ચારણ ગઢવી અપલીફ્ટમેઝટ એન્ડ ચેરીટી ઓર્ગેનીઝશન (સીજીયુસીઓ) તરફથી વિક્રમના નવા વર્ષના પ્રારંભે એક નૂતન પ્રયાણના પ્રારંભની દિશામાં નક્કર આયોજન કરવામાં આવેલું છે તે આવકારપાત્ર છે. જેમણે પણ આ પ્રયાસમાં સહયોગ આપેલો છે તે સૌ ધન્યવાદને પાત્ર છે.
સમાજનો સર્વાંગી વિકાસ સાધવા માટે સમાજના દરેક હિસ્સાનો સપ્રમાણ વિકાસ થાય તે અનિવાર્ય છે. એકાંગી વિકાસથી સ્થાયી તથા ઇચ્છિત પરિણામો મળી શકતા નથી. આથી સંસ્થાના આ પ્રથમ પ્રયાસમાં સમાજની બહેનો – દિકરીઓને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવેલું છે તે વિશેષ રીતે નોંધપાત્ર છે. ચારણ સમાજ આમ પણ ઐતિહાસિક રીતે માતૃપક્ષમાં વિશેષ શ્રધ્ધાવાન રહેલો છે. આવી શ્રધ્ધા તથા નિષ્ઠા થકીજ સમાજમાં તેની પ્રતિષ્ઠા ‘દેવીપુત્ર’ તરીકે થયેલી છે. પૂ. ભગતબાપુના અમર તથા યાદગાર શબ્દોમાં કહીએ તો માતૃસ્વરૂપા જગદંબા માટે ચારણો તેમના સંસ્કાર અને આચરણ થકી પક્ષપાતી રહેલા છે.
ભાન બેભાનમાં માત
તુજને રટ્યાં,
વિસારી બાપનું નામ દીધું,
ચારણો જન્મથી પક્ષપાતી
બની શરણ જનની
તણું એક લીધું.
ભાન બેભાન અવસ્થામાં પણ સભાનપણે જગદંબાના ચરણકમળમાં શિષ ધરીને જીવન વ્યતિત કરનાર સમાજ પર મા ભવાનીની પણ અનરાધાર કૃપા રહી છે. આ કૃપા થકીજ સરસ્વતીની અસ્ખલિત ધારા સહજ રીતે ચારણના કંઠેથી પ્રગટ થતી રહેલી છે. તમામ સમાજના લોકોએ આથી આ સરસ્વતી ઉપાસક સમાજનું એક ઊંચેરુ મૂલ્ય આંકેલું છે. શ્રધ્ધાના સ્થાયી તથા સમર્થ કેન્દ્ર સમાન આઇ કરણીજી તથા તેમના પણ પૂર્વજ આઇમાતાઓથી શરૂ કરી મઢડા ટીમ્બે જ્યાતિ સમાન પ્રગટેલા આઇ શ્રી સોનબાઇમા સુધીના અનેક શક્તિ સ્વરૂપોએ સમાજનું માર્ગદર્શન કરેલું છે તે ઐતિહાસિક તથા ઉજળી ઘટના છે. આથી આ ઉજળી પરંપરાની વાહક એવી આપણી બહેન – દિકરીઓનું ગૌરવ કરવાનું જે આયોજન ગોઠવાયું છે તે વધાવી લેવા માટે ઉચિત તથા સમયસરનું છે. આપણાં સમાજની બહેનોમાં મહોરેલી અનેક પ્રતિભાઓ આજે આપણી વચ્ચે છે અને પોતાનું નોંધપાત્ર યોગદાન વિવિધ ક્ષેત્રોમાં આપી રહી છે. આવી અનેક પ્રતિભાઓની વિગતો એકત્રિત કરીને બહેન શ્રી ચન્દ્રીકાબહેન તથા સીજીયુસીઓની ટીમે પ્રશંસનીય કાર્ય કરેલું છે. જેમણે પણ સિધ્ધિ કે સફળતા પ્રાપ્ત કરી છે તે અથાક પરિશ્રમ તથા આત્મવિશ્વાસથી પ્રાપ્ત કરી છે. અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વચ્ચે આપણી આ બહેનોએ પોતાના લક્ષ્યાંકને હાંસલ કરેલું છે. આવી પ્રતિભાઓની વિગતો જાણીને અનેક ભાઇ-બહેનોને જીવનમાં કંઇક પ્રાપ્ત કરવાની ઝંખના પ્રગટ થશે. આત્મવિશ્વાસ પણ કેળવાશે. આ રીતે આવા પ્રયાસનું મૂલ્ય સવિશેષ છે.
સાર્વત્રિક પ્રગતિ સાથેજ કેટલાક પ્રશ્નો પણ હોય તે સ્વાભાવિક છે. પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ તેને ઢાંકી રાખવાથી થવાની સંભાવના નથી. આથી સમાજની આવી વિભિન્ન સમસ્યાઓ અંગે તંદુરસ્ત ચર્ચા કરી તેનું નિરાકરણ શોધવાનો આ સમય છે. આ દિશામાં પણ સીજીયુસીઓ સક્રિય તથા લાંબાગાળાની ભૂમિકા ભજવે તે અપેક્ષિત છે. સમાજમાં સ્નેહ વધે અને સમસ્યાઓ ઘટે તેવા વાતાવરણનું સર્જન કરવામાં બહેનોની ભૂમિકા ચાવીરૂપ છે.
નૂતન વર્ષે જંગદંબાનું સ્મરણ કરીને પરિશ્રમ તથા પવિત્ર આચરણનો સંકલ્પ કરવાની આ સોનેરી તક છે. એકબીજાને પૂરક થઇને સર્વાંગી વિકાસ સાધવાની આ વેળા છે. ઉજળા સમયને વધાવી લઇએ. ક્ષતિઓનું સભાનતાપૂર્વક નિવારણ કરીએ. શિક્ષણ તેમજ સંસ્કાર એ બન્ને દિશામાં ઉન્નતિ કરીએ. બહેનો – દિકરીઓ આવા ભગીરથ પ્રયાસનું નેતૃત્વ કરી શકે તેમ છે. ઉદાર તથા ઉમદા વિચારોને દ્રઢ કરવા માટે તેમજ બહેનો – દિકરીઓની શક્તિને બીરદાવવા માટે સીજીયુસીઓનો આ પ્રેરક પ્રયાસ છે.
શિવાસ્તે પન્થા:
ધનતેરસ-૨૦૧૬.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment