: સંસ્કૃતિ : : દરબાર શ્રી ગોપાળદાસ : ‘‘આપ તો કાળના પિતા !’’ :

સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનાર ગાંધીજી સૌરાષ્ટ્ર – ગુજરાતની અનેક ઉજળી ઘટનાઓ સાથે સંકળાયેલા છે. ગાંધીજીની કચ્છ – કાઠીયાવાડની મુલાકાતોનું અલગ ઐતિહાસિક મૂલ્ય છે. ૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે વઢવાણની તે સમયની સભામાં પણ ઝોળી ફેરવવામાં આવી. આ ઝોળીમાં કોઇએ પગમાં પહેરવાનો ભારેખમ સોનાનો તોડો (એક પ્રકારનું ઘરેણું) પણ અર્પણ કર્યો. તોડો આપનાર કોણ છે તેની પૂછપરછ ગાંધીજીએ કરતા સભાના એક છેડે દૂર બેઠેલા દરબાર સાહેબ શ્રી ગોપાલદાસ દેસાઇ નમ્રભાવે ઉભા થયા. કિંમતી વસ્તુનું યોગદાન અને તે પણ નિર્લેપ રહીને મૂંગા મોઢે કરનાર દરબાર સાહેબની ગાંધીજીએ પ્રશસ્તી કરી. ગાંધીયુગની આકાશગંગાના આવા સીતારાઓની પ્રતિભા વિશિષ્ટ હતી. સમર્પણભાવ જાણે કે તેમને સહેજે વરેલો હતો. સામાન્ય રીતે દેશી રજવાડાના રાજવીઓ અંગ્રેજ શાસકોની નારાજગી ન વહોરવી પડે તે માટે ગાંધીજીથી તથા આઝાદીની ચળવળના કાર્યક્રમોથી અલિપ્ત રહેતા હતા. પોતાનું રાજ્ય તથા પોતાની વ્યક્તિગત તેમજ અમર્યાદિત સત્તા જળવાઇ રહે તેવી ટૂંકી ગણતરી તેમાં જોવા મળે છે. દરબાર ગોપાળદાસ આવી ગુલામી મનોદશાને સ્વીકારી શકે તેમ ન હતા. આથી દરબાર સાહેબનું નામ સૌરાષ્ટ્રના મુક્તિ સંગ્રામમાં અગ્રસ્થાને રહેલુંછે. એક રાજવી પરીવારમાં જન્મ લઇને રાજવી ઠાઠમાં રહેનારા આ મહામાનવે ગાંધીજીની હાકલ થકી જીવનમાં સંપૂર્ણ પરિવર્તન કર્યું. શ્રી નાનાભાઇ ભટ્ટે દરબાર સાહેબને જનક વિદેહી જેવા નિર્મોહી કહેલા છે તે સંપૂર્ણ યથાર્થ છે. દરબાર સાહેબને અમરેલી જીલ્લાનું ઢસા તથા સુરેન્દ્રનગરનું રાયસાંકળી ગામ વારસામાં મળેલા. આ નાના રાજયના રાજવી પણ મોટા ગજાના માનવીની પ્રજા વત્સલતા તથા દીર્ઘદ્રષ્ટિતા જોઇને અહોભાવ ઉપજે તે સ્વાભાવિક છે તેમણે પોતાના રાજય વિસ્તારમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી. ઉપરાંત બાળશિક્ષણના વિકાસ માટે ખાસ પગલાં લીધાં. તે સમયના માહોલમાં આવા પગલાં કોઇ રાજવી તરફથી લેવામાં આવે તો તે અસાધારણ ઘટના જ લેખાય. ખેડૂતને જમીનના માલીકી હકકો આપીને તેઓ ખરા અર્થમાં પ્રજાવત્સલ રાજવી બન્યા. કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર) કે ભગવતસિંહજી (ગોંડલ) જેવા ધન્યનામ રાજવીઓની હરોળમાં મૂકી શકાય તેવા ક્રાંતદ્રષ્ટા રાજવી દરબાર સાહેબને ગણી શકાય. તેઓનું જ્યારે રાજતિલક થયું ત્યારે તેમણે પોતાની પ્રિય પ્રજાને વચન આપેલું કે રાજવી પરજ પ્રજાની સુખાકારીનો ભાર હોય છે. આ વાત કર્યા પછી તેમણે પોતાના કર્મ દ્વારા તેને પાળી બતાવી. ડીસેમ્બર માસમાં દરબાર સાહેબની જન્મજયંતિ (૧૯ ડીસેમ્બર-૧૮૮૯) આવે છે તે પાવન પ્રસંગે તેમની વિશેષ સ્મૃતિ અનેક લોકોનામનમાં થાય છે.

      દરબાર સાહેબ વિનમ્રતા તથા સંસ્કારથી એક વ્યક્તિ વિશેષ જેવા લાગતા હતા. ગાંધીજીના પારસમણી સ્પર્શથી સ્વાતંત્રય સંગ્રામમાં ઝૂકાવી દીધું. પરિણામની કોઇ પરવા તેમના નિર્ધારમાં વચ્ચે આવી શકી નહીં. ૧૯૨૨ માં મુંબઇના અંગ્રેજ ગવર્નર રાજકોટ આવવાના હતા. અંગ્રેજ સત્તાધિશોએ પોતાની સત્તાનો પ્રભાવ ઊભો કરવા માટે રાજવીઓને બોલાવી દરબાર ભરવાની પ્રથા શરૂ કરી હતી. ઘણાં રાજવીઓ પણ આ બળુકી સત્તા તરફ પોતાનો આદરભાવ વ્યક્ત કરવા મને-કમને હાજર રહેતા હતા. દરબાર સાહેબે એજન્સીના નિમંત્રણનો અસ્વીકાર કર્યો. સત્યનિષ્ઠ તથા પોલાદી મનોબળ ધરાવતા આ રાજવીને ખબર હતી કે વિદેશી શાસકો આ બાબતનો પૂરો બદલો લેશે. પરંતુ સ્વમાનના ભોગે કોઇ સલામતી મેળવવાની મહેચ્છા તેમને ન હતી. પરિણામ ધાર્યા મુજબજ આવ્યું. બ્રિટીશ અમલદારોએ આ સ્વાતંત્ર્ય પ્રેમી રાજવીને પાઠ ભણાવવામાટે રાજ્યદ્રોહનો આરોપ ઘડી કાઢવામા આવ્યો. તેમનું રાજય ખાલસા કરવામાં આવ્યું. બ્રિટીશ અમલદારોને કદાચ એ વાતની પ્રતિતિ ન હતી કે દરબાર સાહેબનું સિંહાસન લોકહ્રદયમાં હતું. ત્યાંથી તેમને કોણ હટાવી શકે ? દરબાર સાહેબ તેમના રાજયના એક ગામ રાયસાંકળી ગયા ત્યારે લોકોએ તેમના સામૈયા કરીને વધાવ્યા. બ્રિટીશ અધિકારીઓએ અયોગ્ય રીતે રાજય પરનું દેણું બતાવ્યું હતું તે પણ તેમણે કુટુંબની અંગત મિલકતો વેચીને ભરી દીધું હતું. આથી લોકજૂવાળના ઉત્સાહ તથા સમર્થનથી બ્રિટીશ સરકારના કબજામાં હતો તે પોતાના રાજમહેલમાં પ્રવેશ કરીને પોતાનું ગૌરવ પુન:પ્રસ્થાપિત કર્યું. બ્રિટીશ શાસકો તેમના પ્રભાવ કે બળથી આ ગરીમાયુકત તથા લોકપ્રેરીત ઘટનાને કાયદા કે સત્તાના બળે અટકાવી શકયા નહી. દરબાર સાહેબનો ઝૂકાવ તો ગાંધીજી તરફ હતો. રાજ્યકર્તાનો ભપકો તેમને કદી આકર્ષી શક્યો નથી. આથી સરવાળે તેમણે સ્વેચ્છાથી સાદું આશ્રમવાસીનુ જીવન સ્વીકાર્યું. સ્વાતંત્રય ચળવળની અનેક ગતિવિધિઓમાં પ્રેરક તથા માર્ગદર્શક બન્યા. સરદાર સાહેબે તેમના પ્રવચનોમાં દરબાર ગોપાલદાસના આવા રાજવી ખમીરને બીરદાવેલું છે.

સરદાર વલ્લભભાઇ પટેલની ઝીણી દ્રષ્ટિમાંથી કોઇ નાના કાર્યકરનું યોગદાન પણ ધ્યાન બહાર જતું નહીં. દરબાર સાહેબ તથા ભક્તિબા તો તે સમયના સુપ્રસિધ્ધ આગેવાનો પૈકીના હતા. આથી જ સરદાર સાહેબે તેમને બિરદાવવા માટે ખૂબ ઉચિત રીતે કહ્યું કે, વતનની શાન જયારે ભયમાં હોય ત્યારે જાતની પરવા કઇ રીતે થાય ? દરબાર સાહેબ તથા તેમના અર્ધાંગિની ભક્તિબા આ વાત બરાબર સમજયા અને તેથી ગરાસને ઠોકર મારી પગપાળા ફરે છે તેમ પણ સરદાર સાહેબે જણાવ્યું. તેમના જેવા સાથી દેશને આઝાદ કરવાના ધર્મયુધ્ધમાં મળ્યાં તેનો પણ વલ્લભભાઇએ સંતોષ વ્યક્ત કર્યો. સરદાર સાહેબના શબ્દોથી વિશેષ સન્માન બીજું હોઇ શકે નહીં. દરબારસાહેબ તથા તેમના જીવનસંગિની ભક્તિબાના નામો આઝાદી સંગ્રામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે.

સૌરાષ્ટ રાજય બન્યું ત્યાર પછી પણ જમીનદારી નાબૂદી જેવા મહત્વના તથા લાંબાગાળાની અસર ઊભી કરનારા અનેક કાર્યોમાં શ્રી ઢેબરભાઇને દરબાર સાહેબનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો. આઝાદી પ્રાપ્ત થયા બાદ ૧૯૫૧ માં દરબાર સાહેબનું અવસાન થયું ત્યાં સુધી તેઓ સામાજિક વિકાસ તેમજ લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય તથા જાગૃત રહ્યાં.

દરબાર સાહેબના ધર્મપત્નિ ભક્તિબાએ પણ પતિના કામમાં સંપૂર્ણ સહયોગ કર્યો. ભક્તિબા ગાંધી વિચારધારા મુજબ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવ્યા. ભક્તિબા આઝાદીની ચળવળમાં સક્રિય હતા અને જેલવાસ ભોગવ્યો હતો. આઝાદી મળ્યા પછી પણ આ ઓજસ્વી દંપતિએ સામાજીક-શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે ઘણું કામ કર્યું. નડિયાદમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય તેમજ રાજકોટમાં વલ્લભ વિદ્યાલયની સ્થાપના પાછળ તેઓની પ્રેરણા હતી. આજે જયારે આપણા કિશોરો-યુવાનો તેમના માટે જીવનમાં આદર્શ બની શકે તેવા ‘રોલ મોડલ’ની શોધમાં હોય છે ત્યારે આપણા ઇતિહાસના આવા ઉજળા પાત્રો જરૂર પ્રેરણારૂપ બની શકે. સમાજ પાસેથી મેળવવા કરતાં સમાજને આપવા તરફ આવા વ્યક્તિ વિશેષ લોકોની નજર રહેતી હતી. શિક્ષણ તથા સામાજિક સદ્દભાવ એ તેમની અગ્રતાના વિષયો હતા. આ લોકો સંસ્થાઓ ઊભી કરનારા હતા. જે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવામાં દરબાર સાહેબનો સિંહફાળો હતો તેવી સંસ્થાઓ વર્ષોથી સામાન્ય લોકોને પણ પરવડે તેવી રીતે શિક્ષણના પ્રચાર પ્રસારનું કાર્ય કરે છે. દરબાર સાહેબની નિષ્ઠા તેમજ મનોબળ તેમના જીવનના મહત્વના અંગ રહેલા છે. યશસ્વી તથા ઉજ્વળ જીવન આ રાજવી દંપતીનું હતું તેની ઇતિહાસે નોંધ લીધી છે. ફરી એકવાર દરબાર સાહેબની પાવન સ્મૃતિને વંદન કરીએ. દર્શક દાદાએ પોતાના શબ્દોથી અલગ અંદાજમાં દરબાર સાહેબને બિરદાવ્યા છે.

દીઠા રાજા ઘણાં અમે

આપની હેડી નહિ જડે.

બીજાએ કાળ સેવ્યો,

આપે કાળ ઉથાપિયો.

કાળના કિંકર બીજા,

આપ તો કાળના પિતા !

Leave a comment

Blog at WordPress.com.

Up ↑