કચ્છનું નામ લેતાંજ એક ભાતીગળ પ્રદેશની સ્મૃતિ નજર સામે તરવરે છે. અનેક પ્રકારના સ્થાનિક પડકારોને ઝીલીને આ પ્રદેશના લોકોએ એક ઉજ્વળ તવારીખનું સર્જન કરેલું છે. કચ્છના અનેક ગામોને પોતાનો આગવો તથા ઉજળો ઇતિહાસ છે. આ ઇતિહાસની જાણકારી તથા તેની ઘટનાઓની વિગતો ભાવી પેઢીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ હમેશા આવકાર્ય તેમજ ઇચ્છનીય છે. આથી રાયધણપર ગામના અયાચી કુટુંબના ઇતિહાસનું આલેખન કરવાનો તેમજ ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો નિર્ણય અભિનંદનને પાત્ર છે.
ઇતિહાસમાં નોંધાયેલા અનેક પ્રસંગોમાં ચારણોએ પોતાના સ્વાભિમાન તથા વીરતાના દર્શન જગતને કરાવેલા છે. સરસ્વતીના આરાધક એવા આ દેવીપુત્રોએ બલીદાન આપીને પોતાના સામર્થ્યનું દર્શન કરાવેલુંછે. જેમણે ત્યાગના ઊંચા આદર્શ પ્રસ્થાપિત કર્યા છે તેમનેજ અનેક સુયોગ્ય શાસકોએ વધાવ્યા છે. આવા આદરયુક્ત વધામણાંના ભાગ તરીકે નાના મોટા શિરપાવ પણ ચારણોએ યોગ્યતાના બળે પ્રાપ્ત કરેલા છે. મહારાવ શ્રી પ્રાગમલજીએ રાયધણપર ગામ બક્ષીસમાં આપ્યુંતે આવી ઉજળી પરંપરાનોજ એક ભાગ છે. જે સ્થાન અને પ્રતિષ્ઠા ચારણોએ ભૂતકાળમાં પ્રાપ્ત કરેલા છે તે પોતાની નિષ્ઠા તથા સત્યદર્શન કરવા – કરાવવાની શક્તિને કારણે મેળવેલા છે. સરસ્વતીની નિરંતર સાધનાનો ઉપહાર જગતને મળેલો છે. શાસ્ત્રોના પારંગત કવિ હમીરજી સત્નુથી કવિ શંભુદાનજી અયાચી સુધીની સરસ્વતી સાધના યાત્રા કચ્છ પ્રદેશના ભાતીગળ ઇતિહાસને વિશેષ ભવ્યતા અને ગૌરવ પૂરા પાડે છે. આ બધા પ્રસંગોમાં જગદંબાની અવિરત કૃપા કેન્દ્રમાં રહેલી છે. રાજ્યકવિ શંકરદાનજી જેવા મહામાનવો એ માત્ર એક સમાજનું નહિ પરંતુ સમગ્ર પ્રદેશનું ગૌરવ છે. જેઓ બીરદાવવાને પાત્ર છે. તેમને ગમે તે ભોગે બીરદાવીને તેની આકરી કિંમત શંકરદાનજી જેવા ધન્યનામ કવિઓએ ચૂકવી છે. આ વીરતા સર્વકાળે વંદનને પાત્ર છે. આવી વીરતાને સ્વાર્થ કે કૃત્રિમ પ્રતિષ્ઠા સાથે નહિ પરંતુ જીવતરના મૂલ્યો સાથે નિસબત છે તેની પ્રતિતિ રાજ્યકવિ શંકરદાનજીની ઘટનામાંથી નિરંતર મળે છે તથા મળતી રહેશે. આપ લોકોના આ શુભ પ્રયાસને બીરદાવું છું.
જય માતાજી
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment