પ્રાર્થનાનો ક્રમ જીવનભર જાળવનાર ગઇ સદીના તથા આવનારી અગણિત સદીઓના મહામાનવે જીવનના છેલ્લા દિવસે પણ પ્રાર્થનાનો ક્રમ બરાબર જાળવ્યો. પોતે ઊઠ્યા અને મનુબહેનને પણ ઉઠાડ્યા. સવારના પહોરમાંજ મનુબહેનને મહાત્માની સૂચના મળી :
‘‘ આજે મારે થાકે ન થાકે છતાંયે હો માનવી ન લેજે વિસામો ’’ એ ભજન સાંભળવું છે. આપણાં ભજનો – સંતોની વાણીની અવિરત અમૃતધારામાં ગાંધી નામના આ યુગપુરુષને કેટલી શ્રધ્ધા હશે ! નિત્યક્રમમાં અસાધારણ નિયમિતતા જાણે એમનીજ. સવારના પહોરમાં બંગાળીનો પાઠ પણ કર્યો. જીવનમાં જેને નિરંતર નૂતન દર્શન કરવું હોય તેણે પોતાની વિદ્યાર્થીવૃત્તિને મરવા દેવી જોઇએ નહિ તેનો સંદેશ બાપુના આવા રૂટીનમાંથી સહેજે પ્રગટે છે. સાંજની પ્રાર્થના સભા પહેલા બાપુ સરદાર સાહેબ સાથે તન્મયતાથી વાતો કરતા હતા. આથી પ્રાર્થનામાં જવામાં થોડો વિલંબ થયો. આ વાતનો અણગમો પણ સ્પષ્ટ શબ્દોમાં ગાંધીજીએ વ્યક્ત કર્યો તેમ મનુબહેન પોતાની નોંધમાં ટપકાવે છે. આ મહાપુરુષના જીવનના છેલ્લા દિવસોની વ્યસ્તતા તથા વ્યગ્રતાની અસામાન્ય વાતો મનુબહેન ગાંધી થકી આપણે મેળવી શક્યા. મનુબહેનના આ લખાણોને મોરારજીભાઇએ ઉચિત રીતે બીરદાવ્યા છે. આ ભાતીગળ ક્ષણોના વિખરાયેલા ટપકાઓ મેળવતા એક વિરાટ પુરુષનું દર્શન થાય છે. બીજી ઓક્ટોબર-૧૮૬૯ ના દિવસે જગતમાં આવેલા ગાંધી ૩૦મી જાન્યુઆરી-૧૯૪૮ ના દિવસે મહાપ્રયાણ કરી ગયા. જો કે ગાંધી વિચાર સૂર્ય – ચંદ્રના પ્રકાશની જેમ આવનારા તમામ કાળમાં અનેક લોકોને માર્ગદર્શક અને પોષક બની રહેશે. કવિ જયંત પાઠકે ગાંધી અને તેમના વિચારોને સૃષ્ટિનું સનાતન રસાયણ કહ્યા છે તે કવિનું સત્ય દર્શન છે.
ગયા ગાંધી તમે !
ના, ના, તમે તો નવજીવન
કલેશથી કલાન્ત સૃષ્ટિનું
રસાયણ સનાતન.
ગાંધીજીના વિરાટ તથા ભાતીગળ વ્યક્તિત્વના અનેક પાસા હતા. ગાંધીજીને જેમણે હસતા જોયા નથી તેમણે ગાંધીજીને પૂરા ઓળખ્યા નથી તેવું પંડિત નહેરુજીનું કથન ગાંધી – વ્યક્તિત્વના હળવાશના પાસાનો નિર્દેશ કરે છે. જ્યારે તક મળે ત્યારે વિનોદ કરવાની વૃત્તિ પણ ગાંધીમાં પ્રબળ હતી. ૧૯૩૮ નો હરિપુરા કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારનો એક પ્રસંગ શ્રી અમૃતલાલ વેગડે આલેખ્યો છે. બાપુને શાંતિનિકેતનવાળા પ્રસિધ્ધ ચિત્રકાર નંદલાલ બસુ પ્રિય હતા. બાપુ નંદબાબુને સર્જનાત્મક કલાકાર ગણાવતા હતા. હરિપુરા આવવા માટે બાપુએ નંદબાબુને આગ્રહ કર્યો. નંદબાબુ સ્વસ્થ ન હતા છતાં ગાંધીજીના આગ્રહને કારણે આવ્યા. બાપુ તેમને આગ્રહ કરીને તિથલ (વલસાડ) લઇ ગયા. તિથલના દરિયાકાંઠે નંદબાબુ તેમના ચંપલ ઉતારીને ભીની તથા સુંવાળી રેતીના સ્પર્શની અનુભૂતિ કરતા દૂર સુધી ફરવા જતા રહ્યા. નંદબાબુ પાછા આવીને ચંપલને શોધે છે. તે સમયે તેઓ જુએ છે તો બાપુ તેમના ચંપલની જાગૃત ચોકીદારી કરતા ખડા છે ! નંદબાબુને પાછા આવેલા જોઇ બાપુએ એજ મુક્તહાસ્ય કરીને કહ્યું : ‘‘ હું જાણતો હતો કે આ તારાં ચંપલ છે. હું એમ ઇચ્છતો નહોતો કે કોઇ કૂતરું આવીને તારું એક ચંપલ લઇ જાય અને બીજું ચંપલ નિસાસા નાખતું પડ્યું રહે ! ’’ બાપુની વાત સાંભળી નંદબાબુ તાજુબ થઇ ગયા તથા આ ઘટના પછી કેટલાયે દિવસ ચંપલ પહેરી ન શક્યા. હરિપુરા અધિવેશનમાં પણ બાપુએ નંદબાબુને પોતાની કુટીર પાસેજ ઉતારો અપાવ્યો. બાપુના દર્શન કરવા આદિવાસી મહીલાઓનું એક ટોળું બાપુની કુટીરમાં આવ્યું. ગાંધીજીને વિનોદ સૂઝ્યો. એમણે મળવા આવેલી બહેનોને કહ્યું : ‘‘ જુઓ, સામે પેલી ઝૂંપડીમાં બંગાળના એક મોટા મહાત્મા ઉતરેલા છે. એમના દર્શન કરતા જજો. ’’ મહીલાઓ આશીર્વાદ લેવા માટે નંદલાલ બસુના ઉતારે ટોળે વળી. નંદબાબુની મુંઝવણનો પાર નહિ. તેઓ કંઇ સમજી પણ ન શક્યા. પાછળથી ગાંધીજીએ હસતા હસતા રહસ્યસ્ફોટ કર્યો ત્યારે બાપડા નંદબાબુને બાપુના આ કાવતરાની જાણ થઇ ! જો કે જન્મજાત કળાકાર નંદબાબુ જિજ્ઞાસારત તથા નિર્દોષ આદિવાસી મહીલાઓનું નયનરમ્ય ચિત્ર આ ઘટના પરથી બનાવી શક્યા હતા અને બંગાળી ભાષામાં બાપુના આ કાવતરાની વાત પણ લખી દીધી હતી. જીવનની રસિકતા તેમજ પવિત્રતા બન્નેને સમાંતરે ટકાવી રાખે તેવા બાપુ સર્વગુણ સંપન્ન હતા. શાયર શેખાદમ આબુવાલાએ આ વાત સુંદર શબ્દોમાં લખી છે.
નમ્રતામાં ચન્દ્ર તો
ગૌરવ મહીં સૂરજ હતો,
સ્નેહમાં સાગર હતો,
સંયમ મહીં પંકજ હતો.
એમ તો કંઇ કેટલી
ઉપમા તને આપી શકાય,
આટલું શું બસ નથી –
ઇન્સાનોમાં એકજ હતો !
ગાંધીજીના શબ્દોમાં સ્પષ્ટતા તથા ભાષામાં પ્રવાહી સરળતાના કારણે લોકોને સમજાવવી મુશ્કેલ જણાતી હોય તેવી વાત પણ સામાન્ય લોકો સુધી પહોંચી શકતી હતી. ગુજરાત સાહિત્ય પરિષદના યાદગાર અધિવેશનમાં કવિગુરુ ટાગોરની ઉપસ્થિતિ સમગ્ર સભાને એક અનેરુ ગૌરવ અપાવનારી બની રહી હતી. ટાગોરે અંગ્રેજીમાં પ્રવચન કર્યું. એકતો કવિગુરુની સાહિત્યકાર તરીકેની હીમાલય સમાન પ્રતિભા અને તેમાંયે સાહિત્ય પરિષદમાં તેમનું મનનીય વક્તવ્ય અંગ્રેજી ભાષામાં થયું એટલે ભાવકોએ માંગણી કરી : આ પ્રવચનનું ગુજરાતીમાં ભાષાંતર સંભળાવો. કવિગુરુની આ વાણીનું ભાષાંતર અશક્ય છે તેમ સાહિત્યકારોને લાગ્યું. આ પડકાર પણ કોશ ચલાવનાર કિસાનને સમજાય તેવું સરળ સાહિત્ય રચવાની હિમાયત કરનાર મહાત્માએ સ્વેચ્છાએ ઝીલી લીધો. ગાંધીજીએ પરિષદની સભામાં ટાગોરના પ્રવચનનો ગુજરાતી તરજુમો રજુ કર્યો. ગાંધીનું ભાષાંતર કવિગુરુના ભાવમય તથા ચિંતનયુક્ત શબ્દોને જનસામાન્યને સમજાય તેવી સરળ ભાષામાં રજૂ કરતું હતું. આ ઘટનાનો સંદર્ભ આપીને શ્રી ઝવેરચંદ મેઘાણી લખે છે કે તળપદી લોકવાણીના મજબૂત સહારે ગાંધી અશક્યને પણ શક્ય બનાવે છે. સાહિત્યમાં પણ ગાંધીગીરીના જ્વલંત દસ્તાવેજ સમાન આ ઘટના છે. કવિ શ્રી દુલા ભાયા કાગ જે મહામાનવને ‘‘ સો સો વાતું નો જાણનારો ’’ કહે છે તે સામાન્ય જનસમયુદાયની લાગણીને સમજનારો અને ‘‘ મેલાઘેલાંને માનનારો ’’ ખરેજ નોખી માટીનો માનવી હતો.
સો સો વાતુંનો જાણનારો
ગાંધી મારો ઝાઝી વાતુંનો ઝીલનારો
ભાંગ્યા હોય એનો ભેરુ થનારો
મેલાંઘેલાંને માનનારો
એ… ઉપર ઉજળાં ને મનના મેલાં
એવા ધોળાને નહિ ધીરનારો…
મોભી મારો સો સો વાતુંનો જાણનારો.
ચંપારણ (બિહાર)ની કુખ્યાત ‘તીન કઠિયા’ તરીકે ઓળખાતી પ્રથાની વિગત બાપુના ધ્યાનમાં આવી અને શોષણ સામે સંઘર્ષના મંડાણ થયા. ગાંધીજીના ચંપારણ આગમનથી કિસાનોમાં એક નવી આશાનો સંચાર થયો. ગોરા જમીન માલિકો તેનાથી ભય પામ્યા. ગાંધીજીની તાર્કીક તથા હકીકતબધ્ધ રજૂઆત થકી શ્રમિકોના શોષણની વાત સ્પષ્ટ થતી હતી. સાચી વાત માટે સ્થાનિક તંત્રનો ભય દૂર રાખીને સક્રિય પ્રતિકારના પાઠ રાજ્યના લોકસમૂહને મળ્યો. બિહાર જાગૃત થયું. સમગ્ર દેશ પણ આ નવી ગતિવિધિથી સચેત થયો. અન્યાયનો અહિંસક પ્રતિકાર થયો. ચંપારણના જંગ થકી સમગ્ર દેશને ગાંધી વિચારનો તેજસ્વી સૂર્યોદય થતો દેખાયો. સત્યાગ્રહની સાધનશુધ્ધિ તેમજ કોઇના પણ તરફ કડવાશ દેખાડ્યા સિવાય લડાયેલી આ લડતે ગાંધીજીને સમગ્ર દેશના શોષિતોના વહાલેશ્રી તરીકે સ્થાપી દીધા. શસ્ત્રો – દારૂગોળાની સહેજ પણ ખેવના કર્યા સિવાય પ્રેમ તથા અહિંસાના આયુધોથી વિજય મેળવવાના એક નવયુગનો ચંપારણથી આરંભ થયો. ‘‘આમ પણ થઇ શકે’’ તેવી વાત અનેક લોકોની સમજમાં ગાંધી વિચાર થકી ઉતરી. હથિયાર ધારણ કર્યા સિવાય પણ વિજય મેળવવાની એક નૂતન પ્રથાનો સૂર્યોદય ગાંધી વિચાર થકી જગતમાં ફેલાયો તથા ફેલાતો રહ્યો. કવિ ભૂદરજી લાલજી જોશીએ લખ્યું છે તેમ લાઠીનો માર ઝીલીને તથા રામનામનું રટણ કરીને આવું વિરોચીત કાર્ય ગાંધી સિવાય કોણ કરી શક્યું હોત ?
તોપ તલવાર નહિ
બંદૂક બારૂદ નહિ
હાથ હથિયાર નહિ
ખૂલ્લે શિર ફિરતે
વિકૃત વિજ્ઞાન નહિ,
બંબર વિમાન નહિ,
તરકટ તોફાન નહિ,
અહિંસા વ્રત વરતે.
ટેંકોકા ત્રાસ નહિ
ઝેરી ગિયાસ નહિ
લાઠીકા સહત માર
રામ રામ રટતે
ભૂદર ભનંત બીન શસ્ત્ર
ઇસ જમાનેમેં ગાંધી બીન
બસૂધામેં કૌન વિજય વરતે.
ગાંધીનું જીવન એક ભવ્ય તથા ઉજ્વળ અસફળતાની કહાની છે તેવું નારાયણ દેસાઇનું વિધાન વિચાર કરતા કરી મૂકે તેવું માર્મીક છે. એમ તો ઇસુ અને બુધ્ધના કરુણાના સંદેશને સાંભળ્યા પછી પણ જગત ક્યાં હિંસક ઘર્ષણોથી મુક્ત થઇ શક્યું છે ? ગાંધીનું જીવન એ સતત પ્રયોગશીલ જણાય છે. ઘણાં અસફળ પ્રયોગો પણ આખરી સફળતા તરફ દોરી જનારાબને છે. ગાંધીજીની જીવનયાત્રા અસફળ હોય તો પણ તે ગાંધીને માનવતાના ઉચ્ચ શિખરે લઇ ગઇ છે તેવું નારાયણ દેસાઇનું અવલોકન યથાર્થ છે. દક્ષિણ આફ્રિકાની કચડાયેલી અને અનેક પ્રકારના અન્યાય સહન કરીને મુંગી થયેલી પ્રજામાં ગાંધીએ ચેતનાનો નવસંચાર કર્યો. હિન્દુસ્તાનની પ્રજાના દિલો દિમાગમાં સત્ય – અહિંસા સાથેજ અભયનો દીપ પ્રગટાવ્યો. બાપુએ એક નવા ઇતિહાસનું સર્જન કર્યું. જગત આજે પણ તેનું સન્માન કરે છે. ગાંધીની વાતો કાળબાહ્ય થઇ નથી. વિશ્વમાં નેલ્સન મંડેલા જેવા અનેક દિગ્ગજોએ પ્રજાના સાર્વત્રિક તથા સદાકાળના કલ્યાણ માટે ગાંધી વિચારમાંથી પ્રેરણા લીધી છે. ગાંધી એ ખરા અર્થમાં ઇતિહાસના સર્જક હતા. બાપુએ આચાર્ય કૃપલાણીને આ બાબતમાં ઐતિહાસિક જવાબ પણ આપ્યો હતો ! કૃપલાણીએ કહેલું કે અહિંસા દ્વારા દેશ સ્વતંત્ર થયો હોય તેવો દાખલો ઇતિહાસમાં નોંધાયો નથી. ગાંધી કહે છે : ‘‘ તમે ઇતિહાસ શીખવનારા છો, હું ઇતિહાસ ઘડનારો છું. અહિંસક પ્રતિકારથી આપણે સ્વરાજ્ય મેળવીશું. પછી ઇતિહાસના અધ્યાપકો તેના પર વ્યાખ્યાનો આપશે. ’’ નમ્રતા સાથે દ્રઢતાના ગિરીશ્રુંગ સમાન આ મહાત્માનું જીવન હતું. કવિ પ્રદીપજીના શબ્દો યાદ આવે.
મનમેંથી અહિંસાકી લગન
તનપે લંગોટી, લાખોં મે
ઘૂમતાથા લીયે સત્ય કસોટી
વૈસે તો દેખનેમેં થી
હસ્તી તેરી છોટી, લેકીન
તુજે ઝૂકતીથી હિમાલય
કી ભી ચોટી.
દુનિયામેં તું બેજોડ થા
ઇન્સાન બેમીસાલ,
સાબરમતી કે સંત તુને
કર દીયા કમાલ.
Leave a comment