: ભાગ્ય બડા તો રામભજ : બખત બડા કછુ દેહ :

મહેસાણા જિલ્લાના જોટાણા ગામના ધાનડા શાખાના ચારણ અને આજીવન શિક્ષક ત્રિકમભાઇ સદૈવ કર્મશીલ રહેલા છે. શિક્ષણ એ તેમના રસનો મૂળ વિષય પરંતુ જીવનના બીજા અનેક ક્ષેત્રોમાં પણ તેમણે  યોગદાન આપેલુ છે. તેમણે કરેલા અનેક કામોમાં પવિત્ર હરિસર ગ્રંથના ભાષાંત્તરનું કામ અનન્ય છે. ત્રિકમભાઇ આપણા સૌના અભિનંદનને પાત્ર છે. અનુવાદકનું કાર્ય હંમેશા કપરું હોય છે. કારણ કે અનુવાદકે મૂળ રચનાને વફાદાર રહીને અનુવાદિત રચનાનું કાળજીપૂર્વક નિર્માણ કરવું પડે છે. હરિરસની વિવિધ પંક્તિઓમાં રહેલો વિચાર તથા તેની સંદરતાને અકબંધ જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ ત્રિકમભાઇએ આ અનુવાદિત કાર્યમાં કરેલો છે તે બાબત પણ ઉલ્લેખનિય છે.  શ્રીમદ્દ ભગવત ગીતાની જેમ હરિસરમાં વણી લેવામાં આવેલી વાતો સદાકાળ પ્રસ્તુત છે. માનવ માત્રને ઉન્નતિ તરફ દોરી શકે તેવા પ્રભાવી અને શક્તિશાળી શબ્દોથી હરિસર શોભાયમાન છે.

વાંચો શ્રીમદ્ ભાગવત મોટો ગ્રંથ મહાન,

                      કે આ હરીરસ નીત પઢો શુભ ફળદાયી સમાન.

જેનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવા અનોખા સ્તુતિ ગ્રંથ હરીરસને ઉપરની પંક્તિઓમાં યથાર્થ રીતે બિરદાવવામાં આવેલ છે. મહાભારતના  ભીષણ સંગ્રામમાંથી જેમ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ સમગ્ર માવનજાતિના કલ્યાણ માટે થઇ તે જ રીતે ભક્ત શિરોમણી ઇસરદાસજીના અધ્યાત્મ ઉન્નતિ પ્રવાસ પથ પર હરીરસનું નિર્માણ લોકકલ્યાણ માટે થયું છે. પરમ તત્વની ઉપાસનાનું આટલું અસરકારક અને સચોટ નિરૂપણ ઇસરદાસજી જેવા ભક્ત કવિ જ કરી શકે. આર્ચાય બદ્રીપ્રસાદ સાકરીયાએ લખેલી એ વાત તદ્દન નિર્વિવાદ છે કે હિન્દી સાહિત્યામાં જે સ્થાન ગોસ્વામી તુલસીદાસ કે કુષ્ણભકત સુરદાસનું છે તેવું જ સ્થાન સૌરાષ્ટ્ર-સિંઘ-કચ્છ-થરપારકરના સાહિત્યમાં ઇસરદાસજીનું છે. ‘ઇસરા પરમેસરા’ તરીકેની તેમની ઓળખ તેમણે સર કરેલા આદ્યાત્મના ઉચ્ચ શીખરોને કારણે જ પ્રસ્થાપિત થયેલી છે. મહાત્મા ઇસરદાસજીએ હરિરસ ઉપરાંત વિપુલ સાહિત્યનું સર્જન તેમના જીવનકાળ દરમ્યાન કર્યું. તેમનું સાહિત્ય ગુજરાત તથા રાજસ્થાનની સાહિયારી સંપત્તિ છે. હરિરસ ઉપરાંત માતૃઉપાસનાનો અમૂલ્ય ગ્રંથ ‘દેવીયાણ’ આજે પણ પ્રચલિત છે અને વ્યકિતગત તથા સામૂહિક પ્રાર્થનામાં તેનો બહોળો ઉપયોગ થાય છે. મધ્યકાલિન યુગમાં જ્ઞાન, વૈરાગ્ય અને સંસ્કારના ફેલાવા માટે વિવિધ પ્રદેશોમાં થયેલા સંતો-ભકતોએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. લોકો સમજી શકે તેવી સરળ ભાષા અને શૈલીમાં તેમણે સચોટ ઉદાહરણો સાથે વેદો અને ઉપનિષદોમાં પ્રબોધેલું જ્ઞાન લોકો સુધી પહોંચતું કર્યું. લોકોનો પણ વ્યાપક પ્રતિસાદ આ સાહિત્યને મળ્યો. ભકિત માર્ગને વેગ આપવામાં આ સંતોનો ફાળો ખૂબ મહત્વનો બની રહ્યો. મહાત્મા ઇસરદાસજીએ પણ ભકિત અને સમપર્ણના નવા ચીલા પાડયા અને અમર સાહિત્યનું સર્જન કર્યું. જ્ઞાન અને ભકિતના આ પ્રવાહમાં કોઇ જાતિ કે વર્ણનો ભેદ ન હતો. કોઇ ચોકકસ વિધિ-વિધાન કે બાહય ક્રિયાકાંડનું પણ તેમાં વિશેષ મહત્વ ન હતું. નામ સ્મરણનો મહિમા અને પરમ તત્વ તરફની ગતિ એ જ તેની ચાવીરૂપ બાબત હતી. મહાત્મા ઇસરદાસજીનું યોગદાન આ કાળના સાહિત્યમાં પ્રકાશપૂંજ સમાન છે તેમની અનેક સુપ્રધ્ધિ કૃતિઓમાં હરિરસ, દેવીંયાણા, નિંદાસ્તુતિ તથા હાલાઝાલારા કુંડળીયાનો સમાવેશ થાય છે. 

મુરબ્બી શ્રી ત્રિકમભાઇના આ ઉજળા તથા ગૌરવયુક્ત પ્રયાસને અંતરના ઉમળકાથી વધાવી લેવાની આ શુભ ઘડી છે. મહાત્મા ઇસરદાસજીના આ મહાન ગ્રંથના શબ્દો આપણાં સૌના અંતરમાં દિપ પ્રાગટ્ય કરે તેવી કૃપાળું જગદંબા પાસે પ્રાર્થના છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર

Leave a comment

Blog at WordPress.com.

Up ↑