: ક્ષણના ચણીબોર : : સંસ્કૃતિ પુરુષ : કાકા સાહેબ કાલેલકર :

શાંતિનિકેતનના યુવાન અધ્યાપક દત્તાત્રેય બાલકુષ્ણ કાલેલકરને ગાંધીજીનો મેળાપ થયો. કોઇ અનેરા આકર્ષણથી આ યુવાન ગાંધીજી તરફ સહજ ભાવે ખેંચાયા. પરિણામ સ્વરૂપે દત્તુબાબુની શાંતિનિકેતનથી સાબરમતી આશ્રમની યાત્રા સંપન્ન થઇ. ગુરુદેવની વિશ્વવિદ્યાલયના અધ્યાપક સદાકાળ ગાંધી વિચારના સક્રિય સમર્થક બની રહ્યા. દત્તાત્રેય ‘કાકાસાહેબ’ બનીને મહેકતા રહ્યા. ગુજરાતને એક ‘સવાઇ ગુજરાતી’ સાહિત્યકાર પ્રાપ્ત થયા.

કાકાસાહેબની કલમે અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરેલું છે. કાકાસાહેબની અનેક વાતો – પાત્રો તેમના સંભારણા – સ્મરણયાત્રાના ભાગ તરીકે ભાવકોને મળ્યાં. તેમાંના અનેક નામો તે સાથે જોડાયેલી ઘટનાને કારણે ચિર સ્મરણિય બની રહ્યા. બહેનના અવસાનની બાળ માનસ પરની અસર બાબત ‘‘ આકકાની કથા ’’ વિસ્મૃત થાય તેવી નથી. પોતાની બહેન (આકકા)ના અકાળ અવસાનથી કાકાસાહેબની કલમ આ ઘટના બાદ ઘણાં વર્ષે સ્મરણ લખતાં લખતાં પણ વ્યગ્ર બને છે. કાકાસાહેબ તેમના બાળ હ્રદય પર પડેલી છાપને ભાવપૂર્વક વાગોળતા લખે છે. 

‘‘ મારા જીવનમાં એવી કેટલીક બહેનો હું જોઉં છું જેમના પરિચયે હું પાવન તથા ઉન્નત થઇશ તેવી મને ખાતરી છે. પણ હ્રદયની ભૂખ તો આકકાના પવિત્ર સ્મરણથીજ સમાવવી રહી. ‘‘શહાણુ માણુસ લાભત નાહી’’ એવું આકકાનું વચન આખરે આકકા માટેજ સાચું પડ્યું.’’ 

સ્મરણ યાત્રાના ખાટા-મીઠા સંભારણા હોય કે પ્રવાસ વર્ણનો હોય – દરેક બાબતમાં કાકાસાહેબની કલમ અનોખી ઊંચાઇને આંબતી અનુભવી શકાય છે. ‘‘ કાકાસાહેબનું ગદ્ય અનેક વાર કાવ્યની કોટિએ પહોંચે છે ’’ તેવું કવિ શ્રી ઉમાશંકર જોશીનું અવલોકન યથાર્થ છે. પત્રલેખન અને વાસરી સાહિત્યમાં કાકાસાહેબે અદ્દભૂત યોગદાન આપેલું છે. જે લખ્યું તે જીવાતા જીવનના ભાગરૂપે તેમજ સહજ રીતે લખ્યું. હિમાલયની યાત્રા કરીને લખે છે :

‘‘ હિમાલયનો વૈભવ દુનિયાના તમામ સમ્રાટોના વૈભવ કરતાયે વધારે છે. હિમાલય એજ આપણો મહાદેવ છે. આખા વિશ્વની સમૃધ્ધિ ખીલવતો છતાં અલિપ્ત, વિરક્ત, શાંત અને ધ્યાનસ્થ. ’’ જબલપુર જેલમાં કાકાસાહેબની સાથેજ રહેતા જેલના સાથીદાર (૧૯૪૨) લક્ષ્મણસિંહ ચૌહાણ કાકાસાહેબનું શબ્દચિત્ર દોરતા લખે છે : 

‘‘ (જેલમાં) સવારે ચાર-પાંચ વાગે ઊઠીને જોયું તો કાકાસાહેબનું ફાનસ બળી રહ્યું છે. વાંચી રહ્યા છે. આગલી રાત્રે પણ જોયું હતું. વાંચી રહ્યા હતા ! આ ક્રમ એક-બે દિવસ નહિ, લાગલગાટ ત્રણ વર્ષ જોયો ’’ કાકાસાહેબમાં અધ્યાપકની સાથેજ વિદ્યાર્થીનો આત્મા પણ વસતો હતો તેવું લાગ્યા સિવાય રહે નહિ. શ્રી નારાયણ દેસાઇએ લખ્યું છે કે જ્યારે કાકાસાહેબને મળીએ ત્યારે એમની આસપાસ જ્ઞાનના ફુવારાઓ ઊડતા અનુભવવા મળે. નારાયણભાઇએ કાકાસાહેબને ‘‘સંસ્કૃતિ પુરુષ’’ તરીકે ઓળખાવેલા છે. ડીસેમ્બર માસમાં આ નિરંતર પ્રવાસી સાહિત્યકારની જન્મજયંતિ આવે છે. (૦૧-૧૨-૧૮૫૫ થી ૨૧-૦૮-૧૯૮૧) આવા મહાન સર્જકની સ્મૃતિ ડીસેમ્બર માસમાં વિશેષ થવી સ્વાભાવિક છે. 

૧૯૩૦ માં દાંડીકૂચ કરીને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજયના પાયામાં લૂણો લગાડવાનું ઐતિહાસિક કામ કર્યું તે ઘટના ખૂબ જાણીતી છે. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ઘરપકડ થશે તેવી વ્યાપક માન્યતા હતી. સરકારે સરદાર સાહેબની ઘરપકડ કરી પરંતુ બાપુની ઘરપકડ કૂચ પૂરી થયા બાદ ઘણાં દિવસો પછી કરી. ઘરપકડ કર્યા બાદ ગાંધીજીને યરવડા (મહારાષ્ટ્ર) જેલમાં લઇ જવાબમાં આવ્યા. આ વખતે ગાંધીજીના જેલવાસ દરમિયાન તેમની સાથે રાખવા માટે સરકારે કાકાસાહેબ કાલેલકરની પસંદગી કરી. કાકા સાહેબ તે સમયે સાબરમતી જેલમાં હતાં. તેમને ત્યાંથી ખસેડીને યરવડા લઇ જવામાં આવ્યાં. યરવડા જેલમાં બાપુની પાસે જયારે કાકા સાહેબને લઇ જવામાં આવ્યા ત્યારે બાપુને જોતા જ કાકા સાહેબ હર્ષથી ભાવુક થયા પરંતુ પ્રયત્નપૂર્વક પોતાની જાતને સંભાળી લીધી. તેમનું યરવડાનું જેલ જીવન બાપુની હાજરીથી પ્રસન્નતાથી ચાલવા લાગ્યું.  એવામાં એક દિવસ બાપુએ કાકાને આશ્ચર્ય તથા આઘાત બન્નેની અનુભૂતિ કરાવી (ગાંધીજી કાકા સાહેબને કાકા કહેતા. પત્રોમાં પણ ચિં.કાકા લખતા) ગાંધીજીએ કાકાસાહેબને કહ્યું કે તેમણે (ગાંધીજીએ) જેલનાપોતાના દિવસભરના કામોનો હિસાબ કર્યો છે. પછી કાકા સાહેબને કહે કે તેમની પાસે ત્રિસેક મીનીટનો સમય બચે છે. કાકા સાહેબને હાથે લખવાની ટેવ ઓછી એટલે તેઓ જુગતરામભાઇ કે સ્વામી આનંદ પાસે તેમના લખાણો લખાવતા તે ગાંધીજી જાણતા હતા. આથી ગાંધીજી કહે કે આ બચે છે તે મારા અડધા કલાકનો સમય તમને આપું ! તમે લખાવોને હું લખું ! કાકા સાહેબ લખે છે કે ગાંધીજીની આ ઉદાર ઓફર સાંભળીને તેઓ ભાવ-વિભોર થયા. માંડ માંડ શબ્દો એકઠા કરીને તેમણે આ યુગપુરુષને કહયું કે, ‘‘ ભગવાને મને બહુ બુધ્ધિ આપી નથી તે ખરૂં પરંતુ હું એટલો બાઘો પણ નથી કે તમને લખાવવા તૈયાર થઇ જાઉં. ’’ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પાવન સ્મરણ ડીસેમ્બરની આ શિતલહરમાં પણ ઉષ્મા પ્રસરાવી જાય છે. કાકાસાહેબ ગાંધીયુગની આકાશગંગાના એક તેજસ્વી સીતારા હતા. અનેક ક્ષેત્રોમાં તેમના આગવા પ્રદાનને કારણે કાકાસાહેબ હમેશા જીવંત તથા ધબકતા રહેશે.

કાકાસાહેબના અનેક કાર્યોમાં તેમનું ગુજરાતી જોડણીકોશ અંગેનું કામ સદાકાળ યાદ રહે તેવું ઉપયોગી તથા અમર છે. આ જોડણીકોશના પ્રારંભેજ શુધ્ધ ભાષાના આગ્રહી એવા બાપુએ યાદગાર શબ્દો લખ્યાં :  ‘‘ હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી ’’ ગાંધીજીએ આ બાબતમાં ઊંડી ચિંતા તેમના યરવડા જેલ નિવાસ દરમિયાન કરી હતી. એક લોકસુલભ જોડણીકોશ તૈયાર થાય તેવા બાપુના આદેશને કાકાસાહેબે ઝીલો લીધો. કાકાસાહેબ ઉપરાંત  સર્વ શ્રી રામનારાયણ પાઠક, છોટાલાલ પુરાણી તેમજ નરહરિ પરીખ જેવા વિદ્વાનોનો લાભ પણ આવું ગંજાવર કામ પૂરું કરવામાં મળ્યો હતો. કાકાસાહેબનું સમગ્ર જીવન એક પ્રેરણાસ્ત્રોત સમાન છે. એક સદાકાળ જાગૃત તથા અભ્યાસુ અધ્યાપક તથા સર્જક તરીકે કાકાસાહેબનું સ્થાન વિશાળ જનસમુહના દિલમાં કાયમ થયેલું છે.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑