દુર્ગાપુજાના પવિત્ર દિવસોમાં હજારીબાગ જેલની ઊંચી તથા તોતીંગ દીવાલો સામે કેટલાક કેદીઓ વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોતા હતા. લગભગ ૧૭૦૦ ફૂટની ઊંચાઇએ આવેલી તથા આસપાસ ગાઢ જંગલથી ઘેરાયેલી આ જેલ બ્રિટીશ સત્તાધિશોના મતે ‘‘સેઇફ’’ હતી. અહીંથી કોઇ કેદી ભાગી શકે તે અશક્યવત્ હતું. પરંતુ જયપ્રકાશ નામધારી એક સ્વાતંત્ર્ય સેનાની જેઓ જેલમાં હતા તે તથા તેમના સાથીઓ જૂદી માટીના બનેલા લડવૈયાઓ હતા. ગાંધીજીએ આપેલો ‘હિન્દ છોડો’ નો લલકાર તથા ૧૯૪૨ નો આ ઐતિહાસિક સમય હતો. દેશમાં ગાંધીજીના લલકારથી એક નવી ચેતનાનો પ્રાણ ફૂંકાયો હતો. જયપ્રકાશ નારાયણના મનોચક્ષુ સામે દેશની આ સ્થિતિ જેમ જેમ સ્પષ્ટ થતી જતી હતી તેમ તેમ તેમના અંતરની પ્રસન્નતા વધતી જતી હતી. પરંતુ એક બાબત જયપ્રકાશને સતત ખૂંચતી હતી. દેશમાં જ્યારે આવી ભવ્ય જાગૃતિ તથા સંઘર્ષનો કાળ હોય ત્યારે તેમણે અંગ્રેજોની કહેવાતી સેઇફ જેલમાં પડ્યા રહેવાનું ? મુક્તિના મહાસંઘર્ષની આ ઐતિહાસિક ક્ષણે અંતરાત્મા કંઇક કરી છૂટવાની પ્રેરણા આપતો હતો. આથીજ જેલની દીવાલોને મહાત કરી નાસી છૂટવાના પ્રયાસો જયપ્રકાશ એકચિત્તે વિચારતા હતા. વિચારણાના અંતે નિર્ણય થયો. નિર્ણય ઘણો જોખમી અને પડકારરૂપ હતો. પરંતુ જયપ્રકાશ તો મોતને પણ હંફાવનારા હતા. ૧૯૪૨ના દિવાળીની ઉજવણીના દિવસોમાંજ જયપ્રકાશ તેમના થોડા ચૂનંદા સાથીઓ સાથે સેઇફ ગણાતી જેઇલની તોતીંગ દીવાલો આયોજન તથા યુક્તિપૂર્વક કૂદીને મુક્તિનો શ્વાસ લઇ શકાય તેવા વિશાળ જગતમાં ગરકાવ થઇ ગયા. મુક્તિની આ યાત્રા અત્યંત કષ્ટદાયક હતી પરંતુ ‘સ્વયં સ્વીકૃતમ્’ કાર્યના આ મહાન નાયક ઝંઝાવાતને પી જનારા હતા. સમગ્ર દેશના અગણિત યુવાનોમાં આ સમાચારથી વીજળીનો સંચાર થયો. હિન્દ છોડો આંદોલનને નવું બળ મળ્યું. દેશના યુવાનોને એક વીરોચીત ઉદાહરણ મળ્યું. જયપ્રકાશ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અસંખ્ય યુવાનોના પ્રિય આદર્શ બનીને જીવ્યા હતા. જયપ્રકાશની ખુલ્લી અને સ્પષ્ટ વિચારધારા તેમજ વીરતાના ગુણોએ દેશની જનતા પર ભૂરકી છાંટેલી હતી.
દેશની આઝાદી મેળવવા માટેના મહાસંગ્રામના કેટલાક સેનાનીઓ એવા પણ હતા કે સ્વતંત્રતા મળ્યા બાદ રાજકીય સત્તાનો ભાગ બનવાનું તેમણે કદી સ્વીકાર્યું નહિં. કોઇ પદ કે હોદ્દાની તક સામેથી તેમના દ્વારે આવી ત્યારે પણ તેમણે દ્રઢતાપૂર્વક તેનો અસ્વીકાર કર્યો અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. ગાંધીજીના આ અનુયાઇઓ કે સહકાર્યકરોએ ચોકકસ સિધ્ધાંતોનું પાલન કરીને આજીવન સમાજનું માર્ગદર્શન કર્યું અને જરૂર પડી ત્યારે તે માટે સંઘર્ષ પણ કર્યો. રાજનીતિ કરતા લોકનીતિ તેમને પરિવર્તન માટેનું વિશેષ અસરકારક સાધન જણાયું. શ્રી જયપ્રકાશ નારાયણ આવા મહામાનવો પૈકીના એક હતા. ૧૧ ઓકટોમ્બર ૧૯૦૨ના દિવસે બિહારમાં જન્મ લેનાર આ નેતાએ ખરા અર્થમાં દેશનું નેતૃત્વ લગભગ પાંચ દાયકા સુધી કર્યું. મધ્યમવર્ગી કાયસ્થ કુંટુંબમાં જન્મેલા જયપ્રકાશની કેળવણીના અગત્યના વર્ષો અમેરિકામાં ગયા અને ત્યાં જ તેઓ માકર્સવાદની અસર નીચે આવ્યા. ૧૯૨૨ થી ૧૯૨૯ સુધીના વિદેશના અભ્યાસકાળ દરમિયાન તેઓ અનુસ્નાતક થયા. અભ્યાસુ, કર્મઠ તથા ઝુઝારુ જયપ્રકાશનું હ્રદય દેશના કરોડો સામાન્ય લોકો તરફની અનુકંપાથી ભરેલું હતું. દાદા ધર્માધિકારી કહે છે તેમ જયપ્રકાશ એક એવા ગૃહસ્થ છે કે જેમનું હૃદય સંતનું છે.
ગાંધીજીના આજીવન તથા પૂર્ણ અનુયાઇ પ્રભાવતી ખરા પરંતુ જીવનના એક તબક્કે જે.પી. ગાંધી વિચારના આલોચક હતા. વિચારોનું બંધિયારપણું કે કોઇના વિચારોનું અંધ અનુકરણ એ જાણે જયપ્રકાશની પ્રકૃતિમાંજ ન હતું. ગાંધીજીના વ્યક્તિત્વ તરફ જેપીનું ખેંચાણ હતું. સુભાષબાબુની જેમ જેપી પણ એમ માનતા કે દેશમાં જે વ્યાપક લોક આંદોલન પ્રસરી શક્યું છે તેના મુળમાં ગાંધીજી છે. ગાંધીજીની લોકશક્તિની નાડ પારખવાની શક્તિથી જેપી પ્રભાવિત હતા. પરંતુ તેમ છતાં માકર્સવાદની ઊંડી છાપ જેપીના વિચારો પર એક તબક્કા સુધી સતત રહી હતી. આથી ગાંધીજીના અમુક વિચારો તેમને ઉપયોગી જણાતા ન હતા. તેઓ ગાંધીજીની આકરી આલોચના પણ વિચારભેદના કારણસર કરતા હતા. ગાંધીજીના રામરાજ્ય કે ટ્રસ્ટીશીપના સિધ્ધાંતોની જેપીએ આલોચના કરી હતી. જો કે સમય જતાં જયપ્રકાશના વિચારોનું પવિત્ર ઝરણું બાપુની બે કાંઠે જતી વિચારધારાની ભાગીરથીમાં ભળી ગયું હતું. ગાંધીજીના વ્યક્તિગત જીવનનું તેમને ભારે આકર્ષણ હતું. વિશાળ અને અસરકારક લોક આંદોલનના નિર્માણ માટેની ગાંધીજીની અમાપ શક્તિની જેપીને પ્રતિતિ થયેલી હતી. સમાજવાદ બાબતમાં પણ જેપી તથા તેમના સાથીઓને ગાંધીજી હમેશા કહેતા : ‘‘ તમે લોકો હજી જન્મ્યાયે નહોતા તે પહેલાથી હું સમાજવાદી છું. સમાજવાદ તો પોતાની જાતથી શરૂ થાય છે. સમાજવાદી પોતેજ સમાજવાદનો વ્યવહાર શરૂ કરે છે. સમાજવાદ કંઇ રાજ્યના કહેવાથી નહિ આવી શકે. ’’ સમગ્ર જનતાને ક્રાંતિના આકરા માર્ગે અહિંસક રસ્તે લઇ જવાની બાપુની કલ્પના ક્રાંતિકારીઓને પણ અદ્દભુત લાગતી હતી.
મહાત્મા ગાંધીએ એકવાર કહેલું કે સમાજવાદ વિશે જે જયપ્રકાશ નથી જાણતા તે આ દેશમાં બીજું કોઇ નથી જાણતું. ગાંધીજીએ એમ પણ લખ્યું કે જયપ્રકાશના કેટલાક મંતવ્યો સાથે તેઓ સંમત નથી પરંતુ તેમની અખૂટ દેશભકિત દરેક બાબતમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. નખશિખ માનવતાવાદી લોકનાયક જયપ્રકાશ નારાયણે પોતાના કાર્યોથી દેશના ગૌરવશાળી ઇતિહાસમાં એક અનોખું સ્થાન અને માન પ્રાપ્ત કર્યા છે. ગાંધીજી અને શાસ્ત્રીજી સાથે ઓકટોમ્બર માસમાં જયપ્રકાશજીનું સ્મરણ એક અનોખા આનંદ તેમજ ગૌરવની અનુભૂતિ કરાવે છે. જેપીના વીર વ્યક્તિત્વના સંદર્ભમાં રામધારીસિંહજી ‘દિનકરે’ લખેલા શબ્દો ફરી ફરી વાગોળવા ગમે તેવા છે.
કહેતે હૈં ઉસકો જયપ્રકાશ
જો નહિ મરણ સે ડરતા હૈ,
જ્વાલાકો બુઝતે દેખ કુંડ મેં
સ્વયં કૂદ જો પડતા હૈ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment