: વાટે…. ઘાટે…. : મદ ના કર મનમેં મિથ્યા ધનમેં જોર બદનમે જોબનમે :

લોકસાહિત્યના આજીવન ઉપાસક અને ભાતીગળ કથા-કાવ્યોના સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી હમેશા એ વાતની ચિંતા કરતા કે વાત માંડનારા – વાર્તા કરનારા કસબીઓ ઓછા થતા જાય છે. મેઘાણીભાઇની ચિંતા સકારણ હતી. સમગ્ર શ્રોતાગણને પોતાની કહેણીની શૈલીથી ઝકડી રાખે તેવા મેઘાણંદબાપા જેવા વાર્તાકારો શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. આથી આ ચિંતાની વાત તથા પોતાની લાગણી વ્યકત કરતા તેઓ પોતાના કવિ મિત્ર દુલાભાઇ કાગને કહે છેઃ

‘‘વાર્તા કહેનારાઓ જયારે લુપ્ત થતા જાય છે તેવા આ સમયમાં તમે જે જે ભાઇઓ અસલી પાતાળફૂટ કંઠ ધરાવો છો તો એ કળા સાચવો અને વિશેષ ખીલે તેમ કરો’’ કવિ શ્રી કાગે તરતજ આ વાતનો જવાબ આપતા મેઘાણીભાઇને કહયું : 

‘‘વાર્તાકારની તો શી વાત કહું ? વાર્તા તો કરી જાણી માઇના એક પૂત પિંગળશીભાઇએ !’’ (પિંગળશીભાઇ નરેલા ભાવનગરના રાજયકવિ) વાતને લંબાવતા ભગતબાપુ (કવિ કાગ) કહે છે:  ગમે તેટલા મોટા કે નાના સમૂહ સમક્ષ, નજરને ધરતી પર સ્થિર કરી, ઊંચું કે આગળ પાછળ જોયા સિવાય એક અવધૂતની માફક વાગ્ધારા પિંગળશીબાપુ વહેતી મૂકતા. એ સર્જક-વાર્તાકારનું પૌરુષરૂપ કદી વિસરાશે નહિ.’’ કવિઓના કવિ અને સર્જકોના પણ વડેરા સર્જક એવા રાજયકવિ પિંગળશીભાઇના અવસાન (માર્ચ-૧૯૩૯) સમયે મેઘાણીભાઇએ પિંગળશીભાઇની ચિરવિદાય એટલે જાણે ગરવાનું ટૂક તૂટી પડ્યું હોય તેવી વ્યથા-લાગણીનો અનુભવ કર્યો અને જન્મભૂમિ તથા ફૂલછાબમાં તેની નોંધ કરી. કવિ શ્રી કાગે અનેક સાહિત્યપ્રેમી લોકોની લાગણીને શબ્દદેહ આપ્યો. 

સઘળે સ્થાનકે દીઠો

પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો

મહારાજાઓને ડાયરે ડાયરે

સાચું સંભળાવતો મેં દીઠો

ઝૂંપડીઓની વણીને વેદના

ગીતમાં ગાતો મેં દીઠો…

ભકતોના પાતળીઆ તંબુરના

તારમાં, છેવટ સમાતો મેં દીઠો,

કૃષ્ણના હાથમાં સોંપી

હરદાનને, હોડી હંકારતો

મેં દીઠો….પિંગળશીને….

ડેલીએ બેઠો અડિખમ

ડુંગરો, દેતાં દેતાં મેં દીઠો…

સઘળે સ્થાનકે દીઠો.

કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે   ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં ઓકટોબર-૧૯૫૬ માં થયેલો. તેમના પિતા શ્રી પાતાભાઇ નરેલા પણ ભાવનગર રાજ્યના સુપ્રસિધ્ધ કવિ હતા. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે ભક્તિનો જે દોર નરસિંહ, મીરાં, ભોજલરામ ધીરા તથા દયારામની રચનાઓમાં વણાયેલો હતો એજ દોરમાં પરોવાયેલા હોય તેવા કાવ્યો પિંગળશીભાઇના છે. ઉપરાંત તેઓ પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા તેનું સંભારણું પણ સ્વાનુભવેજ ચંદ્રવદન મહેતાએ લખેલું છે. પિંગળશીભાઇની કવિતાઓ શબ્દાડંબર વાળી નહિ પરંતુ મહદ અંશે સરળ ભાષામાં લખાયેલી હતી. કાવ્યની સરળતા તથા વિષય વૈવિધ્યતાને કારણે તેમની ઘણી રચનાઓ લોકપ્રિય થઇ છે. આવી રચનાઓ પાઠ્ય પુસ્તકોના માધ્યમથી આવતી પેઢી સુધી પહોંચી છે.

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ? 

મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ? 

દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ? 

સુકાયા મોલ  સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ? 

વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ? 

જગતમાં કોઇ નવજાણે જનેતાના જણ્યાથી શું ? 

સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ? 

મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ? 

ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઇને રળ્યાથી શું ? 

કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ? 

કવિ ખૂબ સરળ છતાં માર્મિક રીતે યોગ્ય સમયે કે સમયસર નિર્ણય કરવામાંજ માનવજીવનની યથાર્થતા છે તે તરફ ધ્યાન દોરે છે. ગંગાસતી પાનબાઇને કહે છે તેમ વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની સલાહ કવિશ્રીએ દાખલા – દલીલ સાથે આપી છે. જો સમય ચૂકી જવાય તો કરેલા કાર્યનું મૂલ્ય કે મહત્વ રહેતું નથી. જીવતર જીવવામાં જો સહાનુભૂતિ કે સંવેદનાને બદલે સંઘર્ષ કે પરપિડન વૃત્તિને તાબે થઇને જીવન વ્યતિત કર્યું હોય તો પછી કાશીની યાત્રા કરવી નિરર્થક છે. મધ્યયુગના કવિઓની જેમ કવિ પિંગળશીભાઇએ કથની નહિ પરંતુ કરણી ઉપર વિશેષ ભાર મૂક્યો છે. કવિનો પોતાનો આવકાર પણ ખૂબ ઉજળો હતો. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ ભાવનગરની ડેલી (કવિનું રહેવાનું મકાન) કદી સુની જોવા મળતી ન હતી. કવિ હમેશા મહેમાનોની વચ્ચેજ જીવતા હતા, શોભતા હતા. કવિએ ઉજળા જીવતર તેમજ સમયના મહત્વની વાત સહેલાઇથી ગળે ઉતરે તેવા દ્રષ્ટાંતો આપીને આ કાવ્યમાં કરી છે. કવિની આ એક લોકપ્રિય રચનાઓ પૈકીની રચના છે અને આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ તેને સમાવી લેવામાં આવી છે. 

ભાવનગરના છેલ્લા અને સુવિખ્યાત રાજવી કૃષ્ણકુમારસિંહજીના પુત્ર ર્ડા.વીરભદ્રસિંહજીએ લખ્યું છે કે કવિ પિંગળશીભાઇ જેવી કહેણી ભવિષ્યમાં સાંભળવા મળે તેમ લાગતું નથી કાવ્યત્વ અને કહેણીનો અનુપમ સંગમ કવિશ્રીના વ્યકિતત્વને શોભાવતો હતો. તેઓ રાજય અને પ્રજા બંન્નેનું હિત પારખીને સલાહ આપનારા નિડર અને સત્યવકતા માનવ હતા. 

કવિ પિંગળશીભાઇને શ્રધ્ધાંજલિ આપતા શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે કવિ ‘સર્જનશક્તિનો પુંજ’ હતા. આઠ દાયકાથી પણ વિશેષ જીવનમાં કવિ પિંગળશીભાઇએ સાહિત્યમાં કદી વિસ્મૃત ન થાય તેવું પ્રદાન કરેલું છે. શ્રોતાસમૂહને કવિની કહેણીના પ્રભાવમાં રસતરબોળ થતો અનેક સમકાલિન સાહિત્યકારોએ જોયેલો છે. મહાકવિ નાનાલાલે કવિ પિંગળશીભાઇને ભાવનગર મહારાજાના મુગટના એક અમૂલ્ય હીરા તરીકે ઓળખાવ્યા છે તે યથાર્થ છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑