: વાટે….ઘાટે…. : બયાને સાદગી સુનલો : ભલે ભૂપાલ ભગવત કી :

ગોંડલ રાજ્યના લોકોને જાણકારી હતી કે તેમના રાજવી બે ઘોડાની બગીમાં નગરયાત્રાએ નીકળતા હતા. પોતાના શાસનકાળમાં આ રાજવીને મોટરકારોની કમી ન હતી. પરંતુ ખુલ્લી બગીમાંથી ખુલ્લી આંખે નગરની દરેક બાબતનું વિશેષ સ્પષ્ટ દર્શન થઇ શકે. બગીની ઝડપ પણ કારના પ્રમાણમાં ઓછી હોય તેથી જે બાબતો જુએ તેની સુરેખ છાપ મનમાં નોંધી શકાય તેવી પણ આ વિચક્ષણ રાજવીની માન્યતા હશે. આ સંદર્ભમાં નોંધાયેલી એક ઘટના શાસકની ન્યાયપ્રિયતા તથા કાનૂનની મર્યાદામાં રહીને વર્તન કરવાની રૂડી રીતભાતનો પરિચય આપે છે. જાહેર રસ્તાઓ પર થતા નાના મોટા અકસ્માતો એ રોજિંદી ઘટના છે પરંતુ ગોંડલ તથા ભગવતસિંહજીના સંદર્ભમાં નોંધાયેલી આ હકીકત વિશેષ છે. મહારાજાની બગી તેની સામાન્ય ઝડપે એક વળાંકવાળા રસ્તા પર જતી હતી. તે સમયેજ સામેથી આવતી એક ટ્રક મહારાજાની બગી સાથે અથડાઇ. ટ્રકની તાકાતને કારણે બગી ઊથલી પડી. બગી સાથે જોડવામાં આવેલા બન્ને ઘોડા પણ ઇજાગ્રસ્ત થયા. આ પ્રસંગે રાજવીએ પોતાની સ્વસ્થતા સહેજ પણ ગુમાવી નહિ. રાજવીના મુખ પર કે શબ્દોમાં પણ કોઇ ક્રોધની અભિવ્યક્તિ ન થઇ. રાજવી માટે બીજી બગીની વ્યવસ્થા તરતજ કરવામાં આવી. ભગવતસિંહજી તે બગીમાં બેસીને સ્વાભાવિક ક્રમમાંજ પોતાના કામના આગળના ક્રમમાં પરોવાયા. પરંતુ રાજ્યના તંત્રને આવી ઘટના કેવી રીતે ગળે ઉતરી શકે ? મહારાજાની બગીને ટક્કર મારનાર ડ્રાઇવરે તો સજા ભોગવવીજ રહી તેવી તંત્રની માન્યતા સહજ હતી. ડ્રાઇવરને વિના વિલંબે પકડી લેવામાં આવ્યો. મહારાજા સમક્ષ બીજા દિવસે દરબારમાં તેને રજૂ કરવામાં આવ્યો. ડ્રાઇવર સ્વાભાવિક રીતેજ ડરના કારણે ધ્રૂજતો હતો. રાજવીએ નિર્ણય સંભળાવતાં કહ્યું : ‘‘અકસ્માત થયો તેમાં દોષ ટ્રક ડ્રાઇવરનો નથી. તે તો રાઇટ સાઇડ પર જ હતો. અમારી બગી રોંગ સાઇડે હતી. તેને છોડી મૂકો.’’ ગોંડલના નરેશનું આ વલણ તેમના વહીવટમાં ન્યાયપ્રિયતાના ઉચ્ચ ધોરણોનું જ્વલંત ઉદાહરણ આપે છે. શાસનમાં હોય તે લોકો જો કાયદાની વ્યવસ્થા મજબૂત તથા છીંડા વગરની બનાવવા માગતા હોય તો તેની શરૂઆત ઉપરથી થાય તે વિશેષ અસરકારક બને છે. આપણાં સ્વતંત્ર દેશમાં અને લોકશાહી વ્યવસ્થામાં આજે પણ ‘વી.આઇ.પી. કલ્ચર’ સતત નજરે ચડે છે ત્યારે ગોંડલની આ ઘટના એક અનોખા ગૌરવની પ્રતિતિ કરાવે તેવી છે.    

સામાન્ય રીતે જનતા એવા શાસકો તરફ વિશેષ સ્નેહ તથા આદર ધરાવે છે કે જેઓના જીવનમાં સાદગી સ્પષ્ટ રીતે જોઇ શકાતી હોય. સાદગીભર્યા તથા કર્મઠ જીવનના એક આદર્શરૂપ રાજવી ભગવતસિંહજી (ગોંડલ) હતા. આવા શાસકોનું વર્તન પણ જ્યારે એક સામાન્ય તથા જાગૃત નાગરિક જેવું હોય ત્યારે તેમાં સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગે છે. કાયદાના પાલનની ગંભીરતા જો સત્તાસ્થાને બેઠેલા લોકો સમજતા હોય અને તે મુજબ પોતાનો વ્યવહાર ગોઠવતા હોય તો તે પ્રદેશ કે રાજ્યમાં કાનૂનના પાલન અંગે એક માહોલ ઊભો થાય છે. આજે પણ વિશ્વના કેટલાક વિકસિત દેશો કે જ્યાં લોકશાહી વ્યવસ્થા દ્રઢ બનેલી છે અને સમાજ પોતાના હક્કો તેમજ ફરજો બાબત જાગૃત છે ત્યાં સુશાસનનો અનુભવ મહદ્દ અંશે થાય છે. ઉપર જે ઘટનાની વિગતો આપી છે તેમાં ગોંડલ નરેશની નમ્રતા તથા કાયદાના પાલનમાં કોઇ ભેદભાવ ન હોય તેવી મજબૂત વિચારધારાનું દર્શન થાય છે. કાયદાના પાલનમાં કૂશળ નેતૃત્વ તથા તેવોજ જાગૃત સમાજ મળીને સ્વરાજ્યનું પરિવર્તન સુરાજ્યમાં કરી શકે છે. મહારાજા ભગવતસિંહજીનું પાવક સ્મરણ ઓક્ટોબરમાં અનેક લોકોને વિશેષ થાય છે. કારણ કે આ દીર્ઘદ્રષ્ટા રાજવીનો જન્મ ૧૮૬૫ ની ર૪મી ઓક્ટોબરે ધોરાજીમાં થયો હતો. પિતા સંગ્રામજી અભ્યાસુ તથા વીરને છાજે તેવા તમામ લક્ષણો ધરાવતા હતા. રાજવી ભગવતસિંહજીના માતા અખંડ આસ્થાની મૂર્તિ સમાન હતા. આથી ભગવતસિંહજીને વીરતા તથા સાધુતા વારસામાં મળ્યા હતા. ભગવતસિંહજી ચાર વર્ષના બાળક હતા ત્યારેજ પિતા મહારાજ સંગ્રામસિંહજીનું અવસાન થયું. અઢાર વર્ષના યુવાન ભગવતસિંહજીને ગોંડલ રાજ્યનો કારોબાર ૧૮૮૪ ના ઓગસ્ટ મહિનામાં સોંપવામાં આવ્યો. દેશ આઝાદ થયો તે પૂર્વે માર્ચ-૧૯૪૪ માં ભગવતસિંહજી અપાર કીર્તિને વરીને પરમધામમાં સીધાવ્યા. લગાતાર છ દાયકા સુધી એક વિશાળ જનમતની નિરંતર પ્રશંસા તથા સ્નેહાદર કોઇ શાસક મેળવી શકે તે ઇતિહાસમાં ભાગ્યેજ જોવા મળે તેવી ભાતીગળ ઘટના છે.

ગુજરાતીઓ ખરા અર્થમાં ‘સાગરજાયા’ છે. વિશ્વના અનેક દેશોમાં ગુજરાતીઓ દરીયો પાર કરીને ગયા છે. આજ રીતે ગુજરાતના અનેક રાજવીઓએ પણ વિદેશોના વ્યાપક પ્રવાસ કરેલા છે. મોટાભાગે રાજવી નબીરાઓએ પોતાની સંપત્તિના જોરે વિદેશોમાં જઇને મોજમજા કરી છે. ઉપરાંત પોતાના વ્યક્તિગત અહમને સંતોષ આપેલો છે. આ બાબતમાં પણ મહારાજ ભગવતસિંહજી અન્ય રાજવીઓથી અલગ તથા મુઠ્ઠી ઊંચેરા જણાય છે. ઠાકોર સાહેબના આવા વિદેશ પ્રવાસોનો લાભ ગોંડલના વિકાસને મળે તેવી તેમની ખેવના તથા અભ્યાસુ દ્રષ્ટિ હતી. પ્રજાની સુખસુવિધાઓ વધારવા માટે અને નવી વ્યવસ્થા ઊભી કરવા માટેના આ પ્રયાસો ગોંડલના વહીવટની ઉજળી બાજુનું દર્શન કરાવે છે. આથી રાજવીના વિદેશ પ્રવાસો થકી રાજ્યના નાણાંનો સહેજ પણ દુર્વ્યય ન થાય તેની કાળજી એ ભગવતસિંહજીના સ્વભાવમાં વણાયેલી બાબત હતી. 

રાજ્યશાસ્ત્ર તેમજ કલ્યાણ રાજ્યના અભ્યાસુઓ માટે ભગવતસિંહજીનો રાજ્યકાળ હમેશા રસનો વિષય રહેશે તે નિઃશંક છે. સંવેદનશીલ, કરકસરયુક્ત તથા પ્રજા કલ્યાણને કેન્દ્રમાં રાખીને ઠાકોર સાહેબે વહીવટી માળખું ગોઠવ્યું હતું. મહારાજા ભગવતસિંહજીના આ ઉજળા શાસનકાળની સ્મૃતિ સદાકાળ પ્રેરણારૂપ બને તેવી સમૃધ્ધ તથા ઉજ્વળ છે. ભગવતસિંહજીના રાજ્ય સંબંધે પ્રજાની સાર્વત્રિક લાગણી નીચેના શબ્દોમાં વ્યક્ત થાય છે. 

બયાને સાદગી સુનલો

ભલે ભૂપાલ ભગવત કી,

કે દેખા સાદી પઘડી મેં

નિરાલા રંગ ગોંડલ કા.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑