વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે :
” મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે…… રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો. “
દેવ દીવાળીના દિવસે ૧૮૬૭ માં રાજકોટ જિલ્લાના વવાણીયા ગામે જન્મેલા શ્રીમદ્દ રાજચન્દ્રની સ્મૃતિ થાય છે. શ્રીમદ્દની સ્મૃતિ જેમને પણ થાય છે તેમને શ્રીમદ્દના ઉત્તમ વિચારોમાંથી શાંતિ અને સમતાની અનુભૂતિ થાય છે. આવી શાંતિ ખરીદી શકાતી નથી. ધન કે સત્તાના જોરે પણ પ્રાપ્ત કરી શકાતી નથી. પરંતુ શ્રીમદ્દના શબ્દોથી તેની લીલીછમ્મ કૂંપળ ફૂટે છે જેની પ્રતિતિ થયા સિવાય રહેતી નથી. ગાંધીજીએ શ્રીમદ્દ રાજચન્દ્રની તેમના મન પર પડેલી છબી અંગે અનેક જગાએ વિચાર વ્યક્ત કર્યો છે. શ્રીમદ્દને મળ્યા પછી ગાંધીજીને એ વાતની પુન: પ્રતિતિ થઇ કે સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. તેજ રીતે જ્ઞાન પણ જિજ્ઞાસા હોય તો નિશાળની બહાર પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માનું આ તારણ સત્યની સમિપે રહેલુ છે. એકલવ્ય નિષ્ઠા તથા જિજ્ઞાસા થકીજ અર્જુનને પણ દૂર્લભ હતું તેવું કૌશલ્ય પ્રાપ્ત કરી શક્યો હતો. મુમુક્ષુવૃત્તિ કેળવીને જીવનમાં ઉન્નતિને માર્ગે ચાલવું સંભવિત છે તે વાતની ઠોસ પ્રતિતિ શ્રીમદ્ તથા ગાંધીજીના જીવનમાં જોઇ શકાય છે. પૂ. રવિશંકર મહારાજે લખ્યું છે તેમ શ્રીમદ્દ રમણ મહર્ષિ જેવા યોગીની હરોળમાં નાની વયે પહોંચી ગયા હતા. ગાંધીજીને શ્રીમદ્દમાં સમ્યક્ દર્શનનો અનુભવ થયો હતો. શ્રીમદ્દના વિચારોમાં જૈન તત્વજ્ઞાનનું પ્રભુત્વ જરૂર રહેતું પરંતુ તમામ દર્શન પરત્વે તેમને આદર હતો. ગાંધીજી શ્રીમદ્દનું બહોળું શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચારિત્ર્ય તથા આત્મદર્શન કરવાની શ્રીમદ્દની નિરંતર ધગશથી પ્રભાવીત થયા હતા. નિષ્કામ કર્મયોગનું ઉત્તમ ઉદાહરણ એ શ્રીમદ્દનું જીવન હતું. શ્રીમદ્દ મોટો વેપાર ખેડતા, હીરામોતીની પરખ એ પણ તેમની સાહજિક સૂઝ હતી અને વેપારની અનિવાર્ય આંટીઘૂંટીઓ પણ ઉકેલતા પરંતુ આ તમામ પ્રવૃત્તિએ શ્રીમદ્દની પૂર્ણ ઓળખ બની શકતી નથી. તેમની ખરી ઓળખ તો તેમના આત્મદર્શનની સતત રટણામાં રહેલી હતી. ગાંધીજીએ શ્રીમદ્દ પરના એક પ્રવચનમાં આપણું માર્ગદર્શન કરેલું છે. ગાંધીજી કહે છે કે, શ્રીમદ્દ તરફ જેમને આદરભાવ હોય તેમણે તેમના વિચારોનું અનુકરણ કરીને પોતાના વર્તન થકી તેનું નિદર્શન કરવું જોઇએ. સકળ સૃષ્ટિના કલ્યાણની વાતો તેમજ તેના ઉપાયોનું સાંગોપાંગ દર્શન શ્રીમદ્દની વાણી તેમજ તેમના પદોમાં પ્રગટ થયેલું છે. શ્રીમદ્દના પદોમાં આપણાં મધ્યયુગના સંતોની વાણીનું પ્રતિબિંબ ઝીલાય છે. શાસ્ત્રોની ગહન વાતો તેમાં સરળતા તથા સહજતાથી રજૂ થયેલી છે. સંતોના આવા ભગવદ્દ દર્શનને કાળની કોઇ મર્યાદા નથી. સર્વ કાળે તે પ્રસ્તુત, પ્રાસંગિક તથા પથદર્શક છે.
દિવાળી- દેવદિવાળીના દિપોત્સવ સમયે શ્રીમદ્દ રાજચન્દ્ર જેવા પ્રજ્ઞાવાન મહાપુરુષની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ખારા સમુદ્રમાં મોતી પાકે છે. જે ધરામાં નજીકમાંજ ખારા પાણી અફાટ વિસ્તરેલા છે તેવા પ્રદેશમાં પણ જેના હૈયામાં મીઠપનો મહાસાગર ઘૂઘવતો હોય તેવા મહાપુરુષો જન્મ ધારણ કરે છે. એક તરફ કચ્છ તથા બીજી તરફ સૌરાષ્ટ્ર હોય તેવા ઐતહાસિક પ્રદેશમાં જેમણે પ્રાણીમાત્રના કલ્યાણ માટે જન્મ ધારણ કર્યો હતો તેવા શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો હતો. કચ્છ – સૌરાષ્ટ્રની આ ઐતિહાસિક ભૂમિ ખરા અર્થમાં બહુરત્ના વસુંધરા છે.
અહીં આપણે જે મહાપુરુષની સ્મૃતિ વંદના કરીએ છીએ તે માળીયા (મીયાણાં) પાસેના એક નાના ગામ વવાણીયામાં બાળક રાજચંદ્રને પણ એક મૂંઝવણ ઊભી થઇ છે. મુઝવણમાંથી બાળમનમાં પ્રશ્ન થયો છે. બાળક જેને ઓળખે છે તેવા એક સ્નેહી – સ્વજનનું અવસાન થતાં આ મૃત્યુની ઘટનાને સમજવા મથતો બાળક દાદાજીને પૂછી બેસે છે : ‘‘ગુજરી જવું એટલે શું ?’’ ત્યારબાદ વવાણીયા ગામના પાદરમાંજ એક ઝાડ પર ચડીને બાળકે જોયું કે પરિચિત લોકોજ બાળક જેને સ્વજન તરીકે ઓળખે છે તેને ચિતા પર ગોઠવીને અગ્નિદાહ આપે છે. બાળી દેવાની આવી ક્રૂરતા પરિચિત લોકોજ કેવી રીતે કરી શકે ? શા માટે કરે ? મૃત્યુ શું છે તથા શા માટે છે ? રાજચંદ્રના બાળમનને આ પ્રશ્નો સતાવ્યા કરે છે. શ્રીમદ્દ રાજચન્દ્ર પાછળથી વવાણીયાના આ પરિચિત જનના મૃત્યુના પ્રસંગને ટાંકીને કહે છે કે બાળસહજ કૂતુહૂલતામાંથી ઉદભવેલા આવા પ્રશ્નો થકી તેમની જ્ઞાનયાત્રા શરૂ થાય છે અને દેહોત્સર્ગ સુધી અવિરત ચાલતી રહે છે. એક સામાન્ય બાળ સહજ જીજ્ઞાસામાંથી જગત કલ્યાણની એક નવી દિશાના દ્વાર ખુલે છે તે અસામાન્ય ઘટના છે. આ કલ્યાણમયી યાત્રાનો લાભ કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય સમગ્ર સમાજને અનેક વર્ષોથી મળતો રહેલો છે. આજે પણ શ્રીમદના વિચારો એટલાંજ મંગળમયી તથા પથદર્શક છે.
લઘુ વયથી અદભુત થયો
તત્વજ્ઞાનનો બોધ,
એજ સૂચવે એમ કે,
ગતિ – અગતિ કાં શોધ ?
ધર્મ તત્વ જો પૂછ્યું મને
તો સંભળાવું સ્નેહે તને
જે સિધ્ધાંત સકલનો સાર
સર્વમાન્ય સહુને હિતકાર.
વીતરાગી વાણીનો પવિત્ર ધોધ શ્રીમદ્દના શબ્દોમાં પ્રગટ થયો છે. સમગ્ર જૈન દર્શનમાં કે શ્રીમદ્દની વાણીમાં જડતાવાદનો સમૂળો છેદ થતો તથા અધ્યાત્મવાદનો સૂર્યોદય થતો જોવા મળે છે. રાગદ્વેષના તાપથી જ્યારે જગત અશાંત દેખાય છે ત્યારે શ્રીમદ્દના શબ્દોમાં મનની શાંતિ મળે છે તે બાબત દર્શાવે છે કે આ દર્શનમાં શાશ્વતી છે. સર્વ ધર્મોમાં જગતની શાંતિ તથા માનવની ઉન્નતિ માટે જે ઉપાયો કે સિધ્ધાંતો બતાવ્યા છે તેમાં અનેક જગાએ વિસ્મયકારી સમાનતા જોવા મળે છે. સ્નેહ, સત્ય, અહિંસા કે અપરિગ્રહ જેવી બાબતો સાર્વત્રિક છે. કોઇ સંપ્રદાયના વાડાઓમાં તેમને બાંધી શકાતા નથી. વાયુની જેમ આવા કલ્યાણકારી તત્વોની ગતિ નિર્બંધ છે. જૈન દર્શનના મહાન જ્ઞાતા શ્રીમદ્દ રાજચંદ્રે જીવનમાં મળેલા ઓછા વર્ષોમાં અમૃતપાન કર્યું છે અને કરુણા કરીને સૌને કરાવ્યું છે.
દેવદિવાળીને દિવસે વવાણીયા ગામમાં જન્મેલા આ મહાપુરુષે જ્ઞાનની અનેકવિધ દિપશિખાઓ પ્રગટાવી છે જે આજે પણ પ્રેરણાનું સ્થાન છે. જેમને ગુજરાત ‘કળિકાળ સર્વજ્ઞ’ તરીકે ઓળખે છે તે શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનો જન્મ પણ દેવદિવાળીના શુભદિવસેજ થયો હતો. જૈન ધર્મની અસર માત્ર ગાંધીજી પુરતી મર્યાદિત ન હતી પરંતુ ગુજરાતમાં તેની સર્વ ક્ષેત્રોમાં વ્યાપક અસર થયેલી છે. શ્રીમદ્ રાજચન્દ્રની વિચારધારા તથા તેમાં રહેલું સત્વ અવિનાશી છે. શ્રીમદનું જીવન તો માત્ર ૩૩ વર્ષનુંજ પરંતુ તેમનું જ્ઞાનોર્પાજન તેમજ જ્ઞાનવિતરણનું કાર્ય સદીઓ સુધી ઝાંખું પડી શકે તેવું નથી. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ- અગાસ તેમજ રાજસોભાગ સત્સંગ મંડળ સાયલા જેવી ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના કારણે જૈન સાહિત્ય તેમજ શ્રીમદ્ વિશેની વિસ્તૃત જાણકારી પુસ્તકોના માધ્યમથી સમાજમાં પહોંચી છે. શ્રી જયભીખ્ખુ, મુકુલભાઇ કલાર્થી તથા કુમારપાળ દેસાઇ જેવા સિધ્ધહસ્ત લેખકોએ પણ આ વિષયોમાં નોંધપાત્ર ખેડાણ કરેલું છે.
જીવનના પરમપદની પ્રાપ્તિની અભિલાષા રાખી મુમુક્ષુ જીવન વ્યતિત કરે તથા જીવનની પવિત્રતા જાળવે તો આ અપૂર્વ તક દરેક માનવને ઉપલબ્ધ છે. મન – વચન – કાયાના બંધનોને વેગળા રાખવા તો મુનિઓને પણ દૂર્લભ છે. પરંતુ ઈશ્વર પ્રત્યેની દૃઢ નિષ્ઠા તેમજ પ્રભુની કૃપાથી જીવનમાં ઉન્નતિના માર્ગે આગળ વધી શકાય છે તેવો શ્રીમદનો સહિયારો સમગ્ર માનવજાત માટે છે. શ્રીમદ્ રાજચન્દ્રના જીવન તથા કવન સાધનાના પંથે જતા દરેક સાધક માટે સદાકાળ પથદર્શક બને તેવા છે. શ્રીમદનો વિવેક તથા તેમની અસાધારણ આધ્યાત્મિક ઊંચાઇ તેમની વાણી તથા તેમના પદોમાં સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. ર૪મા તીર્થંકર ભગવાન મહાવીરની ઉપાસના કરીએ ત્યારે આપણી શ્રધ્ધા તથા ભક્તિ અખંડ રહે તે માટે શ્રીમદના શબ્દો હમેશા માર્ગદર્શક બની રહે તેવા છે. શ્રીમદ્ રાજચન્દ્રના જ્ઞાનનો અગ્નિકૂંડ આજે પણ પ્રજ્વલિત છે. સ્વ તરફની યાત્રાનું ડગલું તો આપણે વ્યક્તિગત રીતેજ ભરવું પડશે.
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
શ્રીમદ્ સદગુરૂ શાશ્વત જીવો.
Leave a comment