: વાટે….ઘાટે…. : દીપોત્સવના પર્વમાં તેજોમય દીપ સમાન મહર્ષિ દયાનંદની અનંતયાત્રા :

દીવાળીના શુભ દિવસે મહર્ષિ દયાનંદની ચિર વિદાયથી દેશના અનેક લોકો દિગમુઢ થયા હતા. ગુજરાતની ધરતી પર જન્મ ધારણ કરનાર આ વીર સન્યાસીની સિંહ હાકથી દેશના અનેક ભાગોમાં નવ જાગૃતિની લહેર પ્રગટ થઇ હતી. ધર્મ કે સંપ્રદાયના નામે ઢોંગ આચરીને અનેક નિર્દોષ ભાવિકોનું શોષણ કરનારો વર્ગ સ્વામી દયાનંદના તેજોમય વ્યક્તિત્વ તથા તર્કશુધ્ધ વાણીથી ભયભીત થયો હતો. સ્વામીજી છ દાયકાથી પણ ઓછું જીવન જીવ્યા – પરંતુ પોતાની ચિરકાળ છાપ છોડીને ગયા.  કોઇ પ્રાચીન સમયમાં નહિ પરંતુ પ્રમાણમાં નજીકના ભૂતકાળમાં આપણાં દેશમાં થયેલા બે સન્યાસીઓએ પોતાના ભગવા વસ્ત્રો ખરા અર્થમાં ઉજાળ્યા છે. આ બે સન્યાસીઓમાં સ્વામી દયાનંદ તથા કર્મઠ સન્યાસી વિવેકાનંદનો ઉલ્લેખ વિના સંકોચે કરી શકાય તેવો છે. સ્વામી દયાનંદનો જન્મ ઇ.સ. ૧૮૨૫ ના ફેબ્રુઆરી માસમાં મોરબી રાજ્યના ટંકારા નામના ગામમાં થયો. ૧૮૮૩ના ઓક્ટોબર માસમાં દીપોત્સવ –દીપાવલીના પર્વના દિવસે આ તેજોમય દીપનો પ્રકાશ અનંતમાં ભળી થયો. સમાજમાં નવ જાગૃતિનો શંખ ફૂંકનાર આ સન્યાસી સમાજને જાગૃત કરીને સીધાવી ગયા. પોતાના કાળના સમર્થ વિચારક તથા સાધક ઋષિ તરફ અનેક લોકો અંતરથી ધન્યતાનો – આભારવશતાનો અનુભવ કરે છે. 

ધન્ય હૈ તુજકો ઐ રિષિ,

તુને હમે જગા દીયા,

સો સો કે લૂટ રહેથે હમ,

તુને હમે બચા લીયા,

અંધોકો આંખે મીલ ગઇ,

મુરદોમેં જાન આ ગઇ,

જાદુસા ક્યા ચલા દીયા,

અમૃતસા ક્યા પીલા દીયા.

સ્વામી આનંદે લખ્યું છે કે સન્યાસીને સમાજ પાસેથી ફક્ત ‘‘દો રોટી ઔર એક લંગોટી’’ મેળવવાનો હક્ક છે. પરંતુ સ્વામીદાદા કહે છે કે સાધુએ સમાજ પાસેથી આટલુંજ ગ્રાહણ કરીને સહસ્ત્રગણું સમાજને પરત આપવાનું હોય છે. સ્વામીદાદા કહે છે તેવા અનેક જ્યોતીર્ધર સન્યાસીઓ પોતાના અમૂલ્ય પ્રદાન દ્વારા ઇતિહાસમાં અમર થયા છે. સન્યાસીના બાહ્ય પહેરવેશ થકી નહિ પરંતુ તેના આચરણ થકી સમાજે તેને સ્નેહ તથા આદર અઢળક માત્રામાં પૂરા પાડેલા છે. ભીક્ષુ અખંડાનંદ જેવા સંતે સમાજમાં ઉત્તમ પ્રકારના પુસ્તકોની ઉપલબ્ધી સામાન્ય લોકોને પણ પરવડે તેવી કિમ્મતે થાય તેની ચિંતા આજીવન કરી. આ હેતુ પાર પાડવા માટે ટ્રસ્ટની રચના કરીને એક ચોક્કસ વ્યવસ્થા પણ ઊભી કરી. આવી પ્રવૃત્તિમાં ભીક્ષુ અખંડાનંદજીને પ્રભુની પ્રસન્નતાની અનુભૂતિ થઇ શકતી હતી. પૂજ્ય મોટાએ મઠ-મંદિરોના બદલે બાળકો અભ્યાસ કરી શકે તે માટે શાળાઓના ઓરડા બાંધવાની ચિંતા કરી. તેમને આ કાર્યમાં ઉત્તમ પ્રકારની પ્રભુ ભક્તિનો અનુભવ થયો. મુની સંતબાલજીને પણ માનવ સેવાના કાર્યોમાંજ ઇશ્વરની આરાધનાનો પદરવ સંભળાયો. સંતોની આવી ઉજળી પરંપરાના એક અગ્રજ સમાન સ્વામી દયાનંદ હતા. અનેક પ્રકારની અંધશ્રધ્ધાઓમાં ઘેરાયેલા સમાજને તંદ્રામાંથી બહાર લાવીને જાગૃતિના માર્ગે દોરી જવાનો મહર્ષિ દયાનંદનો પ્રયાસ હતો. ધર્મના નામે ધતીંગ ચલાવનારાઓ અનેક સ્વાર્થી લોકોની ધમકીઓ તથા પડકારોનો સમાનો આ વીર સન્યાસીએ સામી છાતીએ કર્યો હતો. એકથી વધારે વખત સ્વામીજીની હત્યા કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. જગતનું હિત સાધવા માટેજ જાણે કે આ ખુદાના ફરીશ્તાઓએ જગતમાં નિર્ભયતાથી વિચરણ કરીને લોકહીતના અગણિત કાર્યો દ્રઢતાપૂર્વક કર્યા હતા. જગતનું કલ્યાણ નજર સામે રાખીને આપણા સંતો જે માર્ગે ચાલ્યા તે વીરતાનો માર્ગ હતો. ભીરુ કે અધૂરીયા લોકો સંતોના નિર્ભયતાના માર્ગે ડગલા માંડી શકતા નથી. હરિનું કાર્ય કરવાની પહેલી શરત એ નિર્ભયતા તેમજ વીરતાની છે. ભક્તિ અને વૈરાગ્યના ઊંડા સંસ્કારોવાળા કવિ પ્રીતમદાસના શબ્દો આ સંદર્ભમાં યાદી આવે તેવા અર્થસભર છે. 

હરિનો મારગ છે શૂરાનો,

નહિ કાયરનું કામ જોને

પરથમ પહેલું મસ્તક મૂકી

વળતી લેવું નામ જોને

માથા સાટે મોંઘી વસ્તુ

સાંપડવી નહિ સ્હેલ જોને

મહાપદ પામ્યા તે મરજીવા

મૂકી મનનો મેલ જોને.

સ્વામી દયાનંદ બાળપણથીજ જીજ્ઞાસુ વૃત્તિ ધરાવનારા એક વિચારશીલ વ્યક્તિ હતા. તેમનું નામ મૂળશંકર હતું. માતા પિતાના સંસ્કાર તથા પોતાના ઘરના માહોલને કારણે તેઓ શિવરાત્રીના પર્વે નિરાહાર રહ્યા અને પ્રભુપ્રાપ્તિ માટે રાત્રિનું જાગરણ પણ તેમણે કર્યું. અન્ય સાધકો જ્યારે નિંદ્રાધિન થયા ત્યારે કિશોર મૂળશંકર પ્રયત્નપૂર્વક જાગતો રહ્યો. બાળવયની આવી નિષ્ઠાપૂર્વકની આરાધનામાં શ્રધ્ધા તથા ભક્તિનો સમન્વય થયેલો હતો. પરંતુ રાત્રિના શાંત સમયે શિવલિંગ પર દોડાદોડી કરતા ઉંદરોને જોઇને કિશોર મૂળશંકરના મનમાં અનેક પ્રશ્નો થયા. વિચારોના વાવાઝોડાથી બાળકનું મન ઘેરાવા લાગ્યું. આવી બાળ સહજ ઉત્સુક્તા તથા પ્રશ્નો થવા તે સ્વાભાવિક પણ છે. શક્તિશાળી દેવ મહાદેવના લિંગ પર ઉંદરોની આવી આવી ગુસ્તાખી કેમ થઇ શકે તેનો કોઇ પ્રતિતિકર જવાબ બાળકને કોઇ પાસેથી મળ્યો નહિ. આ રીતે સંસારમાં બનતા અન્ય પ્રસંગો જેવા કે નાની ઉમ્મરની બહેનનું મૃત્યુ કે પોતાને પ્રિય એવા કાકાનું મૃત્યુ જેવા પ્રસંગો જોઇને પણ મૂળશંકર વ્યથિત થયા. તેમને થયેલા પ્રશ્નો કે તેમણે અનુભવેલી સમસ્યાઓનું સમાધાન જાતેજ શોધવા માટે મૂળશંકરે નિર્ણય કર્યો. આ હેતુ માટે ગ્રહત્યાગ કરી સંસારના બંધનોથી મુક્ત થવું તેમને જરૂરી લાગ્યું. મુક્તિના આવા અજાણ્યા તથા જોખમી માર્ગે ડગ ભરતા મૂળશંકરને સાંસારીક મોહ-મમતા નડી શક્યા નહિ. 

સ્વામીજીએ સમાજ નિર્માણનું કાર્ય કોઇ વ્યક્તિ આધારીત ન રહે અને આ કાર્યમાં સાતત્ય જળવાય તે હેતુથી આર્યસમાજની સ્થાપના એપ્રિલ-૧૮૭૫ માં કરી. સ્વામીજી આજીવન વિચારોના બંધિયારપણાના વિરોધી રહ્યાં. રાષ્ટ્રીય કેળવણીના પ્રચાર-પ્રસાર માટે સ્વામીજીએ શૈક્ષણિક સંસ્થાઓ – ગુરુકુળની સ્થાપના કરીને રાષ્ટ્રીય કેળવણીના કાર્યમાં પોતાનો સિંહફાળો આપ્યો હતો. એક તેજસ્વી દીપનો અકાળ અસ્ત દીપોત્સવીના તહેવારના દિવસેજ થયો તે ઘટના આજે પણ ગ્લાની ઉપજાવનારી લાગે છે. મહર્ષિ દયાનંદની પ્રતિભા તથા વીરવાણી દરેક કાળમાં પ્રાસંગિક તથા માર્ગદર્શક બને તેવી છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑