પૂજ્ય મોટાએ જગતજનનીના ચરણકમળમાં વંદન કરી પ્રાર્થનાનો આર્તનાદ કરેલો છે. મંદાક્રાંતા છંદમાં લખાયેલી આ પ્રાર્થનાના શબ્દો તથા તેમાં રહેલી પ્રબળ ભાવના સંત શિરોમણી મોટાની આધ્યાત્મિક ઊંચાઇનો ખ્યાલ આપે છે.
ભરી દેજે મા ! તું અમ હ્રદયમાં
ખંત, ઉત્સાહ જોમ,
વહેવા દેજે મા ! તુજ હ્રદયની
શક્તિ સૌ રોમરોમ,
દ્રઢાવી દે પાકું અમ જીવનનું
ધ્યેય તારા મહી મા !
બધું રાગે પાડી ઠીક-અઠીકની
તું કરી દે વ્યવસ્થા.
જેને ઠીક-અઠીકની વ્યવસ્થા જગતજનની કરે છે તેવો દૃઢ વિશ્વાસ શ્વાસોશ્વાસની સાથે ધારણ કર્યો છે તેવા સંત હોય તેજ જીવનની છેલ્લી ક્ષણો પૂ. મોટા જેવી નિસ્પૃહી વૃત્તિથી વધાવી શકે. ‘‘આ શરીર હવે ઉપયોગી રહ્યું નથી એટલે દેહ છોડવો છે.’’ એવો સંકલ્પ મોટા સહજ રીતેજ કરે છે. તેમની ઇચ્છા હોત તો અનેક નામાંકીત તબીબોને બોલાવીને સંતની સેવા કરવાનો લાભ ભાવિકોએ લીધો હોત. પરંતુ મોટા આગમના એંધાણ સ્પષ્ટ રીતે જોઇ શકતા હતા. માતૃ સ્વરૂપા મહી નદીના કીનારે માત્ર છ વ્યક્તિઓની હાજરીમાં મોટાએ પોતાનું જીવનકાર્ય સંકેલી લીધું. મોટાની સ્પષ્ટ સૂચના ન હોત તો તેમની સ્મશાનયાત્રામાં સંતના અંતિમ દર્શન માટે વિશાળ સંખ્યામાં જનસમુદાય એકત્રિત થયો હોત. એક વિશાળ સમૂહની હાજરીમાં પૂ. મોટાના દેહની અંત્યેષ્ઠિ થઇ હોત. પૂ. મોટાને એ વાતની પ્રતિતિ હશે કે સમાજ પોતાના મહાન પુરુષોના કે આરાધ્ય દેવોના જીવન તથા મુત્યુના મહોત્સવો ઉજવવા હમેશા તૈયાર હોય છે. મહા માનવીઓના ઇંટ – ચૂના – આરસના સ્મૃતિધામો કે મંદિરો ઊભા કરવા પણ જનસમૂહ હમેશા ઉત્સુક રહે છે. સંતના જીવનની ઉત્તમ બાબતો જીવન વ્યવહારમાં ઉતારવા કરતા આવા ઉત્સવો યોજવાનું કામ વિશેષ સુલભ છે. કદાચ તેનાથી વધતા ઓછા અંશે સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ મોટા મૃતપ્રાય સમાજને બેઠો કરવાના તથા જનસમૂહમાં ચેતનાનો સંચાર કરવાના કામને વધારે મહત્વનું ગણતા હતા. આથી તેમના દેહાન્તની કે અંતિમ સંસ્કારની કોઇ વ્યાપક પ્રસિધ્ધિ હેતુસર ન કરવામાં આવી. પોતાની પાછળ કોઇ સ્મારક ઊભું કરવાની પણ સેવકોને મનાઇ કરી. દેહાન્ત પછી જે નાણાં મળે તેનો ઉપયોગ દૂર – સુદૂરની શાળાઓના ઓરડા બાંધવા માટેની વ્યવસ્થા મોટાની ઇચ્છા અનુસાર કરવામાં આવી. આવા ઉદાર તથા વૈચારીક સાધુત્વથી આપણે ધન્ય થયા છીએ. ‘સ્નેહરશ્મિ’ લખે છે :
ભર્યા ભર્યા ચઢીને લળી
વરસી વેળ અનંત
મુકત બની પાછા ફરે
કાં મેઘો કાં સન્ત.
પૂ. મોટાનો જન્મ સપ્ટેમ્બર-૧૮૯૮ માં સાવલી (જિ.વડોદરા)માં થયો હતો. તેમનું સંસારી નામ ચૂનીલાલ હતું. એક સદી પહેલા જગતમાં આવીને આ દ્રષ્ટિવાન સંત શ્રધ્ધા – ભક્તિ તથા વ્યવહારજીવનમાં નવા ચીલા પાડીને ગયા. સપ્ટેમ્બર માસમાં અનેક ભાવિકો મોટાની સ્મૃતિનો વિશેષ અનુભવ કરે છે. મોટા લોકહિતના કાર્યોનું એક બીજ વાવીને ગયા. હરિઓમ આશ્રમની પ્રવૃત્તિઓથી આવા કાર્યો વટવૃક્ષની જેમ ફાલ્યા, ફૂલ્યા અને વિસ્તર્યા છે. આવા કાર્યો થકી મોટા સર્વત્ર વિદ્યમાન છે. પ્રજાહીતના તથા જનકલ્યાણના થયેલા ઠોસ કામો એજ પૂજ્ય મોટાના ખરા સ્મારકો છે. ભીક્ષુ અખંડાનંદજી, મુનિ સંતબાલજી કે સ્વામી આનંદ જેવા સંતોએ પણ દુન્વયી કીર્તિનો સહેજ પણ મોહ રાખ્યા સિવાય લોકકલ્યાણના પાયાના કામોમાં યોગદાન આપેલું છે. પૂ. મોટા પણ આવા સાધુઓની હરોળમાં પોતાનું ઉજળું તથા અનોખું સ્થાન ધરાવે છે. મોટાને ગમતા એક ભજનમાં તેમના મનના ભાવ, નિર્મળતા તથા અસાધારણ નમ્રતાના દર્શન થાય છે.
હરિ હું ! તવ ચરણોની ધૂલી,
પતિતોમાં હું પતિત વડેરો,
કેમ શકું એ ભૂલી…
હરિ હું ! તવ ચરણોની ધૂલી.
પ્રબળ પવનથી હલકી વસ્તુ
ગગને જઇને બેસે
પવન પડી જતાં પટકાયે,
ચડતી સૌની ઠેસે,
ફરવું શીદ જઇ ફૂલી…
પૂજ્ય શ્રી મોટાએ જયારે દેહ છોડવાનો નિર્ધાર કર્યો તે દિવસોમાં યાદગાર શબ્દો લખ્યા છે.
ઉમળકાથી અમે કરેલું છે
નિરાશાને તો અમે સ્વપ્ને ન જાણી છે
આવેલા કામને પૂરા હર્ષથી સ્વીકાર્યું છે
ગુરુ મહારાજના હુકમને આનંદથી પાળ્યો.
પૂજય મોટાનું સમગ્ર જીવન એ સમર્થ છતાં અનાસકત કર્મયોગીનું જીવન હતું. આવા ક્રાંતિકારી સંન્યાસી જ મૃત્યુને અનોખી સ્વસ્થતાથી વધાવી શકે.
શ્રી મોટા જેવી અનાસકત રીતે તથા જાગૃતિપૂર્વક સમાજસેવા કરવાની વૃત્તિ સેવાધર્મની એક અનોખી મિસાલ પૂરી પાડે છે. સંત મોટાએ તેમના જીવનમાં કથા-વાર્તા કે ધાર્મિક સમારંભોનું આયોજન કરવાના બદલે સમગ્ર સમાજની ઉન્નતિ માટેના કાર્યોમાં પોતાની પ્રચંડ શકિત લગાવી દીધી. મૌન મંદિરની એક અનોખી તથા ઉન્નતિદાયક પ્રવૃત્તિના મજબૂત પાયા નાખનાર આ સંત વિચારોથી ક્રાંતિકારી હતા. આચારથી અતિ સંવેદનશીલ તથા ઋજુ હતા. સંપૂર્ણ અર્થમાં તેઓ જીવન રસિક હતા.
જગતના તમામ પ્રાણીઓ તરફ સંવેદનશીલતા એજ સંતોના જીવનનું ધ્યેય હોય છે. નિર્દોષ પ્રેમની અનુભૂતિ સતત રહે તથા તેની પ્રતીતિ સમગ્ર જગતને થાય તેવું સંતોનું જીવન હોય છે. ઋજુતા આવી સંવેદનશીલતાનું એક અભિન્ન અંગ છે. હરિઓમ આશ્રમવાળા સંતશ્રી મોટાનું જીવન આવા અલૌકિક ગુણથી સભર થયેલું હતું. ચિંતક તથા વિચારક વિદુષિ વિમલા ઠકાર કહેતા કે શ્રી મોટાને મળવાનું થાય ત્યારે તેઓ હંમેશા લાગણી સભર થઇને કહેતા કે આગલો જન્મ તેઓ સ્ત્રી દેહમાં લેવા માંગે છે. તેનું કારણ એટલું જ કે સ્ત્રીદેહમાં નિર્દોષ તેમજ સંપૂર્ણ પ્રેમની પ્રતીતિ સંભવી શકે છે.
પૂજ્ય મોટાના કેટલાક વિચારો જોતાં એમ જણાય છે કે તેઓ તેમના સમયથી ખૂબ આગળનું જોનારા ‘‘દ્રષ્ટા’’ હતા. દાનના પ્રવાહને પણ મોટાએ એક નવું સ્વરૂપ – દિશા પૂરા પાડ્યા. આશ્રમો કે મંદિરો કરતા પૂ. મોટાએ પ્રાથમિક શાળાઓના ઓરડા બાંધવાના કામને હમેશા અગ્રતા આપી. જીવનમાં સંઘર્ષ નહિ પરંતુ સમન્વયનો પાઠ આ મહાન સંતે પોતાના જીવનકાર્યો થકી પઢાવ્યો છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment