: ક્ષણના ચણીબોર : : જીવન અંજલી થાજો : મારું જીવન અંજલી થાજો :

કરુણાના અવતાર સમાન ભગવાન ઇસુની સ્મૃતિ નાતાલના આ પવિત્ર દિવસોમાં થવી સ્વાભાવિક છે. ભગવાન ઇસુ કે તથાગત બુધ્ધના ઉજવળ પરંતુ કંટકભર્યા માર્ગે ચાલનારા કેટલાક વીરલાઓનું સ્મરણ તહેવારોના આ પવિત્ર દિવસોમાં થાય છે. કરુણા અને સ્નેહના સંદેશને જીવનમાં ઉતારી કેટલાક મહામના અને ઉદારમના માનવીઓએ દુનિયાના લોકોને પોતાના ભાંડું માનીને તેમની સેવામાં જીવતર ખપાવી દીધું છે. આવા વ્યક્તિવિશેષનોના જીવન તરફ દ્રષ્ટિપાત કરીને જાતને “રીચાર્જ” કરવાની આ ક્ષણ છે.  

હિમાલયની વનરાજી અનેક સૈકાઓના સંભારણા અને સમૃધ્ધિ ધારણ કરીને ઉન્નત મસ્તકે ઉભી છે. આ વનરાજીઓની વચ્ચે એક સ્થળે નાના એવા સ્મારક પર યાદગાર શબ્દો લખ્યાં છે : 

“ અહીં સૂતા છે ભગિની નિવેદીતા, જેમણે ભારતને પોતાનું સર્વસ્વ અર્પણ કરેલું છે. દાર્જિલીંગમાં ૧૯૧૧ના વર્ષમાં ઓક્ટોબર માસની ૧૩મી તારીખે ભગિનીએ દેહ છોડ્યો. સામર્થ્યવાન ગુરુ વિવેકાનંદના આ જાજવલ્યમાન શિષ્યાએ જીવનના છેલ્લા શ્વાસ સુધી રામકૃષ્ણ  મિશનની પ્રવૃત્તિઓ સક્રિય રહીને કરી. આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલા માગૉરેટ નોબલે સ્વામી વિવેકાનંદના દર્શન અનુસાર ભારત વર્ષની નવજાગૃતિ માટે કાર્ય કર્યું. માર્ગારેટ નોબલ ૧૮૯૮ના જાન્યુઆરી માસમાં ભારત આવ્યાં. માર્ગારેટ સ્વામીજીની પ્રેરણાથી ભગિની નિવેદીતા બન્યા. તેઓ સંપૂર્ણપણે ભારતીય થઇને રહ્યાં માગૉરેટને મા શારદામણીદેવીના વ્યક્તિત્વમાં “માધુર્યની શાક્ષાતમૂર્તિ”ના દર્શન થયાં. જ્યાં જ્યાં સામાન્ય માનવીઓની પીડા તેમણે જોઇ ત્યાં કરુણામૂર્તિ ભગિનીએ જીવના જોખમે પણ રાહત આપવાની કામગીરી કરી. કલકત્તામાં ભિષણ પ્લેગના સમયે શહેરની ગંદી ગલીઓમાં જઇને પણ સેવા પૂરી પાડતા આ કરુણાની દેવીના લોકોએ દર્શન કર્યા. પોતે શાળા શરુ કરે તેમાં લોકો પોતાની દિકરીઓને મોકલતા થાય તેવા ભરપૂર પ્રયાસો તેમણે કર્યા. બાલિકાઓ માટેની પોતે શરુ કરેલી શાળાનું ઉદ્દઘાટન પણ તેમણે મા શારદામણીદેવીના હસ્તે કરાવીને રૂઢિચુસ્ત કુટુંબોને કેળવણી તરફ જવાનો સબળ સંકેત આપ્યો. રામકૃષ્ણ મિશનની સાપ્તાહિક સભાઓમાં ભાષણો આપીને નૂતન વિચારોના પ્રસારનું કાર્ય તેમણે એક લોકશિક્ષક જેમ સતત કર્યું. ભગિનીની શ્રધ્ધા તથા અર્ચનાના કેન્દ્રો એ પરમતત્વ ઉપરાંત ગુરુ વિવેકાનંદ તથા સમગ્ર ભારત દેશ હતા. કવિગુરુ ટાગોરે સિસ્ટરને “લોકમાતા” તરીકે ઓળખાવ્યા હતા તે યથાર્થ છે. ભગિની નિવેદિતા એ ભગવાન ઇસુ અને કરુણામૂર્તિ બુધ્ધના ખરા વારસદાર હતા. હજારો માઇલ દૂરથી તેઓ ભારતની ધરતી પર આવ્યાં અને સેવાકાર્ય કરતા કરતા અહીંજ તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા.

આવું જ બીજું એક પુણ્યશ્લોક નામ નાતાલના આ પવિત્ર દિવસોમાં સ્મૃતિમાં અચૂક આવે છે. મધર ટેરેસાને કોણ ન ઓળખે ? તેમના યશસ્વી કાર્ય માટે મધરને ૧૯૭૯નો નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો ત્યારે તેમણે કહ્યું :

“કાર્યની પસંદગીમાં કોઇ આયોજન ન હતું નહોતો કોઇ પૂર્વ નિર્ધારીત વિચાર. લોકોની યાતના અમને બોલાવતી ગઇ, તેમ અમે અમારું કામ કરતા ગયા. શું કરવું તેનું માર્ગદર્શન ઇશ્વરે કરાવ્યું.” 

આજના  તહેવારો સાથે મોટા પ્રમાણમાં ભભકા જોવા મળે છે. લખલૂટ ખર્ચાઓ પણ અમૂક કિસ્સામાં થતાં જોવા મળે છે. કેટલાક આયોજનો પર્યાવરણ માટે જોખમી હોય તો પણ યોજવામાં આવે છે. આ સંદર્ભમાં મિશનરીઝ ઓફ ચેરીટીના સ્થાપના દિવસે યોજવાની થતી ઉજવણીના સંદર્ભમાં મધરે કહ્યું :

“ ઉજવણીમાં સાદાઇ જરૂરી છે. ખર્ચ કે ઉત્સવ સુશોભન નહિ. કેવળ આભાર.. ઇશ્વરનો આભાર.. આપણી ઉજવણીના કેન્દ્રમાં ઇશ્વર હોવો જોઇએ. એથી સૌને પ્રતિતિ થશે કે આપણે કરીએ છીએ તે ઇશ્વરનું કાર્ય છે. ”  

સેવા અને પ્રાર્થના મધરના જીવનના અભિન્ન ભાગ હતા. વિદેશ પ્રવાસમાં એકવાર સીમા ઓળંગીને ગાઝા સ્ટ્રીપમા જઇ રહ્યા હતા ત્યારે સલામતીના કર્મચારીએ તેમને પૂછ્યું :

“ તમારી પાસે કોઇ હથિયાર છે ? ”

મધરનો ત્વરિત ઉત્તર :

“ હા, છે ને ! મારાં પ્રાર્થનાના પુસ્તકો છે. ”

આવા અનેક ઉદાર ચરિત અને સ્નેહસિંચન કરનારા વ્યક્તિઓએ માનવી પ્રત્યેની પોતાની સમગ્ર નિષ્ઠાનું દર્શન કરાવ્યું છે. જગત તરફથી જે અનેક અવરોધ ઉભા કરવામાં આવ્યા તેનો પણ તેઓએ સ્નેહથી સ્વીકાર કર્યો. ગાંધીજીએ “અવગુણ સામે જે ગુણ કરે તે જગમાં જીત્યો સહી” એ વાતની પૂર્તિ પોતાના આજીવન ઠોસ આચરણથી કરી.

મોહન (ગાંધીજી)ના સાથી ચાર્લી (દીનબંધુ એન્ડ્રુઝ) પણ આવા એક વિશ્વ નાગરિક હતા. જ્યાં જ્યાં પિડિતોનો સાદ સંભળાયો ત્યાં ત્યાં તેઓ ગયા. સહજભાવે અને પૂરી સંવેદનશીલતાથી તેમના સુખદુખમાં સહભાગી થયા. ભારત હોય, દક્ષિણ આફ્રિકા હોય કે ફિઝી હોય, એ દરેક સ્થળે આ સાંતાક્લોઝ પ્રેમ, આનંદ તથા સાહનુભૂતિની ભેટ લઇને ફર્યા. નાતાલના પવિત્ર તહેવારોના સમયે આ પાવનકારી સંતનું સ્મરણ થવું સ્વાભાવિક છે. તેઓ આપણાં ઠક્કરબાપા કે રવિશંકર મહારાજની હરોળમાં બેસે તેવા મહામના સેવક હતા. જ્યાં માનવતા જોડે છે ત્યાં સંપ્રદાયો કદી પણ વિચ્છેદ કરતા નથી. દીનબંધુના સ્મરણ સાથેજ ગુજરાતના સંદર્ભમાં વિચાર કરીએ તો ફાધર વાલેસની પવિત્ર સ્મૃતિ પણ તાજી થાય. સ્પેનના આ પાદરીએ સવાયા ગુજરાતી થઇને ગુજરાતી સાહિત્યમાં કેટલું મોટું તથા નોંધપાત્ર પ્રદાન કર્યું ! તેમાંયે યુવાનો માટેનો તેમનો વિશેષ સ્નેહ તથા યુવાનોને દિશા ચિંધનારા તેમના તરોતાજા વિચારો ગમે તે કાળે પ્રાસંગિક લાગે તેવા છે. 

ભગિની નિવેદીતા, મધર ટેરેસા કે દીનબંધુ એ બધા લોકોએ માનવીને સ્નેહ કર્યો છે. માનવ સેવાના ભગવાન ઈસુ કે કરુણામૂર્તિ બુધ્ધના તેઓ ખરા અર્થમાં વારસદાર છે. તેઓ માનવ માત્રની સેવા કરતા કદી ન થાક્યા કે ન હાર્યા. જ્યાં માનવધર્મની મજબૂત સાંકળ જોડે છે ત્યાં સંપ્રદાયના બંધનો ક્ષીણ થતા જોવા મળે છે. સેવાના આ યજ્ઞકાર્યમાં આવતી આપત્તિઓ તેમને રોકી શકી નથી. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑