: સંસ્કૃતિ : : આપણાં વહાણના શઢને સુકાનને આપણાંજ હાથે સંભાળીએ :

સરકારી ફરજના કાર્યકાળ દરમિયાન ગામડાઓની મુલાકાત એક અનોખી અનુભૂતિ કરાવે છે તેની પ્રતિતિ અનેક પ્રસંગોએ થાય છે. અનેક લોકોએ આવી અનુભૂતિ કરી છે અને પોતાના સંસ્મરણો ટાંક્યા છે. કચ્છના માંડવી જિલ્લાના એક ગામડામાં ગામલોકોએ પહેલ કરીને ગામમાં પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરી હતી. ૨૦૦૫ કે ૨૦૦૬ ના વર્ષની આ વાત છે. વ્યવસ્થા લોકોએ કરી હતી તે સુચારુ હતી તેવી વાતો અવારનવાર કચ્છના તે વિસ્તારના લોકો તેમજ અધિકારીઓ પાસેથી સાંભળવા મળતી હતી. પીવાના પાણીના આ વિતરણની વ્યવસ્થા માટે લોકફાળો પણ ગામલોકોએ સ્વેચ્છાએ એકઠો કર્યો હતો. રાજ્ય સરકારની સહાય તથા વિવેકાનંદ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (માંડવી)ના અસરકારક માર્ગદર્શન હેઠળ કામ થયું હતું. ગામ નાનું અને મુખ્યત્વે માલધારી (પશુપાલકો) પરીવારોનું હતું. ગામમાં મુલાકાતે જવાનું થયું ત્યારે સૌ પ્રથમ અહોભાવ તથા આનંદ એ વાતનો થયો કે પાણી વિતરણની વ્યવસ્થા સંભાળતી સમિતિના તમામ સભ્યો માલધારી કુટુંબોના બહેનો હતા. મહીલા સશક્તિકરણનું વાસ્તવિક દર્શન આવા ગામ તથા કામ થકીજ થઇ શકે છે. બહેનો ઉત્સાહથી તેમણે કરેલું કામ બતાવતી હતી અને નાની નાની વિગતો સમજાવતી હતી. બહેનોના ચહેરા પર કામની વિગતો સમજાવતી વખતે જે ગૌરવ તથા આત્મવિશ્વાસનો ભાવ જોવા મળ્યો હતો તે કદી વિસ્મૃત થઇ શકે તેવો નથી. પીવાનું પાણી લોકોને મળે તેના બદલામાં ગામલોકોએ નિયત કરેલી વેરાની રકમ પાણી સમિતિને ભરવાની રહેતી હતી. વહીવટીતંત્રનો સામાન્ય અનુભવ એવો છે કે વેરાની વસૂલાત એ કપરું કામ ગણાય છે. તેમાંયે વળી પાણી માટે શાનો વેરો હોય તેવી લાગણી કેટલાક સ્થળોએ જોવા પણ મળતી હતી. આથી આ ગામમાં વેરા વસૂલાતની સ્થિતિ કેવી છે તેની પૂછપરછ સમિતિનું કામકાજ સંભાળતા બહેનોને કરી. બહેનોનો જવાબ હતો કે વેરાની વસૂલાત ૧૦૦ % છે. થોડી નવાઇ લાગી અને અનુભવયુક્ત પૂર્વગ્રહથી શંકા પણ થઇ. આથી વિશેષ પૂછપરછ કરી : ‘‘ બધા લાભાર્થીઓ વેરો ભરે છે ? ’’ જવાબ સહજ હતો પરંતુ સહજતામાં અસામાન્યતા હતી : ‘‘ હાસ્તો વળી, સારી સેવા આપીએ તો લોક વેરો તો ભરેજને ? ’’ કેવી મોટી અને અર્થસભર વાત આ બહેનોએ સ્વાભાવિકતાથી કરી તેનું આશ્ચર્ય થયું. પદાર્થપાઠ પણ મળ્યો. લોક ઉપયોગી સેવા જો કાર્યક્ષમતાથી પૂરી પાડવામાં આવે તો સામાન્ય રીતે લોકો તેનું વળતર ચૂકવવા તૈયાર હોય છે. પૂર્વશરત માત્ર એટલી છે કે સેવા આપનાર તંત્ર કે વ્યવસ્થા કાર્યક્ષમ હોય અને સેવાના દર વાજબી હોય. ગામડાઓના વિકાસની જ્યારે વાતો કરીએ છીએ ત્યારે પાયાના કામ ગામલોકોજ સંભાળે અને સરકાર તેમાં Facilitator તરીકેનું યોગદાન આપે તો ચમત્કારિક પરિણામોની સંભાવના રહેલી છે. પીવાના પાણીના કામમાં તો એવો અનુભવ થયેલો છે કે ગામના ભાઇઓના પ્રમાણમાં બહેનોએ વિશેષ રસ દર્શાવીને પાયાના આ કામને ગતિ તથા નેતૃત્વ પૂરા પાડેલા છે. કદાચ દેખીતું કારણ એ હોઇ શકે કે ઘરનું Water Management એ મુખ્યત્વે બહેનોની ચિંતાનો વિષય છે. રવિશંકર મહારાજ જેવા પુણ્યશ્લોક મનીષીએ ગાંધી આશ્રમની જગ પ્રસિધ્ધ પવિત્ર ભૂમિમાં ગુજરાત રાજ્યની સ્થાપનાનું દીપ પ્રાગટ્ય કર્યું તે આપણાં માટે ગૌરવની ઘટના છે. મહારાજે ત્યારેજ શિખ આપી હતી કે લોક જરૂરિયાતના પાયાના કામોમાં લોકોજ રસ દાખવે. રાજ્ય તેમાં માત્ર મદદ કરે પરંતુ નિર્ણય – અમલીકરણની બાબતમાં લોક વિચારનું પ્રાધાન્ય રહે. ગાંધી વિચારને જીવી જનાર મહારાજ જાણતા હતા કે લોકશાહી રાજ્ય વ્યવસ્થા લોકોના સતત તથા સક્રિય સહયોગ સિવાય ધાર્યા પરિણામો મેળવી શકાતા નથી.

વિનોબાજી એ વાતનો અવારનવાર ઉલ્લેખ કરતા કે બ્રિટીશ હકુમત પહેલાથી આપણાં દેશના ગામડાઓ સામાન્ય રીતે સ્વનિર્ભર હતા. ગામના પાયાના કામોમાં ગામલોકોનો સાથ – ઉત્સાહ હમેશા રહેતા. આઝાદી મળ્યા પછી ક્રમશ: એવી લોકલાગણી ઊભી થઇ કે ગામડાના લોકો સરકારી તંત્ર પર વિશેષ આધાર રાખતા થયા. કુદરતી આફતો કે કેટલાક મૂડી પ્રાધાન્ય કામો સરકાર સંભાળે તે સ્વાભાવિક છે. સરકાર તથા તેના તંત્રની આ ફરજ પણ છે. પરંતુ ગામલોકોનો રસ તથા તેમનું સક્રિય યોગદાન અનેક કારણોસર સ્થાનિક કામોમાંથી ઓછો થતો ગયો તે બાબત ચિંતાજનક છે. ગામના કેટલાક સક્રિય નાગરિકોની જાગૃતિ હોય ત્યાં આવા જાહેર કામોની ગુણવત્તા ઊંચી રહેવા પામે છે. ખર્ચાયેલા નાણાંનું પૂરું વળતર મળતું જોઇ – અનુભવી શકાય છે. ગુજરાતમાં પીવાના પાણીના વ્યવસ્થાપનમાં લોક સહયોગ જોડવાના જે પ્રયાસ થયા તે આ બાબતનું એક સફળ ઉદાહરણ છે. આપણાં રાજ્યના આ કામની નોંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવી છે. જામનગરના એક અંતરિયાળ વિસ્તારમાં ગામમાં પાણીના વિતરણના કામમાં ગામલોકોએ સ્વમુખે સંભળાવેલા અનુભવની વાત સાંભળવી ગમે તેવી છે. ગામલોકોએ (વિશેષ કરીને બહેનોએ) કહેલું કે પીવાના પાણીની પાઇપલાઇન નાખતા કોન્ટ્રાકટરના કામની ગતિવિધિ તરફ તેમની એવી બાજ નજર રહેતી કે સરવાળે કોન્ટ્રાકટરે સંપૂર્ણ ગુણવત્તાવાળું કામ કરવું પડ્યું. કોઇ છૂટછાટ કે શિથિલતા ત્યાં ચાલી શકે તેમ ન હતી. કારણ કે આ બહેનોની ધાકની ત્યાં આણ પ્રવર્તતી હતી. આ પ્રકારની જાગૃતિ પણ લોક ભાગીદારી થકીજ સંભવિત બનતી હોય છે. આથી ભારત સરકારે ગ્રામ વિકાસના કામોના Social Audit ની જે બાબત દાખલ કરી તે આ લોક ભાગીદારીના તત્વનેજ સંસ્થાગત સ્વરૂપ આપવાનો પ્રયાસ છે. અંતે તો જ્ઞાન તથા ડહાપણની વાત – અપ્પ દીવો ભવ – સર્વકાળે સરખીજ પ્રસ્તુત છે. આપણાં ઘડવૈયા આપણે થઇએ તોજ સફર સાચી દિશાની થશે. સાચી દિશાના પ્રયાસ કે મહેનત કરનાર સમુહનો શ્રમ કદી એળે જતો નથી. તેના પરિણામો મળેજ છે.

સાહિર લુધિયાનવીના જાણીતા શબ્દો યાદ આવે.

હમ મહેનત વાલોંને જબ ભી

મિલકર કદમ બઢાયા,

સાગરને રસ્તા છોડા

પરબતને સીસ ઝુકાયા

ફૌલાદી હૈ સીને અપને

ફૌલાદી હૈ બાહેં, હમ ચાહે તો

પૈદા કરદે ચટ્ટાનો મેં રાહે…

સાથી, હાથ બઢાના !

      ગુજરાતમાં પંચાયતી રાજ્યની શરૂઆત લોકજાગૃતિ તથા લોક સહયોગને કાનૂની અધિકારો સાથેનું મજબૂત માળખું પૂરું પાડવાના હેતુસરજ કરવામાં આવી. વહીવટના વિકેન્દ્રીકરણ તરફનું આ વિરાટ પગલું હતું. બળવંતરાય મહેતા સમિતિના પંચાયત રાજ્ય પરના અહેવાલના પગલે રાજ્યની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાંજ આ કામ થયું. જો કે ભાવનગર જેવા કેટલાક પ્રગતિશીલ રજવાડાઓએ તો આવું કાર્ય દેશ આઝાદ થયો તે પહેલા કરેલું હતું. ભારત સરકારે બંધારણના ૭૩ માં તથા ૭૪ માં સુધારા કરી પંચાયત રાજ્યનું માળખું વિશેષ મજબૂત તથા સર્વ સમાવેશક કરવાનો ઐતિહાસિક પ્રયાસ કર્યો. મહીલાઓ તથા સમાજના દરેક વર્ગના સુયોગ્ય પ્રતિનિધિત્વને કાનૂની માન્યતા મળી. આથી સ્વૈચ્છિક પસંદગી કે ગમા – અણગમાની સ્થિતિ નિયત્રંણમાં આવી. જ્યાં જ્યાં પંચાયત રાજ્યના આ શક્તિશાળી સાધનનો અસરકારક પ્રયોગ થયો ત્યાં સ્થાનિક વિકાસના કામોમાં ઊડીને આંખે વળગે તેવો આવકારદાયક ફેરફાર પણ જોવા મળ્યો. રાજકોટ જિલ્લાના ગામ સમઢીયાળા કે સાંબરકાંઠા જિલ્લાના ગામ પુંસરીની પંચાયત થકી મળેલી સફળતાને સાર્વત્રિક રીતે વધાવી લેવામાં આવી. આ પ્રકારના સફળ અનુભવો સારા એવા પ્રમાણમાં અનેક ગામોમાં જોવા મળ્યા. ત્રિસ્તરીય પંચાયતના માળખાને મજબૂત બનાવવાના પ્રયાસો અનેક જન પ્રતિનિધિઓએ કર્યા છે. શ્રી રીખવદાસ શાહ કે વલ્લભભાઇ પટેલ જેવા પંચાયત રાજ્યના અનેક દિગ્ગજ આગેવાનોએ પંચાયત રાજ્ય તથા સહકારી પ્રવૃત્તિને મજબૂત તથા પરિણામલક્ષી બનાવવા અથાક પ્રયાસો કર્યા.

      કેટલીક ઝેન કથાઓ નાની વાતમાં મહત્વનો જીવન ઉપદેશ આપતી હોય છે. આવી એક ઝેન કથામાં આશ્રમમાં નવા આવેલા સાધક તથા આશ્રમના ગુરુ વચ્ચેનો સંવાદ છે. સવારના ખુશનુમા પહોરે ઝેન સાધુને નવો આવેલો સાધક પૂછે છે : ‘‘ મને જ્ઞાન આપો ’’ સાધુ કહે છે : ‘‘ તે સવારે આશ્રમમાં મળતી ચોખાની રાબ પીધી      છે ? ’’ સાધક હા ભણે છે. સાધુ કહે છે : ‘‘ વારુ, એ રાબ જેમાં પીધી છે તે વાસણ સાફ કરીને આવ ’’ સાધકને ગુરુની નાની-શી ટકોરમાં જીવનનો મર્મ સમજાય છે. આધ્યાત્મિક ઊંચાઇ પ્રાપ્ત કરવા ઇચ્છનારે જીવનમાં પણ સફાઇના પ્રાથમિક ગુણો પહેલા કેળવવા પડે. ધાર્મિક મેળાવડાઓ કે સમારંભોમાં પણ સ્વચ્છતાની બાબત અંગે તેના આયોજકો તથા ભાવિકો સભાન રહે તે સમયની માંગ છે. તેને સૌએ સાંભળવી રહી. રાજસુય યજ્ઞમાં વાસણ ધોવાનું કામ સ્વેચ્છાએ સ્વીકારીને વાસુદેવ કૃષ્ણે સ્વચ્છતાના ગૌરવને ગિરીશ્રુંગનું ગૌરવ આપેલું છે. જાતથીજ પરિવર્તન કરીને જગતને માર્ગ ચીંધી શકાય છે. જીવનના સંધ્યાકાળે મહાત્મા ગાંધીએ છેક નોઆખલીમાં ધૂણી ધખાવીને ‘આમાર જીવન આમાર વાણી’ નો સંદેશો જગતના લોકોને આપવાનો ઐતિહાસિક પ્રયાસ કર્યો હતો. ગાંધીજી – રવિશંકર મહારાજના પગલે ચાલવા માટે શરૂઆત તો આપણે સૌએ વ્યક્તિગત ધોરણેજ કરવી પડશે. ઉપદેશનો નહિ પરંતુ આચરણની વ્યાપક અસર પડશેજ. હૈયામાં હામ ધરી આ કામ ‘‘ આજ આજ ભાઇ અત્યારે ’’ ના ધોરણે ઉપાડવા જેવું છે. કવિ પ્રહલાદ પારેખના શબ્દો યાદ આવે છે. કામ પરત્વેની નિષ્ઠા થકીજ સફળતાનો ભરોસો ફળીભૂત થાય છે.

બળને બાહુમાં ભરી

હૈયામાં હામ ધરી

સાગર મોઝારે ઝૂકાવીએ.

આપણાં વહાણના શઢને

સુકાનને, આપણેજ હાથે

સંભાળીએ… ભેરુ મારા

આપણાં ભરોસે આપણે હાલીએ.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑