કેદારનાથજીના ઉલ્લેખ સિવાય ગાંધીયુગની આકાશગંગાના તેજસ્વી તારલાઓનું દર્શન અધૂરુ રહે છે. ગાંધીજીના અડીખમ સાથી ઉપરાંત સંતોની સાદગી તથા સંયમભર્યા જીવનના નાથજી સીધા પ્રતિનિધિ હતા. આથીજ ગાંધી વિચારના સમર્થ પથદર્શક નારાયણ દેસાઇ નાથજીને “આધ્યાત્મિક જગતના આઇન્સ્ટાઇન” કહે છે. સાદા-સંયમી તથા આજન્મ ઉપાસકને છાજે તેવું જીવન જીવી જનાર કેદારનાથજીના જીવનની કરુણાની ક્ષિતિજો ખૂબ વિસ્તાર પામેલી હતી. એમનો સ્વભાવ મીણથી પણ મૃદુ કહી શકાય તેવો હતો દાદા ધર્માધિકારીની જેમ કોઇને પણ તકલીફ કે પીડા થાય તો તેમનાથી સહન થઇ શક્તી ન હતી. નાથજી બાળપણમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારનો એક પ્રસંગ નોંધાયો છે. નાથજીના વ્યક્તિત્વના અભિન્ન ભાગ એવી કરુણાભાવ તે ઘટનામાંથી પ્રગટે છે. એકવાર નાથજીના વર્ગ શિક્ષકે વર્ગના તમામ બાળકોને કોપીબુકમા સુલેખન કરવાની સુચના આપી હતી. બીજા દિવસે નાથજીએ જોયું કે વર્ગના અન્ય કોઇ વિદ્યાર્થી આ ગૃહકાર્ય કરી લાવ્યા ન હતા. તે કાળે શિક્ષકો ગૃહકાર્ય ન કરનાર વિદ્યાર્થીને સોટી કે ફુટપટ્ટીના મારથી સામાન્ય રીતે શિક્ષા કરતા હતા. બાળવયના નાથજીએ વિચાર્યું કે પોતે ગૃહકાર્ય બતાવશે તો બાકીના સહાધ્યયીઓને સોટીનો માર પડશે. આથી તેમણે મનોમન નિર્ધાર કર્યો કે પોતે પણ ગૃહકાર્ય કરેલું હોવા છતાં તે નહિ બતાવે અને શિક્ષક સજા તરીકે સોટીનો માર મારશે તો સહન કરી લેશે! બાળમનમાં ફૂટેલી આ કરુણાની વેલ ભવિષ્યમાં વૃક્ષ થઇને નાથજીના વ્યક્તિત્વમાં મહોરી ઉઠી. આ કરુણાના ભાવથી જ તેમની સેવા શુશ્રૂષાની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહેતી હતી. ગાંધીજી કહેતા : “કોઇ બીમાર હોય અને નાથજી ત્યાં ન પહોચ્યાં હોય એ હું કલ્પી જ નથી શક્તો” ગાંધીજી આશ્રમમાં હાજર ન હોય ત્યારે ગાંધીને ગમતું માંદા માણસની સેવાનુ કાર્ય નાથજી બેવડા ઉત્સાહથી કરતા રહેતા હતા.
જન્મે મહારાષ્ટ્રીયન કેદારનાથજી સમગ્ર દેશના થઇને જીવ્યાં. ૧૮૮૩ના ડિસેમ્બર માસની ૨૫મી તારીખે નાથજીનો જન્મ થયો હતો. યોગાનુયોગ આ શુભ દિવસે જ વિશ્વના પીડિતો તરફ અપાર કરુણાનો ભાવ ધારણ કરનાર ભગવાન ઇસુનું પ્રાગટ્ય થયું હતું. વિશ્વના પ્રાણીમાત્ર તરફ કરુણાના ભાવ સાથે જીવી જનાર ભગવાન ઇસુ તથા બુધ્ધની કરુણાના નાથજી ઉજળા વારસદાર હતા. ડિસેમ્બર માસમાં નાતાલની પવિત્ર ઉજવણીના પ્રસંગે કેદારનાથજીનું પુન: સ્મરણ થાય છે. વિશ્વમાં આજે અનેક વિસંવાદ વચ્ચે ઘણા લોકો માનસિક અસ્વસ્થતા ભોગવે છે ત્યારે કેદારનાથજીના જીવનની પધ્ધતિ કદાચ તેમને આ અવસ્થામાંથી સ્વસ્થતા તરફ દોરી શકે તેવી અસરકારક અને અનુકરણીય છે.
કેદારનાથજીએ જે બાબતનો વિચાર કર્યો છે તે તેમના દીર્ધ અનુભવ તથા અનુભૂતિમાંથી ઘડાયા છે. આવા વિચારોનું એક અદકેરું મૂલ્ય છે. નાથજીનું દર્શન વિવેકયુક્ત તથા સદાકાળ સાંપ્રત ગણાય તેવું છે. કિશોરલાલ મશરૂવાળાના ભત્રીના નીલકંઠ મશરૂવાળાએ નાથજીના સંપર્કના પરિણામે તેમના કેટલાક વિચારો નોંધ્યા છે. નાથજીનું વિવિધ વિષયો તરફનું સમ્યક્ દ્રષ્ટિબિંદુ આજે પણ આદર તેમજ અહોભાવ ઉપજાવે તેવું છે. નાથજી કહે છે કે યુરોપના લોકો આપણાં પ્રમાણમાં વિશેષ ઉદ્યોગી છે. નૂતન શોધ તથા વિચારના પુરસ્કર્તા છે. નાથજી કહે છે આપણે કેટલીક વખત આ બાબતોને ‘આસુરી’ કહીને તેની નિંદા કરીએ છીએ. પરંતુ આપણી અકર્મણ્યતા કે નિવૃત્તિ એ પણ ‘આસુરી’ જ છે. આપણે કોઇપણ બાબત વિચારપૂર્વક કરીએ તેમજ નિત્ય જ્ઞાનવર્ધન કરીએતે તરફ નાથજીએ ભારપૂર્વક ધ્યાન દોરેલું છે. “આપણી ઓછી આવશ્યકતા એજ સાત્વિક ત્યાગ છે” એવી નાથજીની વાત આજના સંદર્ભમાં ફરી ધ્યાન પર લેવા જેવી તથા અપનાવવા જેવી છે. આપણાં સમાજમાં પડેલાં પ્રમાદની બાબત નાથજીની ચિંતાનો વિષય છે.
કર્તવ્યપાલનની બાબતમાં જ આગળ વધતાં નાથજી કહે છે કે કાઈપનિક દેવો તેમજ જુદા જુદા દિવ્યસ્થાનો વિશે ધારણાઓ બાંધીને લોકો પોતાના સ્વાભાવિક કર્તવ્યો અંગે બેદરકાર રહે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થવું એ અઘરી બાબત છે. નાથજીના વિચારો જોતાં જીવનમાં શ્રધ્ધાનું જેટલું મૂલ્ય છે તેટલું જ જરૂરી અંધશ્રધ્ધાના ત્યાગ અંગેનું છે. સ્વામી દયાનંદ તથા રાજા રામમોહનરાય જેવા આપણાં સંતો-વિચારકોએ પણ અંધશ્રધ્ધા કે કુરૂઢિઓ તરફ ધ્યાન દોરીને સમાજને તેનાથી દૂર કરવા પ્રયાસ કરેલા છે. આજની સ્થિતિ તથા સંદર્ભમાં પણ ભલાભોળા માનવ સમૂદાયની અંધશ્રધ્ધાનો ફાયદો ઉઠાવી તેમનું એક અથવા બીજા પ્રકારે શોષણ કરવાના પ્રયાસો થતાં હોય તેવા અનેક પ્રસંગો સમાચાર માધ્યમોમાં પ્રગટ થતા રહે છે. નાથજી અને નાનાભાઇ ભટ્ટે જે કેળવણીની હિમાયત કરી છે તેમાં અતાર્કિકતા કે અંધશ્રધ્ધાને કોઇ સ્થાન નથી. કર્તવ્યો તરફથી વિમુખતા તેમાં સહેજ પણ નથી. ૧૯૮૪નું વર્ષ એ નાથજીનું જન્મ શતાબ્દીનું વર્ષ હતું. આ પ્રસંગ નિમિત્તે કેદારનાથજીના વિચારો કાળજીપૂર્વક ગ્રંથ સ્વરૂપે ફરી પ્રકાશન કરવાનું કામ નવજીવન ટ્રસ્ટે કર્યું. આ એક ઉપયોગી તથા અભિનંદનને પાત્ર કાર્ય થયું છે.
કેદારનાથજી બાપુના અંધ અનુયાયી ન હતા. કેટલીક બાબતોમાં તેઓ બાપુના વિચારો સાથે અસહમત હતા. પોતાની અસંમતિ નાથજી સ્પષ્ટ રીતે વ્યક્ત કરતા હતા. નાથજી લખે છે કે ગાંધીજી તેમનાથી ભિન્ન મત હોય તો તેના પર વિચાર કરતા અને તેમાં પોતાને તથ્ય જણાય તો તેનો નિ:સંકોચપણે સ્વીકાર કરતા હતા. નાથજીના મતે માંદા માણસોની સેવા-શુશ્રૂષા કરવી તે ગાંધીજીની આધ્યાત્મિક સાધનાનો એક ભાગ હતી. દાંડીકૂચ શરૂ થવાની મહત્વની ક્ષણે પણ બાપુ કૂચમાં જોડાતા પહેલા આશ્રમના એક સામાન્ય પરિવારની માંદી દીકરીની મુલાકાતે ગયા. બાપુના વ્યક્તિત્વની કરુણામયતા આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે તેવું નાથજીનું અવલોકન યથાર્થ છે. કેદારનાથજી જેવા એક દિગ્ગજ વિચારપુરુષનું સ્મરણ જીવનને નૂતન માર્ગે દોરી જઇ શકે તેવું સમર્થ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment