: વાટે….ઘાટે…. : : પગ પગ ભમ્યા પહાડ : ધરા છાંડ રાખ્યો ધરમ :

રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ (૧૮૭૨-૧૯૪૧) મા જગદંબાને પ્રાર્થના કરતા લખે છે :

સંતાન સચ્ચે અભય હો

તેરેહી તારન તરની હમ

સામર્થ્યદે મા કર સકેં

યહ સિધ્ધ ચારન બરન હમ

બહોત સોયે ગાઢ નિંદ્રા

ચાહતે જાગરન હમ

સ્વાતંત્ર્યકી તુ મહાસાગર

તેરે હી હૈ નિરઝરન હમ.

વીરતા અને સામર્થ્યના આજીવન ઉપાસક ક્રાંતિકારી કવિ કેશરીસિંહજી (રાજસ્થાન) જગતજનની પાસે સ્વતંત્રતા – સ્વાધિનતાની માગણી કરે છે. સ્વાધિનતાનું સ્વપ્ન લઇને જીવી જનાર વ્યક્તિને સત્ય તથા અભયના માર્ગે ડગ ભરવા પડે છે તેની કવિને પ્રતિતિ છે. આ માર્ગે જવાના જોખમોથી કવિ પૂર્ણત: વાકેફ છે. છતાં પણ મનમાં આવું મોટા ગજાનું વીર સ્વપ્ન છે. જેની સામે સંઘર્ષમાં ઉતરવાનું છે તે દુનિયાની તે સમયની સૌથી શક્તિશાળી બ્રિટીશ સત્તા છે. સ્વાધિનતા મેળવવાની લડત આવા શક્તિશાળી શાસન સામે કરવાની છે. આ માટે સર્વસ્વનું બલિદાન આપવાની આ ક્રાંતદ્રષ્ટા કવિની સંપૂર્ણ તૈયારી છે. પોતાના લઘુબંધુ તથા પ્રિય યુવાન પુત્રને સંઘર્ષની આ પાવક યજ્ઞની વેદીમાં બલિદાન તરીકે હોમી દેવાના સમયે પણ કવિ વિચલિત થયા નથી. રંજ અનુભવતા નથી. ઇશની પ્રેરણાથી કર્તવ્ય નિભાવીને પરમ પિતાના શરણે જવાની આ જાજ્વલ્યમાન અભિલાષા છે.  

સામ્રાજય શકિત શત્રુ વહી

સર્વસ્થ થા સો ગઢ ગયા,

પ્રિય વીર પુત્ર પ્રતાપ સા વેદી

બલિ પર ચઢ  ગયા !

ભ્રાત જોરાવર હુવા પ્યારા

નિછાવર પથ વહી,

પતિત-પાવન દીનબંધો !

શરણ ઇક તેરી ગહી

સ્વાતંત્રય સંગ્રામની  વેદી પર અનેક વીરોના ઉજવળ બલિદાનો દેવામાં આવ્યા તેમાં રાજસ્થાનના આ ચારણ કવિ કેશરીસિંહજીનું ચરિત્ર અગ્રસ્થાને ઝળહળે છે. આ વીર કુટુંબની ગાથા સિવાય રાજસ્થાનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પૂર્ણ ઇતિહાસ આલેખી શકાય તેમ નથી. કેશરીસિંહજી ઉચ્ચ કોટીના વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી તેમજ સમાજ સુધારક હતા. તેમની બહુમુખી પ્રતિભા હતી. દેશના અગ્રણી ક્રાંતિકારીઓ જેવા કે શામજી કૃષ્ણવર્મા, રાસબીહારી બોઝ, લાલા હરદયાલ વગેરે સાથે તેમનો જીવંત સંપર્ક હતો. કવિરાજના પિતા કૃષ્ણસિંહ બારહઠ્ઠ મહર્ષિ દયાનંદના પટ્ટશીષ્ય છે. સ્વાધીનતા અને બલિદાનના કઠીન સંસ્કાર પિતા તરફથી કેસરીસિંહજીને મળેલા છે. કેશરીસિંહજીની શિક્ષા પર વિશેષ ધ્યાન પિતા તથા તેમના મામાએ આપેલું છે. ઠાકુર કેસરીસિંહજી સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, પાલી, બંગાળી, હિન્દી, મરાઠી તથા ગુજરાતી ભાષાઓનું અધ્યયન કરે છે. શાસન તથા વારસામાં મળેલા સંસ્કારોના વિશાળ અનુભવથી સમજણ અને જ્ઞાનના અનેક શિખરો તેમણે સર કરેલા છે. મેવાડ રાજયની રાજકીય સેવામાં ઠાકુર સાહેબે હંમેશા ન્યાય તથા રાજયના ઉજળા ઇતિહાસનું ગૌરવ જળવાઇ રહે તેવા પ્રયાસો કરેલા છે. પંડિત શામજી કૃષ્ણવર્મા જેવા વિચક્ષણ ક્રાંતિકારીની સેવાઓ મેવાડને મળે તે વિચારને વાસ્તવિકતામાં બદલવા પાછળ ઠાકુર સાહેબની દીર્ધદૃષ્ટિ હતી. પરંતુ આ બધી હરકતોથી તેઓ અંગ્રેજ અધિકારીઓની આંખમાં કણાની જેમ હંમેશા ખટકતા રહેતા હતા.

લોર્ડ કર્ઝને ગણતરીપૂર્વક ૧૯૦૩ માં દિલ્હી દરબારનું આયોજન કર્યું હતું. નિમંત્રણનો સ્વીકાર મેવાડના રાજવી કરે તથા હાજર રહે તેવી બ્રિટીશ હકૂમતની મહેચ્છા હતી. સ્વાધીનતા પ્રેમી અનેક નાગરિકો મેવાડ આ દરબારમાં હાજર રહી કુરનીસ બજાવે તે પસંદ ન હતું. આથી તેઓએ આ વાત કવિ ઠાકુર કેસરીસિંહજીના ધ્યાને મૂકી. રાજ્યકવિએ આવનારી આપત્તિઓનો વિચાર કર્યા સિવાય રાજવીને કેટલાક દોહા (સોરઠા) લખી મોકલ્યા. રાજવીને આ દોહા વાંચ્યા પછી દિલ્હી દરબારમાં હાજર થવું ઉચિત ન લાગ્યું. આ એક ઐતિહાસિક અને રોમાંચકારી ઘટના છે.  

૩૧ માર્ચ ૧૯૧૪ના દિવસે બ્રિટીશ સરકાર અનેક પ્રકારના આરોપ મૂકીને રાજનૈતિક ષડયંત્ર માટે કવિની ધરપકડ કરે છે. કવિની વારસામાં મળેલી સંપૂર્ણ જાગીર જપ્ત કરવામાં આવે છે. વિશાળ પુસ્તકાલય સાથેની તેમની હવેલી ખાલસા કરવામાં આવે છે. સુખી તથા સમૃધ્ધ કુંટુંબના સભ્યો એકાએક ઉપર આભ અને નીચે ધરતી એવી કફોડી હાલતમાં આવી જાય છે. ઠાકુર કેશરીસિંહના યુવાન ક્રાંતિકારી પુત્ર કુંવર પ્રતાપની ધરપકડ કરીને તેને બરેલી જેલમાં ગોંધી રાખવામાં આવે છે. કુંવર પ્રતાપસિંહ પાસે બંગાળના કેટલાક જાણીતા ક્રાંતિવીરો અંગે માહિતી છે. આ માહિતી કઢાવવા માટે કુંવર પ્રતાપસિંહ પર અમાનુષી યાતના સત્તાધિશો તરફથી ગુજારવામાં આવે છે. પરંતુ આ અસાધારણ દ્રઢ મનોબળ ધરાવતા આ ક્રાંતિવીર પાસેથી કોઇ વિગતો મેળવી શકતા નથી. યુવાન ક્રાંતિકારી કુંવર પ્રતાપ જેલમાં અદમ્ય યાતનાઓ ભોગવીને આ જગતમાંથી કાયમી મુકિત મેળવે છે. અનેક શક્યતાઓથી ભરેલું આ યુવાનનું જીવન અકાળે તથા અન્યાયી રીતે જેલ જીવનના સીતમ સહન કરીને અસ્ત પામે છે. પ્રસિધ્ધ ક્રાંતિકારી રાસબીહારી બોઝ લખે છે કે કેશરીસિંહે પોતાનું કહી શકાય તેવું સર્વસ્વ મુકિત સંગ્રામની વેદી પર અર્પણ કર્યું છે. ઠાકુર સાહેબે પોતાની જાત ઉપરાંત પોતાના લઘુબંધુ, પુત્ર તેમજ જમાઇને મુક્તિ સંગ્રામમાં હોમીને અસાધારણ વીરતા તેમજ દ્રઢતાનું દર્શન કરાવેલું છે. આવા ઉદાહરણો ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે છે. ૦૬ ઓકટોમ્બર-૧૯૧૪ના દિવસે ઠાકુર સાહેબને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. સરકાર તરફથી દલીલ તો ખૂબ ભારપૂર્વક એવી કરવામાં આવી હતી કે કવિરાજાને મૃત્યુદંડની સજા કરવામાં આવે. પરંતુ તત્કાલીન સુવિખ્યાત બેરિસ્ટર નવાબ હામિદ અલીખાને ઠાકુર સાહેબની નિર્દોષતા સાબિત કરવા માટે જુસ્સાપૂર્વકની તથા તર્કબધ્ધ દલીલો રજૂ કરી. આ રજૂઆતને અવગણીને મૃત્યુદંડનો નિર્ણય કરવો તે અદાલત માટે મુશ્કેલ હતું. કેસની સુનાવણીના અંતે ભરી અદાલતમાં ભાવુક બની બારિસ્ટર ખાન સાહેબે પોતાના અસીલનું ઉજવળ જીવન પ્રકાશિત કરવા અદાલતની અનુમતિથી ‘નઝમ’ સંભળાવી. 

વો મુલ્ઝિમ કેસરી

જાનો દિલ સે હૈ દેશકા હામી

વો મુલ્ઝિમ ઉમ્ર જીસકી

દેશ કી ખિદમત મેં ગુઝરી હૈ

વો મુલ્ઝીમ શાયરે – યકતા 

સબાંયે જિસકો કહતી હૈ 

બદનમેં હડ્ડીયા જિતની હૈ 

સબ તકલીફે સહતી હૈ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑