
રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ (૧૮૭૨-૧૯૪૧) મા જગદંબાને પ્રાર્થના કરતા લખે છે :
સંતાન સચ્ચે અભય હો
તેરેહી તારન તરની હમ
સામર્થ્યદે મા કર સકેં
યહ સિધ્ધ ચારન બરન હમ
બહોત સોયે ગાઢ નિંદ્રા
ચાહતે જાગરન હમ
સ્વાતંત્ર્યકી તુ મહાસાગર
તેરે હી હૈ નિરઝરન હમ.
વીરતા અને સામર્થ્યના આજીવન ઉપાસક ક્રાંતિકારી કવિ કેશરીસિંહજી (રાજસ્થાન) જગતજનની પાસે સ્વતંત્રતા – સ્વાધિનતાની માગણી કરે છે. સ્વાધિનતાનું સ્વપ્ન લઇને જીવી જનાર વ્યક્તિને સત્ય તથા અભયના માર્ગે ડગ ભરવા પડે છે તેની કવિને પ્રતિતિ છે. આ માર્ગે જવાના જોખમોથી કવિ પૂર્ણત: વાકેફ છે. છતાં પણ મનમાં આવું મોટા ગજાનું વીર સ્વપ્ન છે. જેની સામે સંઘર્ષમાં ઉતરવાનું છે તે દુનિયાની તે સમયની સૌથી શક્તિશાળી બ્રિટીશ સત્તા છે. સ્વાધિનતા મેળવવાની લડત આવા શક્તિશાળી શાસન સામે કરવાની છે. આ માટે સર્વસ્વનું બલિદાન આપવાની આ ક્રાંતદ્રષ્ટા કવિની સંપૂર્ણ તૈયારી છે. પોતાના લઘુબંધુ તથા પ્રિય યુવાન પુત્રને સંઘર્ષની આ પાવક યજ્ઞની વેદીમાં બલિદાન તરીકે હોમી દેવાના સમયે પણ કવિ વિચલિત થયા નથી. રંજ અનુભવતા નથી. ઇશની પ્રેરણાથી કર્તવ્ય નિભાવીને પરમ પિતાના શરણે જવાની આ જાજ્વલ્યમાન અભિલાષા છે.
સામ્રાજય શકિત શત્રુ વહી
સર્વસ્થ થા સો ગઢ ગયા,
પ્રિય વીર પુત્ર પ્રતાપ સા વેદી
બલિ પર ચઢ ગયા !
ભ્રાત જોરાવર હુવા પ્યારા
નિછાવર પથ વહી,
પતિત-પાવન દીનબંધો !
શરણ ઇક તેરી ગહી
સ્વાતંત્રય સંગ્રામની વેદી પર અનેક વીરોના ઉજવળ બલિદાનો દેવામાં આવ્યા તેમાં રાજસ્થાનના આ ચારણ કવિ કેશરીસિંહજીનું ચરિત્ર અગ્રસ્થાને ઝળહળે છે. આ વીર કુટુંબની ગાથા સિવાય રાજસ્થાનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પૂર્ણ ઇતિહાસ આલેખી શકાય તેમ નથી. કેશરીસિંહજી ઉચ્ચ કોટીના વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી તેમજ સમાજ સુધારક હતા. તેમની બહુમુખી પ્રતિભા હતી. દેશના અગ્રણી ક્રાંતિકારીઓ જેવા કે શામજી કૃષ્ણવર્મા, રાસબીહારી બોઝ, લાલા હરદયાલ વગેરે સાથે તેમનો જીવંત સંપર્ક હતો. કવિરાજના પિતા કૃષ્ણસિંહ બારહઠ્ઠ મહર્ષિ દયાનંદના પટ્ટશીષ્ય છે. સ્વાધીનતા અને બલિદાનના કઠીન સંસ્કાર પિતા તરફથી કેસરીસિંહજીને મળેલા છે. કેશરીસિંહજીની શિક્ષા પર વિશેષ ધ્યાન પિતા તથા તેમના મામાએ આપેલું છે. ઠાકુર કેસરીસિંહજી સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, પાલી, બંગાળી, હિન્દી, મરાઠી તથા ગુજરાતી ભાષાઓનું અધ્યયન કરે છે. શાસન તથા વારસામાં મળેલા સંસ્કારોના વિશાળ અનુભવથી સમજણ અને જ્ઞાનના અનેક શિખરો તેમણે સર કરેલા છે. મેવાડ રાજયની રાજકીય સેવામાં ઠાકુર સાહેબે હંમેશા ન્યાય તથા રાજયના ઉજળા ઇતિહાસનું ગૌરવ જળવાઇ રહે તેવા પ્રયાસો કરેલા છે. પંડિત શામજી કૃષ્ણવર્મા જેવા વિચક્ષણ ક્રાંતિકારીની સેવાઓ મેવાડને મળે તે વિચારને વાસ્તવિકતામાં બદલવા પાછળ ઠાકુર સાહેબની દીર્ધદૃષ્ટિ હતી. પરંતુ આ બધી હરકતોથી તેઓ અંગ્રેજ અધિકારીઓની આંખમાં કણાની જેમ હંમેશા ખટકતા રહેતા હતા.
૧૯૦૩ના દિલ્હી દરબારમાં તમામ મહત્વના રાજવીઓને હાજરી આપવા માટેનું નિમંત્રણ આપવામાં આવ્યું. નિમંત્રણનો કોઇ રાજવી અસ્વીકાર કરે તો શાસનની કરડી નજર તે રાજય તરફ રહે તે વણલખી વાત સૌ કોઇ સમજતા હતા. અંગ્રજો તરફની રાજવીઓની નિષ્ઠાનું તેમજ સ્વામીભકિતનું આ પ્રદર્શન હતું. આ સમારંભમાં હાજરી ભરનાર રાજવીએ પોતાના ઉજળા ઇતિહાસ તથા સ્વાભિમાનને અળગા મૂકવાના હતા. આ સમારંભમાં કોઇ મહત્વના રાજવી ઉપસ્થિત ન રહે તો લોર્ડ કર્ઝનની ઇચ્છિત મુરાદ પૂરી ન થાય. તત્કાલીન મેવાડના મહારાણા ફતેસિંહ આ દરબારમાં હાજરી આપવા માટે ઉત્સુક ન હતા. ઉદેપુર તથા મેવાડની કીર્તિ દેશમાં સૂર્ય સમાન તેજસ્વી ગણાતી હતી. આ સંજોગોમાં ઉદેપુર મહારાણાને આવી સલામી કરવાનું કામ તેમના ઉજળા ઇતિહાસને ધ્યાનમાં લેતાં ઠીક ન લાગ્યું તે સ્વાભાવિક પણ હતું. સત્તા સામે તમામ તકલીફો સહન કરીને પણ સંઘર્ષ કરનાર તેમના પૂર્વજ મહારાણા પ્રતાપનું પુણ્ય મરી પરવાર્યું ન હતું. પરંતુ કાળ બદલાયો હતો. એક અથવા બીજી યુકિત પ્રયુકિતથી લોર્ડ કર્ઝને મહારાણા ફતેસિંહને દરબારમાં હાજરી આપવા માટે સમજાવી લીધા હતા. મહારાણા આ સમારંભમાં હાજરી આપવાના છે તેવા સમાચારથી અનેક સ્વાભિમાની લોકોના દિલ દુભાયા હતા. પરંતુ આ સ્થિતિનું હવે નિવારણ કેમ કરવું? મહારાજાની દરબારમાં ઉપસ્થિત રહેવાની વાત તો વાયુવેગે પ્રસરી ગયેલી હતી. મહારાણાની સવારી દિલ્હી તરફ રવાના થાય તે દરમિયાન કેટલાક સ્વાભિમાની દેશભકતોના આગ્રહ તથા વિનંતીથી ઠાકુર કેશરીસિંહજી નામના વિચારક તથા નિર્ભય રાજય કવિએ સમગ્ર મેવાડની પ્રજાના મનમાં પડેલી વાત મહારાણા સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો. મહારાણાના દિલ્હી જવાના અને દરબારમાં હાજરી આપવાના નિર્ણયને માન્યતા આ સ્વાભિમાની કવિ કદી આપી શકે તેમ ન હતા. મહારાજને રોકવાના છેલ્લા પ્રયાસ તરીકે આ ક્રાંતિકારી કવિએ કેટલાક સોરઠાઓ (દુહાનો એક પ્રકાર) લખ્યા અને તેમાં પોતાની ઉછળતી લાગણીઓની ભરપૂર અભિવ્યકિત કરી આ પ્રકારનું લખાણ કરીને બ્રિટીશ સત્તાધીશોને નારાજ કરવાનું પરિણામ કવિ જાણતા હતાં. તે માટે સર્વસ્વ હોમવાની તેમની સંપૂર્ણ તૈયારી હતી. સ્વાધીનતાનું સ્વપ્ન સેવનારે તેની આકરી કિંમત ચૂકવવી પડે છે.તેનાથી કેશરીસિંહજી સારી રીતે વાકેફ હતા. એક સ્વાભિમાની પ્રજાના તથા ઉજળો ઇતિહાસ ધરાવતા રાજવીને તેમ કરતા રોકવામાં કવિને પોતાનો યુગધર્મ દેખાયો હતો. કવિ મેવાડના રાજવીને સંબોધીને શબ્દોના તાતા તીર છોડે છેઃ
પગ પગ ભમ્યા પહાડ
ધરા છાંડ રાખ્યો ધરમ
(ઇસૂ) મહારાણા અરુ મેવાડ
હિરદે બસીયા હિન્દરે
કવિ મહારાણાને સંબોધીને કહે છે કે સચ્ચાઇ તથા નિજ ધર્મ સાચવવા માટે તારા પૂર્વજોએ અનેક આફતોને હસતા મુખે આવકારી છે. અરવલ્લીની ટેકરીઓમાં તેઓ કષ્ટ સહન કરીને ભટકયા છે. પરંતુ સ્વમાન અને સ્વાધિનતા જાળવી રાખ્યા છે અને આવા પરાક્રમને કારણે જ સમગ્ર હિન્દુસ્તાનને મહારાણા તથા મેવાડ પ્રિય છે.
દેખેલા હિન્દવાણ નિજ
સૂરજ દિસ નેહ સૂં
પણ તારા પરમાણ
નિરખ નિસાસા ન્હાકશી.
આ સમારંભમાં હાજર રહેનાર મેવાડના મહારાણાને બ્રિટીશ સરકાર Star of India નો ખિતાબ આપવાની હતી તેવી વાતો તે સમયે જાણીતી થયેલી હતી. આ વાતને પકડીને કવિ એક ચોટદાર કટાક્ષ કરે છે કે મેવાડ અને સમગ્ર હિન્દુસ્તાન આપને સૂર્ય સમાન માને છે. કારણ કે આપ સૂર્યવંશી છો. પરંતુ આજે આપ સામે ચાલીને આપનું ઉજ્વળ સૂર્યપણું છોડીને તારા (star) નો ખિતાબ સ્વીકારવા ઉત્સુક થયા છો તે જોઇને પૂરો સમાજ ઊંડા નિસાસા ભરે છે !
માન મોદ સીસોદ
રાજનીતિ બલ રાખણો
ગવરમેન્ટરી ગોદ,
ફલ મીઠા દીઠા ફતા !
કવિ સિસોદીયા કુળના મહારાણાને કહે છે કે આપણું સ્વાભિમાન તો આપણી તાકાત થકી જ જળવાય છે. સત્તાધીશ સરકારના ખોળામાં બેસીને મીઠા ફળ ચાખવાની ઘેલછા સામે કવિએ મહારાણાને ખબરદાર કર્યો છે. ‘‘ચેતાવણી રા ચૂંગટ્યાં’’ (ચેતવણીના ચૂંટીયા) શીર્ષક હેઠળ મારવાડીમાં લખાયેલા આ સોરઠા મહારાણાને દિલ્હી પહોંચી જાય તે પહેલા ખાસ પ્રયાસો કરીને પહોંચાડવામાં આવે છે. મહારાણા કવિના અર્થસભર શબ્દો ધ્યાનપૂર્વક વાંચે છે. શબ્દોના ઘાવ ઊંડા અને અસરકારક હોય છે. મહારાણાની સ્વમાનની લાગણી કવિના શબ્દે પુનઃ જાગૃત થાય છે. દિલ્હી જઇને તેઓ લોર્ડ કર્ઝન આયોજિત દરબારમાં હાજરી આપતા નથી. મેવાડની ખાલી ખુરશી લોર્ડ કર્ઝનને ખૂંચે છે. પરંતુ સમગ્ર લોકસમૂહમાં સ્વાભિમાનના ગૌરવની એક લહેર પ્રસરી જાય છે. કવિત્વશક્તિના ચમત્કાર સમાન આ ઘટના વાંચતા આજે પણ વીરતાના ભાવ અનુભવી શકાય છે. રાજસ્થાન સાહિત્ય અકાદમીએ કવિ કેશરીસિંહજીના ઉજવળ જીવનને ગ્રંથસ્થ કરેલું છે. તેમાં આ ઘટનાનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ઘટનાથી નારાજ થઇને બદલો લેવા માટે બ્રિટીશ સરકાર યેનકેન પ્રકારેણ કવિને કાયદાની ચૂંગાલમાં ફસાવી ગુનેગાર ઠેરવવા કાર્યવાહી કરે છે. ૩૧ માર્ચ ૧૯૧૪ના દિવસે બ્રિટીશ સરકાર અનેક પ્રકારના આરોપ મૂકીને રાજનૈતિક ષડયંત્ર માટે કવિની ધરપકડ કરે છે. કવિની વારસામાં મળેલી સંપૂર્ણ જાગીર જપ્ત કરવામાં આવે છે. સુખી તથા સમૃધ્ધ કુંટુંબના સભ્યો એકાએક ઉપર આભ અને નીચે ધરતી એવી કફોડી હાલતમાં આવી જાય છે. પ્રસિધ્ધ ક્રાંતિકારી રાસબીહારી બોઝ લખે છે કે કેશરીસિંહે પોતાનું કહી શકાય તેવું સર્વસ્વ મુકિત સંગ્રામની વેદી પર અર્પણ કર્યું છે. ૦૬ ઓકટોમ્બર-૧૯૧૪ના દિવસે ઠાકુર સાહેબને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. સરકાર તરફથી દલીલ તો ખૂબ ભારપૂર્વક એવી કરવામાં આવી હતી કે કવિરાજાને મૃત્યુદંડની સજા કરવામાં આવે. પરંતુ તત્કાલીન સુવિખ્યાત બેરિસ્ટર નવાબ હામિદ અલીખાને ઠાકુર સાહેબની નિર્દોષતા સાબિત કરવા માટે જુસ્સાપૂર્વકની તથા તર્કબધ્ધ દલીલો રજૂ કરી. આ રજૂઆતને અવગણીને મૃત્યુદંડનો નિર્ણય કરવો તે અદાલત માટે મુશ્કેલ હતું. કેસની સુનાવણીના અંતે ભરી અદાલતમાં ભાવુક બની બારિસ્ટર ખાન સાહેબે પોતાના અસીલનું ઉજવળ જીવન પ્રકાશિત કરવા અદાલતની અનુમતિથી ‘નઝમ’ સંભળાવી.
વો મુલ્ઝિમ કેસરી
જાનો દિલ સે હૈ દેશકા હામી
વો મુલ્ઝીમ શાયરે – યકતા
સબાંયે જિસકો કહતી હૈ
બદનમેં હડ્ડીયા જિતની હૈ
સબ તકલીફે સહતી હૈ.
Leave a comment