જેમલ બીજી જોડ
નજરું નાખ્યે નો મળી
સવસાચી સરમોડ,
છોરું તું સોરઠ તણું
કૈં જન્મ્યા કૈં જનમશે
લેખક લાખ કરોડ,
(પણ) જહનામી જડશે નહિ
જૈમલ તારી જોડ.
કવિ શ્રી દુલા ભાયા કાગ તથા બાપલભાઇ ગઢવીના ઉપરના અર્થસભર શબ્દોમાં જયમલ્લભાઇ પરમારની પ્રતિભાના દર્શન થાય છે. આપણાં સાહિત્યની શોભા વધારીને જનારા અનેક ધન્યનામ સાહિત્યકારો છે. આ બધા સાહિત્યમર્મીઓની યાદી તરફ નજર કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે એવા સાહિત્યકારો પ્રમાણમાં ઓછા હોય છે કે જેમના સાહિત્યની લોકપ્રિયતા એક શતાબ્દી કે તેનાથી પણ વધારે સમય સુધી રહે. જયમલ્લભાઇ પરમાર એ આવા એક વિરલ તથા ઉજળા સાહિત્ય સર્જક/સંપાદક છે કે જેઓ આજે પણ તેમના સર્જનો દ્વારા લોકસાહિત્ય પ્રેમીઓના દિલમાં જીવંત છે. વર્ષ ૨૦૧૧ ના નવેમ્બર માસમાં તેમની જન્મ શતાબ્દીની યાદગાર ઉજવણી કરવામાં આવી. ગુજરાતના અલગ અલગ શહેરોમાં લગભગ ૨૬ કાર્યક્રમો થયા. શરૂઆત જયમલ્લભાઇની કર્મભૂમિ રાજકોટથી કરવામાં આવી. રાજકોટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પૂજ્ય મોરારીબાપુએ જયમલ્લભાઇનું એક સાહિત્યકાર તરીકે તેમજ એક માનવી તરીકે ઊંચુ મૂલ્યાંકન કર્યું. કોઇ સાહિત્યકારની જન્મ શતાબ્દીના સંદર્ભમાં આટલા કાર્યક્રમો થાય તેવી ઘટનાઓ ઓછી જોવા મળે છે. દરેક કાર્યક્રમમાં વ્યાપક જનસમૂહની હાજરી એ નોંધપાત્ર ઘટના હતી. નવેમ્બર માસમાં જયમલ્લભાઇની જન્મજયંતિ આવે છે તે સમયે તેમની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે.
શ્રી જયમલ્લભાઇ પરમારના જીવનના સમગ્ર ઘટનાક્રમ તરફ નજર નાખીએ તો એ બાબત સ્પષ્ટ થાય છે કે ચૂસ્ત વૈષ્ણવ કુંટુંબમાં વાંકાનેરમાં તેમનો જન્મ. પૂજાપાઠ, કથાકિર્તન, ગાયન-વાદન તેમજ નાટકના સંસ્કાર તેમને ગળથૂથીમાં મળેલાં. ભાંગતી રાતે દેશી વાદ્યોની રમઝટ વચ્ચે પ્રહર પ્રમાણે ગવાતા ભજનોની અમીટ છાપ બાળક જયમલ્લ પર પડી અને તેનો કેફ તેમણે જીવનભર ઘૂંટ્યો. તરણેતર અને જડેશ્વરના મેળામાં ગવાતા લોકગીતો-દુહાની નિર્દોષ રમઝટ ક્રમે ક્રમે તેમાં ભળી અને આ વિષય તરફનું તેમનું આકર્ષણ નિરંતર વધતું ગયું. સતત ભમ્રણશિલ જીવન તથા અભ્યાસુ સ્વભાવ તેમની પ્રકૃતિના એક અભિન્ન અંગ સમાન હતા. મેઘાણીભાઇના સંસર્ગથી તેમાં નૂતન વિચારોનું સિંચન થયું. જેણે જયમલ્લભાઇના જીવન કાર્યને લોકસાહિત્યના સંવર્ધન માટેની એક નવી દિશા આપી. લોકસાહિત્યના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી, તેનો સંગ્રહ કરી લોકો સમક્ષ તેમણે નવરંગ થાળ રજૂ કર્યો. પ્રકૃતિના વિવિધ સ્વરૂપો, સરિતાઓ, પાળિયાઓ, ડુંગરઘારો, વાવ-કૂવાઓ, ટૂચકાઓ, ઉખાણાઓ, લોકવાદ્યો, પહેરવેશ, ભરતગૂંથણ, લગ્નગીતો, મરસીયા, ખારવાના ગીતો જેવા અનેક વિષયોને આવરી લઇને આ તળના સાહિત્યને ફૂલછાબ તથા ઊર્મિ નવરચનાની પાંખે, એકનિષ્ઠાથી લોક દરબારમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય જયમલ્લભાઇએ કર્યું. પ્રથમ ‘‘સૌરાષ્ટ્ર’’ અને ત્યારબાદ ‘‘ફૂલછાબ’’ ના માધ્યમથી આ કાર્ય સંગીન ધોરણે થયું. મેઘાણીભાઇના આ કાર્યની આકરી તપશ્ચર્યામાં તેમણે અર્થસભર પુરવણી કરી. કેટલીક જગાએ તો ખૂટતી કડીઓ પણ મેળવી આપી. લગભગ અઢી દાયકા સુધી ઊર્મિ નવરચનાની ધૂણી ધખાવીને તેમણે ઘણાંને લખતાં કર્યા અને સ્થાયી સ્વરૂપે દસ્તાવેજીકરણ પણ થયું. શ્રી બ. ક. ઠાકોરે વર્ષો પહેલાં લોકવાણીને ચિત્તવેધક તથા હેરત પમાડે તેવી સચોટ ગણાવી હતી અને આપણી ભાવિ પેઢીઓ તેનાથી વંચિત ન રહે તેવી અંતરના ઉમળકાથી આશિષ પાઠવી હતી. આથીજ બ. ક. ઠાકોર જેવા દિગ્ગજ સાહિત્યકારની ઇચ્છાપૂર્તિ મેઘાણીભાઇ, દુલેરાય કારાણી, ગોકળદાસ રાયચુરા અને જયમલ્લભાઇ જેવા પુણ્યશ્લોક આત્માઓએ કરી હતી. લોકગીતોમાં ગૂંથાયેલું લોકજીવન સદાયે ધબકતું અને પ્રાણવાન છે અને તેમાં નૈસર્ગિક સૌંદર્યનો અનેરો ભાવ ઝીલાયો છે તેની સાંગોપાંગ પ્રતિતિ જયમલ્લભાઇના લખાણો જોતાં થાય છે.
કવિ શ્રી કાગે કહ્યું હતું કે મેધાણીભાઇએ સૌરાષ્ટ્રની રસધાર લખી પરંતુ જયમલ્લભાઇએ તો સૌરાષ્ટ્રનો રસધોધ વહાવ્યો છે. તેમના વ્યક્તિત્વની ખરી ખૂબી એ છે કે તેઓ લોકસાહિત્યના પૂર્ણ અર્થમાં મર્મિ છે અને તેની કોઇ નબળી બાબતો જણાય તો તેને પણ તેઓ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. કેટલીક વખત લોકસાહિત્યના નામે કોઇ વિકૃત રજૂઆતો થતી હોય તો સ્પષ્ટ શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરે છે. ચોકસાઇ, પ્રમાણપ્રિયતા, તર્કબધ્ધતા તથા અનાગ્રહિતાના આધારે તેમણે સંશોધનનું કામ દિપાવ્યું છે. જયમલ્લ પરમાર ખરા અર્થમાં લોકસાહિત્યના ધૂળધોયા હતા.
જયમલ્લભાઇએ નશાબંધીની પ્રવૃત્તિમાં પણ મોટું યોગદાન આપ્યું. નશાબંધી મંડળનું કામ માનવીમાં પરિવર્તનથી થશે તેવી શ્રધ્ધાથી કરવાનું કામ ગણીને તેઓ આ કાર્યમાં જોડાયા. માત્ર કાયદાથી આમૂલ પરિવર્તન શક્ય નથી. વિકૃત્તિઓનાં વમળ વચ્ચેથી માણસને શોધી કાઢવાની ધીરજ જોઇએ. આવા માનવીય કાર્યમાં જયમલ્લભાઇ સાથે કવિ શ્રી કાગનું પણ અમૂલ્ય યોગદાન રહેલું છે.
ઊર્મિ નવરચનાના સિંહ તથા અશ્વ વિશેષાંકોની વાતો પણ હેરત પમાડે તેવી છે. ‘ગગનને ગોખે’ માં ખગોળશાસ્ત્રનો પરિચય કરાવ્યો. ‘આપણે આંગણે ઉડનારા’ પક્ષી વિષયક માહિતી લોકગીતોની કડીઓ સાથે સમાજ સમક્ષ રજૂ કરી. શ્રી પલાણ સાહેબ લખે છે તેમ મેઘાણીભાઇને જયમલ્લ પરમાર – નિરંજન વર્મા જેવા થનગનતા વછેરા જોતાતાં અને નિરંજન – જયમલ્લને ધગધગતો સર્જક ખપતો હતો. આ રીતે આ લોકોનું મિલન એ એક સુખદ સુયોગ હતો. નિરંજન વર્માનું મૂળ નામ – નાનભા બારહઠ્ઠ. જયમલ્લભાઇ, ઇશ્વરભાઇ દવે તથા નિરંજન વર્મા – ત્રણેની મૈત્રી આદર્શ મૈત્રી સંબંધોના અનોખા ઉદાહરણ સ્વરૂપ હતી. ત્રણે મિત્રો વિશિષ્ટ રીતે શક્તિશાળી પરંતુ જીવનભર એકબીજા સાથે મીઠા સંબંધોના તાંતણે બંધાયેલાં રહ્યાં.
દેશમાં સંગીત-નૃત્ય-નાટ્ય જેવી પ્રવૃત્તિઓના સંવર્ધન માટે સંગીત-નૃત્ય-નાટ્ય અકાદમી કાર્ય કરે છે. અલગ સૌરાષ્ટ્ર રાજ્યમાં પણ આવી અકાદમી હોય તો સૌરાષ્ટ્રના મૂળ સાહિત્યને સાચવવાનું તેમજ વિકસાવવાના કામમાં સરળતા રહે. આ વિચાર ‘ફૂલછાબ’ દ્વારા વહેતો મૂકવામાં આવ્યો. જયમલ્લભાઇના પ્રયાસો તથા સૌરાષ્ટ્ર રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી ઢેબરભાઇની સૂઝને કારણે સૌરાષ્ટ્ર સરકારે ૧૯૫૫ માં એક સ્વાયત અકાદમીની સ્થાપના કરી. સાહિત્યના ઇતિહાસમાં આ એક મહત્વની ઘટના છે. સ્વતંત્ર અકાદમીએ અનેક સાહિત્ય સંવર્ધનના કાર્યક્રમો થકી પોતાના અસ્તિત્વની ઉપયોગિતા સિધ્ધ કરી. જયમલ્લભાઇ આ અકાદમીના સ્થાપક મંત્રી તરીકે સક્રિય રહ્યા. આજ રીતે આકાશવાણી – રાજકોટના માધ્યમનો પણ સંપૂર્ણ હેતુ સરે તેવી રીતે ઉપયોગ થાય તે પ્રયાસોમાં જયમલ્લભાઇએ અગ્રભાગ ભજવ્યો હતો. આજ રીતે ૧૯૫૬ માં લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના જૂનાગઢમાં કરવામાં આવી. તેમાં પણ રતુભાઇ અદાણી તેમજ જયમલ્લભાઇનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. કવિ શ્રી કાગ (ભગતબાપુ)ની વરણી આ વિદ્યાલયના પ્રમુખ તરીકે કરવામાં આવી અને તેથી સંસ્થાને એક અનોખી ગરીમા પ્રાપ્ત થઇ. લાખાભાઇ ગઢવી, કરસન પઢિયાર, રામભાઇ કાગ જેવા અનેક લોકસાહિત્યના મર્મી વાહકો આ વિદ્યાલયમાં તૈયાર થયા. આ કલાકારોમાં શક્તિતો હતીજ. વિદ્યાલયની તાલિમ થકી તેઓ વિશેષ ઝળહળી ઊઠ્યાં. લોકો સુધી લોકસાહિત્યની મધુર રચનાઓ તેમજ પ્રતાપી વાતો પહોંચી શકી. લોકસાહિત્ય – ચારણી સાહિત્યના સર્જકો તેમજ વાહકોના નિયમિત મેળાવડાઓનું આયોજન થઇ શકે તે માટે ‘‘લોકસાહિત્ય પરિવાર’’ ની રચના પણ રતુભાઇ અદાણી તથા જયમલ્લભાઇના પ્રયાસોથી સાર્થક બની રહી. લોકસાહિત્યના અનેક મર્મીઓએ આ પરિવારના કાર્યક્રમો શોભાવ્યા છે અને માણ્યાં છે.
પોતાના વાણી, વર્તન, વિચાર કે લેખન દ્વારા પ્રજાજીવનના સ્વાસ્થ્યને વિપરીત અસર ન થાય તેની સતત કાળજી જયમલ્લભાઇએ આજીવન રાખી. ઉર્મિ નવરચનાના અંકો લોકસાહિત્યના સંદર્ભ ઉપરાંત સાહિત્યીક પત્રકારત્વના સંદર્ભે પણ ઘણાં મહત્વના ગણી શકાય. જયમલ્લભાઇએ આજીવન ધૂણી ધખાવીને જે સાહિત્ય સાધના કરી છે તે અહોભાવ જન્માવે તેવી બાબત છે. વસુબેન ભટ્ટ તેમને ‘સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક એલચી’ કહેતા તે ખૂબજ યર્થાથ છે. કુન્દનિકા કાપડિયા જયમલ્લભાઇને ‘‘ નિર્ભીક તથા સૌંદર્યાનુરાગી ’’ કલમના સર્જક ગણાવે છે. કવિ શ્રી નારણદાનજી બાલિયાએ પોતાના સુંદર શબ્દોમાં જયમલ્લભાઇને ભાવાંજલિ આપી છે.
જયમલ્લ પામી જગતમાં
આદરમાન અભૂત
કીર્તિ કરી ગયો કાયમી
શારદ કેરો સપૂત.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment