટાંચા સાધનો સાથે પણ સારા વાચનની સ્થાયી વ્યવસ્થાનું માળખું ગોઠવીને જ્ઞાનની જ્યોત પ્રગટાવી. મુનિ સંતબાલજી ભાલના તરસ્યા ગામડાઓની તરસને તૃપ્ત કરવા સતત કાર્યરત રહ્યાં. સંત મોટાએ સમાજમાં જ્ઞાન વૃધ્ધિ થાય તે માટેના દરેક કાર્યનું સમર્થન કર્યું. આવા અનેક સન્યાસીઓએ પોતાના સન્યાસ જીવનના માધ્યમથી સમગ્ર સમાજને ઉજળો તથા લાભાન્વીત કરેલો છે. સ્વામીદાદા પણ આ ઉજળી સંત પરંપરાની એક ગૌરવયુક્ત કડી સમાન હતા.
સ્વામીદાદાને જ્યારે પણ મળવાનું થાય ત્યારે તેઓ પાસેથી નૂતન દ્રષ્ટિ મળતી હતી. (સનાતનો નિત્યનૂતન:) એ વાત સુપ્રસિધ્ધ ફોટોગ્રાફર તથા વિચારક શ્રી અશ્વિન મહેતાએ લખી છે. અશ્વિનભાઇ લખે છે કે જગત અને જીવનના સમ્યક્ જ્ઞાનનું દર્શન સ્વામીને મળીને થતું હતું. અહમ્ કે પોકળપણાનો સદંતર અભાવ સ્વામીદાદાના વ્યક્તિત્વમાં જોવા મળે છે. રામકૃષ્ણ દેવની પણ અનેક વાતો સ્વામીદાદા પાસેથી સાંભળવા મળતી હતી. જીવનભર ‘‘આ મારું.. આ મારું’’ નું રટણ કરનાર માનવના સંદર્ભમાં તેઓ એક શ્લોક હમેશા ટાંકતા અને સમજાવતા રહેતા હતા.
અશનં મે વસનં મે
ભાર્યા ચ મે બંધુવર્ગ મે
ઇતિ મે મે કુર્વાર્ણમ્
વૃકો ભક્ષતિ નરાજમ્ !!
અણિશુધ્ધ મુદ્રણની પરિપાટી સ્વામીદાદાએ પાડી જેની અસર ‘નવજીવન’ ના પ્રકાશનો પર સતત રહેવા પામી. ગાંધીજીએ લખ્યું હતું કે ‘‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ તથા સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો ‘નવજીવન’ ની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી હોત.’’ ગાંધીજીને આત્મકથા લખવા માટે પણ સ્વામીદાદાએ સતત આગ્રહ કર્યો હતો જે જાણીતી વાત છે. સ્વામીદાદા જેવા સમર્થ સન્યાસીને ફરી યાદ કરી આપણી ઉજળી તથા ભાતીગળ સંત પરંપરાને નમન કરવાનો આ અવસર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment