: સંસ્કૃતિ :: માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે… :

ફળ પરથી વૃક્ષની અમાપ સમૃધ્ધિનો અણસાર આવે તેમ નારાયણ દેસાઇના જીવનને તથા તેમની અવિરત કર્મશિલતાને જોઇને શ્રી મહાદેવભાઇ દેસાઇની જીવનભરની તપશ્ચર્યા સહેજે યાદ આવે છે. મહાદેવ દેસાઇની ચિરવિદાયને યાદ કરીને ગાંધીજી મહાદેવના મરણને યોગી તથા દેશભક્તના મરણ તરીકે ઓળખાવે છે. મહાદેવભાઇના મરણના સંદર્ભમાં એક ભાવપૂર્ણ વાત પ્રસિધ્ધ છે. સુશીલા નાયર ગાંધીજીને કહે છે : બાપુ, મહાદેવભાઇ ગયા તે ક્ષણે આપ થોડા વિહ્વળ થઇ ગયા હતા. કારણ કે આપ ‘‘ મહાદેવ, ઊઠો મહાદેવ ’’  તેમ બોલતા હતા. યુગપુરુષ બાપુ કહે છે તેમાં વિહ્વળતા ન હતી પણ એક શ્રધ્ધા હતી. પછી ઉમેરે છે : ‘‘ મને હતું કે જો મહાદેવ એકવાર આંખ ઉઘાડીને મારી તરફ જોશે તો હું એમને કહીશ કે ઊભા થઇ જાઓ. મારી આજ્ઞા મહાદેવ ઉથાપે નહિ. આથી મને શ્રધ્ધા હતી કે જો એ શબ્દો મહાદેવના કાને પડે તો એ મોતનો સામનો કરીને ઊભા થઇ ગયા હોત. ’’ આવી તો અનેક ભાવપૂર્ણ તથા પ્રેરણાદાયક વાતો લખીને નારાયણભાઇએ ખરા અર્થમાં પિતૃતર્પણનું પવિત્ર કાર્ય કર્યું છે. ‘‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’’ ચિરંજીવ રહેવા લખાયેલું સર્જન છે. નારાયણ દેસાઇને ગુજરાત એક કર્મશીલ માનવ ઉપરાંત એક ઉત્તમ ગદ્યકાર તથા અનોખા કથાકાર તરીકે પણ ગુજરાતની ભાવી પેઢીઓ હમેશા યાદ કરશે. 

શ્રી નારાયણ દેસાઇએ ગાંધીકથાના માધ્યમથી ગાંધી વિચારના ગુલાલની મૂક્તપણે લહાણી કરી છે. તેમના સાહિત્ય સર્જન સહિતના અનેક સુકૃત્યો પૈકી ગાંધીકથાનું કામ તેમના અનેકવિધ કાર્યોમાં સુવર્ણ કળશ સમાન છે. ગાંધીકથાના આ સમર્થ વાહકનો સમાજ ઋણી છે. ગાંધી જીવનના અનેક પ્રસંગોની તેમાં માણવી ગમે તેવી તેમજ પ્રેરણાદાયક રસલ્હાણ છે. સમાજમાં ગાંધી વિચારની ઉજ્વળ જ્યોત પ્રગટાવવા તેમજ ટકાવવા માટેનો આ વૈચારીક યજ્ઞ અલેખે જાય તેવો નથી. આ લહાણીની ઉજાણી દેશ-વિદેશના અનેક લોકો વચ્ચે અનેક સ્થળોએ કરવામાં આવી છે.

માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે …

આવો જેને કરવી હોય ઉજાણી રે.. માંડી …. 

જીવતર કાંટા ઝાઝેરા વીણીને 

હૈયામાં દીધાં ડૂબાડી રે ….

એ રે કાંટાનું આજ મધ બન્યું મીઠું

ફુલડે સુગંધ ઉડાડી રે ..

માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે …

લોક જાગરણના પ્રહરી સમાન જીવન વ્યતિત કરનાર નારાયણ દેસાઇને ગુજરાત કદી વિસરી શકશે નહિ. ડિસેમ્બર માસની ચોવીસમી તારીખે નારાયણભાઇની જન્મજયંતિ છે. આથી તેમની વિશેષ સ્મૃતિ થાય છે. મહાદેવ દેસાઇના આ પનોતા પુત્રે ગાંધીજીની હૂંફમાં બાળપણ પસાર કર્યું. યુવાની અને જીવનના પાછળના વર્ષોમાં વિનોબાજી તથા જયપ્રકાશ નારાયણના કાર્યમાં પોતાનો સિંહફાળો આપ્યો. કઠીનમાં કઠીન કાર્યમાં પણ તેમની શ્રધ્ધા તથા કાર્યનિષ્ઠાને કારણે ઉત્તમ પરિણામ મેળવી શકાતા હતા. ૧૯૫૩ માં તેમના પંચમહાલના પ્રવાસની વિગતો તેમણે આલેખી છે. નારાયણભાઇના અનુભવની વાતો અંધકારમાં પણ દિશા દર્શન કરાવી શકે તેવી તથ્યવાન છે. પ્રવાસનો હેતુ ભૂમિદાન મેળવવાનો હતો. વિનોબાજીએ રાષ્ટ્રવ્યાપી છેડેલી અહિંસક ચળવળના એક હિસ્સા તરીકે આવી ભૂદાનયાત્રાઓ ગોઠવવામાં આવતી હતી. જેમની પાસે ખેતીની વધારે જમીન હોય તેમની પાસે સ્વૈચ્છિક રીતે અને સમજાવટથી આવું ભૂમિદાન મેળવવાની બાબા (વિનોબાજી)ની પ્રથા હતી. જેઓ ભૂમિહીન છે અને ખેતમજૂરી પર પોતાનું જીવન સુખ – સલામતીના અભાવમાં પસાર કરે છે તેમને આવી દાનમાં મેળવાયેલી જમીન આપી દેવાની પ્રથા એ બાબાના આંદોલનની મધ્યવર્તી બાબત હતી. ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં ભૂદાનયાત્રાઓ યોજવામાં આવી. નારાયણ દેસાઇ આવી એક યાત્રામાં પંચમહાલ જિલ્લાના અંદરના ગામડાઓમાં ફરતા હતા. ભૂમિહીનો માટે ખેતીની જમીનનું દાન મેળવવાના પ્રયાસ કરતા હતા. જમીનનો મોહ લગભગ દરેક વ્યક્તિને હોય છે. આથી જમીનનું દાન મેળવીને ભૂમિહીનને જમીન આપવાનું કામ પડકારરૂપ હતું. અઘરું હતું. પરંતુ બાબા તથા નારાયણ દેસાઇ જેવા બાબાના અનુયાયીઓ પડકારોને પણ પડકારાનારા હતા. ખરા અર્થમાં વીર હતા. અનેક સારા કે નબળા અનુભવો છતાં મહદ્દ અંશે અનેક માનવીઓમાં મનમાં માનવીય ગૌરવનો તથા સાધનવિહોણા ભાંડુઓ તરફ સહાનુભૂતિનો ભાવ તેઓ પુન: જાગૃત કરી શક્યા હતા. આર્થિક ક્રાંતિ માટેના સામુહિક પ્રયાસોમાં વિનોબાજીનો ભૂદાનનો પ્રયાસ એ કદાચ વિશ્વનો એક અદ્વિતીય પ્રયોગ છે.

ગાંધીજીના જીવન તથા કાર્યો બાબતમાં નારાયણ દેસાઇ જેટલી પ્રમાણભૂતતા તેમજ વિશ્વસનીયતા ભાગ્યેજ બીજા કોઇના કથનમાંથી પ્રાપ્ત થઇ શકે. ગાંધીકથા જેવો શબ્દ નારાયણભાઇના કારણે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો છે. નારાયણભાઇની કથા એ ‘‘ ઉમંગની લહાણી તથા સુખનો ગુણાકાર ’’ આપતો ધન્ય પ્રસંગ છે તેવું ધીરુભાઇ ઠાકરનું વિધાન યથાર્થ છે. માનવ સહજ મર્યાદાઓથી ભરેલા માણસની અપ્રતિમ વિકાસગાથા એ ગાંધીકથાનું હાર્દ છે. એમની પ્રવાહી શૈલીમાં કહેવાયેલી કેટલીક વાતો કદી ભૂલી શકાય તેવી નથી. ગાંધી સાથેના સહવાસનો પ્રસંગ આલેખતા કહે છે : 

‘‘ સાબરમતી નદીમાં બાપુ સાથે માત્ર નાહ્યાજ નથી પરંતુ પાણીની છાલકો એકબીજાને મારી છે. ગાંધીજીની ૬૦-૬૨ વર્ષની ઉમ્મર અને તેમનાથી ૫૬ વર્ષ નાનો આ બાબલો. હજારો માઇલ દૂર ઇક્વાડોરમાં ગાંધીકથા પૂરી થયા બાદ એક આધેડ ઉમ્મરના ભાઇ મારો હાથ પકડી લે છે. પછી હાથ છોડેજ નહિ અને હાથ હલાવતા હલાવતા થેંક યુ કહ્યા કરે. પેલા ભાઇ બીજું શું કહે છે તે સમજવા માટે સ્પેનીશ ભાષા જાણતા દુભાષિયાને પૂછ્યું તો તે ઉત્તર આપી ખુલાસો કરે છે. કહે છે કે તમે કથામાં કહેલું ને કે તમે  ૫-૭ વર્ષના હતા ત્યારે તમારા ખભે હાથ મૂકીને ગાંધી ચાલતા હતા. મેં હા કરી. આથી અનુવાદક કહે છે કે પેલા આધેડ વયના કથા સાંભળવા આવેલા સજ્જન ભાવથી કહે છે કે ગાંધીના હાથ જેના ખભાને અડ્યા છે એના હાથને અડીને મારે થેંક યુ કહેવું છે. જેથી તેનું સ્પંદન હું અનુભવી શકું ! ’’ વિશ્વમાનવ ગાંધીનું વ્યક્તિત્વ કેવું તથા કેટલું મહોરેલું છે તે જાણવા – સમજવા એક જન્મ પણ કદાચ ઓછો પડે.

મૂઠી ઊંચેરા એ ઊભા હતા

કોઇને નીચા પછાડ્યા વિના

ભૂખ્યાના ઉદર ભરાવ્યા હતા

ગરજુ કે દીન બનાવ્યા વિના

ગાંધીએ જંગ જીત્યા હતા

સામેનાને હરાવ્યા વિના.

શ્રી નારાયણ દેસાઇની ગાંધીકથા બાબતમાં સુપ્રસિધ્ધ સાક્ષર શ્રી કનુભાઇ જાની સુંદર વાત કરે છે. તેઓ કહે છે કે એવી કોઇ કથા નહિ હોય કે જેમાં તેનું એક પાત્ર કથાની બહાર નીકળીને કથા માંડતું હોય ! આથી આ દ્રષ્ટિએ પણ આ અજોડ કથા પ્રયોગ છે. નારાયણ દેસાઇની આ વાતો કહેવાની અધિકૃતતા આ કથાનું એક મહત્વનું પરિમાણ છે.

નિત્ય વિકાસશીલ એવા મહામાનવની આ ગાંધીકથા તથા તેમાં નારાયણ દેસાઇની શૈલિ એ સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. નારાયણભાઇ ખૂબ નિખાલસતાથી તેમજ પૂરા ભાવથી ગાંધીજીની તેમના મન પર જે છાપ પડી છે તે વાતો મુક્ત કંઠે કથામાં કરે છે. જેવા ગાંધી તેમણે જોયા તેવા જ ગાંધીની મૂર્તિ આપણી સમક્ષ મૂકે છે. તેમની વાતોમાંથી – પ્રસંગોમાંથી પૂર્ણ ગાંધીનું એક રૂપ આપણી સમક્ષ ઊભરીને આવે છે. ગુલામી કે ગરીબી સામે લડનાર ગાંધી તો ખરાજ પરંતુ સમગ્રતયા ગાંધીનો જીવન તરફનો સર્વાંગિક દ્રષ્ટિકોણ આપણે જોઇ શકીએ છીએ તે આ કથાની ખાસીયત છે. કસ્તુરબા સાથેના લગ્ન પછી ગાંધીજીનો આગ્રહ કે દરેક નાની-મોટી બાબતમાં કસ્તુરબાએ ગાંધીજીને પૂછીને જ આગળ વધવું. એક authority નો પુરુષ સહજ ભાવ આ બાબતમાં જોઇ શકાય. પરંતુ સામે કસ્તુરબાનું વલણ કેવું ! ગાંધીજીને પૂછીને દરેક સ્થળે જવાનું કે દરેક કામ કરવાનું કબૂલ પરંતુ મંદિરમાં જવા માટે પૂછવાની જરૂર ન હોય. કારણ ? મંદિરમાં શ્રધ્ધાના સ્થાને જેની બેઠક છે તે તો મોટી authority છે. આથી મંદિર જવાની બાબતમાં ગાંધીજીની સંમતિ નહિ લેવાની. નિર્ણય કસ્તુરબાનો તથા તેનો અમલ પણ પૂરા વિવેક છતાં પૂરી નિર્ભયતા અને સ્પષ્ટતાની સાથે. સવિનય કાનૂન ભંગનો પાઠ કદાચ બાના આવા વલણથી બાપુને શીખવા મળ્યો હશે. 

રક્તપિતના તે સમયે અસાધ્ય ગણાતા રોગથી પિડાતા પરચૂરે શાસ્ત્રીની વાત નારાયણભાઇ થકી આપણાં સુધી પહોંચી છે. શાસ્ત્રીજી સંસ્કૃતના વિદ્વાન હતા. તેમના કુટુંબે તેમને ત્યજી દીધા હતા. તેઓ સેવાગ્રામ આશ્રમમાં ફક્ત શાંતિથી મોતના શરણે જવા માટે આશ્રય માંગતા હતા. ગાંધીજીએ રાજીખુશીથી તેમને આવકાર્યા. પછી બાપુ શાસ્ત્રીજીને કહે છે : ‘‘ તમારી આશ્રમમાં રહેવાની ઇચ્છા અમને કબૂલ છે. પણ તમારી બીજી ઇચ્છા – મરવાની – અમને માન્ય નથી. અમે તમને સાજા કરવા મથીશુ. ’’ સમગ્ર વિશ્વને કલ્યાણ માર્ગે દોરીને સાજા કરવાની શક્તિ ગાંધી વિચારમાં ધરબાયેલી છે. આ વિચારો આચરણમાં મૂકીને જીવનભર તેનો પ્રચાર – પ્રસાર કરનાર નારાયણ દેસાઇ ગમે તેવા અંધકારમાં પણ દીવાદાંડી સમાન છે.    

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑