: ક્ષણના ચણીબોર : વિનોબાજી : ‘‘સમાજને પોષક જીવનરસનું ઝરણું ’’ :

પંચ મહાભૂતના બનેલા આ દેહનો સંબંધ જળ – જમીન સાથે  નાળ – સંબંધ જેવો સાહજિક છે. આથીજ જમીનથી અળગા થવાનું માનવ કે કદાચ સજીવ માત્ર પસંદ કરતાં નથી. અથર્વવેદના ઋષિએ આથીજ ભૂમિ તથા માનવીના જોડાણને માતા – સંતાનના જોડાણ તરીકે ઓળખાવ્યું છે. આથી જમીનની સાહજિક ઝંખના સાથે ૧૮ એપ્રિલ-૧૯૫૧ ના દિવસે કેટલાક ભૂમિહીન લોકોએ નિરંતર યાત્રી વિનોબાજી સમક્ષ ભૂમિની માગણી કરી. તેલંગાણાના પોચમપલ્લી ગામમાં આ ઘટના બની. પોચમપલ્લી ગામના આ ભૂમિહીન લોકો માટે જમીનની ટહેલ બાબાએ ગામની સભામાં કરી. સભામાં સ્વાભાવિક રીતેજ ગામના કેટલાક જમીનદારો પણ હાજર હતા. પછી જે ઘટના ઘટી તે ચમત્કારીક હતી. સભામાં હાજર રહેલા જમીનમાલિકોએ એકસો એકર જેટલી જમીન બાબાની ટહેલના પ્રતિસાદ રૂપે તરતજ દાનમાં આપી. જેથી આ જમીન ભૂમિહીનોને ફાળવી શકાય. આ ઘટના બની તેના સંદર્ભમાં બાબા લખે  છે : આ ઘટના બની તે રાતે ૩-૪ કલાકજ ઊંઘ આવી. એ શું ઘટના બની ? હું વિચારમાં પડી ગયો. મારી ભગવાનમાં શ્રધ્ધા છે અને ભગવાન બાદ ગણિતશાસ્ત્ર પર વિશ્વાસ છે. મારું ગણિત ફટાફટ ચાલ્યું. જો આખાયે ભારતના ભૂમિહીનો માટે જમીન માંગવી હોય તો પાંચ કરોડ એકર જમીન જોઇએ. એટલી જમીન માંગવાથી મળે ? ઈશ્વર સાથે સંવાદ થયો. ઇશ્વરે કહ્યું :  ‘‘ જો એમ ડરીશ અને શંકા કરીશ તો તારો અહિંસાનો દાવો છોડવો પડશે. શ્રધ્ધા રાખ અને (જમીન) માંગતો જા. જેણે બાળકના પેટમાં ભૂખ મૂકી છે તેણે માતાના સ્તનમાં દૂધ પણ રાખ્યું છે. ’’ મારી શંકાનું સમાધાન થઇ ગયું. બીજા દિવસથી ભૂમિહીનો માટે જમીન માંગવાનું શરું થયું. મનુષ્યના દિલમાં રહેલી ભલાઇ જગાડી શકાય છે. ’’ ભૂદાનના આવા જગતભરમાં અજોડ આંદોલનના પ્રણેતા વિનોબાજી કુદરતી સંસાધનોની સમુચિત વહેંચણીની અનિવાર્ય આવશ્યકતા પારખી શક્યા અને ભૂદાન યજ્ઞ પ્રજ્વલિત થયો. સંપતિની વહેંચણી વંચિતોને કરવાની વિનોબા દ્રષ્ટિ સર્વકાળે સરખીજ પ્રસ્તુત છે. આજ તથા આવતીકાલના કાળમાં પણ આ વાત ચૂકી જવાય તો સ્વસ્થ સમાજનું નિર્માણ માત્ર એક દૂરનું સ્વપ્ન બનીને રહે. સર્વજન હિતાય તથા સર્વજન સુખાયની કલ્પના એ ઉપદેશોથી નહિ પરંતુ વિનોબાજીએ લોક સમૂહની માણસાઇ જગાડીને કર્યું. આજે આપણે તે દિશામાં જઇ રહ્યા છીએ કે કેમ તેનું મૂલ્યાંકન જાગૃત નાગરિકોએ અનિવાર્ય રીતે કરવું પડશે. આવક અને તકની અસમાન ઉપલબ્ધી દેખાતી હોવાના કારણે જે આક્રોશનો અનુભવ સમાજ સમયાંતરે કરતો રહે છે તેના મૂળમાં સમાજ તથા સરકારે ઊંડા ઉતરવું પડશે. જ્ઞાની ગણાતાં વિદ્વાનો જે વાત સમજી ન શક્યા તે વાત વિનોબાજીએ બારીક દ્રષ્ટિથી પકડી અને ભૂદાનના કાર્યમાં વેગ લાવ્યા. વિનાયક – વિનોબાજીનો જન્મ ૧૧ સપ્ટેમ્બર – ૧૮૯૫ના દિવસે મહારાષ્ટ્રમાં થયો હતો. ગાંધી વિચારની પાવનકારી ગંગોત્રીને ભૂમિ પર ઉતારવાનો યજ્ઞ વિનોબાજીએ આજીવન પ્રજ્વલિત રાખ્યો. સપ્ટેમ્બર માસમાં આ ‘‘દાઢીવાળા બાવા’’ ની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે.

ગાંધીજીએ ૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહ શરુ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. એક એક ચુનંદા સત્યાગ્રહીને તૈયાર કરવાની તેમજ આ સત્યાગ્રહના માધ્યમથી વિદેશી સરકાર સામે મુકિતની મશાલ ધરવાની બાપુની આ નવી રણનીતિ હતી. દેશના અનેક લોકોના મનમાં એ જાણવાની ઉત્કંઠા હતી કે બાપુ પહેલા સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરશે? કોણ એવો સદભાગી હશે જેના નામ પર ગાંધીજી મંજૂરીની મહોર મારશે ? ગાંધીયુગના એ કાળના દિગ્ગજ નેતાઓના સમૂહમાંથી કોઇ એકની પસંદગી પ્રથમ સત્યાગ્રહી તરીકે કરવાની હતી. તેથી તે બાબત તરફ લોકોનું વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું હતું. અંતે બાપુની પસંદગીનો કળશ વિનોબાજી પર ઢળ્યો. વિનોબાજી સેવાગ્રામમાં બાપુ સમક્ષ હાજર થયા. બાપુએ પ્રથમ સત્યાગ્રહીની જવાબદારી સ્વીકારવા વિનોબાને જણાવ્યું. વિનોબાની આ કામ માટે અનુકૂળતા તથા સંમતિ જાણવા બાપુએ પ્રયાસ કર્યો. વિનોબાજી કહેઃ “આપનો હુકમ તથા યમરાજનો હુકમ પાછા કયાં ઠેલી શકાય છે?” અને વિનોબાજી દેશના પ્રથમ સત્યાગ્રહી તરીકે અસાધારણ આત્મબળથી ઝળહળી ઊઠયાં. વિનોબાજીના બાપુ સાથેના મિલનની પૂર્વભૂમિકા પણ જાણવામાં રસ પડે તેવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના શિલાન્યાસ (૧૯૧૬) સમયનું ગાંધીજીનું તે કાળનું બહુચર્ચિત વક્તવ્ય વાંચીને વિનાયક નરહરી ભાવે નામનો એકવીસ વર્ષનો તરૂણ કાશીથી હિમાલય તરફ જવાનો નિર્ણય બદલીને સાબરમતીના કિનારે આફ્રિકાથી પરત આવેલા ગાંધીભાઇને મળવા અમદાવાદ પહોંચી ગયો. બનારસના એ ગાંધીજીના પ્રવચનમાં મોટા મોટા અંગ્રેજ અમલદારો તથા રતનમણિમંડિત રાજાઓની નબળાઇઓ તેમને મોઢામોંઢ સંપૂર્ણ નિર્ભયતાથી અને છતાં કડવાશના ભાવ સિવાય કહેનાર આ વીરમાં વિનોબાજીને જૂદી માટીના માનવીના દર્શન થયાં. ગાંધીજીને મળ્યા અને ગાંધી વિચારના આજીવન જ્યોતિર્ધર બની રહ્યા. ગાંધીજીએ પણ આ વિશિષ્ટ અનુયાઇનું તેજ પારખી તેમને “જ્ઞાનદેવ અને તુકારામના પગલે ચાલતા સાધક” તરીકે ઓળખાવ્યા. વિનોબાજીના પિતાને પત્ર લખીને ગાંધીજીએ  જણાવ્યું. ‘‘તમારો પુત્ર મારી પાસે છે. આટલી નાની ઉંમરમાં જ વિનોબાએ જે તેજસ્વિતા અને વૈરાગ્ય કેળવ્યા છે તે કેળવતા મને વર્ષો લાગ્યા હતા.’’ દીનબંધુ એન્ડ્રુઝને બાપુએ કહ્યુઃ  ‘‘આશ્રમના દુર્લભ રત્નોમાંના તે એક છે… તેઓ (વિનોબા) પામવા નહિ પરંતુ આપવા આવ્યા છે.’’ 

ગાંધીજીએ તેમની હયાતી દરમિયાન જે કેટલાક વિચારો કર્યા તેનો વાસ્તવિક અમલ થતો ગાંધીજી જોઇ શક્યા નહિ. વિનોબાજીએ ગાંધીનું આ કામ પૂરું કરવા નિર્ણયાત્મક અહાલેક જગાવી અને ગાંધી વિચારને અનુરૂપ અનેક કાર્યો વ્યવહારમાં કરી બતાવ્યા. સર્વોદયનો વિચાર વિનોબાજીના પ્રયત્નોથી ઝળાહળા થતો રહ્યો. જયપ્રકાશ નારાયણ જેવા નિષ્ઠાવાન લોકોએ તેને બળ પૂરું પાડ્યું. વિનોબાજી ગાંધી વિચારની એક હરતી ફરતી મહાવિદ્યાલય જેવું જીવન વ્યતિત કરી ગયા. વિનોબાજી તેમના પ્રયાસોમાં કેટલા સફળ થયા તેનો નિર્ણય તો કાળ દેવતા પર છોડીએ પરંતુ એમ જરૂર કહી શકાય કે બાબાના સમાજ ઘડતરના પ્રયાસો નિરર્થક ગયા નથી. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑