: વાટે….ઘાટે…. : : બ્રહ્માનંદ સ્વામી અને ભૂજની વ્રજભાષા પાઠશાળા :

વ્રજભાષા પાઠશાળા – ભૂજ (કચ્છ)માં સાહિત્ય – સંગીત તેમજ અનેક વિદ્યાઓની જાણકારી ખાણ (રાજસ્થાન)ના કવિ લાડુદાનજીએ પ્રાપ્ત કરી છે. અભયાસ પૂર્ણ થયા બાદ પાઠશાળાના નામને ઉજ્વળ કરી શકે તેવા આ સમર્થ કવિ અનેક નાના-મોટા રાજવીઓના દરબારમાં જાય છે. કવિ પોતાની યશસ્વી વિદ્યા તેમજ ઊંચી બુધ્ધિ પ્રતિભાના કારણે અનેક રાજવીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આદર- સત્કાર પામે છે. આવી યાત્રા દરમિયાન કવિ ભાવનગરના સુપ્રસિધ્ધ મહારાજા વજેસિંહજીને મળે છે. મહારાજા વજેસિંહજી પણ કવિની કાવ્યશક્તિથી પ્રભાવિત થાય છે. રાજ્યની મહેમાનગતી માણતા અને રાજવી સાથે વિદ્યા વ્યાસંગ કરતાં કવિશ્રી ભાવનગરમાં રાજવીના આગ્રહ તથા સ્નેહથી રોકાયા છે. આ સમયે દરબારમાં એક વાત થઈ જે કવિના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવનારી બની રહી. ભાવનગર તાબાના ગઢડામાં સ્વામિનારાયણ તરીકે ઓળખ પામેલા કોઈ તેજસ્વી પુરુષ પોતાના જ્ઞાન અને વ્યક્તિત્વથી સ્થાનિક લોકોનો અપૂર્વ આદર મેળવી રહ્યા છે તેવી વાત કહેવામાં આવી. આ પ્રતિભાસંપન્ન વ્યક્તિને અનેક લોકો ભગવાન ગણીને પૂજે છે તેવી વાત પણ રાજ્ય દરબારમાં કહેવામાં આવી. ચર્ચા દરમિયાન કોઈકે પ્રતિભાવ આપતા તર્ક કર્યો : કળિયુગમાં વળી ભગવાનનો અવતાર ક્યાંથી હોય ? ઉપરાંત સ્વામિનારાયણ નામ પણ દરબારમાં બેઠેલા સૌને અપરિચિત જણાયું. મહારાજાનો આગ્રહ અને પોતાની ઉત્કંઠાને હિસાબે કવિશ્રી સહજાનંદ સ્વામી તરીકે ઓળખાવતા આ પ્રભાવી પુરુષના દૈવત્વની કસોટી કરવા સવારી લઈને ગઢડા જવા નીકળ્યા. કવિરાજની સવારી કાઠી દરબારોના ગામ ગઢડામાં પહોંચી. કવિરાજ મળવા ગયા ત્યારે સ્વામી સહજાનંદ મુક્તાનંદ સ્વામી તથા કેટલાક ભક્તો સાથે બેઠા હતા. સ્વામી તમામ ભક્તમંડળ પર કૃપા કરી વચનામૃતના વચનો સંભાળવતા હતા. પ્રથમ દ્રષ્ટિએ રાજવી સમાન દેખાતા પ્રભાવી મહાકવિ એભલ ખાચરની ડેલીએ અશ્વ પર સવાર થઈને મહેમાન બનીને પહોંચ્યા. આવી ચડેલા પ્રભાવી અતિથિ શ્રીજી મહારાજનું દર્શન કરતાજ તેમનામાં ઓતપ્રોત થઈ ગયા. કવિનો સત્કાર શ્રીજી મહારાજે પણ અંતરના ઉમળકાથી કર્યો. મહારાજનું દર્શન કરીને કૃતાર્થ થયેલા શીધ્રકવિએ પોતાના મનની વાતનું નીચેના સુંદર શબ્દોમાં બયાન કર્યું.

આજની ઘડી રે ધન્ય આજની ઘડી

નેણે નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી.

પોતાના પ્રિય વતન મારવાડ તરફથી મુખ ફેરવી લાડુદાનજી શ્રીજી મહારાજના થઈને રહ્યાં પોતાની અસાધારણ કાવ્યસર્જન શક્તિને કારણે મહારાજના અનેક પદોની રચના કરી. આજે પણ બ્રહ્માનંદ સ્વામી તરીકે ઓળખતા આ પ્રતાપી સાધુના પદો – કિર્તનો મોટા પ્રમાણમાં ગવાતા અને ઝીલાતા હોય છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન સાધુ તથા સાહિત્યના સમર્થ સર્જક બ્રહ્માનંદ સ્વામી તેમની ઉત્કટ ભક્તિ તેમજ ઉત્તમ સર્જનો માટે સદાકાળ જીવંત છે. આજ રીતે આવા મોટા ગજાના કવિને તૈયાર કરનાર કચ્છની વ્રજભાષા પાઠશાળા પણ ઈતિહાસમાં અલગ માન અને સ્થાન ધરાવે છે. આપણે આપણી નાલંદા કે તક્ષશિલા વિદ્યાપીઠનો ગૌરવથી ઉલ્લેખ કરીએ છીએ. વિશ્વમાં નાલંદા કે તક્ષશિલા વિદ્યાપીઠની બરાબરી કરી શકે તેથી તે કાળમાં ઘણી ઓછી સંસ્થાઓ હતી તેની   દેશ – વિદેશના ઈતિહાસકારોએ તેમજ વિશ્વ પ્રવાસીઓએ નોંધ કરી છે. આવુંજ વિદ્યાનું એક ઉત્તમ ધામ એટલે ભૂજની વ્રજભાષા પાઠશાળા. બ્રહ્મમુની પણ ભૂજની આ પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન હતા. કચ્છના વિદ્વાન રાજવી મહારાવ શ્રી લખપતજી તથા તેમના રાજ્યકવિ હમીરજી રત્નુની સાહિત્ય પ્રીતિ તેમજ ઉદારતા અને દીર્ધદ્રષ્ટિને કારણે આ સંસ્થાનો ઉદ્દભવ થયો અને ક્રમશ: વિકાસ થયો. લગભગ બસ્સો વર્ષ સુધી (ઈ.સ. ૧૭૪૯ થી ૧૯૪૮) આ પાઠશાળા કાર્યરત રહી. દેશના અનેક ભાગમાંથી સાહિત્ય તેમજ સર્વગ્રાહી શિક્ષાની દીક્ષા પ્રાપ્ત કરવા માટે વિદ્યાના ઉપાસકો અહીં આવતા હતા. કચ્છના સર્વાંગિ ઈતિહાસની નોંધ મુજબ મહારાવ શ્રી લખપતજીએ ઈ.સ.૧૭૪૨ માં કચ્છ રાજ્ય શાસનની બાગડોર સંભાળી. રાજવી લખપતજીનો વિધિસર રાજ્યાભિષેક મહારાવ શ્રી દેશળજીના નિધન બાદ ઈ.સ. ૧૭૫૨ માં કરવામાં આવ્યો. લખપતજી સાહિત્ય, સંગીત અને કળાઓના પ્રેમી હતા. રાજવીએ સ્વયં પણ છંદશાસ્ત્ર, રસશાસ્ત્ર તથા પિંગળનો અભ્યાસ કર્યો હતો. રાજવી ઉર્દૂ, ફારસી તથા સંસ્કૃતનું પણ જ્ઞાન ધરાવતા હતા. મહારાવશ્રી પોતે તો જીવનના પાંચ દાયકા પણ પૂરા કરી ન શક્યા પરંતુ તેમણે આ ટૂંકા આયખામાં અનેક ચિરંજીવી કાર્યો કર્યા. સુવિખ્યાત સર્જક શ્રી દુલેરાય કારાણીએ લખ્યું છે તેમ કચ્છનો ઈતિહાસ એટલે એક મહાસાગર છે તેમજ આ મહાસાગરને તળિયે અનેક રત્નો પડેલા છે. મહારાવ શ્રી લખપતજી આવા એક અમૂલ્ય રત્ન સમાન હતા. વ્રજભાષા પાઠશાળાના અંતિમ આચાર્ય કવિ શ્રી શંભુદાનજી અયાચીએ મહારાવ લખપતજીના સંદર્ભમાં ટાંકેલો એક દોહો થોડામાં ઘણું કહે તેવો છે.

ભર્તુહરીને ભોજ રે (રહ્યા) સમય અધૂરા સાર,

સો પૂરા કરવા કાજે, (કચ્છ) લખપત આયો લાર.

સુવિખ્યાત કવિ અને ભક્ત માવદાનજી રત્નુ ઉપરાંત સ્વામિનારાયણ ગુરૂકુળ – સુરેન્દ્રનગરના વિદ્વાન શાસ્ત્રી નારાયણ સેવાદાસજીએ પણ સત્સંગીઓના લાભાર્થે બ્રહ્મમુનીના સાહિત્યનું નોંધપાત્ર પ્રકાશન કરેલું છે. આ પણ એક ઉમદા પ્રયાસ છે. સંસારી લાડુદાનજી સ્વામિનારાયણ દેવના પારસમણી સ્પર્શથી બ્રહ્માનંદ સ્વામી બનીને વિશેષ ઝળકી ઉઠ્યા. પરંતુ મૂળમાં બ્રહ્માનંદ સ્વામિની એક મોટા ગજાના સર્જક તરીકેની શક્તિ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ ખંડ-૧ માં લખ્યું છે :

‘‘ કવિએ રચેલાં ભક્તિ તથા વૈરાગ્યના પદો શૌર્યસભર શૈલીથી વિશિષ્ટ ખુમારીનો અનુભવ કરાવે છે. સૌરાષ્ટ્રની બોલીનો રણકો, પ્રાસ-અનુપ્રાસ મેળવવાની સહજશક્તિ, પદરચનાના સફાઇ કે માધુર્ય સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતામાં તો મોખરાનું સ્થાન ભોગવે છે. પરંતુ ગુજરાતી પદ્યસાહિત્યમાં પણ વિશષ્ટ બની રહે છે.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑